Homeવિશેષમાર્ટિન વેન બ્યૂરેન : સત્તા પર આવ્યો અને 900 બેંક બંધ થઈ...

માર્ટિન વેન બ્યૂરેન : સત્તા પર આવ્યો અને 900 બેંક બંધ થઈ ગઈ

માર્ટિન સારો માણસ નહોતો. તે આખો દિવસ કામ કર્યા કરતો હતો. જનતાની ચિંતા કર્યા કરતો હતો. નાનપણથી તેને ખૂબ કામ કરવાનો શોખ હતો. પિતાની ખેતરમાં મદદ કરે, ખેતરેથી આવી અભ્યાસમાં જીવ પરોવે, ભણવામાં કંઈ સમજાતું ન હોય તો તેના આગલા ધોરણના વિદ્યાર્થીઓ પણ તેની પાસેથી શીખવા માટે આવે. આટલી મહેનત કરી તો ક્યાંક ઓળખાવું તો પડે ? બસ, તે રાષ્ટ્રપતિ બની ગયો. તે પોતે રાષ્ટ્રપતિ હતો તેવું હવે અમેરિકનોને પણ યાદ નથી. ત્યાંની સ્પર્ધાત્મક પરીક્ષાવાળા તો તેને અનુલક્ષીને એક પણ સવાલ ભૂલથી પણ પરીક્ષામાં પૂછતા નથી.

પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જેક્સન સત્તા પર આવી શકે અને ધડાધડ વિરોધીઓને પછડાટ આપી શકે આ માટે તેણે ખૂબ દોડભાગ કરી હતી. એ દોડભાગની ગણતરી માંડવામાં આવે તો તે અચૂક ઓલમ્પિકની મેરેથોન દોડ જીતી જાય.

જેક્સન જીત્યો પછી તેની નિમણૂક રાજ્ય સચિવ તરીકે કરવામાં આવી હજુ તો ઠીકથી ખુરશી જોઈ અને સુથારને કહે, ‘ભાઈ આનો પાયો બરાબર નથી.’ ત્યાં સરકારમાંથી એક ધગધગતું સ્કેન્ડલ સામે આવી ગયું.

એમના યુદ્ધ સચિવ ઈલિયટને એક મહિલા સાથે સંબંધ હતા. સંબંધ બાંધે તેમાં કંઈ નવું ન હતું પણ પેલી મહિલાએ પોતાના પતિને છૂટાછેડા ન હતા આપ્યા. તમારા રાજ્યનો મંત્રી આવો છે ? આમ વિરોધપક્ષમાંથી દાવાનળ ફાટ્યો. કેટલાક વિરોધો આંતરિક હોય છે, પદના કારણે થતા હોય છે. વિરોધમાં લાલસા એ બાયપ્રોડક્ટ તરીકેનો ભાગ ભજવતી હોવી જોઈએ. બાકી અમેરિકામાં આ કંઈ નવું ન હતું.

ખૂદ રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જેક્સન આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા હતા. હવે આ ઉકળતા ચરૂને ઠારવાનો એક જ વિકલ્પ હતો અને તે રાજીનામું. માર્ટિન વેન સામો આવ્યો અને રાજીનામું આપી દીધું. ગાંગરતા લોકો બંધ થઈ ગયા.

હોલેન્ડનો હોવાથી તેનું પરિવાર ઘરમાં ડચ બોલતું હતું પણ બહાર અંગ્રેજીમાં વાર્તાલાપ કરતું. તેનો પરિવાર 1633માં અમેરિકામાં આવી વસી ગયેલ. એ અમેરિકન રેવોલ્યુશન બાદ પેદા થયો હોવાથી તેને ‘અમેરિકાનો’ પ્રથમ રાષ્ટ્રપતિ પણ કહેવામાં આવે છે. ઘણા શુભચિંતકો આજે પણ આ રાષ્ટ્રપતિને જ પ્રથમ ગણે છે.

તેના વિરોધીઓ તેને શિયાળ કહીને બોલાવતા હતા. જે તેની પર્સનાલિટીને શ્યૂટ કરતું હતું. એ ઠિંગણો હતો એટલે તેને લિટલ મેજીશ્યનનું ઉપનામ પણ આપવામાં આવ્યું હતું. જે તેણે ઘણા અર્થમાં સાર્થક કરી બતાવેલ. અમેરિકન સાહિત્યકારો પર પણ ચિંતાનું મોજું ફરી વળેલ કે સાહિત્યની તસીભાર પણ સમજ અને લેખન ન કર્યું હોવા છતાં તેને આટલા બધા ઉપનામો કઈ રીતે મળી રહ્યા છે! અમને તો કોઈએ ન આપ્યા.

આ મહાન આત્મા કરમની દાઝેલી હતી. અગાઉના કેટલાક રાષ્ટ્રપતિઓની ભાર્યાઓ ફર્સ્ટ લેડી બનતા પહેલા જ ભગવાનને પ્યારી થઈ ગઈ. ફર્સ્ટ લેડી માટે જ થઈને કેટલાકે પુન:વિવાહ કરેલા. એ સમયનાં અમેરિકન રાષ્ટ્રપતિઓ માટે વિધુર પુન:વિવાહ યોજના હોવી જરૂરી હતી. જેથી આ બધુ કાયદેસર ચોપડા પર ગણાય!!

માર્ટિન વેનની પત્ની હાના પણ 1819ની સાલમાં મૃત્યુ પામી. માર્ટિને આ દુખાન્ત ઘટના બાદ વિધુર રહેવાનું જ નક્કી કર્યું. 1838માં તેના દીકરા અબ્રાહમે લગ્ન કર્યા. કોની સાથે ? ચોથા પ્રેસિડેન્ટની પત્ની ડોલી મેડિસનની પિતરાઈ સાથે. તેનું નામ એન્જેલિકા હતું. હનીમૂન બાદ તેને વ્હાઈટ હાઉસમાં ફર્સ્ટ લેડી બનવાનું મન થયું. જેથી તેણે તેના સસરાની ફર્સ્ટ લેડી તરીકેની તમામ વહિવટી સેવાઓ કરી. મેડિસન પરિવાર આમ ને આમ અમેરિકન રાજકારણનું કપૂર ખાનદાન બનતું ગયું.

પત્નીના મૃત્યુ બાદ તેણે બીજા લગ્ન ન કર્યા. બાકીનો સમય તેણે પોતાની આત્મકથા લખી. આત્મકથાનું કદ 776 પૃષ્ઠનું હતું અને તેમાં તેણે બધુ કર્યું હતું સિવાય કે બીજા લગ્ન. આત્મકથામાં કોઈ જગ્યાએ તેની મૃત પત્નીનો ઉલ્લેખ નથી આવતો. ગુજરાતી આત્મકથાઓ પત્ની વિના પૂર્ણ નથી થતી. આ માણસે પત્નીને અવગણી 776 પાનાં લખી નાખ્યા. જો પત્નીનો ઉલ્લેખ કર્યો હોત તો ? કદાચ આ આત્મકથા 1000 પાનાંની થાત. રાષ્ટ્રપતિ બન્યા પછી કોઈ દિવસ માર્ટિન વેને પોતાની મૃત પત્નીને પોતાના વક્તવ્યમાં પણ યાદ નથી કરી.

અર્થવ્યવસ્થા પડી ભાંગે ત્યારે દેશનો વડો કેવું કામ કરે છે તેના પરથી ઈતિહાસમાં તેની નોંધણી થાય. 1991માં નરસિમ્હારાવ પોતાના બુદ્ધીચાતર્ય અને બુદ્ધીપુરૂષોની યોગ્ય પસંદગીના કારણે ભારતીય પ્રધાનમંત્રીઓમાં અમર થઈ ગયા. અડધા સિંહ તરીકે પ્રચલિત બન્યા. મોદીના વિકાસ યુગમાં કેટલીક બેંકો સાથે ફ્રોડ કરી માલેતુજારો રફુચક્કર થઈ ગયા. આ બાજુ માર્ટિનના અમેરિકામાં 900 બેંકોનું એક સાથે ઉઠમણું થઈ ગયું.

થયું એવું કે માર્ટિન વેને ખુરશી સંભાળી અને તુરંત સમસ્યા ઊભી થઈ ગઈ. 1837-1845 સુધી આ માથાકૂટ ચાલવાની હતી. જેક્સનના સમયગાળા દરમિયાન પ્રમુખ બેંકો પર પ્રતિબંધ લાદી દેવામાં આવેલો. આ સમયે મોટી સંખ્યામાં લોકો પોતાની કમાણી લેવા બેંકો તરફ દોડ્યા. બેંકો પરત ન કરી શકી. ધડાધડ એક બાદ એક એમ બેંકો બંધ થવા લાગી અને બેરોજગારી આવી ગઈ. માર્ટિન વેન બાકી બચેલી રકમને લઈ રક્ષણ કરવા માંડ્યો. એ ગરીબ પાસે કોઈ એવો નેતા નહોતો કે જેના પર તે દોષનો ટોપલો ઢોળી શકે! તેના માથે આ સમસ્યાનું ચક્કર ઘુમતુ રહ્યું.

નિવૃત થવાના સમયે જ તેણે ન્યૂયોર્કથી થોડે દૂર વિશાળ મકાન ખરીદ્યુ. 21 વર્ષ સુધી તે ત્યાં રહ્યો અને જીવનપર્યત તે ખેતીનું કામ કરતો રહ્યો. આ જમીન પર તેની પહેલા વોશિંગ્ટન ઈરવિન રહેતો હતો. જેણે બાદમાં ન્યૂયોર્કનો ઈતિહાસ જેવું દળદાર પુસ્તક લખેલું. લોકો ઈતિહાસ પર સંશોધન કરી સંદર્ભ સાથે લખે. ઈરવિને ન્યૂયોર્કનો ઈતિહાસ પોતાની સગી બે આંખે જોઈ લખેલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments