શિયાળામાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર હોસ્ટેલના મારા રૂમ પર બુધવારનું છાપુ નાખવા માટે આવતા એક કાકા. માથા પર ટોપી પહેરી હોય. મોઢામાં માવો ભર્યો હોય. રાજકોટના આકાશવાણીથી છાપા નાખતા આવે અને છેલ્લે મારા 24 નંબરના ગિરનાર હોસ્ટેલના રૂમ પર આવી ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશનું છાપુ નાખે. રૂમ પર બુધવારે અને રવિવારે જ છાપુ આવે, કારણ કે પૂર્તિ હોય. એ કાકા મારા ખાટલા પર જ બેસી કળશ પૂર્તિમાંથી પ્રણવભાઈનો આર્ટિકલ વાંચે. જતા જતા કહે, ‘આજે પ્રણવભાઈએ સરસ લખ્યું છે.’ અને આજે પ્રણવભાઈનો જન્મદિવસ છે. એમની બગાવત કોલમમાંથી કેટલાક અંશો તારવ્યા છે. મજા આવશે. સૌજન્ય : દિવ્ય ભાસ્કર કળશ પૂર્તિ
ગીતા વિશે
ગીતા એ કોઈ નવલકથા નથી! એ કોઈ ઉશ્કેરણી નથી. એ વીરયોદ્ધા માટેનો ડોક્ટ્રાઇન છે. એ રણનીતિ છે. ગીતાને નવલકથાની જેમ ‘વાંચી’ જવાનો આપણે ત્યાં શોખ છે. પૂર્ણ પુરુષોત્તમે યુદ્ધ ભૂમિની વચ્ચે કહેલી ગીતાને આપણે ત્યાં અર્ધ પુરુષો, કાપુરુષો અને આડેધડ જંગલની જેમ ઉગેલી દાઢી ધરાવતા પાજી પુરુષોત્તમો ચાર લીટી સંસ્કૃતમાં બોલી ગીતા પર ભંગાર ભાષણો કરતા રહે છે અને સાંભળવા બેઠેલા ‘અરજણો’ એટલું જ સમજે છે કે ગીતા એ કોઈ મહાન ગ્રંથ છે, જેને આપણા જેવાએ વાંચવાનો નથી.
દરેક નવો પ્રવાહ સાહિત્યને સમૃદ્ધ કરે છે
સાહિત્ય કોઈના બાપની જાગીર નથી. આજે પણ જે લોકો ખૂબ વંચાય છે એ સાહિત્ય પરિષદથી જ દૂર રહે છે. શા માટે? સાહિત્યના નવા પ્રવાહોને રુંધાવાના શા માટે? દરેક નવો પ્રવાહ સાહિત્યને સમૃદ્ધ કરે છે. વાંચકો અને ભાવકો દરેક સાહિત્યકારને મળવા જોઈએ, લખલૂટ મળવા જોઈએ, એ જ તો સાહિત્યકારોનો શ્વાસ છે. વાંચકો જ નહીં રહે તો સાહિત્યના પુસ્તકો ઉધઈના ભોજન સિવાય બીજા કોઈ કામના નહીં રહે!
ચેનો મિજાજ
‘ચે’માં જે આકર્ષે છે એ છે એસિડીક મિજાજ. ક્રાંતિકારીનો મિજાજ. આ મિજાજ ભગતસિંઘમાં ઝલકતો હતો અને આ મિજાજ તાત્યા ટોપેમાં ઠાંસીને ભરેલો હતો. છેલ્લી બચેલી ગોળી જ્યારે ચંદ્રશેખર પોતાને જ મારી લે છે ત્યારે એ ‘આઝાદ’ બની જાય છે!
સરકાર દસ માથાથી લડે છે
જ્યારે કોઈ વ્યક્તિ સરકાર સામે પડે ત્યારે હંમેશાં યાદ રાખવું કે સરકાર ભલે આ હોય કે પેલી હોય, સરકાર હંમેશાં દસ માથાથી લડે છે.
ચૂંટણી વિશે લખવું એટલે ?
ચૂંટણીઓ વિશે લખવું એ એક ગંભીર બાબત છે, તેને ગુજરાતી લેખકો પર છોડી શકાય નહી. તથાકથિત કલમબાજો માટે ચૂંટણી નેતાઓને ગલગલિયાં કરાવવાની અને પ્રશંસકો પાસેથી ગલગલિયાં કરાવી લેવાની ઋતુ છે.
