Homeવિશેષકોલેજ કથા – લેટર ‘બોમ્બ’

કોલેજ કથા – લેટર ‘બોમ્બ’

પુછાય પ્રેમમાં જે પ્રશ્ન તેમાં, સોચ ન કર,
તરતમાં જો તને સૂઝી શકે, જવાબ તો દે.

પાંત્રીસેક વર્ષની આળેગાળે પહોંચેલો યુવાન રાતના દસેક વાગ્યે મીડિયા હાઉસમાં લટાર મારી રહ્યો હતો. તેના હાથમાં કેટલીક પ્રેસનોટ હતી જેને સમાચાર બનાવી તેણે કામ આટોપવાનું હતું. દિવાળીનો તહેવાર નજીક હતો અને અત્યારથી ફટાકડાનો શોરબકોર તેના કાનને ફાડી રહ્યો હતો. કામમાં ધ્યાન નહોતું લાગતું. વિખાઈ ગયેલું ઈનશર્ટ. આડેધડ ઓળેલા વાળ અને મૂરઝાયેલો ચહેરો આ મલ્હારની ઓફિસમાં ટીપીકલ ઓળખ બની ગઈ હતી. ઓફિસના સિનિયરોએ ચાલતી પકડી અને પટ્ટાવાળાએ આવી મલ્હારના હાથમાં વધારે એક સમાચાર મૂક્યા.

‘સાહેબે પહેલા આને બનાવવાનું કહ્યું છે. ’ મોઢામાં અડધા ચવાયેલા માવા સાથે તે બોલ્યો.

મલ્હારે તે સમાચાર હાથમાં લીધા અને ટગર ટગર જોવા લાગ્યો. તેની આંખો ઝીણી થઈ ગઈ અને આજથી બાર વર્ષ પહેલાનાં સમયમાં તેની સ્મૃતિ સરકી ગઈ. 

******

‘પણ એવી તારે શું જરૂર પડી કે ભૌતિકશાસ્ત્રની સારી એવી લાઈન છોડીને પત્રકારત્વમાં ભણવા જાવું છે? અત્યાર સુધી તો આવું ગાંડપણ તારી અંદર જોયું નહીં.’

જ્યારથી મિત્રો અને પરિવારના લોકોને આ વાત કહી હતી ત્યારથી મલ્હારને બધા એક જ સવાલ પૂછી રહ્યા હતા. સાયન્સમાં નેવું ટકા માર્ક સાથે પાસ થનારા છોકરા પર કોણે એવી ભભૂતિ છાંટી દીધી કે તેને વિજ્ઞાનમાંથી આર્ટ્સના વિષયનું પગરખું પહેરવાનું મન થઈ ગયું.

પણ મલ્હારે કોઈને કંઈ જવાબ આપ્યો નહીં. આપે પણ શું કરવા ? નવા પ્રેમને તો છૂપાવીને રાખવો પડે. મલ્હારના ય હ્રદયમાં તો ચાહતે જગ્યા લઈ લીધી હતી.

પત્રકારત્વમાં નવું નવું એડમિશન લેનારી ચાહતના રૂપની પાછળ આખી યુનિવર્સિટી ગાંડી થઈ હતી. આ ગાંડપણની ટોળીનો મલ્હાર શહેનશાહ હતો. ધડકતું હ્રદય બંધ થાય એ પહેલા જ તેણે ચાહત નામેરી ઓક્સિજનને મેળવવા ફિઝિક્સમાંથી પત્રકારત્વમાં કૂદકો માર્યો હતો. અને આ ઘટના એક મહિનાની અંદર અંદર જ બની હતી.

ચાહતને પણ ખબર હતી કે તેની સુંદરતા પાછળ મોહિત થઈને આખી યુનિવર્સિટી તેનાં નામનું રટણ કરી રહી છે. એને પણ મનભાવતા સાથીની અપેક્ષા હતી. જેનો તે હાથ પકડી યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓના હ્રદયનું હોલિકા દહન કરી શકે.

તેની આસપાસ બાઈક લઈને ઘુમતા ભમરાઓ તો બસ ચાહતના હ્રદયની જગ્યાએ તેના વસ્ત્રોની અંદર રહેલા યૌવનને માણવાના સ્વપ્નો સજાવીને બેઠા હતા. યુનિવર્સિટીના મોટાભાગના વિદ્યાર્થીઓના ઘટમાં ચાહત નામના જે ઘોડા થનગનતા હતા એ પ્રેમ માટે ક્યાં હતાં ? એ તો…!!!

મલ્હાર આ બધાથી અલગ હતો. યુનિવર્સિટીના બસસ્ટોપ પાસે તેણે પહેલી વખત ચાહતને જોઈ અને તેના રૂપે તેને ચારેબાજુએથી ઘેરી લીધું.

પરિવાર અને મિત્રોના વિરોધની વચ્ચે તેણે પત્રકારત્વમાં એડમિશન લઈ લીધું. એને ક્યાં પ્રકાંડ પત્રકાર બનવું હતું કે કોઈ છાપામાં તંત્રી બનવું હતું. એને તો બસ ચાહત જોઈતી હતી.

કોલેજના પહેલા લેક્ચરમાં ચાહતે ક્લાસરૂમમાં પગ મૂક્યો. આજે એ લેટ આવી હતી. વિદ્યાર્થીઓ બાજુ નિ:સાસો નખાઈ ગયો. મેડમે તેને ઊભી રાખી અને પૂછ્યું, ‘કેમ લેટ આવી?’

‘રીક્ષા નહોતી મળતી.’

‘ઓહો… તારા જેવી છોકરી માટે કોઈ રીક્ષાવાળો રીક્ષા ઊભી ન રાખે એ તો કેમ બને?’ ક્લાસના છોકરાઓ હોહો કરવા લાગ્યા. છોકરીઓની અંદર ઈર્ષ્યાએ ઉઠક-બેઠક કરી.

ઔપચારિક વાત થઈ અને તે ક્લાસમાં જગ્યા શોધતી હતી ત્યાં મેડમે જ કહી દીધું, ‘મલ્હાર પાસે બેસી જા.’

મલ્હાર માટે તો આ મેડમના આશીર્વાદ હતા. તેનો શ્વાસ ધમણની માફક ચાલવા લાગ્યો. ક્લાસરૂમ અરણ્ય બની ગયું. ચાહત હળવે હળવે પર્ણ પર પોતાના પગ મૂકતી શકુંતલા બની આવી રહી હોય તેવી તેને અનુભૂતિ થઈ આવી. તેણે પગમાં પહેરેલી ઝાંઝરીઓ સિવાયનો કોઈ અવાજ મલ્હારના કાને અથડાતો નહોતો.

તેણે મલ્હારની બાજુમાં જગ્યા લીધી. પ્રેમના બીજનો ફણગો ફૂટ્યો પછીની કુદરતી સ્થિતિ કેવી હોય ? બસ એવું જ આ દૃશ્ય હતું. મલ્હારે પોતાનું સ્મિત દાબી રાખ્યું હતું. મેડમે લખાવવાની શરૂઆત કરી. ચાહતે પોતાના બેગમાં નજર કરી. તેની પાસે પેન ન હતી.

‘એક્સક્યુઝ મી.’

મલ્હાર તો જાણે બહેરો થઈ ગયો હતો.

‘એક્સક્યુઝ મી.’ ચાહતે બીજી વખત કહ્યું.

‘હું???’ મલ્હાર હચમચી ગયો.

‘પેન છે?’

મલ્હારે બેગ ફંફોસ્યું અને અંદરથી પેન કાઢી ચાહતના હાથમાં મૂકી. ચાહતના હાથનો અછડતો સ્પર્શ થયો. તેનો શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.

રાત આંખી હોસ્ટેલમાં પથારી પર પડખા ફરતા ફરતા મલ્હારને ચાહત સિવાય કોઈના વિચાર આવતા નહોતા. તેણે સ્પર્શ કરેલા એ હાથને તે વારંવાર જોઈ મનમાં કલ્પના કરી લેતો હતો. ગુલાબને કાયમ પોતાનું કરવા માટે તેણે પ્રેમ પત્ર લખ્યો. હવે વાર શેની? પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડી જાય તે પહેલા જ તેણે બેસવાનો આજ રાતે વિચાર કરી લીધો.

‘‘ચાહત હું તારા જ ક્લાસમાં ભણતો એક છોકરો છું. તને દિલથી ચાહું છું. અત્યારથી જ મેં તારા માટે મારું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. ન્યોછાવરની વાત પરથી તને તો ખબર પડી જ ગઈ હશે કે હું કોણ છું. તે મારા વિશે જાણવાનો વિગતે પ્રયત્ન નહીં કર્યો હોય, પણ હું તારા વિશે સઘળું જાણું છું. તને પહેલી વખત યુનિવર્સિટીમાં જોઈ હતી ત્યારે જ તને પામવા માટે હું કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. આજે આ લખતી વેળાએ પણ એ વાતને કોઈ ઓટ આવી નથી. હું જીવનભર તને ચાહીશ. તારા પ્રેમના દરિયામાં કોઈ દિવસ ઓટ નહીં આવવા દઉં. પૂનમના ચાંદ જેવા તારા ચહેરા પર નિરાશાની અમાસ કોઈ દિવસ નહીં પ્રસરવા દઉ. આવું હું કેમ લખી ગયો? કદાચ આટલું લખી શક્યો છું તેની પાછળનું કારણ પણ તું જ છે. મને કોઈ પત્રકારત્વના અભ્યાસમાં નહીં પણ બસ તારામાં જ રસ છે. ચોપડામાં સમાચારોની હેડલાઈન કરતા તારા નામની હેડલાઈન હું વધારે બનાવું છું. મારો આ પત્ર રિસેસમાં હું તારા બેગમાં નાખી દઈશ. એ પછી જો તારા હ્રદયમાં પણ મારા માટે એ જ લાગણી હશે તો તું મને શોધવાની કોશિશ કરીશ જ. તારો થનાર આશિક____’’

લખેલા કાગળને છાતી સરસો ચાંપી તે ઊંઘી ગયો. બીજા દિવસે બધા રિસેસમાં કેન્ટીનમાં ગયા ત્યારે તેણે કાગળ ચાહતના બેગમાં નાખી દીધો. આ રહસ્ય હવે ક્યારે ખૂલે છે એ ક્ષણની તે પ્રતીક્ષા કરવા લાગ્યો.

રાતે ગર્લ્સ હોસ્ટેલમાં ચાહત આખો કાગળ એકીશ્વાસે વાંચી ગઈ. તેની શ્વાસનળીમાંથી એકસામટી અગણિત ટ્રેન પસાર થઈ ગઈ હોય એમ તેને લાગ્યું. પાક્કી બહેનપણી અને ક્લાસમેટ શ્વેતાને બોલાવીને તે ખાટલા પર પલોઠી વાળી બેઠી અને આ કોણ શહેજાદો છે તેની વાતો કરવા માંડી.

‘જિજ્ઞેશ…?’

‘ના હવે એ તો મૂંગો હોત તો સારું હતું.’

‘સંજય…?’

‘છજીયો કોઈ દિવસ ન હોય.’

‘મિતેશ…?’

‘અરર એ ન હોય તો જ સારું.’

‘અલ્પેશ…?’

‘એને અવસાન નોંધ પણ લખતા નથી આવડતી. આવો પ્રેમપત્ર એ ક્યાંથી લખી શકવાનો.’

‘ધીમંત….?’

‘હા ધીમંત હશે. એ તો અત્યારથી જ લેખ પણ લખે છે. સમાચારોમાં રહેવા કરતાં તેને કટાર લેખનનો વધારે શોખ છે. ન્યૂઝ કરતાં વ્યૂઝમાં વધારે રસ છે. વેલેન્ટાઈન ડે પર પણ તેણે પ્રેમ વિષય પર સ્પેશિયલ આર્ટિકલ લખેલો અને પાછું તેને તો લેખક જ બનવું છે. પણ આ રીતે એ કંઈ કરી શકે? ક્યાંક ખોટું તીર તો નથી લાગી રહ્યું ને ?’ ચાહતે પાક્કી બહેનપણી શ્વેતાને કહ્યું. જે ક્યારની છોકરાઓના નામ વિકલ્પરૂપે આપી આપીને અત્યારથી ચાહતના શ્વાસ અદ્ધર કરતાં સવાલો પૂછી રહી હતી.

‘તને ગમે છે?’

‘ખરાબ નથી. ઊંચો છે. દેખાવડો છે. આંખો પણ સરસ છે… પરિવાર પણ સારું છે. તેવી વાતો કરતાં મેં તેને સાંભળ્યો છે.’

‘તો તું શું વિચારે છે?’

‘કાલ તેને મળવા યુનિવર્સિટીની પાછળ લઈ જાઉં અને આ પત્ર તે લખ્યો છે….’

‘ના અલી. એણે તારી સાથે જેમ કર્યું એ ખાતરી કરવા કરી તો લે.’

‘શું ?’

‘પ્રેમપત્ર લખ.’

ચાહતે ફટફાટ નોટબુકના કાગળમાં લખવા માંડ્યુ. તેને ખબર નહોતી કે ક્યાંથી શરૂઆત કરવી પણ રહસ્યમય પ્રેમપત્રએ તેને લખતા કરી દીધી એની તો એને ખબરેય ન રહી. ચાહતે કોમળ હાથોથી પેનને પાનાં પર મૂકી અને સડસડાટ પત્ર લખી કાઢ્યો.

રિસેસમાં તેણે એ પ્રેમપત્ર ધીમંતના બેગમાં મૂકી દીધો. બીજા દિવસે ધીમંતનું આમંત્રણ ચાહતને આવી ગયું. ક્લાસરૂમમાં બંનેની વારંવાર મળતી આંખો જ એ વાતની સાબિતી આપતી હતી! અગાઉ ચાહતે નક્કી કરેલી યુનિવર્સિટીની પાછળ આવેલી અવાવરૂ જગ્યા પર ધીમંત અને ચાહત મળ્યા.

ધીમંત આ અજ્ઞાત પ્રેમપત્રમાં ખાટી ગયો હતો. ચાહતને આ વાતની ખબર પણ નહોતી. એ તો બસ એક સાથી મળ્યો એ જ વિચારમાં મગ્ન હતી. ચાહતની આંખો ઢળેલી હતી. વાતની ક્યાંથી શરૂઆત કરવી તેની દ્વિધામાં આ પ્રેમીજોડલું હતું.

ધીમંતે મોરની જેમ કળા કરવાનું શરૂ કરી દીધું. ખોટા સરનામે આવી ચડેલા માલને તે રવાના કરવા નહોતો માગતો. લેખક હોવા સિવાયના બીજા ઘણા અપલક્ષણો તેની અંદર કૂટીકૂટીને ભર્યા હતા. ચાહતની નજીક આવી તેણે તેની દાઢી પકડી ઊંચી કરી. ચાહતે આંખો મીંચી દીધી. તેના કૌમાર્ય હોઠ કબૂતરની પાંખની જેમ ફફડી ઉઠ્યા. પાતળા અને નાજુક હોઠ પર ધીમંતે પોતાના ઝાડા હોઠ મૂકી તેને શરમાતી કરી દીધી. ચાહત પ્રથમ સ્પર્શને ભૂલવા નહોતી માગતી. તેણે કોઈ આવી જશે તો? એ બીકે ધીમંતથી અળગા થવાનું વિચાર્યું પણ ધીમંતે ચાહતની કમર પર પોતાનો હાથ રાખી દીધો અને તેને બાહુપાશમાં જકડી લીધી. ધીમંતે ચાહતના હોઠ પર પ્રથમ પ્રેમની નિશાની છોડવા માટે ખાસ્સો સમય લીધો. ચાહતે પણ આનાકાની કરી નહીં.

હોસ્ટેલમાં મલ્હાર રોજ સળગતો હતો. ક્યાંક ઉતાવળ તો નથી થઈ ગઈને ? એ સમજી શકી નહીં હોય તો ? એકસામટા ધસમસતા પૂર જેવા વિચારો તેને ઘેરી વળતા હતા. હોસ્ટેલમાં જ રહેતા અને પોતાની સાથે ભણતા મિતેશે જ્યારે તેને આવીને કહ્યું કે, ‘ચાહતનું સેટીંગ થઈ ગયું.’

તો મલ્હાર બળીને રાખ થઈ ગયો. કોની સાથે ? ક્યારે ? તેના પત્રનો જવાબ ? એ કોઈ બીજી છોકરીના બેગમાં તો…? ના, એવી ભૂલ તેણે નહોતી કરી. એ હોસ્ટેલના રૂમમાં પૂરાઈ ગયો અને રડવા લાગ્યો. બીજા દિવસે વહેલા કોલેજે જઈ તેણે ચાહતની સામે જ આ રહસ્ય પરથી પડદો હટાવવાનું નક્કી કરી લીધું.

બરાબર અગિયાર વાગ્યે તે કોલેજે પહોંચ્યો. બેગ મૂકવા માટે તે ક્લાસરૂમમાં પ્રવેશ કરવાનો જ હતો ત્યાં તેની આંખ આડે અંધારા છવાઈ ગયા. ધીમંત અને ચાહત એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. બીજા વિદ્યાર્થીઓ હજુ એક કલાક પછી આવવાના હતા. એ તકનો જ ભરપૂર લાભ ઉઠાવીને ધીમંત ચાહતના જોબનને ભરપૂર ચાહી રહ્યો હતો.  

ચાહત બેન્ચ પર હતી. તેની આંખો બંધ હતી. ધીમંત તેના ગળાને ચુમતો. ચાહત પણ તેને વળગીને અખૂટ પ્રેમ વરસાવી રહી હતી. બ્લુ કલરના ચાહતના ટોપની અંદર હાથ નાખવા માટે થનગની રહેલા ધીમંત માટે ચાહતે પોતે જ માર્ગ કરી આપ્યો અને ધીમંતે તેના મોટા વક્ષસ્થળ પર હાથ રાખી દીધો. એ હાથ ધીમે ધીમે ભીંસાતો જતો હતો. એક પછી એક પયોધરો પર દાવ અજમાવતો જતો હતો. અને ચાહત પોતાના અવાજ પર કાબુ કરતી જતી હતી. ધીમંતે ત્યાંથી હાથ હટાવી ચાહતના ચહેરાને પોતાના બંને હાથેથી પકડી લીધો અને હોઠ સાથે હોઠની રમત આદરી…

મલ્હાર બિલ્લી પગે ત્યાંથી સરકી ગયો.

કોલેજ પૂરી થઈ અને ધીમંત ચાહતના લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ. વિજ્ઞાનની શાખાને છોડીને આવેલો મલ્હાર હવે બંને બાજુથી પસ્તાઈ રહ્યો હતો. પત્રકારત્વમાં તેને બે હજારની નોકરી મળી ગઈ. બેમાંથી પાંચનો પગાર કરતાં તેની આંખો બાર થઈ ગઈ. તેણે લગ્ન પણ ન કર્યા. અને આજે.

આજે તેના હાથમાં સમાચારનો એક ટૂકડો હતો જે આવતીકાલે અખબારમાં છપાવાનો હતો. મલ્હારે ફરજ નિભાવવા તરફ હાથ લંબાવ્યા. ખુરશી પર નમીને કમરના ટચાકિયા ફોડ્યા. હાથને વાળીને કોમ્પ્યુટરના કિબોર્ડ પર રમાડવા લાગ્યો…..

‘‘શહેરમાં આજે ફરી એક વખત હત્યાનો બનાવ બન્યો છે. લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી ચાહત નામની મહિલાએ તેના પતિ ધીમંતને ઉપરાછાપરી છરીના પાંચ ઘા ઝીંકી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. પતિનું ઢીમ ઢાળી દીધા પછી પત્નીએ તેના શરીર માથે તેણે કોલેજ સમયે લખેલો પ્રેમનો કાગળ પણ મૂક્યો હતો. પોલીસે હાલ યુવતી, ચાકુ અને પ્રેમપત્રને પ્રમાણ રૂપે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે…. ’’

મલ્હારે માઉસને જોરથી દાબ્યું. તેની આંખોમાંથી આંસુ વહી આવ્યા. એ કિ-બોર્ડ પર ઢળી પડ્યો.

(શીર્ષક પંક્તિ – મરીઝ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments