Homeદે ઘુમા કેહારના કારણો: અંતે પાકિસ્તાનને ફાસ્ટ બોલર્સનું લાવ-લશ્કર લઈ આવવું મોંઘુ પડી ગયું

હારના કારણો: અંતે પાકિસ્તાનને ફાસ્ટ બોલર્સનું લાવ-લશ્કર લઈ આવવું મોંઘુ પડી ગયું

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021ની ફાઈનલમાં પહોંચનારી ઓસ્ટ્રેલિયા બીજી ટીમ થઈ છે. હવે અંતિમ મુકાબલામાં તેને ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો છે. બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો અને મોઢામાં આવેલો જીતનો કોળિયો આંચકી લીધો હતો. આ વર્ષે કોઈ નવી ટીમ જ વિશ્વકપ જીતશે. વેસ્ટ ઈન્ડિઝ એક માત્ર ટીમ છે જેણે બે વખત ટી ટ્વેન્ટી વિશ્વકપ જીત્યો છે. 2016ને છોડવામાં આવે તો દર વખત ક્રિકેટ વિશ્વને નવી વિજેતા ટીમ મળી છે. હવે પાકિસ્તાનના હારના કારણો તપાસીએ તો…

ટોસ હારી ગ્યાં!

દુબઈના મેદાનમાં ટોસનું મહત્વ વધારે હોય છે. પાકિસ્તાનની ટીમ એ બખૂબી જાણે છે. ભારતના પરાજયમાં એક ભૂમિકા ટોસે પણ ભજવી હતી. પાકિસ્તાનની સાથે પણ એવું જ થયું. બાબરે ટોસ હારતા જ ખેલાડીઓનું મનોબળ તૂટ્યું હતું. આમ છતાં એક સારો સ્કોર બનાવવા છતાં બોલર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શરુઆતમાં પોતાની બોલિંગથી છવાઈ જનારો શાહીન શાહ આફ્રિદી જ પાકિસ્તાન માટે 19મી ઓવરમાં વિલન સાબિત થયો હતો. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ વેડે તેની 19મી ઓવરમાં સતત ત્રણ સિક્સ ફટકારી 177 રન બનાવી ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચાડી દીધું હતું.

અંતિમ ઓવર્સમાં બોલર પાણીમાં બેસી ગયા

પાકિસ્તાનના બોલર્સ ખતરનાક છે પણ પ્રેશરની સ્થિતિને કાબુમાં નહોતા કરી શક્યા. અંતિમ ત્રણ ઓવરમાં જ પચાસ રન લૂંટાવી દીધા. આ ત્રણે ઓવરમાં પાકિસ્તાનના બેસ્ટ બોલર્સ અને વિશ્વ ક્રિકેટમાં બોલિંગમાં જેનું નામ બોલે છે, તેવા હસન અલી, હરીશ રઉફ અને શાહીન આફ્રિદીએ બોલિંગ કરી હતી. અને ત્રણેને પીટવાનો વારો આવ્યો હતો. આ ત્રણે બોલર્સે 18 બોલ ફેંક્યા અને 50 રન આપી દીધા. શાહીન મેચને બચાવી શકતો હતો, પણ તેની પોતાની જ ઓવરમાં 22 રન આવી ગયા અને ઓસ્ટ્રેલિયા મેચ જીતી ગયું. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટમાં કોઈ મોટી ટીમ સામે લક્ષ્યનો બચાવ નહોતો કર્યો. આ પહેલી વખત હતું અને તેમાં પણ તેને નામોશી ભરી હાર મળી.

નબળી ફિલ્ડીંગ

આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓએ કેટલાય કેચ પકડ્યા પણ જ્યારે જ્યારે અણીનો સમય આવ્યો ત્યારે ત્યારે વિકેટ ન લઈ શક્યા. પાકિસ્તાન પાસે રન આઉટની કેટલીય તકો હતી પણ ઓસ્ટ્રેલિયાના કોઈ ખેલાડીને રન આઉટ ન કરી શક્યા. પાકિસ્તાન પાસે રન આઉટ કરવાની આવી ત્રણ મોટી તક આવી હતી જે તેમણે વેડફી નાખી. એક વખત વિસ્ફોટક ડેવિડ વોર્નરની વિકેટ રન આઉટમાં મળતી હતી. બે વખત તો જેણે મેચ આંચકી લીધી તે મેથ્યૂ વેડની વિકેટ મળતી હતી. શાહીનની 19મી ઓવરમાં ત્રણ સિક્સ ફટકારતા પહેલા મેથ્યૂ વેડે ભૂલથી શોટ રમવામાં એક કેચ આપ્યો હતો, પણ પાકિસ્તાન એ ન ઝડપી શક્યું. ત્રણ જીવનદાન અને એનો ભોગવટો કરવાનો વારો ત્રણ સિક્સથી આવ્યો.

ફાસ્ટ બોલર્સનું લાવ લશ્કર

આ મેચમાં પાકિસ્તાનના શાદાબ ખાને ચાર વિકેટ લીધી હતી. પણ તેના સિવાય કોઈ બોલર કમાલ નહોતો કરી શક્યો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ફાસ્ટ બોલર્સની સામે રનનો ઢગલો કરી નાખે છે અને સ્પીન રમવામાં તેમને થોડી અડચણ પડે છે. આ મેચમાં તે સ્પષ્ટ દેખાયું. પણ પાકિસ્તાન પાસે કોઈ બીજો સારો સ્પીનર હતો જ નહીં. એ ફ્લાઈટમાં ફાસ્ટ બોલર્સનું લાવ-લશ્કર લઈને જ આવી હતી. ઈમાદ વાસિમ અને હફીઝે પણ બોલિંગ કરી પણ ઈમાદનો દિવસ ખરાબ હતો, બોલ સ્પીન થયો જ નહીં. હફીઝ માટે તો એક ટપ્પામાં બોલ ફેંકવો જ મોંઘો પડી રહ્યો હતો. આ કારણે જ 96 રન પર જ્યારે ઓસ્ટ્રેલિયાની મહત્વની પાંચ વિકેટ પડી ગઈ હતી, અને ટીમ જીતની નજીક હતી, છતાં અત્યાર સુધી આઉટ ફોર્મ ચાલી રહેલા મેથ્યૂ વેડે પાકિસ્તાનના બોલર્સને ધોળા દિવસે તારા બતાવી દીધા.

હસન અલી એક મોટી ભૂલ

સેમીફાઇનલ મેચમાં પણ પાકિસ્તાને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું જે ભારતે પાકિસ્તાનની વિરૂદ્ધ કર્યું હતું. પાકિસ્તાન માટે હસન અલીએ આ વર્લ્ડકપના એક પણ મેચમાં સારું પ્રદર્શન નથી કર્યું. ભારતની વિરૂદ્ધ તેણે ઘણા રન આપ્યા હતા અને બાકીના મેચમાં પણ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે મોટું નામ હોવાના કારણે બાબરે તેને ટીમમાં સામેલ કર્યો હતો. આ બાબરનું સાહસ હતું અને એ સાહસ જ મોંઘુ પડી ગયું. હસને પાકિસ્તાનની નૈયા ડૂબાડી દીધી. ભારતે પણ નામના આધાર પર ભુવનેશ્વરને રમાડવાની ભૂલ કરી હતી.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments