Homeવિશેષસિંહાસન બત્રીસી : પદ્માવતીની વિક્રમ અને રાક્ષસ વચ્ચેના યુદ્ધની વાર્તા

સિંહાસન બત્રીસી : પદ્માવતીની વિક્રમ અને રાક્ષસ વચ્ચેના યુદ્ધની વાર્તા

Team Chabuk : બારમી પુતળી પદ્માવતીએ રાજા ભોજને વીર વિક્રમાદિત્યના અદભુત શૌર્ય અને પરાક્રમની વાર્તા સંભળાવી.

રાતના સમયે રાજા વિક્રમાદિત્ય મહેલની છત પર બેઠા હતા. વાતાવરણ ખૂબ જ સુંદર હતું. પૂર્ણકળાએ ખીલેલો ચંદ્ર અને આકાશ સાફ સાફ દેખાઈ રહ્યું હતું. લાગતું હતું જાણે દિવસ હોય. પ્રકૃતિની સુંદરતામાં રાજા એકદમ ખોવાયેલા હતા.

એકાએક એ ચોંકી ગયા. કોઈ સ્ત્રીનો અવાજ હતો. તેમણે સ્ત્રીના અવાજની દિશાનું અનુમાન લગાવ્યું. સતત કોઈ સ્ત્રી રાડો પાડીને મદદ માટે બોલાવી રહી હતી. એ સ્ત્રીની મદદ કરવા માટે વિક્રમે તલવાર અને ઢાલ કાઢી. તબેલામાંથી ઘોડો લઈ સ્ત્રીના અવાજની દિશામાં નીકળી પડ્યા. થોડાં જ સમયમાં વિક્રમાદિત્ય એ સ્થાન પર પહોંચી ગયા.

તેમણે જોયું કે એક સ્ત્રી બચાવ બચાવ કરતી ભાગી રહી હતી અને તેની પાછળ વિકરાળ દાનવ પડ્યો હતો. વિક્રમ ઘોડા પરથી તુરંત નીચે ઉતર્યા. એ સ્ત્રી વિક્રમના પગે પડી ગઈ અને વિનંતી કરવા લાગી. વિક્રમાદિત્યએ તેને ખભેથી પકડી ઊંચી કરી અને તેને બહેન તરીકે સંબોધિત કરી.

વિક્રમ સ્ત્રીને દિલાસો આપી રહ્યા હતા તો સામે ઊભેલો રાક્ષસ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. રાક્ષસે વિક્રમને કહ્યું, ‘તારા જેવો એક સામાન્ય માણસ મારું કંઈ નહિ બગાડી શકે. થોડી જ ક્ષણોમાં હું જાનવરની જેમ તને ફાડીને ખાઈ જઈશ.’

આટલું બોલી તે વિક્રમ તરફ આવ્યો.

વિક્રમે તેને ચેતવણી આપતા લલકાર્યો. રાક્ષસે વિક્રમની ચેતવણીનો ઉપહાસ કર્યો. તેને લાગી રહ્યું હતું કે વિક્રમ તેની સામે ક્ષણિકવારનો જ મહેમાન છે. એ વિક્રમ તરફ વધી રહ્યો હતો. નજીક આવ્યો ત્યાં જ વિક્રમે તલવાર કાઢી તેના પર વીંઝી દીધી. રાક્ષસ પણ અત્યંત સ્ફુર્તિલો હતો.

તેણે દાવ બદલી નાખ્યો અને બચી ગયો. બંનેમાં ઘમાસાણ યુદ્ધ થવા લાગ્યું. વિક્રમે એટલી સ્ફૂર્તિ અને ચતુરાઈથી યુદ્ધ કર્યું કે રાક્ષસ થાકીને હતાશ થઈ ગયો ને શિથીલ બની પડી ગયો. વિક્રમે અવસરનો પૂરો લાભ ઉઠાવ્યો અને તલવારથી રાક્ષસનું માથું ધડથી અલગ કરી નાખ્યું.

વિક્રમે તો સમજ્યું કે રાક્ષસનો અંત થઈ ચૂક્યો છે. ત્યાં બીજી જ ક્ષણે રાક્ષસનું કપાયેલું માથું તેની જગ્યાએ લાગી ગયું અને તે ફરી પૂરી સ્વસ્થતા સાથે ઊભો થઈ ગયો. એના સિવાય મોટી સમસ્યા એ સર્જાઈ કે જ્યાં તેનું લોહી પડ્યું હતું ત્યાંથી એક બીજો રાક્ષસ ઊભો થઈ ગયો.

રાજા વિક્રમાદિત્ય તો થોડી વાર માટે ચકિત્ત થઈ ગયા, પણ વિચલિત થયા વિના એક સાથે બંને રાક્ષસનો સામનો કરવા લાગ્યા. લોહીમાંથી પેદા થયેલા રાક્ષસે તકનો લાભ લઈ તેમના શરીર પર પ્રહાર કર્યો તો વિક્રમાદિત્યએ દાવ બદલી નાખતા તેનો હાથ અને તેનો એક પગ કાપી નાખ્યો. રાક્ષસ અસહ્ય પીડાથી ચિત્કારી ઉઠ્યો. તેના અવાજથી આખું વન ભરાઈ ગયું. તેને પીડાથી કણસતો જોઈને રાક્ષસનું ધૈર્યં જવાબ આપી ગયું અને તે જીવ બચાવીને નાસી ગયો.

તેણે પીઠ બતાવી હતી એટલે વિક્રમાદિત્યએ તેને મારવું યોગ્ય ન સમજ્યું. રાક્ષસને પલાયન કર્યા પછી વિક્રમ તે સ્ત્રી પાસે આવ્યો. એ ધ્રૂજી રહી હતી. વિક્રમે તેને આશ્વાસન અપાવ્યું કે રાક્ષસ ભાગી ગયો છે. હવે ભયભીત ન થા.

તેમણે તેને મહેલ આવવાનું કહ્યું જ્યાંથી તે સ્ત્રીને તેના મા-બાપ પાસે પહોંચાડી દે. તેણે વિક્રમાદિત્યને કહ્યું, ‘મહારાજા, સમસ્યા હજુ પૂર્ણ રૂપથી સમાપ્ત નથી થઈ. રાક્ષસ હજુ જીવંત છે. એ પરત ફરશે અને તેને આ જ સ્થાન પર લઈ આવશે.’

‘તું છો કોણ બહેન ?’ વિક્રમે તેનો પરિચય જાણવા માગ્યો.

‘હું અભાગણી સિંહલદ્રીપની રહેનારી છું અને એક બ્રાહ્મણની પુત્રી છું. એક દિવસ હું મારી બહેનપણીઓ સાથે તળાવમાં સ્નાન કરી રહી હતી. એ સમયે જ રાક્ષસે મને જોઈ અને મારા પર મોહિત થઈ ગયો. ત્યાંથી જ તે મને અહીં ઉઠાવી લાવ્યો અને હવે કહે છે કે તું મારો પતિ તરીકે સ્વીકાર કર. મેં નિશ્ચય કર્યો છે કે હું મારો જીવ આપી દઈશ પણ મારી પવિત્રતા નષ્ટ નહિ થવા દઉં.’ બ્રાહ્મણની પુત્રીનું ગળું ભરાઈ ગયું અને તે રડવા માંડી.

વિક્રમે તેને કહ્યું, ‘બહેન જો તારી આ જ સમસ્યા છે તો રાક્ષસનો વધ કરીને હું તારી સમસ્યાનો જ અંત કરી નાખીશ. પણ આ રાક્ષસ પુન:જીવિત શા માટે થઈ જાય છે.’

‘રાક્ષસના પેટમાં એક મોહિની વાસ કરે છે. જે મરતાં જ તેના મોંઢામાં અમૃત નાખી દે છે. તેને તો એ જીવિત કરી શકે છે પણ તેના લોહીમાંથી ઉત્પન્ન થનારા રાક્ષસને નહિ. એ રાક્ષસો મૃત્યુ પામે છે. નમૂનો તમારી સામે જ છે.’ બ્રાહ્મણ પુત્રીએ રક્તમાંથી પેદા થયેલા અને વિક્રમની તલવારથી મોતને ભેટેલા રાક્ષસની સામે આંગળી ચીંધતા કહ્યું.

વિક્રમે કહ્યું, ‘તો ઠીક છે. હું રાક્ષસનો વધ કર્યા સિવાય મહેલમાં પરત નહિ ફરું. ભલે ગમે એટલી પ્રતીક્ષા કરવી પડે. બસ, તું મોહિની વિશે શું શું જાણે છે એ મને કહી દે.’

જવાબમાં બ્રાહ્મણ પુત્રીએ ગરદન હલાવીને ના પાડી દીધી. બે બે રાક્ષસો સાથે યુદ્ધ કર્યા બાદ વિક્રમાદિત્ય વિશ્રામ કરવા માટે વૃક્ષની છાયા પાસે ગયા. એટલામાં એક સિંહ તેમના પર કૂદી પડ્યો.

વિક્રમ સતર્ક નહોતો. સિંહ થકી તેમના ખભાને ઈજા પહોંચી. બીજી વખત સિંહ વિક્રમ પર ત્રાપ મારવાનો હતો પણ વિક્રમે સમયસૂચકતા વાપરી સિંહના બંને પગ પકડી તેને ગોળ ઘુમાવી દૂર ફેંકી દીધો. સિંહ જ્યાં પડ્યો ત્યાં તેણે જોરથી ગર્જના કરી અને પછી રાક્ષસનું રૂપ ધારણ કરી લીધું. વિક્રમને સમજાઈ ગયું કે રાક્ષસ તેને છળથી હરાવવા માગે છે.

રાક્ષસ અને વિક્રમ સામ સામે આવ્યા અને ફરી યુદ્ધ શરૂ થઈ ગયું. રાક્ષસના યુદ્ધ કરતા કરતા શ્વાસ ફુલવા લાગ્યા તો વિક્રમાદિત્યએ તલવાર તેના પેટમાં નાખી દીધી. એ પછી વિક્રમે તલવારથી તેનું પેટ ફાડી નાખ્યું. પેટ ફાટતા જ અંદરથી મોહિની બહાર આવી અને અમૃત લાવવા દોડી. વિક્રમે તુરંત બંને વેતાલનું સ્મરણ કર્યું અને મોહિનીને પકડવાનો આદેશ આપ્યો.

અમૃત ન મળવાના કારણે રાક્ષસનું મોત થઈ ગયું. મોહિનીએ પોતાના વિશે વિક્રમાદિત્યને કહ્યું, ‘હું શિવની ગણિકા હતી. જેને એક ભૂલની સજા માટે રાક્ષસની સેવિકા બનવું પડ્યું.’

મહેલ પરત ફરીને વિક્રમે બ્રાહ્મણ કન્યાને તેના માતા પિતાને સોંપી દીધી અને મોહિની સાથે ખૂદ વિધિવત વિવાહ કરી લીધા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments