ગૂગલ કેટલા મૂંઝવણમાં મુકે છે. એક સવાલનાં તેની પાસે અઢળક જવાબ હોય છે. ક્વોરામાં તો જવાબની જગ્યાએ લોકો મત પણ વ્યક્ત કરતાં હોય છે. ચાબુકનો વિશેષ વિભાગ એટલા માટે જ છે. તમારે કોઈ સવાલ પુછવો છે, મગજ દોડાવીને પૂછો અને અમે સંશોધન કરી જવાબ શોધવાની કોશિશ કરીશું. અમારો હેતુ એટલો જ કે અમારા જવાબથી તમે ખુશ થાઓ. તમને આત્મસંતોષ થાય. તમને કાઠિયાવાડી ભાણું જમાડ્યાનો અમને આનંદ થાય. કહેવાનું એટલું કે તમને ઓડકાર આવે ખોટે ખોટો ગેસ ન થાય.
આજનો સવાલ પૂછ્યો છે માહિતી ખાતામાં નોકરી કરતાં જીતેન્દ્ર ભાઈ નિમાવતે. મૂળ વેરાવળના છે અને હાલ પોરબંદરમાં નોકરી કરે છે. સવાલ છે રામસે બ્રધર્સ વિશે જણાવો ?
હોરર સિનેમાનાં ઈતિહાસને વાગોળતા આપણે એ રેખાની નજીક આવીને ઊભા છીએ કે 90 ટકા દર્શક થીએટરમાં હોરર ફિલ્મ જોઈ ડરતી નથી. ઉલટાનું ખડખડાટ હસે છે. વિદેશી ફિલ્મોની સાપેક્ષે ભારતીય હોરર ફિલ્મો હાથી સામે કિડીનું વિશેષણ લાગે. ઉપરથી નેટફ્લિક્સ જેવી સિરીઝનો તો ધંધો જ હોરરના કારણે ઉપડી હાલેલો. પણ આજથી 30 વર્ષ પહેલાં જઈએ તો તમને ખ્યાલ હશે જીતેન્દ્રભાઈ કે તમે અને હું ડરતા હતા. 2002માં ઝી સિનેમા પર સાંજના છ વાગ્યે આવતી રામસે બ્રધર્સની ફિલ્મોએ એક સામટી તીડ જેટલું માણસના મગજ પર આક્રમણ કરેલું. હોરરનો ધંધો ભારતમાં ફુલ્યો, ફાલ્યો, વિકસ્યો તેનું કારણ રામસે બ્રધર્સ જ છે. આહટ, શશશશ કોઈ હૈ જેવી બેઠી ઘાટની સિરીયલો જૂનાગઢ ભાંગતા માણાવદર મફતમાં મળી ગયું તેમ સોને પે સુહાગા થઈ આવી ગઈ. રામસે બ્રધર્સના જ Zee Horror Showના કારણે જ વધારે ડરાવતું ભૂત પ્રગટ થશે એ આશાએ આ સિરીયલો દર્શકોમાં જોવાતી ગઈ.
ભારતીય સિનેમાના ઈતિહાસને તપાસીએ તો 1949માં આવેલી કમલ અમરોહીની મહેલ પ્રથમ હોરર ફિલ્મ છે. પણ તેને હું તો હોરર ગણતો જ નથી. તમે પણ મારી સાથે સહમત હશો. મારી કે તમારી હોરરની શરુઆત રામસે બ્રધર્સથી જ થાય છે. કુલ સાત ભાઈઓ હતા. ઘાતકમાં કાતિયાને હતા તેમ સાત ભાઈઓ. જીતેન્દ્ર ભાઈ સાતે સાથે ભેગા થઈ બધાને ડરાવતા હતા. રાજકુમાર સંતોષીનાં ભેજામાંથી ઘાતકનો ક્લાસિક સંવાદ આ કારણે આવ્યો હોય તો નવાઈ નહીં.
સાતે ભાઈઓ ફિલ્મ મેકિંગના એક એક પાસાને પકડીને બેસી ગયેલા. કુમાર પટકથા લખે, ગંગુભાઈ કેમેરા અને સિનેમેટોગ્રાફી કરે, કેશુભાઈ પ્રોડક્શન કરે, તો કિરણભાઈ ધ્વનિનો વિભાગ સંભાળે. વધ્યા બે ભાઈ તુલસી અને શ્યામ, તો આ બંન્ને ભેગા થઈ ફિલ્મોનું દિગ્દર્શન કરતાં હતા. છ ભાઈનો ધંધો ફિટ બેસી ગયો, બાકી રહ્યાં ભાઈ અર્જુન, તો એ ફિલ્મ એડિટીંગનું કામ કરવા લાગ્યા. હિન્દી સિનેમાનું કોઈ એક કુટુંબ એક જ પ્રકારની ફિલ્મો બનાવતું હોય, તો તેમાં રામસે કુટુંબને ગણવું પડે.
આઝાદી પહેલાની વાત છે. ભારત-પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. ફતેહચંદ નામના એક ભાઈ કરાંચીમાં બલ્બ વેચવાની દુકાન ચલાવતા હતા. થેન્કસ ટુ થોમસ આલ્વા એડિસન. બાકી રામસે બ્રધર્સ તમને કે મને કોઈ દિવસ જોવા ન મળેત. ફતેહચંદ ભાઈના મોટાભાગના ગ્રાહકો બ્રિટીશર હતાં. ભારતનાં સામાન્ય વર્ગની સ્થિતિ બલ્બ ખરીદવા જેટલી પણ ન હતી. બ્રિટીશરો હોશે હોશે આવતા હતા, પણ ફતેચંદની દુકાનની બહાર જે બોર્ડ હતો તેને વાંચી ન હતા શકતા. જેથી કોઈ બ્રિટીશર જ્યારે પણ બલ્બ કે વિજળીનો સામાન લેવા માટે આવતો ત્યારે જીભને થોડી વાળીને બોલતો, ‘રામસે…’ તમે લગાન ફિલ્મના એન્ડ્રૂ રસેલને યાદ કરો…. તમારા મનનું સમાધાન થઈ જશે. ‘ફીને ખો ફાની નહીં હોગા, ખાને ખો રોટી નહીં હોગા.’
ફતેહચંદની દુકાનની બહાર લખેલું હતું રામસિંધાની. જેને તેમણે હટાવી દીધું અને અંગ્રેજોની જીભને સલામતીની અનુભૂતિ કરાવતું નામ રામસે રાખી દીધું. રામસિંધાનીની જગ્યાએ રામસે નામ કરતાં જ અંગ્રેજોની દુકાન ખાલી થઈ ગઈ. દેશ આઝાદ થઈ ગયો. ફતેહચંદની ગઢકાય દુકાનના કાંગરા ખરવા માંડ્યા. ભાગલાનો જેમ તેમ સામનો કરી ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં તેમણે પગ મુક્યો. જેને એ સમયે સપનાઓનું શહેર નહોતું કહેવાતું. પણ જીતેન્દ્ર ભાઈ સપના કોઈ શહેરના નથી હોતા, એ તો માણસના હોય છે.
મુંબઈમાં અપ્સરા સિનેમાની સામે ઈલેક્ટ્રોનિકની દુકાન નાખી દીધી. હવે કુટુંબ મર્ફી રેડિયોનો ધંધો કરતો હતો. અનુરાગ બાસુની બરફી ફિલ્મને યાદ કરી લેજો. થોડાં આનંદિત થઈ જશો. પણ રેડિયો ત્યારે વેચાતા નહોતા અને અત્યારે સંભળાતા નથી. ફતેહતંદભાઈએ નજીકમાં ચાલતા ધંધા પર દુરદ્રષ્ટી કરતાં, તેમના ચહેરા પર ક્લોઝઅપની જાહેરાત જેવું હાસ્ય આવી ગયું. એ ધંધો હતો સિનેમાનો. શરૂ થયાને થોડો જ સમય થયો હતો. ફતેહચંદ ઘુસી ગયા પ્રોડક્શન વિભાગમાં. એ ધંધો અત્યારે જેટલો ચાલે છે તેટલો ત્યારે ચાલતો નહીં.
1954માં આવેલી ફિલ્મ શહીદ-એ-આઝમ ભગતસિંહ તેમની પ્રોડ્યુસર તરીકે પ્રથમ ફિલ્મ હતી. પણ સફળ ફિલ્મ બની 1963માં આવેલી રુસ્તમ સોહરાબ. 1970માં ત્રીજી ફિલ્મ એક નન્હી મુન્ની સી લકડી આવી અને તેની હાલત તે બાળકી જેવી જ થઈ. ફતેહચંદની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. જીતેન્દ્રભાઈ અનુરાગ કશ્યપની બોમ્બે વેલવેટ જેવી.
હવે દીકરા શ્યામ અને તુલસી પણ ફિલ્મ લાઈનમાં જોડાયા હતા. બાપુજીની ઈચ્છા હતી કે દીકરા આના કરતા કરાંચીમાં ચાલતી ઈલેક્ટ્રીકની દુકાન જેવી દુકાન ખોલે, પણ હવે દીકરાઓને એ ગમતું નહીં. શ્યામ અને તુલસી ફિલ્મ બની ગયા પછી ચોરી છૂપે થીએટરમાં લોકોના રિએક્શન જાણવા માટે જતા, જ્યાં કેટલીક વખત ગાળો સાંભળી ઉદાસ થઈ ઘરે આવી જતા. પિતાજીએ જે છેલ્લી ફિલ્મ એક નન્હી મુન્ની સી લડકીમાં ધબડકો વાળેલો એ જોવા આ બંન્ને ભાઈ થીએટરમાં ગયા. ચોરીના એક સીનમાં પૃથ્વીરાજ કપૂર ભૂતિયા જેવા લાગતા પહેરવેશમાં ઊંચા બુટ પહેરી સંગ્રહાલયમાં દાખલ થાય છે. પોલીસ તેમના પર ગોળીઓ છોડે છે પણ તેમને કંઈ નથી થતું. એ સમયે પણ સોલમાન ભાઈ ફેન્સ હતા, હું તમને શું કહું ? જીતેન્દ્રભાઈ આ પ્રકારના ફેન્સ છાશવારે ઉત્પન્ન થતા રહે છે. એમાંથી કેટલાંક ચોમાસાનાં પાંખવાળા મંકોડા જેવા હોય છે !
તુલસી અને શ્યામે જોયું કે થીએટરમાં કેટલાક લોકો પૃથ્વીરાજ કપૂરના પહેરવેશથી ડરી ગયા, ઘણા સીટીઓ પાડવા લાગ્યા. બંન્ને ભાઈઓના મનમાં પીટ્યુટરી જેટલી મજબૂત ગ્રંથી બંધાઈ ગઈ કે આ જ તો એ વસ્તુ છે, જે અમે કરવા માંગીએ છીએ. લોકોને સલમાન નિતંબ હલાવે તેમાં મઝા આવે અને પ્રોડ્યુસર 100 કરોડ કમાઈ જાય તો વારંવાર આવું દર્શાવવામાં કંઈ ખોટું નથી. પૈસો જ તો પરમેશ્વર છે.
ઘરે જઈ બાપુજીને હોરરનો ધંધો ખોલવાનું કહ્યું. હવે બાપુજી માને નહીં. છેલ્લી ફિલ્મના જે હાલ થયા હતા તે પછી તેમનો સિનેમાદેવ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પણ દરેક બાપ છેલ્લે પુત્રની ઈચ્છા આગળ નમતું જોખે, તેમ ફતેહચંદ ભાઈ પણ નમી ગયા. જીતેન્દ્રભાઈ તમને કંટાળો નહીં આવ્યો હોય તેવી આશા રાખી શકું. જો કે તમારું નામ થોડી થોડી વારે આવતું હશે એટલે મઝા તો આવતી જ હશે.
બાપુજી માની ગયા એટલે પ્રથમ ફિલ્મ બનાવવાની તૈયારી કરી નાખી. સેટ બનાવવાની જગ્યાએ રિયલ લોકેશન પર શૂટ કરવાનું મેકર્સે મન બનાવી લીધું. 15 લોકોની ટીમ કામને પાર પાડવા માટે મહાબળેશ્વરમાં પહોંચી. હોટલનું ભાડું એક દિવસના 500 રૂપિયા હતું. ગામના સ્થાનિક લોકોને મનાવવામાં આવ્યા અને એક પાદરીને પણ. ફિલ્મની એક સીકવન્સનું શૂટિંગ કરવા માટે એક કબ્રસ્તાનમાં પાદરીની હાજરીમાં ખાડો ખોદવામાં આવ્યો. ખાડો ખોદતા સમયે એક માણસ નીકળ્યો. તેને કોઈએ હમણાં જ દાટ્યો હતો. તેનું અડધું શરીર કિડાઓથી ખદબદતું હતું. આ જોઈ લોકો ક્રૂ મેમ્બર્સને મારવા માટે લાકડીઓ લેવા ગયા. જલદીથી રામસે બ્રધર્સની ટીમ મહાબળેશ્વર છોડી ભાગી ગઈ. નહીંતર ત્યાં જ દફન થવાનો વારો આવી જાત. આ ફિલ્મે બાદમાં ઈન્ડિયન બોક્સઓફિસ પર ઝંડા લહેરાવી દીધા જેનું નામ દો ગઝ જમીન કે નીચે. રિયલ લોકેશન પર શૂટ થઈ હોવાથી આજે પણ તેના કેટલાક સીન્સ, છાતીના પાટીયા બેસાડી દેવાની અપાર શક્તિ ધરાવે છે.
સુપર 30વાળા આનંદ કુમાર જે કરતાં, અને કરે છે, તે જ રામસે બ્રધર્સ કરતાં. ઘરની મહિલાઓ ભોજન બનાવતી. નવા કલાકારોને પસંદ કરવામાં આવતા જેથી બજેટના ખર્ચને પહોંચી વળાય. તુલસી રામસેએ વર્ષો બાદ એક હકીકત સામે રાખી દીધી. કહ્યું કે, ‘મોટા સ્ટાર્સ ખૂબ પૈસા માગે અને તેમનામાં અહમ ખૂબ હોય જેથી તેમની સાથે અમે કામ જ કરતાં નહીં.’
તેઓ ફિલ્મમાં પણ એવા લોકોની જ પસંદગી કરતાં હતા જેઓ ચહેરાથી ભૂત જ લાગે. જીતેન્દ્રભાઈ તમે તો સૌરાષ્ટ્રનાં છો અને આપણે ત્યાં મજાકમાં લોકો કહેતા હોય છે, ‘આ તો જો ભૂત જેવો લાગે.’ આ ભૂત જેવામાં જ અનિરૂદ્ધ અગ્રવાલ જેનું ક્રેડિટ સીનમાં અજય અગ્રવાલ નામ આવે છે તે મળી ગયો. તેની ઊંચાઈ 6 ફૂટ 5 ઈંચ હતી. કેન અને અંડરટેકર ભાઈ છે આવું માની લેનારી જનતાએ જ તેને સાત ફૂટનો ઘોષિત કરી દીધો હતો. 2018માં તુલસી અને 2019માં શ્યામ રામસેનું નિધન થઈ ગયું. આજે યુટ્યુબ પર લો ક્વોલિટીમાં તેમની ફિલ્મો ઉપલબ્ધ છે. 2019ની શરૂઆતમાં મને ફરી એક વખત રામસેના ફિલ્મી યુગની મુલાકાત લેવાનું મન થઈ ગયેલું. મેં બધી જોયેલી !! જીતેન્દ્રભાઈ આશા રાખીએ ચાબુકે આપેલા આપના સવાલના જવાબથી તમને મૌજ આવી હશે.