Homeદે ઘુમા કેહારના કારણો: સાત મહિનામાં પાંચ કેપ્ટન બદલાયા, રાહુલ દ્રવિડને એક કાયમી કેપ્ટનની...

હારના કારણો: સાત મહિનામાં પાંચ કેપ્ટન બદલાયા, રાહુલ દ્રવિડને એક કાયમી કેપ્ટનની આશા

Team Chabuk-Sports Desk: 2007માં ગાંગુલીની સુકાનીપદથી ધામધૂમપૂર્વક વિદાય થયા બાદ કોચ ગ્રેગ ચેપલ સાથેનો વિવાદ સપાટી પર આવ્યો હતો. આજે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદે છે. સુકાની તરીકે કોહલીની હકાલપટ્ટી કર્યાં બાદ ફરી એક વખત ભારતીય ક્રિકેટ જગતમાં ઉહાપોહનું વાતાવરણ સર્જાયું છે. આ વાતાવરણની અસર ખેલાડીઓના પ્રદર્શન પર પડી રહી છે. રવિ શાસ્ત્રી બાદ રાહુલ દ્રવિડ માથે કોચ તરીકેનો અપેક્ષાનો ભારો રાખેલો હતો. પરંતુ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રણનીતિ ઘડવામાં રાહુલ દ્રવિડ પાંગળો પૂરવાર થયો છે. એક ખેલાડી તરીકે બેશક તે અદભુત છે, પરંતુ વિદેશી પીચમાં આફ્રિકા જેવી નબળી ટીમની વિરૂદ્ધ તેની રણનીતિ નવા સુકાની રાહુલની સાથે કારગત નથી નીવડી. ટીમે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી બાદ હવે એક દિવસીય મેચની શ્રેણી પણ ગુમાવી છે. ભારતની ટીમ નવ વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર વનડે શ્રેણી હારી છે. અંતિમ વખત 2013માં પરાજય થયો હતો. પ્રશંસકો વિસ્મયમાં એટલા માટે છે કે એક અનુભવી ટીમ એક નવી સવી ટીમની સામે ઘૂંટણીયે પડી ગઈ. પરાજય પાછળના અગણિત કારણો છે. કોઈ કે.એલ.રાહુલ અને દ્રવિડની રણનીતિની આલોચના કરી રહ્યું છે, તો કોઈ બીસીસીઆઈના વિવાદ પર કળશ ઢોળી રહ્યું છે.

બંને રાહુલ નિષ્ફળ

બંને વનડે જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે રાહુલ દ્રવિડ અને કે.એલ.રાહુલ સાઉથ આફ્રિકાની ટીમને ઘેરવાની રણનીતિ બનાવવામાં નિષ્ફળ પૂરવાર થયા છે. ઋતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ જેવા ઈનફોર્મ બેટ્સમેનોને બહાર બેસાડી રાખ્યા હતા. આ એ જ ભૂલનું પુનરાવર્તન છે જે ટીમે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં કર્યું હતું. પ્રદર્શન કરતા મોટા નામ પર ભાર મૂકી ખેલાડીઓની પસંદગી કરવી ભારતીય ટીમને ભારે પડી ગઈ હતી. નહીં તો આઈપીએલમાં જ ઋતુરાજ ગાયકવાડે ચૈન્નઈ સુપરકિંગ્સને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત પ્રથમ વનડે મેચ હારતા જ કરો યા મરોની સ્થિતિમાં આવી ગયું હતું. એવામાં ટીમમાં પરિવર્તનની અપેક્ષા હતી. જોકે એવું કંઈ જોવા મળ્યું નહીં. આફ્રિકાના કેપ્ટન તેમ્બા બાવુમા, રસી વાન ડર ડુસેન જેવા ઈન ફોર્મ બેટ્સમેનોની વિરૂદ્ધ ટીમ યોગ્ય રણનીતિ નહોતી બનાવી શકી.

વિવાદે હાની પહોંચાડી ?

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીનો વિવાદ ચરમ પર રહ્યો હતો. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે ટી ટ્વેન્ટી વિશ્વકપ પહેલા કોહલી સુકાનીપદ ન છોડે આ માટે મેં તેને સમજાવ્યું હતું. પણ તે માન્યો નહોતો. ગાંગુલીના આ નિવેદનનું પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ સૂરસૂરિયું કરી નાખ્યું હતું. સૌરવનું સ્વમાન હણાયું હતું અને વિરાટ કોહલી સામેનો તેનો વિવાદ સપાટી પર આવી ગયો હતો. બાદમાં વિરાટ કોહલી પાસેથી બાકી બચેલું ટેસ્ટ શ્રેણીનું સુકાનીપદ પણ ન રહ્યું. રોહિત શર્માની ગેરહાજરીમાં ખેલાડીઓ કે.એલ.રાહુલના નેતૃત્વ નીચે પહેલી વખત રમી રહ્યા હતા. ટીમનું પૂરું ધ્યાન રમતમાં ઓછું અને વિવાદ પર વધારે રહ્યું હતું. આ વિવાદનું શમન જરૂરી છે નહીં તો આવનારા સમયમાં ટીમને વધારે નુકસાન થઈ શકે છે.

રાહુલ દ્રવિડને કાયમી કેપ્ટન ક્યારે મળશે?

સુકાની પદમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. રાહુલ દ્રવિડે કોચ તરીકેની શરૂઆત શ્રીલંકાના સામેના પ્રવાસ દરમિયાન 2021માં કરી હતી. જુલાઈ 2021માં શ્રીલંકામાં સુકાની શિખર ધવન હતો. ઓક્ટોબરમાં રાહુલ દ્રવિડને કાયમી કોચ બનાવવામાં આવ્યો. નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી ટ્વેન્ટીમાં રોહિત, તો ટેસ્ટમાં અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી કેપ્ટન હતા. સાઉથ આફ્રિકાના પ્રવાસમાં કે.એલ.રાહુલના હાથમાં ટીમની કમાન છે. રોહિત શર્માના પુનરાગમન પર નજર છે. એવામાં રાહુલ દ્રવિડને કોઈ એવો કેપ્ટન નથી મળી રહ્યો જે કાયમી હોય અને તેની સાથે ટ્યૂનીંગ જામી શકે.

મધ્યક્રમ માથાનો દુખાવો

પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી શિખર ધવન અને વિરાટ કોહલી બીજી વનડેમાં નહોતા ચાલ્યા. ઋષભ પંત અને કે.એલ.રાહુલે યોગ્ય સમયે ભાગીદારી કરી હતી. પરંતુ ભાગીદારીને આગળ ધપાવવામાં મધ્યક્રમના બેટર્સ શ્રેયસ ઐય્યર અને વેંકટેશ અય્યર નિષ્ફળ ગયા હતા. ઐય્યરે ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટમાં રન બનાવ્યા પરંતુ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં તે નિષ્ફળ ગયો હતો. અર્થાત્ ભારતીય ટીમ માટે મધ્યક્રમના બેટ્સમેન શોધવા એ હજુ પણ માથાનો દુખાવો છે.

બોલરો નિષ્ફળ

બંને વનડેમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન કથળતું રહ્યું હતું. બીજી વનડેમાં જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ સિવાય કોઈ પણ બોલર લયમાં નહોતો જોવા મળ્યો. ભુવનેશ્વરે આઠ ઓવરમાં 67 રનનું દાન કરી દીધું. ભુવીએ દક્ષિણ આફ્રિકામાં બીજી વખત એક પણ વિકેટ ઝડપ્યા વિના 60 રન આપી દીધા હતા. એક ટીમની વિરૂદ્ધ પાંચ વનડેમાં એક પણ વિકેટ લીધા વગર 60 રનથી વધારે આપી દેનારા બોલરમાં હાલ તે પ્રથમ સ્થાને છે. તેણે શ્રીલંકાના નુઆન કુલશેખરાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કુલશેખરાએ ભારતની વિરૂદ્ધ ચાર વનડેમાં કોઈ પણ વિકેટ લીધા વગર 60થી વધારે રન આપી દીધા હતા. ભુવનેશ્વર સિવાય અશ્વિન અને શાર્દુલની બોલિંગે પણ નિરાશ કર્યા હતા. અશ્વિને દસ ઓવરમાં 68 અને શાર્દુલે પાંચ ઓવરમાં 35 રન આપ્યા હતા. વનડે ટીમમાં અશ્વિનનું પુનરાગમન 2017 બાદ થયું હતું. એ પ્રથમ મેચમાં પણ કંઈ ખાસ નહોતો ઉકાળી શક્યો અને માત્ર એક વિકેટ લીધી હતી. આવા સંજોગોમાં અશ્વિન ફરીથી વનડે ટીમમાંથી બહાર થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments