Homeસિનેમાવાદરજનીકાંત ખાલી ફિલ્મોમાં નહીં ભણવામાં પણ આવે

રજનીકાંત ખાલી ફિલ્મોમાં નહીં ભણવામાં પણ આવે

ઝાલાવાડી જલજીરા : ચાર સંતાનોમાં સૌથી મોટા રજનીકાંતનો જન્મ જીજાબાઈ અને રામોજી નામના મરાઠી પરિવારમાં બેંગ્લોરમાં થયો હતો જેણે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મોમાં કામ કર્યું. ત્રણ પ્રાદેશિક સંસ્કૃતિનો સમન્વય. એ પાંચ વર્ષનો હતો જ્યારે તેની માતા આ ફાની દુનિયાને અલવિદા કહી ચાલી ગઈ. પરિવાર એકલો થઈ ગયો અને શિવાજીએ નાના મોટા કામ કરીને પરિવારની મદદ કરવાનું નક્કી કર્યું. પહેલા એ કુલી બનેલો અને પછી તે કન્ડક્ટર બની ગયો. ‘ર’ પ્રત્યય લાગતો હોવાથી કન્ડક્ટરમાંથી એક્ટર બન્યા તેમ કહેવામાં લોકોને આસાની રહે છે!! કોઈ કુલીમાંથી એક્ટર બન્યા એમ નથી કહેતું.

જેમ બધાના કેટલાક સારા મિત્રો હોય છે. તેમ રજનીકાંતના સારા મિત્રનું નામ રાજ બહાદુર હતું. જેણે રજનીકાંતને એક્ટર બનવા માટેનું પ્રોત્સાહન આપ્યું હતું, એ રાજ બહાદુર જ હતો જેણે રજનીકાંતને બીજી કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જગ્યાએ મદ્વાસના ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાનું દબાણ કર્યું. કદાચ આ પાછળ તેનો લૂક પણ જવાબદાર હોય શકે. પહેલી ફિલ્મ મળી બાલાચંદરની અપૂર્વ રાગંગલ. આ ફિલ્મમાં તેની સાથે કમલ હસન પણ કામ કરવાનો હતો. જે નાનપણથી ફિલ્મોમાં કામ કરતો આવ્યો હતો એટલે તેના માટે આ નવું ન હતું. સામેની બાજુ રજનીકાંતને કાગડો જ કહેવડાવે તેવી અભિનેત્રી શ્રીદેવી હતી. જે ધીમે ધીમે મદ્રાસ અને હિન્દી સિનેમામાં મોટું નામ કમાઈ રહી હતી.

પણ ફિલ્મોની શરૂઆત કરતાં પહેલા રજનીકાંતે કેટલાક કન્નડ નાટકોમાં પણ કામ કરેલું જે વાત આજે કોઈ ઉચ્ચારતું નથી. રજનીકાંત મહાભારત અને રામાયણના નાટક કરતા હતા. રામાયણમાં કયો રોલ પ્લે કરતા એ ખ્યાલ નથી, પણ મહાભારતમાં તેઓ દુર્યોધનનો રોલ પ્લે કરતા હતા. રજનીકાંત કન્નડ નાટકમાં અભિનય કરતાં હતા ત્યારે તેમના પર કે.બાલાચંદરની નજર પડી ગઈ અને તેણે જ તેને કહ્યું કે, ‘તમિલ શીખી જા.’

શરૂઆતમાં જેટલા પણ રોલ કર્યા એ બધા નેગેટિવ હતા. જે આજે કોઈને જોવા પણ ગમતાં નથી. કોઈ માની જ નથી શકતું કે રજનીકાંત નેગેટિવ રોલ પ્લે કરી શકે, પણ આમ જુઓ તો રજનીકાંત આજેય પ્લે તો નેગેટિવ જ રોલ કરે છે. એ નાયક ઓછો અને પ્રતિનાયક વધારે હોય છે. જેમાં તે લોકોની મદદ કરતો હોવાથી બધાના હ્રદયમાં વસી જાય છે. કોઈ કોઈ વખત પોલીસ બની જાય નહીં તો એક ગુંડાનો જ રોલ પ્લે કરી લે છે.

મુથુરમન નામના દિગ્દર્શકે તેને ભૂવના ઓરું કેલ્વિક્કુરી નામની ફિલ્મ આપી. જે તેની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ હતી. એ પછી મથુરામન અને રજનીકાંતે મળીને કુલ 25 ફિલ્મોમાં કામ કર્યું જેમાં હીરો રજની જ હોય. આમ તો સાઉથમાં ફિલ્મ હિટ જાય અને પછી તેની રિમેક હિન્દીમાં બને તેવી જોગવાઈ છે. રજનીકાંત વખતે ઉલટું થઈ ગયું હતું. રજનીકાંતને વધારે કામ મળે અને મોટું નામ થાય આ માટે એક હીટની આશા હતી. તેણે 1978માં બિલ્લા ફિલ્મ કરી જે સફળ રહી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ડોનની રિમેક હતી. ડોનના તાર એટલા લાંબા છે કે પ્રભાસ અને અજીતે પણ તેની રિમેકમાં કામ કર્યું છે. ફક્ત શાહરૂખ ખાને જ નહીં.

એ જમાનો હતો કે અભિનેતા બે રોલ પ્લે કરતા હતા. રજનીકાંતે કંઈક નવું કરી બતાવ્યું. તેણે મૂન્દ્ર મુગમ નામની ફિલ્મમાં ત્રણ રોલ પ્લે કર્યા. આ ટ્રીપલ રોલ તેને એટલા ફળ્યા કે તમિલનાડુ સ્ટેટનો તેને એવોર્ડ મળી ગયો.

અંધા કાનૂન ફિલ્મમાં કામ કરી તેણે હિન્દી સિનેમામાં પગ મૂક્યો. એ બનાવનારા પણ સાઉથના જ ડાયરેક્ટર હતા પણ રજનીકાંતને બીજા બધા સાઉથનાં અભિનેતાઓની માફક જ હિન્દી ઉદ્યોગ ફળ્યો નહીં. આમ તો તેણે ઓક્ટોબર 7, 1988ના રોજ હોલિવુડની બ્લડશોટ ફિલ્મમાં કામ કરી પ્રદાર્પણ કર્યું હતું. જે પણ આજે કોઈને યાદ નથી.

રજનીકાંતનું આ સારું પાસું ગણો કે ખરાબ પણ તેની છેલ્લી ફિલ્મોને યાદ કરવામાં નથી આવતી જેટલી તેની આવનારી ફિલ્મની ચર્ચા થાય છે. આવનારી ફિલ્મ જોવાઈ ગયા પછી એ ફિલ્મ ભૂલી જવામાં આવે છે અને નવી ફિલ્મની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે. આ પાછળનું કારણ એટલું જ કે લોકોને રજનીકાંતની ફિલ્મો જોવા કરતાંય વધારે ઉજવવી ગમે છે.

સાઉથમાં કોઈ પણ કલાકારને મણિરત્નમ્ સાથે કામ કરવાની ઈચ્છા હોય જ. રજનીકાંતે પણ કામ કરેલું. જોકે પહેલી અને છેલ્લી વખત. થલપથી. રજનીકાંત સાથે એ ફિલ્મમાં મમૂટી પણ હતો. રજનીકાંતની એ એવી ફિલ્મ છે જેને સેન્સર બોર્ડ દ્વારા U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ સિવાયની તેની કોઈ ફિલ્મને આ સર્ટિફિકેટ નથી આપવામાં આવ્યું. હાલ રજનીકાંતનું જે સ્ટારડમ છે તે 1995થી ચાલ્યું આવે છે. જ્યારે બાશા ફિલ્મ રિલીઝ થઈ હતી.

હવે જે ચાબુક લખી રહ્યું છે એ સ્પર્ધાત્મક પરીક્ષાવાળા ધ્યાનથી વાંચજો અને યાદ રાખી લેજો. કે.રવિશંકરે મુથુ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ તમિલ ભાષાની એવી પ્રથમ ફિલ્મ છે જે જાપાનમાં ડબ કરી રિલીઝ કરવામાં આવી હોય. જે 1994માં રિલીઝ થયેલી મોહનલાલની ફિલ્મ થીનમવીન કોમ્બથની રિમેક હતી. એક જ યુવતીના પ્રેમમાં પડેલા બે યુવાનો. એક જમીનદાર છે અને એક સામાન્ય વર્કર છે. આ ફિલ્મમાં એક ગીત છે. થીલાના થીલાના. જે જાપાનના લોકોને ખૂબ ગમી ગયું હતું. નોન તમિલિયન લોકો પણ તેને ખૂબ સાંભળતા હતા. આજે પણ સાંભળે છે.

આ જ રીતે ચંદ્રમુખી. જે આપણે ત્યાં ભૂલભૂલૈયા ફિલ્મ તરીકે બની તે તુર્કીશ અને જર્મન ભાષામાં ડબ થઈ હતી. રજનીકાંતે શંકર સાથે શિવાજી ધ બોસમાં જોડી જમાવેલી. હિટ ડાયરેક્ટર-એક્ટરની આ પહેલી ફિલ્મ હતી. જેણે યુનાઈટેડ કિંગડમ અને સાઉથ આફ્રિકામાં સૌથી વધુ કમાણી કરેલી. સાઉથની બાહુબલીએ પછી વિદેશમાં રેકોર્ડબ્રેક કમાણી કરી પણ પ્રથમ સાઉથ શિવાજી ધ બોસ હતી.

રજનીકાંતની જ એન્થીરીન. હિન્દીમાં રોબોટ તરીકે હીટ નિવડેલી. એ ફિલ્મ ક્લાસિક સાયન્સ ફિક્શન સિવાય જે વાત માટે યાદ રખાવી જોઈએ તે કોઈ નથી કરતું. IIM-Aમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઈલેક્ટિવ કોર્સમાં તેનો સમાવેશ થયો હતો. આખો વિષય છે. Contemporary Film Industry: A Business Perspective.

તેમની ફિલ્મો રિલીઝ થઈ જાય પછી તેઓ હિમાલય ચાલ્યા જાય છે. અક્ષય કુમાર જેમ વિદેશ ચાલ્યો જાય છે. એક ઈન્ટરવ્યૂમાં તો રજનીકાંતે કહેલું પણ ખરું કે, હું મારા જીવનના કારણે કેદી જેવો અનુભવ કરું છું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments