Team Chabuk-National Desk: રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં શુક્રવારની સાંજે રણથંભૌર નેશનલ પાર્કની નજીકના ભેરુપુરા રસ્તા પર એક વાઘે બાઈક સવાર પર અચાનક હુમલો કરી દીધો હતો. માહિતી મળી રહી છે કે લાંબા સમયથી વાઘ રસ્તા ઉપર આટાફેરા મારી રહ્યો હતો. તેને જોઈને અસંખ્ય લોકો એકઠા થયા હતા.
એવામાં અચાનકથી એક બાઈક સવારે રસ્તામાંથી નીકળવાનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કર્યો હતો. પણ તે અનિયંત્રિત થઈને બાઈકમાંથી નીચે ગબડી પડ્યો હતો. બાઈકમાંથી જેવો પડ્યો એ ભેગા તરાપ મારવા માટે તૈયાર બેઠેલા વાઘે તેના પર હુમલો કરી દીધો. વાઘ એનો હાથ જ ચાવી ગયો. આ જોઈ આસપાસ રહેલા લોકોના શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું હતું. વાઘ હિંસક હોય છે પણ તેનું હિંસક સ્વરૂપ ઘણાએ પહેલી વખત જોયું હતું. બાદમાં ત્યાં ઊભેલા લોકોએ હિંમત કરી રાડારાડી મચાવતા વાઘને ત્યાંથી ભાગવું પડ્યું હતું. નહીં તો આજ યુવક વાઘના પેટમાં હોત.
સ્થાનિક લોકોએ આ અંગેની સૂચના વન વિભાગને આપી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી વન વિભાગની ટીમે ઘાયલ બાઈક સવારને હોસ્પિટલ ખસેડ્યો હતો. ડોક્ટરોએ માહિતી આપી છે કે યુવકનો ઈલાજ ચાલી રહ્યો છે. બીજી તરફ વન વિભાગની ટીમ માણસનું લોહી ચાખી ચૂકેલા આ વાઘને ટ્રેક કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.
જણાવી દઈએ કે રણથંભૌર નેશનલ પાર્ક પર આ રીતે માનવી પર હુમલો થવાની ઘટના કંઈ પહેલી વખત નથી. ગત વર્ષે આવી જ એક ઘટના બની હતી. જ્યાં એક વાઘે બકરી ચરાવી રહેલા સ્થાનિક પર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પૂર્વે એક વાઘે ટાઈગર ટ્રેકિંગ કરનારા વોલિન્ટિયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ કોઈ રીતે બચી નીકળ્યો હતો.
રણથંભૌર નેશનલ પાર્કની ખંડાર રેન્જના બાલેર વિસ્તારમાં, નેશનલ પાર્કની સીમાની પાસે પપ્પુ લાલ ગુર્જર જ્યારે બકરી ચરાવી રહ્યો હતો ત્યારે ઝાડીઓમાં છૂપાયેલા એક વાઘે હુમલો કરી દીધો હતો. જોતજોતામાં તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આસપાસ કામ કરી રહેલા લોકોએ ગમે તેમ હોહો કરી તેને ત્યાંથી ભગાડ્યો હતો. જોકે ત્યાં સુધીમાં વાઘે પોતાનું કામ આટોપી લીધું હતું.