Homeસાહિત્યબાળવાર્તા-જખરાનો વારસદાર-મયૂર ખાવડુ

બાળવાર્તા-જખરાનો વારસદાર-મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: એક હતો ખેડૂત. એનું નામ જખરો. નાની એવી જમીનમાં જખરો ખેતીનું કામ કરે અને માંડ માંડ પેટીયું રડે. એને એક દીકરી. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિમાં જખરાએ એની દીકરીને ધામધૂમથી પરણાવી. લગ્નનું દેવું ઉતારતાં ઉતારતાં બીચારા જખરાની મોભારે પાણી આવી ગયા. દિવસ જાય, રાત જાય પણ બિચારા જખરાના દાડા ન ફરે. વાવેતર કરે તો આકાશમાંથી મેઘની કૃપા ન થાય. ખેતરમાં કાળી મજૂરી કરતાં કરતાં જખરાને જમીન વેચવી પડે એવા નબળા દિવસો આવી પડ્યા.

એક દિવસ જખરાને એની દીકરી મીનાનો પત્ર આવ્યો. પત્રમાં લખ્યું હતું: ‘બાપુજી, આ વર્ષે આકાશમાંથી વાદળ ન વરસ્યાં એની તમને ખબર છે. ઘર અમારું ચાલતું નથી. જમીનનો અડધો ભાગ તો ગયા વર્ષે જ વેચી નાખેલો, હવે અડધી જમીન બાકી છે. પેઢીનો વારસો જાળવવા અમારે એ રાખવી છે. જો તમે કાંઈક મદદ કરો તો સારું. – તમારી વ્હાલી દીકરી મીના.’

જખરા માથે તો બીજી મોટી મુસીબત આવી. અહીં એકલાનું પૂરું નહોતું થતું અને હવે દીકરીની મદદ કેમ કરવી. ક્યાંક જમાઈ દીકરીને દુ:ખ આપે તો? જખરો એ રાત્રે બહુ રડ્યો. બીજે દિવસે બળદ અને હળ લઈ ખેતી કરવા ગયો. ખેતી કરતાં કરતાં એનું હળ જમીનમાં ફસાઈ ગયું. ખસવાનું નામ જ ન લે. પાવડો અને ત્રિકમ લઈ જખરાએ ખોદી જમીન, તો જમીનમાંથી નીકળ્યું મોટું માટલું અને માટલાની ધૂળ હટાવી અંદર હાથ નાખ્યો તો અંદરથી નીકળી થેલી.

‘હવે થેલીમાંથી કંઈક સોનું નીકળે તો સારું.’ જખરાએ આવી આશા સાથે બડબડતા થેલીમાં હાથ નાખ્યો તો હાથ ભારે થઈ ગયો. હાથ બહાર કાઢ્યો તો સાચ્ચેક સોનું નીકળ્યું. એની આંખો તો પહોળી થઈ ગઈ. એક હાથમાં થેલી અને એક હાથમાં સોનું લઈ જખરો દોડ્યો. દોડીને ગયો ઝૂંપડીમાં. ઝૂંપડીમાં જઈ થેલીમાં હાથ નાખી કહે: ‘મને બાજરાનો રોટલો, રિંગણાનો ઓળો, ડુંગળી, દાળ-ભાત અને મરચાં આપ.’

જખરો જેવું બોલ્યો એવો એનો હાથ વજનવાળો થઈ ગયો. હાથ બહાર કાઢ્યો તો થેલીમાંથી નીકળી થાળી. એમાં ગરમા-ગરમ રિંગણાનો ઓળો અને મોટો રોટલો, બાજુમાં મરચાં અને ડુંગળી, દાળ-ભાતથી ભરેલી વાટકીઓ. લાંબા ટાણે જખરાએ પેટ ભરીને ખાધું અને ઓડકાર લીધો. ઠંડું પાણી પીધું અને ડાબા પડખે સૂતો.

પછી તો જખરાના દિવસો ફર્યાં. મોટા મોટા બંગલા બંધાવ્યા. દીકરી અને જમાઈને પણ ખુશખુશાલ કરી દીધાં. જખરો એટલે જખરો એણે ખાલી પોતાનું ન જોયું પણ ગામમાં જે ગરીબ ને દુખિયારા હોય એના માટે મોટો આશ્રમ બંધાવ્યો અને ત્યાં રસોયા રાખી એ સૌને મફતમાં જમાડ્યું. લોકો જમતા જાય અને જખરાને આશિર્વાદ દેતા જાય. જખરો ગરીબોની પૈસે ટકે વગર વ્યાજ લીધે મદદ કરતો જાય.

આમ સેવા કરતાં કરતાં વર્ષો વીત્યાં. જખરાને લાગતું હતું કે હવે એનાં મરવાનું ટાણું નજીક આવતું જઈ રહ્યું છે. જખરાએ વિચાર્યું કે એ પહેલા આ થેલી કોઈ ભગવાનના માણસને સોંપી દઉં તો સારું. થેલી સોંપતા પહેલા એણે દીકરી અને જમાઈને અઢળક ધન આપ્યું અને પછી કોઈ એવા માણસની પરીક્ષા કરવા નીકળ્યો જે અદ્દલ એના જેવો હોય અને પોતે તો સુખી રહે પણ બીજાને પણ સુખી રાખે. એની જેમ જ દાન-દક્ષિણા કરે. લોભ, ઈર્ષ્યા, કપટ એનામાં ચપટી જેટલું પણ ન હોય.

જખરાએ આજુબાજુના ગામ ઘુમ્યા, નગરો રખડ્યા, બાર-બાર ગામ પગપાળા ચાલી થેલી માટે અનુકૂળ વારસદાર શોધવા એણે ચંપલ તોડ્યા પણ કોઈ સારું માણસ હાથમાં ન આવ્યું. કોઈ કપટી, તો કોઈ લોભી, કોઈ અભડાય, તો કોઈ ઈર્ષ્યા કરે. જખરો રસ્તે આવતા મંદિરે દર્શન કરતો જાય અને એની માનતા પૂર્ણ કરવાની પ્રભુને વિનંતી કરતો જાય.

એક દિવસ થાકી હારીને તે એક ગામનાં વૃદ્ધાશ્રમ પાસે આવી પહોંચ્યો. વૃદ્ધાશ્રમના ઓટલે બેઠો હતો ત્યાં દરવાજો ખૂલ્યો અને એક યુવાન બહાર નીકળ્યો. એને જોતા જ ઉત્તમ નરના દર્શન થાય. દૂધ જેવો ધોળો ધોળો અને આંખોમાં જાણે બધાની સેવા કરવી હોય એવો સ્નેહનો ભાવ ઝરણાની જેમ ખળખળ વહે. જખરાના મનમાં છોકરાને નખશીખ જોયા બાદ શબ્દનો કોટો ફૂટ્યો: ‘થેલી દેવાય તો આને જ દેવાય.’

યુવાન આવીને જખરા પાસે બેસી ગયો: ‘શું થયું છે દાદા? આમ એકલા અટુલા કેમ બેઠા છો? ઘરમાંથી કાઢી મૂક્યા? કાંઈ મદદ જોઈએ છે? જમવાનું લઈ આવું?’

જેવું રૂપ એવો જ અવાજ. જખરાને થયું કે કાદવની વચ્ચે કમળ ફૂટી નીકળ્યું. એણે ગુણવાન યુવાનનો હાથ ઝાલી પોતાની પાસે બેસાડી કહ્યું : ‘કંઈ નહીં દીકરા, તું મારી પાસે બેસ અને મને કહે તું અહીં શું કરે છે?’

યુવાને કહ્યું : ‘હું અહીંયા કામ કરું છું. જે ઘરડા મા-બાપને અહીં તરછોડી જાય છે એની દિવસ-રાત સેવા કરું છું. સવારમાં ઉઠી ભજન ગાવ, શિરામણ તૈયાર કરું, બીમાર પડે તો દવા કરું, સમયે સમયે ભોજન બનાવી દઉં, રાતના કોઈના પગ દુ:ખે તો પગ દબાવી દઉં.’

જખરાની આંખમાંથી તો મોતી જેવડાં દડદડદડ આંસુ સરવા લાગ્યા. એણે ખભાની એક કોરથી આંસુ લૂંછી યુવાનને કહ્યું: ‘દીકરા તારા માટે એક વસ્તુ છે, તું ના ન પાડતો?’

‘બોલો શું છે? હું તમારા દીકરા જેવો નહીં, તમારો દીકરો જ છું, એમ સમજો.’

જખરાએ કોથળામાંથી થેલી કાઢી અને યુવાનની સામે રાખી: ‘આ જો, આ થેલીમાં હાથ નાખી તું જે માગીશ એ નીકળશે.’

યુવાન તો હસવા લાગ્યો કે ડોસાની ડગળી ચસ્કી ગઈ લાગે છે? ડોસાએ તેને વિશ્વાસમાં લેવા કહ્યું : ‘અંદર હાથ નાખ અને વસ્તુ માગ, તું પોતે જ પરિક્ષણ કરી લે. ન નીકળે તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે.’

ડોસાની વાત માની યુવાને હાથ નાખ્યો અને આંખો મીંચી માગ્યું ત્યાં એનો થેલીમાં જ હાથ ભારે થઈ ગયો. હાથ બહાર કાઢ્યો તો અંદરથી નીકળ્યો ગોળ કેરીના અથાણાનો ડબ્બો. યુવાન અચંબામાં પડી ગયો. અત્યાર સુધી એને જે ડોસા પર દાંત આવતા હતા એ ક્યાં અલોપ થઈ ગયા ખબર જ ન પડી. ડોસાએ ચપટી વગાડી યુવાનને ભાનમાં લાવ્યો અને કીધું : ‘જોયો ડોસાનો કમાલ. હવે આ થેલી તારી. તું આ થેલીની મદદથી વૃદ્ધોની મદદ કરજે અને નવા નવા આશ્રમ ખોલી સેવામાં રચ્યો પચ્યો રહેજે. જ્યારે તને લાગે કે તારો સમય આવી ગયો છે ત્યારે આ થેલી જેમ મેં તને આપી એમ તું કોઈ બીજા સારા વારસદારને આપી દેજે.’

યુવાને ડોકું ધુણાવ્યું અને પછી જખરાનાં પગે પડી ગયો. જખરાએ એને ઊભો કર્યો, ગળે લગાવ્યો અને જવાબદારીમાંથી છુટ્ટો થઈ પોતાના ઘરે ચાલ્યો ગયો.

*******

જખરો ભગવાનનું સ્મરણ કરે. દીકરીને પત્ર લખે સામે દીકરીના પત્રો તેને મળે. દીકરીને આવ્યો દીકરો તો ત્યાં જઈ થોડા દિવસ રોકાઈ એને રમાડ્યો. આમ ને આમ વખત વીતતો ગયો પણ જખરાના મરણનો દિવસ નજીક ન આવે. જખરાને પણ લાગ્યું કે મેં ખોટી પ્રભુ પાસે જવાની હઠ પકડેલી. એ જ મને એની પાસે બોલાવવા નથી માગતો, નક્કી મારું કંઈક કામ બાકી રહી જતું હશે!

એક દિવસ ઘરના ઓટલા પર બેઠો બેઠો માળા ફેરવતો હતો ત્યાં એને વિચાર આવ્યો કે ચાલ પેલા જુવાન પાસે જઈ આવું. એણે થેલીનો કેવો ઉપયોગ કર્યો છે.

જખરો લાકડી લઈ ઉપડ્યો. ગામ પછી ગામ વટતો વટતો જે જગ્યાએ વૃદ્ધાશ્રમ હતો ત્યાં પહોંચ્યો. જઈ જુએ તો વૃદ્ધાશ્રમમાં કંઈ સુધાર નહીં. વૃદ્ધાશ્રમની ડેલી ખોલી અંદર ગયો તો ઘરડા ડોસા અને ડોસીઓ ખોંખારા ખાતા રખડે. એક ડોસા પાસે જઈ જખરાએ પૂછ્યું: ‘હેં, તે અહીં એક યુવાન રહે છે એ ક્યાં? મારે એનું ખાસ કામ છે.’

‘કોણ યુવાન?’ ડોસાએ લાંબી ઉધરસ ખાતાં કહ્યું.

‘અરે, જે તમારી સેવા કરે છે. સવારમાં ભજન ગાય છે. બીમાર હો તો દવા આપે છે. જમવાનું તૈયાર કરે છે. રાતે કોઈના પગ દુખતા હોય તો દબાવી આપવાનું સત્કર્મ કરે છે.’ ઝખરો એકી શ્વાસે બોલી ગયો.

‘એલા ભાઈ, અહીં વર્ષોથી કોઈ અમારી સેવા કરવાવાળું છે જ નહીં.’

ડોસાની વાત સાંભળી જખરાને લાગ્યું કે આ તો એક જાળામાં સો સાપ દેખ્યા જેવું થયું. એને ખબર પડતા વાર ન લાગી કે હું જખરો મોટી ઠગાઈનો ભોગ બન્યો છું.

‘શું થયું? કંઈ અજુગતો બનાવ બન્યો છે?’

જખરાએ ગળગળા સ્વરે કહ્યું : ‘બનાવની ક્યાં વાત કરો છો, એક યુવાને મને બે વર્ષ પહેલાં છેતરી લીધો.’

‘બહુ ધોળો હતો? મીઠું મીઠું બોલતો હતો? તો પછી નક્કી એ પરબત હોવો જોઈએ.’

‘એ કોણ?’

‘એ ખૂણામાં એના બા અને બાપુજી મરણની રાહ જોઈ છાતી કૂટતાં બેઠા છે. મને યાદ છે કોઈ કોઈ વખત એ છોકરો અહીં આવે છે અને એના બા-બાપુજી જીવે છે કે મરી ગયા એ જાણી ચાલ્યો જાય છે. સાવ અતડા સ્વભાવનો છે. આ દુખિયારા બા-બાપુજીને લાવેલો એ દિવસે સાવ હડધૂત કરી નાખ્યા હતા. બે બે દોકડાની બોલતો હતો. એના બા-બાપુજી કહેતા હોય છે કે, પેટે પાટા બાંધી મોટો કર્યો પણ આ તો જમ પાક્યો. પૈસા ઉડાવવા સિવાય કંઈ કામ જ નહીં. લોકોને છેતરે અને બાટલીમાં ઉતારે. ભલભલાને ભૂ પીવડાવી દે.’

જખરાએ ખૂણામાં દયામણું મોં કરી બેસેલા પરબતના બા બાપુજી પર નજર ફેરવી અને પછી નીચી મૂંડી કરી, લાકડી પછાડતો, વૃદ્ધાશ્રમની બહાર નીકળી ગયો.

જખરો જંગલમાં જઈ ચોધાર આંસુએ રડી પડ્યો. એને દુ:ખ એ વાતનું નહોતું કે એની થેલી ક્યાંક ચાલી ગઈ, દુ:ખ એ વાતનું હતું કે ખોટા માણસના હાથમાં થેલી અપાઈ ગઈ અને પોતે રમી ગયો. રાજકુમાર જેવો દેખાતો છોકરો એને ક્ષણવારમાં લૂંટી ગયો. જખરો જંગલમાં બેઠો બેઠો ડાહી ડાહી વાતો કરે : ‘ધોળા હોય એ સારા ન હોય અને દરેક રાક્ષસના માથે શિંગડા ન હોય, એ તો ગમે ત્યાંથી, ગમે એ સ્વરૂપે આવે. પરબત એની લુચ્ચી વાતોથી મને બે ઘડીમાં ઉલ્લુ બનાવી ગયો. કેવો રૂપાળો? અને મીઠી મીઠી વાતો કરતો હતો? પણ કેવો નીકળ્યો? હવે તો પરબતની શાન ઠેકાણે ન લાવું તો મારું નામ જખરો નહીં.’

હાથમાં કમંડલ લઈ, સાધુનો વેશ ધારણ કરી, જખરો ઉપડ્યો પરબતને ગામ. ગામમાં જઈ સૌથી સમૃદ્ધ માણસનું જ ઘર શોધ્યું, કારણ કે જેની પાસે માગતા ગમે તે આપી દે એવી થેલી હોય એ કંઈ નાના અમથા ખોરડામાં થોડો જીવન વિતાવે? સાધુના વેશમાં જખરાએ રસ્તે જતાં એક વ્યક્તિને પૂછ્યું, ‘તયે હે ભાઈ, આ આટલું મોટું મકાન કોનું છે?’

‘તમે બહાર ગામના લાગો છો? એ પરબતનું છે.’

‘એ કોણ?’ સાધુ મહારાજના સ્વાંગમાં રહેલા જખરાએ અજાણ્યા થઈ પૂછ્યું, ‘કોઈ બહુ અમીર માણસ લાગે?’

‘પરબત કોણ એમ પૂછો છો સાધુ મહારાજ? અરે વાત ન પૂછો, હજુ બે વર્ષ પહેલા ખાવાના ફાંફાં હતા, પણ ખબર નહીં ફાંકા હાંકતો આ પરબત ક્યાંથી અમીર થઈ ગયો. રાત ગઈ અને સવાર પડી એટલી વારમાં તો એણે પૈસો બનાવી લીધો. આટલી અમીરી છે, તોપણ કંજૂસચંદ પરબત એના બા-બાપુજીને વૃદ્ધાશ્રમમાંથી પાછા નથી લાવતો. સમજીએ કે પોતાની સાથે ન રાખે પણ કંઈક સારે ઠેકાણે તો રાખે. પૈસા તો ક્યાં ઓછા છે.’

પેલો વ્યક્તિ ગયો અને સાધુ મહારાજના વેશમાં જખરો પહોંચી ગયો પરબતના ઘરે. બારણું ખખડાવ્યું ત્યાં નોકરે બારણું ખોલ્યું. નોકરના પણ એવા રૂપાળા કપડાં. જખરાએ મનમાં વિચાર્યું, પરબતે થેલી પાસેથી બરાબરનું કામ લીધું છે અને પછી નોકરને ઊંચા અવાજે કહ્યું: ‘ભીક્ષામ્ દેહી.’

નોકર અંદર ગયો અને બહાર આવ્યો તો ભાતભાતના વ્યંજનોથી ભરેલો થાળ લઈ આવ્યો. જખરાને મોઢામાં પાણી આવી ગયું. એ ફરી મનમાં બોલ્યો: ‘પરબતને પણ લીલા લહેર છે.’

થેલીમાં બધું ભોજન નાખી સાધુ મહારાજે કીધું, ‘ધ્યાનથી સાંભળ, તારા માલિક પરબતને કહેજે કે, આવતી અમાસની રાત્રિએ તેનું મૃત્યુ નિશ્ચિત છે. જો મૃત્યુમાંથી બચવું હોય તો ગામના પાદરે આવેલા ઘેઘૂર વડલાના ઝાડ નીચે રાતના સમયે એકલો મને મળવા આવી જાય.’

સાધુ મહારાજ તો ચાલ્યા ગયા. નોકરે પરબતને બીતાં બીતાં વાત કહી. પરબતને પણ પહેલા તો સાધુ મહારાજ ઢોંગી લાગ્યા, પણ જ્યારે ખબર પડી કે એણે એનું નામ પણ બોલેલું તો પરબતને પરસેવા છૂટી ગયા. મહેલમાં અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ચાલ્યા રાખે. સાધુ મહારાજે એક ઝાટકે એનું સુખ છીનવી લીધું.

સાધુ મહારાજે જેમ કહ્યું હતું એમ પરબત એકલો વડલાના ઝાડ નીચે રાત્રે પહોંચી ગયો. જખરો ધૂણી ધખાવી તૈયાર જ હતો. પરબતને આવતો જોઈ એણે બાકીની તૈયારી કરી લીધી.

‘મહારાજ આ તમે….’

‘હા, પરબત, મેં જે કહ્યું એ સાચું છે. તારું મૃત્યુ નજીક છે.’ પરબતને આશ્ચર્ય થયું કે સાધુ મહારાજે તો મને કોઈ દિવસ જોયો પણ નથી, છતાં ઓળખી ગયા. કોઈ કાશી-બનારસની પહોંચેલી માયા હશે.

‘તો મહારાજ મારે કરવાનું છે શું?’

‘ધ્યાનથી સાંભળ મારી વાત. તારે બે કામ કરવાના છે. તારાથી થઈ શકે તો ‘હા’ કહેજે. તું ‘હા’ કહ્યા પછી છટકી નહીં શકીશ. જો ‘હા’ કહ્યા પછી તારી વાત પરથી ફર્યો તો અબઘડી તું મરી જઈશ.’ જખરાએ આટલું કહી ધૂણી સામે જોઈ હાહાહાહા કર્યું. પરબતના તો હાંજા ગગડી ગયા, ‘સાધુ મહારાજ, તમે જે કહેશો એ હું કરીશ. હું તમારી ગાય.’

સાધુ મહારાજે કહ્યું : ‘પહેલું કામ કે વૃદ્ધાશ્રમથી તારે તારા બા-બાપુજીને ઘરે લાવવા પડશે અને તેમને સારી રીતે રાખવા પડશે. અને બીજું કામ તારી પાસે જે થેલી છે એ તારે મને આપી દેવી પડશે.’

પરબત વિચારમાં પડી ગયો કે આ સાધુડાને કેવી રીતે ખબર પડી કે મારી પાસે જાદુઈ થેલી છે.

‘તું એમ વિચારે છે કે મને કેમ ખબર પડી? અરે મૂર્ખ એ થેલી વધારે સમય કીર્તિ અને ધન નથી આપી શકતી. વૃદ્ધાશ્રમ પાસે ડોસો તને થેલી એટલે પકડાવી ગયો કારણ કે જલ્દી મરે નહીં. એ થેલી જો વધારે સમય એની પાસે રહી હોત તો એ યમધામ હોત. એટલે એણે તને આપી દીધી. એ થેલી બધાના ભોગ લે છે. મારે એ થેલીનો જ ભોગ લઈ લેવો છે.’

પરબતને લાગ્યું, સાધુ મહારાજ સાચી વાત કરે છે, બાકી કોઈ આવી કિંમતી વસ્તુ સાવ આમ મફતમાં કેવી રીતે આપી દે? ડોસો મને મારી નાખવા જ આવ્યો હતો. અને હું મૂર્ખ કે ફસાઈ ગયો.

‘હું હમણાં થેલી લઈ આવું છું.’ પરબત મુઠ્ઠીઓ વાળી દોડતો ગયો અને ઘરમાંથી થેલી લઈ આવ્યો. સાધુ મહારાજે થેલીને પોતાના કોથળામાં નાખી અને પરબતને આશિર્વાદ આપ્યા, ‘જા હવે તારા બા-બાપુજીને કાલ ઘરે લઈ આવજે. તારું કલ્યાણ થાય.’

પરબત ત્યાંથી પોબારા ગણવા લાગ્યો પછી સાધુનો વેશ ઉતારી જખરો પણ ધૂણી ઠારી ભાગ્યો. બીજે દિવસે પરબત ઘરડા ઘરમાંથી એના બા-બાપુજીને લઈ ગયો. જખરાએ થેલીનો ફરી સારા કામ માટે ઉપયોગ કર્યો અને વૃદ્ધોને અગવડ ન પડે એટલે વૃદ્ધાશ્રમને સરસ મજાનું બનાવી નાખ્યું. ત્યાંથી ગયો પાછો માટલાવાળાની દુકાને. મોટું માટલું લઈ તેમાં નાખી થેલી અને માટલાનું મોઢું બંધ કરી દીધું. ઊંડો ખાડો ખોદી એમાં માટલું પાછું નાખી, માટીથી ખાડો પૂરી દીધો. જખરાએ જમીન સામું જોઈ કીધું: ‘ભવિષ્યમાં કોઈ જખરા જેવાને જરૂર હશે એને આ થેલી પાછી મળશે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments