Homeદે ઘુમા કેરાહુલ દ્રવિડ : हमको जिंदा छोड़ दिए...गलती किए!

રાહુલ દ્રવિડ : हमको जिंदा छोड़ दिए…गलती किए!

રાહુલ દ્રવિડ એ ખેલાડીઓમાંથી એક છે, જે ટીવી પર આવે તો ટીવી બંધ કરી દેવામાં આવતું, કારણ કે સ્ટ્રાઈક હવે રાહુલ દ્રવિડના હાથમાં રહેવાની હોય અને તે આઉટ પણ ન થાય. લોકો એકધારી પેપ્સીની એડ જોઈ એસિડનો ઘૂંટ ગળે ઉતારી લેતા, પણ દ્રવિડની ટેસ્ટની ટચૂક ટચૂક બેટીંગ નહીં. આ પ્રકારના દર્શકોએ એક કિમીયો કાઢેલો. પાંચ વાગ્યાની આસપાસ ટેસ્ટ સમાપ્ત થવાની હોય એવા સમયે ફરી ટીવી ચાલુ કરીને જુએ અને એક જ વાત બોલે, ‘એલા આ દ્રવિડ હજી આઉટ નથી થયો.’

દ્રવિડનો એક ખોફ હતો. ખોફ હોવો જોઈએ. ડરનું નામ દ્રવિડ છે. ટીમના તમામ બેટ્સમેન આઉટ થઈ જાય પણ દ્રવિડ ન થાય. વિરોધી ટીમના બોલરને એનો કોચ ડ્રેસિંગ રૂમમાં ખખડાવવો જોઈએ કે દ્રવિડ આઉટ કેમ નથી થતો! દ્રવિડના કાળખંડમાં આવું થતું હતું.

ટેસ્ટમાં ત્રીજા નંબરે જેને ક્રિકેટની પરિભાષામાં કહેવાય વન ડાઉન પર ઉતરતો દ્રવિડ જ્યારે મેદાન પર ચાલ્યો આવતો હોય ત્યારે તેના હાથમાં બેટ નહીં કોઈ તલવાર હોય એવું લાગતું. એ બોલને થાય એટલો જૂનો કરી નાખતો. ધીમે ધીમે રમી રમીને.

એક પતંગિયાને પાંખ ફૂટી જાય પણ દ્રવિડ રન ન બનાવે. માની લો કે દ્રવિડે પોતાની રનની ગતિને વધારી દીધી હોત તો અત્યારે ટેસ્ટમાં સર્વાધિક રનના મામલે દ્રવિડ સૌથી આગળ હોત. તો કદાચ દ્રવિડ પણ એ દ્રવિડ નહોત જેની આપણે પ્રશંસા કરીએ છીએ. મિર્ઝાપુર-2નો સંવાદ તેની સ્ટાઈલ માટે સૌથી પરફેક્ટ છે. જેને ઉપર હેડિંગમાં સ્થાન આપ્યું છે.

કોઈ બોલર દોડીને આવે છે. બોલ ફેંકે છે. દ્રવિડ કટ મારે છે. કેચ ચડી જાય છે પણ અનાયાસે પ્રતિદ્વંદી એ કેચ નથી પકડી શકતો. કેચ હાથમાંથી વછૂટી જાય છે. સામે ધડાધડ વિકેટ પડતી હોય અને આ તરફ દ્રવિડ ધીમે ધીમે રન કરી મનમાં ડાઈલોગ ફટકારતો હોય…

हमको जिंदा छोड़ दिए…गलती किए!

તો હવે ક્યાં સુધી મારે તમારી માથે દ્રવિડકથાના હથોડા મારવા. હવે દ્રવિડ પાસે જ જઈએ.

જ્યારે અંદરથી થાય કે મારે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ઈનિંગ્સનું લિસ્ટ બનાવવું છે તો તમારે દ્રવિડ પાસે ચાલ્યું જવું. દ્રવિડ એક એવી દુકાન છે જેની પાસે ‘સંકટમોચક’ ઈનિંગ્સનો ભરાવો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ગાવસ્કર-બોર્ડર ટ્રોફી. બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. રિકી પોંન્ટીગ સામેના છેડે ઓલરેડી ધબધબાટી મચાવી ચૂક્યો છે. સમગ્ર ભારતમાં નિરાશાના વાદળ ઘેરાઈ ચૂક્યા છે. ભારત હારના કાટખૂણે આવીને ઊભી છે. પ્રથમ ઈનિંગમાં તો એવું પ્રદર્શન કર્યું કે ભારતની ટીમ લાગતી જ નહોતી. પણ પછી રાહુલ દ્રવિડ અને લક્ષ્મણની જોડી ઉતરી. રામ-લક્ષ્મણની જોડી.

દ્રવિડે 353 બોલમાં 180 રન કર્યા. લક્ષ્મણ સાથે પાંચમી વિકેટ માટે 376 રનની ભાગીદારી નોંધવી. પરિણામ ? ભારત જીતી ગયું. ઓલ ક્રેડિટ ગોઝ ટુ દ્રવિડજી.

મિસ્ટર ડિપેંડેબલ અને ધ વોલના નામે મશહૂર એવા 11 જાન્યુઆરી 1973ના રોજ જન્મેલા દ્રવિડને દુનિયાનો સૌથી ઘાતક બેટ્સમેન માનવામાં આવે છે, જે ખીલો ગાળીને ઊભો રહી જાય તો કોઈ બોલરની તાકાત નથી કે એ ખીલાને ઉખાડી શકે. મદમસ્તકાયા ધરાવતુ બુલડોઝર દિવાલને પાડવા દૂરથી આવે અને જોરથી વિશાળ પાવડો મારે… પછી બુલડોઝર બોલે, ‘‘ભૈયા યે દિવાર તૂટતી ક્યો નહીં હૈ?’’ દ્રવિડ અને બોલરનો આવો સંબંધ રહ્યો છે.

2003માં તો ભારત હારવાનું જ હતું. દ્રવિડે વાત કરી તેમ ખીલો ગાળ્યો. તેના પર તંબુ ઊભું કર્યું અને ટેકો દઈ ઊભો રહી ગયો. આઉટ થવાનું નામ ન લે. 835 મિનિટ સુધી ક્રિઝ પર અડીખમ રહ્યો. ભારત જીતી ગયું.

રાવલપિંડીમાં 270 રન ફટકાર્યા. એ મેચ હું જોતો હતો અને મને વિરેન્દ્ર સહેવાગના 300ના સ્કોર પર ખતરો દેખાઈ રહ્યો હતો. રાહુલ દ્રવિડ હટવાનું નામ નહોતો લેતો. શોએબ અખ્તરની બોલમાં એક ખરાબ શોટ લાગી ગયો. અન્યથા પાકિસ્તાનની ધરતી પર બે ભારતીયો દ્વારા એક જ સિરીઝમાં ટ્રીપલ સેન્ચુરી લાગી જાત. હું એ વખતે ખૂબ નિરાશ થયો હતો. વાંધો નહીં. દ્રવિડની આ અફલાતુન ઈનિંગના કારણે ભારતને પાકિસ્તાનમાં જીત મળી ગઈ.

2006ની સાલ. પાકિસ્તાનની જ ટીમ. આ તો પાકિસ્તાન યાદ આવે એટલે વાતો કરીએ. વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડે 410 રનની ભાગીદારી નોંધાવી દીધી. સહેવાગના 254 રન હતા. દ્રવિડના 128 રન. જો દડાની તુલના કરવામાં આવે તો થકાવનારી મશીન રાહુલ દ્રવિડ જ હતો.

રાહુલ દ્રવિડની લાઈફમાંથી શીખવા જેવી વાત એ છે કે 1996માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે શરૂઆત કરી. એ ચાલ્યો જ નહીં. પણ જો હું નહીં કરી શકું આમ વિચારી બેસી ગયા હોત તો કોઈ દિવસ એક વોલ તરીકેનો દરજ્જો ન ભોગવેત.

ખૂદ શોએબ અખ્તર સ્વીકારે છે કે, હું સચિનની વિકેટ લેતો જેના કારણે હું સ્ટાર બની ગયો, રહી વાત રાહુલ દ્રવિડની તો તેણે તેની અંદર ડર પેદા કર્યો.

ઈડન ગાર્ડન્સમાં મેચ હતો. પ્રથમ ઈનિંગમાં રાહુલ દ્રવિડ વન ડાઉન પર ઉતર્યો. જે એમની દરેક ટેસ્ટમાં કાયમની જગ્યા રહી છે. બીજી ઈનિંગ આવતા રાહુલ દ્રવિડને ત્રીજા સ્થાનેથી ખસેડી છઠ્ઠા સ્થાને લાવી દીધા. મેદાન પર જ્યારે છઠ્ઠા ક્રમે બેટીંગ કરવા માટે રાહુલ ઉતર્યા ત્યારે સ્લેજિંગ શરૂ થઈ ગઈ. સ્લેજિંગના શબ્દો શું હતા ? ‘આમ કરતાં કરતાં ક્યાંક તારે બારમાં નંબર પર ન ઉતરવું પડે.’

રાહુલ આ કિસ્સાને યાદ કરતાં ખૂબ હસે છે. એ સમયે ભારતીય ટીમની કમાન સૌરવ ગાંગુલીના હાથમાં હતી અને સામે સ્ટીવ વો હતા.

2004ની સાલમાં મુલ્તાનમાં સચિન તેડુલકરે 194 રન કરી લીધા હતા. 200 રન કરવામાં હવે 6 જ બાકી. એક ઓવરમાં જ થઈ જવાના હતા. ત્યાં દ્રવિડે પવેલિયનમાંથી પારી ડિક્લેર કરી દીધી. સચિન તેડુલકર મેદાનમાં તો કંઈ ન બોલ્યા, પણ ડ્રેસિંગ રૂમમાં કોહરામ મચાવી દીધો. દ્રવિડને ગુસ્સામાં કહ્યું કે, મને એકલો છોડી દેવામાં આવે.

એ સમયે ભારતીય ટીમના કોચ જ્હોન રાઈટ હતા. ન્યૂઝિલેન્ડના પૂર્વ ખેલાડી. એમણે દ્રવિડની સાથે મળી તેડુલકરને ખૂબ મનાવ્યા. ક્રિકેટની ગલીઓમાં તો એવી પણ વાતો થાય છે, કે દ્રવિડે સચિનની માફી પણ માગી હતી. દ્રવિડ જ્યારે કેપ્ટનની રીતે યાદ આવે છે ત્યારે સચિનની પાકિસ્તાન સામેની 194 રનની ઈનિંગ યાદ આવ્યા વિના નથી રહેતી.

તેમની લવસ્ટોરી પણ જાણવા જેવી છે. એક સરળ લવ સ્ટોરી. દાદાની પ્રેમકથાની જેમ કોઈ ઉતાર-ચઢાવ નહીં. સચિનની જેમ વધારે રોમેન્ટીક અંદાજમાં શરૂ પણ નહોતી થઈ.

પત્નીનું નામ વિજેતા. વિજેતાના પિતા વિંગ કમાન્ડર હતા. દેશની અલગ અલગ જગ્યાએ તેમની ટ્રાન્સફર થતી રહેતી હતી. છેલ્લે ટ્રાન્સફર થઈ બેંગ્લોરમાં. ટ્રાન્સફર દરમિયાન તેઓ દ્રવિડના પરિવારના સંપર્કમાં આવ્યા. ધીમે ધીમે એ બંને મિત્ર બન્યા અને પછી પ્રેમ થયો. બેઉં મરાઠી ફેમિલીમાંથી આવતા હોવાથી પ્રેમના પરિપત્ર પર આસાનીથી મંજૂરી નામનો સિક્કો લાગી ગયો.

2003ના વિશ્વકપ પહેલા રાહુલ લગ્ન કરવા નહોતા માગતા. અંતે પરિવાર આગળ નતમસ્તક થતા રાહુલે સગાઈ કરી લીધી. 2003માં આફ્રિકા ખાતે વિજેતા રાહુલને ચીયર કરવા માટે પણ ગઈ હતી. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ગઈ અને પરત આવી 4 મે 2003ના રોજ તેમણે લગ્ન કરી લીધા.  

દ્રવિડે અંડર-19ની ફાઈનલમાં શું કર્યું હતું એ ઘણાને નથી ખબર. એમણે બધાના મોબાઈલ લઈ લીધા હતા. જેથી યુવા ખેલાડીઓ ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પરિણામ મળ્યું કે જીતી ગયા.

1998ની વાતને યાદ કરતાં દ્રવિડ કહે છે, ‘‘મારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં એક એવો સમય પણ આવ્યો કે જ્યારે હું ટીમમાં અસુરક્ષિત અનુભવ કરી રહ્યો હતો. 1998માં આંતરાષ્ટ્રીય વનડેમાંથી મને પડતો મૂકવામાં આવ્યો. જેના કારણે હું લગભગ એક વર્ષ સુધી ટીમમાંથી બહાર રહ્યો. મારે ટીમમાં પરત આવવા લડાઈ લડવી પડી. મને એવી અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો હતો કે, હું વનડેનો સારો ખેલાડી છું પણ કે નહીં.’’

દ્રવિડને ટેસ્ટ પ્લેયર તરીકે હંમેશાં યાદ કરવામાં આવે છે. દ્રવિડે તેના વિશે ખુલીને વાત કરતાં કહેલું, ‘‘હું હંમેશાંથી એક ટેસ્ટ પ્લેયર બનવા માગતો હતો. મારી કોચિંગ પણ એક ટેસ્ટ પ્લેયરની રીતે જ થઈ હતી. હંમેશાં મને કહેવામાં આવતું હતું કે શોટને ગ્રાઊન્ડ પર માર હવામાં નહીં. જે પછી મને ચિંતા સતાવી રહી હતી કે મારી અંદર વનડે ખેલાડી જેવી કોઈ સ્કિલ છે કે નહીં.’’

એક યુવા ખેલાડી તરીકે રાહુલ દ્રવિડને ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું અને જાળવી રાખવું એ ખૂબ મુશ્કેલ લાગતું હતું. રાહુલના મતે ત્યારે રણજી ટ્રોફી અને આંતરાષ્ટ્રીય ક્રિકેટ બે જ હતા. આઈપીએલ નહોતી. એ સમયે તો રણજીમાં એટલા પૈસા પણ નહોતો મળતા. કરિયરની બાબતમાં રાહુલ એકદમ સટીક હતો, એ ભણવામાં હોશિયાર હતો પણ ક્રિકેટના કારણે કોઈ દિવસ ધ્યાન ન આપી શક્યો. બાકી તો રાહુલ કહે છે, મેં સરળતાથી એમબીએ પાસ કરી લીધું હોત. રાહુલની આવી જ વાતો ચાબુકમાં કરતાં રહીશું. એ તો ચીનની દિવાલ કરતાં પણ મોટી દિવાલ છે!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments