Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના પ્રવાસ પર ગઈ હતી. જ્યાં તેમને 3 વનડે અને પાંચ ટી ટ્વેન્ટી મેચ રમવાના હતા. જોકે ન્યૂઝીલેન્ડે સુરક્ષા કારણોને આગળ ધરતા પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો હતો. ન્યૂઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે આ નિર્ણય રાવલપિંડીમાં પ્રથમ વનડે શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલા જ લીધો હતો. ન્યૂઝીલેન્ડે લીધેલા આ નિર્ણયના પડઘા હજુ શાંત નહોતા થયા ત્યાં તો ઈંગ્લેન્ડે પણ આવનારો પ્રવાસ રદ કરી પાકિસ્તાન પર બીજો પ્રહાર કરી દીધો. હજુ તેની ચર્ચાઓ થયા રાખે છે. જોકે આ સિવાય એક ચર્ચા બિરયાનીની પણ થઈ રહી છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ખેલાડીઓની સુરક્ષામાં લાગેલી હાઈ સિક્યોરિટી ટીમના ભોજન પર જ 28 લાખનો ખર્ચ થયો છે. ઈસ્લામાબાદની એક હોટલમાં આઠ દિવસ સુધી ન્યૂઝીલેન્ડની ટીમ રોકાઈ હતી. સુરક્ષામાં આશરે 500 પોલીસકર્મીઓ હતા. તેમના માટે દિવસમાં બે વખત બિરયાની આવતી હતી. 8 દિવસનું બિલ 28 લાખ રૂપિયા આવ્યું છે.
28 લાખની બિરયાની બે હાથે ઝાપટી હોવાનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે નાણા વિભાગમાં બિલ પાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. અહીં તપાસ દરમ્યાન આટલી મોટી રકમ સામે આવી તો પાકિસ્તાની પ્રશાસને બિલને રોકી દીધું હતું. હાલ તો બિલની સત્યતાને લઈ અનિશ્ચિતતા પ્રવર્તેલી છે. હજુ સુધી તેના પર કોઈ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું.

સુરક્ષામાં આર્મી લગાવી દીધી હતી
ગૃહમંત્રી શેખ રશીદે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ફોજ એટલી નહીં હોય જેટલી ન્યૂઝીલેન્ડની સુરક્ષામાં એમણે આર્મી લગાવી દીધી છે. હવે જે લોકોને લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરતા પાકિસ્તાન અલગ થઈ જશે તેમની વાતમાં કોઈ જાતનો તર્ક નથી. વધુમાં તેમણે કહ્યું કે, જે દિવસે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, મને એ દિવસે જ અહેસાસ થઈ ગયો હતો કે ઈંગ્લેન્ડ પણ પ્રવાસ રદ કરશે. તેના ત્રણ દિવસ બાદ બિલકુલ એવું જ થયું. ક્રિકેટ અમારું જનૂન છે અને મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે વિશ્વભરની ટીમો પાકિસ્તાનમાં રમવા આવશે. મને લાગે છે કે આ સમગ્ર ઘટનાને કંઈક વધારીને રજૂ કરવામાં આવી રહી છે. મેં સૂચના મંત્રીને કહ્યું છે કે, આ મુદ્દાને પૂર્ણ કરી દેવો જોઈએ, કારણ કે અમારી પાસે આના કરતા વધારે મહત્વના મુદ્દાઓ છે.

પાયાવિહોણા આક્ષેપ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાનો ટોપલો ભારત પર પણ ઢોળી ચૂક્યું છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરતા કહ્યું હતું કે, આ સિરીઝના રદ થવા પાછળ ભારતનો હાથ છે. એમણે પાયાવિહોણો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભારતે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો. જેથી ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો. એમણે તો નામ પણ આપ્યું હતું કે ધમકીભર્યો ઈમેલ ભારતીય વ્યક્તિ ઓમ પ્રકાશ મિશ્રાએ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલની પત્નીને મોકલ્યો હતો.

હવે ન્યૂઝીલેન્ડ પણ અને ઈંગ્લેન્ડ પણ
વર્તમાન પીએમ અને પાકિસ્તાનને વર્ષ 1992માં વિશ્વકપ જીતાડનારા ઈમરાન ખાને પાકિસ્તાનની ટીમની સાથે મુલાકાત કરી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. એક્સપ્રેસ ટ્રીબ્યૂનની રિપોર્ટના આધારે ઈમરાન ખાને ખેલાડીઓને કહ્યું હતું કે, તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બદલો લે. આ મુલાકાતમાં પીસીબીના ચીફ રમીઝ રાજા પણ ઉપસ્થિત હતા. રમીઝ રાજાનું કહેવું હતું કે, તેઓ પહેલા ભારતની ટીમને હરાવવામાં ધ્યાન કેન્દ્રિત કરતા હતા, હવે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પણ તેમાં સામેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત