Homeગામનાં ચોરેરાકેશ ટિકેતના આંસુએ માહોલ બદલાવી નાખ્યો

રાકેશ ટિકેતના આંસુએ માહોલ બદલાવી નાખ્યો

Team Chabuk-National Desk: ગઈકાલે લાગતું હતું કે તંત્ર શામ,દામ, દંડ, ભેદથી કોઈપણ કાળે આંદોલનકારી ખેડૂતોને હટાવીને જ શ્વાસ લેશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તંત્રને તમામ જિલ્લામાં આંદોલન સ્થળેથી ખેડૂતોને હટાવવાનો આદેશ પણ આપી દીધો હતો. પોલીસે આંદોલન સ્થળ પર ખેડૂતો સામે કાર્યવાહીના ભાગરૂપે નોટિસ પણ ચીપકાવી દીધી હતી. ગાઝીપુર બોર્ડર પર તો તંત્રએ વીજળી અને પાણીની સપ્લાય પણ બંધ કરી દીધી. જેથી ખેડૂતો પોતાનો સામાન લઈને ભાગવા લાગ્યા હતા. આંદોલન સ્થળ પર ખેડૂતોની સંખ્યા ઘટવા લાગી પરંતુ મોડી રાત સુધીમાં માહોલ બદલાય ગયો. ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો ફરી પરત ફરી રહ્યા છે. રાકેશ ટિકેતની ભાવુક અપીલ બાદ આખો માહોલ બદલાય ગયો. ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકેતના સમર્થનમાં ખેડૂતો એકઠાં થવા લાગ્યા છે.

બોર્ડર પર રાત્રે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો તે પણ હવે દૂર કરી દેવાયો છે. ગાઝીપુર બોર્ડર પરથી પોલીસ બંદોબસ્ત પણ દૂર કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોએ આખી રાત ગાઝીપુર બોર્ડર પર જ વીતાવી હતી. હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો ગાઝીપુર બોર્ડર તરફ આવતા નજરે પડી રહ્યા છે.

રાકેશ ટિકેતના ગામમાં આજે મહાપંચાયત

26 જાન્યુઆરીએ દિલ્હીમાં મચેલી અફરાતફરી બાદ કેટલાક ખેડૂત સંગઠનોએ આંદોલન પૂરું કરવાનું નક્કી કરી લીધું હતું. લાગતું હતું કે આંદોલન બેરંગ બની રહ્યું છે પરંતુ 28 જાન્યુઆરીએ રાકેશ ટિકેતે મીડિયા સાથેની વાતચીતમાં રડતાં રડતાં સરકાર પર જે આરોપ લગાવ્યા અને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી તેણે આખો માહોલ બદલી નાખ્યો. આ તરફ રાકેશ ટિકેતના મોટા ભાઈ નરેશ ટિકેતે ટ્વિટ કરીને કહ્યું કે, રાકેશ ટિકેતના આ આંસુ વ્યર્થ નહીં જાય. સવારે મહાપંચાયત થશે અને અમે આ આંદોલનને નિર્ણાયક સ્થિતિ સુધી પહોંચાડીને જ શ્વાસ લઈશું.

વિપક્ષનું સમર્થન

આ તરફ રાકેશ ટિકેત અને ખેડૂત આંદોલનના સમર્થનમાં વિપક્ષ પણ ઉતર્યું છે. કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે પણ ટ્વિટ કરીને ખેડૂતોને આંદોલન સ્થળે મોટી સંખ્યામાં પહોંચવા અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીના સંજય સિંહે પણ ટ્વિટ કરીને લખ્યું કે, ‘રાકેશ ટિકેત સાથે ફોન પર વાત કરી છે અને અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે છે. ટિકેતજીએ કહ્યું હતું કે, ખેડૂતો સાથે સરકારે દગો કર્યો છે, ખેડૂતો પર હુમલો કરવાનું ષડયંત્ર છે, તંત્રએ પાણી બંધ કરી દીધું છે, શૌચાલય પણ હટાવી દીધા છે, સરકારની તાનાશાહી સામે સંસદમાં આમ આદમી પાર્ટી ખેડૂતોનો મુદ્દો ઉઠાવશે.’

રાહુલ ગાંધીએ પણ ગઈકાલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, એક સાઈડ પસંદ કરવાનો સમય છે. મારો નિર્ણય સ્પષ્ટ છે. હું લોકતંત્રની સાથે છું, હું ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ આંદોલનની સાથે છું.

રાકેશ ટિકેતે શું કહ્યું હતું

ગઈકાલે ગાઝીપુર બોર્ડર પર તંત્ર અને રાકેશ ટિકેત વચ્ચેની વાર્તા નિષ્ફળ ગયા બાદ રાકેશ ટિકેતે ભાજપ અને તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. રાકેશ ટિકેતે કહ્યું હતું કે, ‘આંદોલન ચાલુ જ રહેશે.’ મીડિયા સામે વાતચીત દરમિયાન રડતાં રડતાં ટિકેતે કહ્યું કે, ‘જો ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ.’ તેમણે કહ્યું હતું કે, ‘હું ખેડૂતોને બરબાદ  થવા નહીં દઉં. ખેડૂતોને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અત્યાચાર થઈ રહ્યો છે. અને જો મને કંઈ પણ થયું તો તેની જવાબદારી તંત્રની રહેશે.’

હાલ બોર્ડર પરનો માહોલ જોતા લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશની સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. ખેડૂતોમાં ફરીથી જોમ ભરાવા લાગ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પરત ફરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments