આજે રવિવારના અખબારમાં જાહેર ખબર આવે છે. કન્યા જોઈએ છીએ. ત્રણ ચાર વસ્તુઓ લખેલી હોય. ઉંચી હોવી જોઈએ, દેખાવે નમણી હોવી જોઈએ, પાતળી હોવી જોઈએ, આટલો અભ્યાસ હોવો જોઈએ, વગેરે વગેરે.
પંજાબના કપૂરથલાના પ્રિન્સ મિન્સ યુવરાજ પ્રિતમ સિંહ એક દિવસ ઈંગ્લેન્ડ ગયા. એમના વિવાહ થઈ ચૂક્યા હતા. પત્નીનું નામ વૃન્દા હતા. વૃન્દાને યુવરાજ સ્નેહ ન આપી શક્યા. ઈંગ્લેન્ડના એક રેસ્ટોરામાં ગયા અને તેમને એક પિયાનો વગાડનારી નારી ગમી ગઈ. એ રેસ્ટોરામાં પિયાનો વગાડતી રહેતી અને આખી રાત યુવરાજ તેની પાસે બેઠા રહેતા. તેની આંખોમાં આંખો નાખી, હાથથી કાનને મધુર શાતા આપતું સંગીત સાંભળ્યા કરતા.
યુવરાજ અને સ્ટેલામાં ધીમે ધીમે પ્રેમના બીજ રોપાયા અને તેઓ સમગ્ર યુરોપની યાત્રા કરવા લાગ્યા. યુવરાજ પ્રિતમ સિંહનું દાંપત્ય જીવન એક એવી કેડી હતું જ્યાં ત્રણ વૃક્ષ ઉગ્યા. ત્રીજી દીકરીના જન્મ બાદ આ દાંપત્ય જીવનમાં પુત્ર પ્રાપ્તિની કોઈ સંભાવનાઓ નહોતી દેખાતી. યુવરાણી હવે સંતાન આપી શકે તેવી સ્થિતિમાં નહોતી. મહારાજાને ભવિષ્યના ગાદીધારક તરીકે એક પુત્રની આશા હતી.
લોર્ડ કર્ઝન વાયસરોય બન્યા. એક પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં ધ પ્લેબોય ભુપિન્દરસિંહ ઉપસ્થિત હતા. લેડી કર્ઝનને જોઈ તેઓ અભિભુત થઈ ગયા. તેમને સાડી અને કીંમતી ઝવેરાત ભેટમાં આપ્યા અને લોર્ડ કર્ઝનની સાથે એક તસવીર ખેંચાવી. આ વાતથી લોર્ડ કર્ઝનની અંદર એવી વાત ઘરી ગઈ કે, ભારતના નરેશો-મહારાજાઓની દૃષ્ટી કામલોલુપ છે. યુરોપની મહિલાઓ સાથે તેમને વિવાહ કરતાં રોકવા પડશે. કર્ઝને આજ્ઞા કરી કે ભારતનો કોઈ પણ નરેશ કર્ઝનને પૂછ્યા વગર ભારતની બહાર નહીં જઈ શકે.
યુવરાજ પ્રિતમ સિંહને પણ હવે બીજા વિવાહ કરવાનું દબાણ આવવા લાગ્યું હતું, પણ તેઓ કરતાં નહોતા. તેમની પાછળ સ્ટેલા હાથ ધોઈને પડી ગઈ હતી. તે યુવરાજના બીજા વિવાહમાં અવરોધ ઉત્પન્ન કરતી હતી. મહારાજા અને મહારાણી દ્રારા અપાયેલા ઉપહારો આગળ ધ્વંસ થઈ જતા યુવરાજે બીજા વિવાહ કરી લીધા.
સ્ટેલા અને યુવરાજ પ્રિતમના લગ્ન એક કાયદાના કારણે સંભવ નહોતા. જો યુવરાજ, જે ભારતીય હતા, ને સ્ટેલા જે ઈંગ્લેડની વતની હતી. તેમના વિવાહ થાય અને તેમની સંતાન થાય તો તે ગાદીનો ઉતરાધિકારી ન બને. આ કાયદાએ તેમના વિવાહ વચ્ચે અણીદાર પથ્થરોની જાજમ પાથરી દીધી હતી.
આ સમસ્યાના સમાધાન માટે મહારાજાએ એક કમિટીનું નિર્માણ કર્યું. કમિટીમાં ઉપસ્થિત લોકો આ પ્રમાણે હતા. ચીફ જસ્ટીસ દિવાન સુરેશ્વર દાસ, પ્રાઈવેટ સેક્રેટરી સરદાર ભરપુર સિંહ, મહિલા ડોક્ટર મિસ પેરીરા, મહેલના ડોક્ટર સોહન લાલ.
કમિટીના નિર્માણ પછી ધર્મશાળામાં ટેન્ટ ખોડવામાં આવ્યા. સમગ્ર દેખરેખ ડેપ્યુટી કમિશ્નરની આંખો નીચે થતી હતી. ક્લાર્ક અને પટ્ટાવાળાઓ મોટી સંખ્યામાં ત્યાં ખડેપગે રાખવામાં આવ્યા. ચાર મહિલા ડોક્ટરોની સાથે 100 જેટલા કર્મચારીઓ હાજર હતા. પણ તેઓ કરવાના શું હતા ? એક જાહેરખબર છાપવામાં આવી. હિન્દી અને ઉર્દુભાષામાં. જાહેર ખબર આ પ્રમાણે હતી.
- છોકરી મધ્યમ ઊંચાઈની હોવી જોઈએ
- પાતળી હોવી જોઈએ
- શરીર સુડોલ હોવું જોઈએ
- છોકરીના ભાઈ ફરજીયાત હોવા જોઈએ, કારણ કે જેના ભાઈઓ હોય તે છોકરી પુત્રને જન્મ આપી જ શકે
- છોકરીની પેઢીના દસ વંશની તપાસ કરવામાં આવશે
- તંદુરસ્તી સારી હોય
- જનનાંગોની પણ ડોક્ટર દ્રારા તપાસ કરવામાં આવશે
- 17થી વધારે ઉંમર તો હોવી જ ન જોઈએ
- કમિટીની મહિલા ડોક્ટર દરેક પ્રકારની તપાસ કરશે જો છોકરી સહમત હોય તો જ આવવું
- જે છોકરી પસંદ કરવામાં આવશે તે યુવરાજની પત્ની બનશે અને તેનો પુત્ર ગાદીનો વારસ બનશે
- છોકરીના માતા પિતાને પુષ્કળ ઈનામ આપવામાં આવશે.
એક પછી એક છોકરીઓ આવવા લાગી. માનો લાંબી કતાર લાગી ગઈ. સૌ પ્રથમ ચીફ જસ્ટીસની અધ્યક્ષતામાં લગ્ન કમિટીના સભ્યો કન્યાનો ઈન્ટરવ્યૂ લેતા હતા. ત્યાંથી તેને મહારાણીના સેક્રેટરી ભરપુર સિંહને સોંપવામાં આવતી હતી. ત્યાંથી મિસ પરીરા જે લેડી ડોક્ટર હતા તેમના તંબુમાં લઈ જવામાં આવતી હતી. એ છોકરીની શારીરિક તપાસ કરતી હતી. તેણે દવાખાનું જ ખોલીને રાખ્યું હતું. જેમાં એ સમયે ન જોયેલા દાક્તરીના અસ્ત્રો જોવા મળતા હતા. એ પછીનો તંબુ સોહન લાલનો હતો. જે છોકરીઓના સ્વાસ્થ્યને તપાસતો હતો.
મહિલા ડોક્ટર પેરીરા છોકરીઓને નગ્ન કરી તેના જનનાંગોને જોતી હતી. ગર્ભાશયની તપાસ કરવામાં આવતી હતી. પુત્ર આપી શકે છે કે નહીં ? આ ટેસ્ટિંગમાં થૂંક, લોહી અને પેશાબની તપાસ કરવામાં આવતી. ભરપુર સિંહ છોકરીઓને માથાથી લઈને પગ સુધી નખશીખ માપતો હતો. એ લંબાઈની સાથે તક મળતા જ કુંવારી છોકરીઓના સ્તન દાબી દેતો હતો. કમિટીને આ વાતની ખબર પડી ગઈ કે ભરપુર સિંહ ઘણું બધું માપી લે છે, જે કામ તેને સોંપવામાં નથી આવ્યું.
તેની આ ભરપુર કામોત્તેજક ક્રિયા માટે કમિટીની નિમણૂક કરવામાં આવી. તપાસ બેઠી અને તેણે જે જવાબ આપ્યો તેનાથી કમિટીના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ. તેણે કહ્યું કે, ‘આ હુકમ ખૂદ મહારાણી દ્રારા આપવામાં આવ્યો હતો.’
જાણે કોઈ પોલીસની ભરતી હોય તેમ મેળો જામ્યો હતો. અંતે ચાર છોકરીઓ પસંદ કરવામાં આવી. મોટા ખાનદાનની હતી. મુસ્લિમોના આક્રમણમાં તેમનું રાજ છિનવાઈ ગયું હતું અને તેઓ ગરીબ થઈ ગયા હતા. મહારાજા અને મહારાણીએ ભાવી યુવરાણીઓને જોઈ. એક પસંદ કરી લેવામાં આવી.
લગ્નની તારીખ નક્કી થઈ અને આ વાત જ્યારે મિસ સ્ટેલા મજના કાનમાં પડી તો તેણે યુવરાજને લગ્ન કરવાની ના પાડી દીધી. એમ પણ કહ્યું કે, જો તે લગ્ન કરશે તો હું તેને છોડીને ચાલી જઈશ. યુવરાજ મહેલમાં હાજર સ્ટેલાની આ વાત સાંભળી બેભાન થઈ ગયા. સ્ટેલા સામાન ભરી ભાગી ગઈ.
ડોક્ટર સોહન લાલ આવ્યા અને યુવરાજનું ચેકઅપ કર્યું. યુવરાજ ઊઠી નહોતા રહ્યા. યુવરાજ ઉઠે નહીં તો વિવાહ કઈ રીતે થાય ? કંકોત્રીનું વિતરણ થઈ ચૂક્યું હતું. મોટાભાગના મહેમાનોને આમંત્રણ અપાઈ ચૂક્યા હતા. ખર્ચો પણ થયો હતો. ડોક્ટર સોહન લાલે કહ્યું કે, ‘જો સ્ટેલા આવે અને યુવરાજને કહે કે હું અહીં જ છું અને તને પ્રેમ કરું છું તો કદાચ વાત શક્ય બને.’
મહારાજા સોહન લાલની એ વાત પણ માની ગયા. સ્ટેલાની નોકરાની ને આ વાત કરવામાં આવી અને તેને મહેલમાં બોલાવવાનું કહ્યું. સ્ટેલાએ કેટલીક શરતો મૂકી જે સાંભળી મહારાજા સહિત હાજર સભ્યો હતભ્રત થઈ ગયા.
સ્ટેલાની શરતો આ પ્રમાણે હતી. મને દસ લાખ રૂપિયા આપવામાં આવે. લગ્ન બાદ યુવરાજ મહિનામાં એક વખત રાતના સાતથી આઠ વાગ્યા વચ્ચે પત્નીના કક્ષમાં જશે. તે ગર્ભવતી થઈ જાય તો એ મુલાકાત પણ પૂર્ણ.
ન મામા કરતાં કાણો મામો સારો, એમ માની મહારાજાએ હા પાડી દીધી. સ્ટેલા કક્ષમાં રાડો પાડવા લાગી, ‘ઉઠો યુવરાજ હું તમને પ્રેમ કરું છું.’ તે તેમની પાસે રોજ બેસવા લાગી અને યુવરાજને ધીમે ધીમે હોશ આવવા લાગ્યો.
ધામધૂમથી યુવરાજના વિવાહ થયા. વિવાહ સમાપ્ત થયા પછી મહિનાઓ પસાર થઈ ગયા. યુવરાજ તો સ્ટેલાના પ્રેમપાશમાંથી છૂટી જ નહોતા શકતા. મોટી યુવરાની વૃંદા બ્યૂનોવિસ્ટા મહેલમાં રહેતી હતી. નવી આવેલી વહુને એલિસીઝ નામનો મહેલ આપવામાં આવ્યો.
સ્ટેલાની મહિનામાં એક વખત સાતથી આઠની વચ્ચે મુલાકાત આપવાની છૂટ હોવા છતાં યુવરાજ નવી યુવરાણીને મળવા નહોતા જતા. યુવરાજના મિત્રો પણ તેને સમજાવવા આવ્યા પણ કંઈ વળ્યું નહીં. આખરે સ્ટેલાએ જ યુવરાજને કહ્યું કે, ‘જાઓ અને મુલાકાત કરો. પણ મહિનામાં એક વખત.’ સ્ટેલા અને અન્ય મહારાજા-મહારાણીનું પણ અંદરખાને તો એવું જ માનવું હતું કે એક વખત નવી યુવરાણી ગર્ભવતી થઈ જાય. પુત્રને જન્મ આપે.
મહિનાઓ બાદ સુહાગરાતનો સમય આવ્યો. યુવરાણી તૈયાર થઈ. તે અપ્સરા જેવી પ્રતિત થઈ રહી હતી. યુવરાજે પણ સુગંધિત જળથી સ્નાન કર્યું હતું. યુવરાજ અંદર ગયા અને આઠ વાગવામાં પાંચ મિનિટની વાર હતી કે પાછા ફરી ગયા. બે મહિના બાદ યુવરાણી ગર્ભવતી થઈ ગઈ. પુત્રને જન્મ આપ્યો. રિયાસતમાં ખુશીની લહેર દોડી ગઈ. ઉત્સવો મનાવાયા અને પુત્રનું નામ રખાયું સુખિત સિંહ.
બીજી બાજુ યુવરાજ સ્ટેલા સાથે યુરોપમાં વ્યસ્ત અને મસ્ત રહેતા હતા. તેની સાથે રંગરેલીયા મનાવતા અને લાખો ખર્ચ કરતા. આ બાજુ એકવીસ વર્ષની નવી આવેલી યુવરાણી પુત્રને જન્મ આપ્યા પછી બીમાર રહેવા માંડી. બીમારી બે વર્ષ ચાલી અને તેનું મોત થઈ ગયું. સામાન્ય વિધિથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આજે પણ કોઈને યાદ નથી કે યુવરાણીનું નામ શું હતું ?
(ક્રમશ:) (Source : Maharaja Book By Diwan Jarmani Dass)