વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની 93મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) અને વાર્ષિક સંમેલનમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી સંકેત આપ્યા છે કે કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોરોના વેક્સિન, કૃષિ સુધાર, ગ્રામ્ય ભારત અને ઉદ્યોગપતિઓને રોકાણ મુદ્દે વાત કરી હતી.
Addressing the 93rd Annual Convention of FICCI. https://t.co/tqEWwjimdq
— Narendra Modi (@narendramodi) December 12, 2020
2020માં ઘણું બદલાતું જોયું
ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંમેલનમાં વડાપ્રધાને કહ્યું કે, ‘વર્ષ 2020માં આપણે ટી-20 મેચની જેમ ઘણું બધું બદલાતું જોયું છે. ભારતે ગત કેટલાક મહિનામાં જે રીતે એકજૂટ થઈને કામ કર્યું છે, નીતિઓ ઘડી છે, જેના કારણે સ્થિતિ કાબુમાં રહી શકી છે. આ કામગીરી જોઈને સમગ્ર વિશ્વ હેરાન છે. કોરોના મહામારીના સમયમાં ભારતે નાગરિકોના જીવનને સૌથી વધુ પ્રાથમિકતા આપી. વધુને વધુ લોકોનું જીવન બચાવ્યું. જેનું પરિણામ આજે દેશ પણ જોઈ રહ્યો છે અને દુનિયા પણ જોઈ રહી છે.’
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ‘એટલા ઉતાર-ચઢાવમાંથી દેશ અને દુનિયા પસાર થઈ છે કે કેટલાક વર્ષો પછી જ્યારે આપણે કોરોનાકાળને યાદ કરીશું તો કદાચ માનવામાં જ નહીં આવે. પરંતુ સારી વાત એ રહી કે જેટલી ઝડપથી સ્થિતિ બગડી, એટલી જ ઝડપથી સુધારો પણ થઈ રહ્યો છે.’
ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ
FICCIના સંમેલનમાં પોતાના સંબોધનમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો મુદ્દે બોલતા સ્પષ્ટ કરી દીધું કે કૃષિ કાયદા પરત લેવાના મૂડમાં સરકાર નથી. વડાપ્રધાને કહ્યું કે, ‘નવા કૃષિ કાયદાથી રોકાણના રસ્તા ખુલશે. અમે કૃષિ સાથે જોડાયેલી ચીજોની દીવાલ હટાવી રહ્યા છીએ. ખેડૂતોની સમૃદ્ધિથી જ દેશ સમૃદ્ધ થશે. આજે ભારતના ખેડૂત પાસે પોતાનો પાક મંડી ઉપરાંત બહાર વેચવાનો પણ વિકલ્પ છે. ભારતમાં મંડીઓનું આધુનિકીકરણ તો થઈ જ રહ્યું છે. ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ પર પાક વેચવા અને ખરીદવાનો વિકલ્પ પણ આપ્યો છે.’
પ્રાઈવેટ સેક્ટર ખેતીમાં વધુ રોકાણ કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ખેતીમાં જેટલું પ્રાઈવેટ સેક્ટર દ્વારા રોકાણ કરવું જોઈતું હતું તેટલું થયું નથી. પ્રાઈવેટ સેક્ટરે કૃષિ સેક્ટરને એક્સપ્લોર નથી કર્યું. કૃષિ ક્ષેત્રમાં પ્રાઈવેટ કંપનીઓ સારું કામ કરી રહી છે પરંતુ તેમણે વધુ સારું કામ કરવાની જરૂર છે.’
પહેલાની સરકાર બ્રેડથી લઈ કેક જાતે બનાવતી, જેથી નુકસાન થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘ઇન્સ્પેક્ટર રાજ અને ટેક્સની જંજાળને પાછળ છોડીને ભારત પોતાના ઉદ્યોગપતિઓ પર ભરોસો કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે.’ વડાપ્રધાને કહ્યું કે, ‘જ્યારે એક સેક્ટર વિકસિત થાય છે તો તેની અસર બીજા સેક્ટર પર પણ પડે છે. પહેલાં જે સરકારો હતી તે બ્રેડથી લઈને કેક પણ જાતે જ બનાવતી હતી, જેનાથી નુકસાન થયું.’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘21મી સદીમાં ભારતના વિકાસને ગામડા અને નાના શહેરો જ સપોર્ટ કરવાના છે તેથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ગામડા અને નાના શહેરોમાં રોકાણ કરવાની તક ગુમાવવી ન જોઈએ.’
વેક્સિન આવવામાં જ છે
કોરોના સામે લડી રહેલી જનતા વેક્સિનની રાજ જોઈને બેઠી છે. દેશમાં અલગ અલગ વેક્સિન પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. દેશભરમાં વેક્સિન આપવા અંગે વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ભારતમાં વેક્સિનને લઈને કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે.’
ભારતમાં રેકોર્ડ રોકાણ
વડાપ્રધાને જણાવ્યું કે, ‘છેલ્લા 6 વર્ષમાં દુનિયાએ ભારતમાં અદભુત વિશ્વાસ દેખાડ્યો છે. અને આ વિશ્વાસ છેલ્લા 6 મહિનામાં વધુ મજબૂત થયો છે. પછી તે FDI હોય કે FPI વિદેશી રોકાણકારોએ ભારતમાં રેકોર્ડ રોકાણ કર્યું અને આગળ પણ કરી રહ્યા છે. આજે ભારતમાં કોર્પોરેટ ટેક્સ દુનિયામાં સૌથી ઓછો છે.’