સેક્સના અનુભવ વગર ઓર્ગેઝમ
ચૂંટણીઓ કાતિલ રાજકારણનું રણમેદાન હોય છે. પડદાની પાછળ ખુંખાર ખેલાડીઓ ભયાનક ખેલ ખેલે છે. આ ખેલ સમજ્યા વગર ચૂંટણી વિશે લખવું એ સેક્સના અનુભવ વગર ઓર્ગેઝમ પર લખવા જેવુ છે.
ઉંદરો ઉંઘતા રહે છે
કહેવાય છે કે જહાજ ડુબતુ હોય ત્યારે ઉંદરો સૌથી પહેલા ભાગી જાય છે. ગુજરાતના કહેવાતા ચુંટણી નિષ્ણાંતોનો કિસ્સો જરા અલગ હોય છે. આખે આખુ જહાજ ડુબી જાય છે અને ઉંદરો ઉંઘતા હોય છે.
સ્ત્રીને જીતવી પડે છે
સ્ત્રીને તમે કેટલું સમજી શકો છો? સ્ત્રીને સમજવાનું પુરુષો માટે હંમેશાં કઠિન ગણાતું રહ્યું છે. સ્ત્રી જગતનું રહસ્ય છે અને રહસ્યનું જગત સ્ત્રી છે. સ્ત્રીઓને હરાવી શકાતી નથી, એમને જીતવી પડે છે. રામે સીતાને સ્વયંવરમાં હરાવી નથી કે અર્જુને સ્વયંવરમાં દ્રોપદીને હરાવી નથી, રામ સીતાને જીત્યા છે અને એટલે જ સોનાની લંકા પણ સીતાને મોહિત કરી શકતી નથી અને અર્જુન દ્રોપદીને જીત્યો છે એટલે જ જુગારમાં હસ્તિનાપુર દાવ પર લાગ્યા છતાં રાજગાદીના દાવેદારને પણ દ્રોપદી તુચ્છકારી શકે છે!
બખ્તર વીંધો
આતંકવાદીઓને પનાહ આપનારા લોકો કે તેમને છુપાવનારા લોકો આતંકવાદીઓનું બખ્તર બને છે, શરીરને વીંધવા પહેલાં બખ્તરને વીંધી નાંખીને ચાળણી કરવું પડે છે. બખ્તરોને ફરીયાદનો હક હોતો નથી, હોવો પણ જોઇએ નહીં. ત્રાસવાદીઓના માનવ અધિકારોનું ડીંડવાણું ચલાવતાં લોકોએ સ્પષ્ટ સમજવું પડશે કે ત્રાસવાદીઓને એક જ અધિકાર આપવાનો હોય છે અને તે મરવાનો અધિકાર અને એ પણ જલ્દી જ આપી દેવાનો હોય છે.
દેશે એક થવું પડશે
કહેવાતા આઝાદીના આશકોએ સમજવું પડશે કે કુલભૂષણ કોઈ એક સરકાર માટે કામ કરતો નહોતો. સરકારો તો આવે છે ને જાય છે. જે લોકો દેશ માટે કામ કરતા હોય છે તે દેશ માટે જ કામ કરતા રહે છે. કુલભૂષણ માટે સમગ્ર દેશે એક અવાજે ઊભા થવું જોઈએ – ઊભા થવું પડશે.
શબ્દ મૈથુન
ફેસબુકનાં રાજમાં દરેક શબ્દ મૈથુનને કવિતાઓનાં નામે રજૂ કરવાનો રિવાજ છે.
ઉતરાણ વીરત્વની નિશાની છે
પતંગ એ આકાશી યુધ્ધમાં ઝંપ લાવવા માટેનો પરવાનો છે અને લાકડાની તલવારથી યુધ્ધો ખેલાતા નથી. ધારદાર, કાચનો ભુક્કો પીવડાવેલા માંજો ન હોય તો પેચ કાપી કેવી રીતે શકાય? અને જો પેચ જ ના કાપવાનો હોય તો કોઇ પતંગ ચઢાવે જ શું કામ? ગુજરાતમાં જો કોઇ પતંગ પેચ માટે ના મળે તો સાચા પતંગબાજો પતંગ ઉતારી લે છે. ગુજરાતી સાહિત્યનું ‘માઇલસ્ટોન’ એવું ‘અમે બધાં’ પુસ્તક વાંચો તો ખબર પડે કે ઉતરાણ એ કેવા વીરત્વની નિશાની છે.
પત્રકારો શબ્દોની કિંમત જાણે છે
આજકાલ લેખકોને પોતે પત્રકાર છે એવું કહેવડાવાનાં ધખારા ઉપડ્યા છે. પણ, પત્રકારો પોતાનાં શબ્દોની કિંમત લેખકો કરતાં વધારે સારી રીતે જાણે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં કોઇ સારા મિડીયા હાઉસમાં કામ કરતો એક મધ્યમ દરજ્જાનો પત્રકાર લગભગ મહિનાનાં પચ્ચીસ હજાર કે તેથી ઓછાં શબ્દો લખતો હશે અને મહિને પચ્ચીસ હજાર પગાર કે તેથી વધુ પગાર મેળવે છે. સાદી ત્રિરાશી માંડીએ તો પણ પત્રકારનાં દરેક શબ્દની કિંમત એક રૂપિયા કરતાં વધારે છે. બીજી તરફ સાહિત્યકાર જ્યારે કોઇ પુસ્તક લખે છે ત્યારે લગભગ એક લાખ શબ્દોવાળું પુસ્તક એને રોયલ્ટી પેટે પચ્ચીસથી ત્રીસ હજાર જ કમાવી આપે છે એટલે કે પત્રકાર એક શબ્દનાં જેટલાં પૈસા કમાય છે એનાં ચોથા ભાગનાં પૈસા સાહિત્યકાર કમાય છે.
ભક્તિ
પોતે ફેસબુક પર અથવા વ્હોટસેપ પર જન્મ લીધો ત્યારથી જ ભારતનો ઇતિહાસ શરૂ કરનારા લોકોને શાયદ ખબર નથી કે વ્યક્તિ પૂજા કોઇ એક પક્ષનો ઇજારો નથી. મોદીના ભક્તોનો પ્રવાહ શરૂ થયો એનાં વર્ષો અગાઉ દેવકાંત બરૂઆ નામના એક કોંગ્રેસી નેતા ભક્તિનાં એવા પ્રચંડ આવેગમાં વહી ગયા હતા કે તેમણે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ કહી દીધું હતું. જો કે થોડા સમય પછી એમને મતભેદ થવા સુધીનું જ્ઞાન આવ્યું અને એ એમનાં ઇન્ડિયા (ઇન્દિરા)થી અલગ થઇ ગયા અને બીજા પક્ષમાં જોડાઇ ગયા. ઇન્દિરાની ભક્તિનો પ્રવાહ સાંસદમાં પણ ફૂટી નીકળતો હોવાનું નોંધાયું જ છે. બાંગ્લાદેશનાં સર્જન બાદ ભાજપનાં દિગ્ગજ નેતા વાજપેયીએ ઇન્દિરાને બેધડક દુર્ગા સાથે સરખાવી દીધા હતા. રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઇન્દિરાજી કહેશે તો ઝાડુ પણ મારીશ.
શયનખંડ એ હઠપૂર્તિ માટેનું રણ મેદાન નથી
આંસુ અને સેકસ એ પુરુષની નાને હામાં પલટાવવા માટેના સ્ત્રીના બે મોટા હથિયારો છે. સમાગમએ સંબંધોમાં ફેવિકોલનું કામ કરે છે પણ જ્યારે સેકસનો ઉપયોગ સોદાબાજી માટે થવા લાગે ત્યારે ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે . શયનખંડમાં માથું દુ:ખે છે ની લાગણીનું સન્માન જોઇતું હોય તો, આજે થાકી ગયો છું વાળી લાગણીને પણ સમજવી પડશે. આવું જ આંસુઓનું છે. સ્વાર્થ માટે એટલા આંસુ પણ ન વહાવવા જોઇએ કે જેથી તમારા આંસુ અને મગરના આંસુમાં કોઇ ફરક જ ના રહે. શયનખંડ સામીપ્ય સાધવાની જગ્યા છે એ હઠપૂર્તિ માટેનું રણ મેદાન નથી.
વાચકનો પ્રેમ
વાચકના પ્રેમ કરતાં મોટો કોઈ જ્ઞાનપીઠ એવોર્ડ ના હોઈ શકે
(Team Chabuk તરફથી પ્રણવ ગોલવેલકરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ)