Homeદે ઘુમા કેપંજાબને પછાડી બેંગ્લોર સતત બીજી વખત પ્લેઓફમાં...

પંજાબને પછાડી બેંગ્લોર સતત બીજી વખત પ્લેઓફમાં…

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના 48માં મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત સાથે બેંગ્લોરની ટીમ સતત બીજી વખત પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પંજાબની સ્થિતિ વિકટ બની છે. ટીમની પાસે બસ હવે એક જ મેચ બચ્યો છે, આ સિવાય બીજી ટીમના પરિણામ પર પણ પંજાબનો પ્રવાસ આધાર રાખે છે.

ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 158 રન જ બનાવી શકી હતી. બેંગ્લોરના 12 મેચ બાદ 16 અંક છે અને તે પોંઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પંજાબ 13 મેચમાં 10 પોંઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે.

પ્રથમ બેટીંગ કરતા બેંગ્લોરની શરુઆત સારી રહી હતી. વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે 68 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પંજાબના બોલર મોઈસસ હેનરિક્સે 10મી ઓવરમાં સતત બે વિકેટ લઈ વિરાટ અને ડેનિયલ ક્રિસ્ટિયનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિરાટ 24 બોલ પર 25 રન અને ક્રિસ્ટિયન શૂન્ય પર આઉટ થઈ ગયો હતો.

હેનરિક્સે આરસીબીને ત્રીજો ઝટકો પડિક્કલના રૂપે આપ્યો હતો. આઉટ થતાં પૂર્વે પડિક્કલે 38 બોલ પર ચાર ચોગ્ગા અને બે છક્કાની મદદથી 40 રન બનાવ્યા હતા. અહીંથી ગ્લેન મેક્સવેલ અને એબી ડિવિલિયર્સે ચોથી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. ડિવિલિયર્સ 18 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. ઈનિંગમાં તેણે એક ચોગ્ગો અને બે સિક્સ ફટકારી હતી. મેક્સવેલે આઈપીએલ કરિયરની દસમી હાફ સેન્ચુરી ફટકારી હતી. હાફ સેન્ચુરી બાદ તે તુરન્ત આઉટ થઈ ગયો હતો.

મેક્સવેલે 33 બોલ પર 57 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલની વિકેટ શમીએ લીધી હતી. મેક્સવેલના પરત ફરતા જ શાહબાઝ અહમદ આઠ અને જ્યોર્જ ગાર્ટન શૂન્ય પર પરત ફર્યાં હતાં. શ્રીકર ભરત શૂન્ય અને હર્ષલ પટેલ એક રન બનાવી નોટઆઉટ રહ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને હેનરિક્સે ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.

165 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબની ટીમને કેપ્ટન રાહુલ અને મયંક અગ્રવાલે એક વખત ફરી સારી શરુઆત અપાવી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 91 રન જોડ્યા હતા. રાહુલ 39 રન બનાવી શાહબાઝની બોલ પર આઉટ થયો હતો. તેણે ઈનિંગમાં એક ફોર અને સિક્સ ફટકારી હતી. વિસ્ફોટક શરૂઆતથી લાગતું હતું કે પંજાબ મેચ પર પોતાની પકડ બનાવી જીતી લેશે પણ ત્યાં ટ્વીસ્ટ આવી ગયો હતો.

રાહુલના પરત ફરતા જ ખરાબ ફોર્મની સામે સંઘર્ષ કરી રહેલ નિકોલસ પૂરન ત્રણ રન પર આઉટ થઈ ગયો હતો. અડેન માર્કરામે મયંકની સાથે પંજાબની ઈનિંગને આગળ ધપાવી હતી. મયંકે પંજાબની ટીમને દબાણાંથી ઉગારતા કારકિર્દીની દસમી હાફ સેન્ચુરી ફટકારી હતી. 42 બોલમાં 57 રનનો ફાળો આપી તે આઉટ થયો હતો. પોતાની ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

advertisement-1

અહીંથી પંજાબની ટીમનું પતન શરુ થયું હતું. સરફરાજ ખાન શૂન્ય, શાહરુખ ખાન 16 અને માર્કરામ 20 પર આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં પંજાબને જીતનો ઘૂંટડો ગળે ઉતારવા 19 રનની આવશ્યકતા હતી. ક્રિઝ પર હેનરિક્સ અને શાહરુખ હતા. પ્રથમ બોલ પર જ શાહરુખ રન આઉટ થઈ ગયો હતો. હેનરિક્સે પાંચમી બોલમાં સિક્સ ફટકારી પણ ત્યાં સુધીમાં આરસીબીના ખાતામાં મેચ આવી ચૂકી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments