Homeગામનાં ચોરેરશિયાના ઘરમાં ઘુસીને ચોર ચોરી કરી ગયો

રશિયાના ઘરમાં ઘુસીને ચોર ચોરી કરી ગયો

ચોરીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાંથી ચોરી કરવી અશક્ય હતી. વાત દુનિયાની બીજી મહાશક્તિ મનાતા રશિયાની છે. ચોર ટોળકીએ રશિયન મિલિટ્રી પ્લેનને જ નિશાન બનાવ્યું. એવું મિલિટ્રી પ્લેન જેના વિશે દાવો કરાયો છે કે, પ્રલયમાં પણ આ પ્લેનને કંઈ ન થઈ શકે. આ વિમાનને સુપરપાવર કન્ટ્રી ડૂમ્સડે એરક્રાફ્ટ કહે છે. બહુ સિક્રેટ માનવામાં આવે છે. ચોરીની આ ઘટનાની જાણ થતાં જ રશિયન પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ ચોરનું પગેરું હજુ સુધી મળી શક્યું નથી.

ફિંગરપ્રિન્ટ મળ્યા

દાવો કરાયો છે કે, ચોર વિમાનમાં અંદર લગાવેલા રેડિયો ઉપકરણના 39 પાર્ટ તેમજ પાંચ રેડિયો બોર્ડ લઈને ફરાર થઈ ગયા છે. ચોર જે ઉપકરણો લઈ ગયા તેમાં કેટલાય ઉપકરણો સોના અને પ્લેટિનિયમ જેવી ધાતુના છે. જેની અંદાજે 10 લાખ રૂપિયા જેટલી કિંમત છે. 4 ડિસેમ્બરે જ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, પોલીસના હાથમાં અત્યાર સુધીમાં માત્ર કેટલાક ફિંગરપ્રિન્ટ્સ અને જૂતાના નિશાન જ મળ્યા છે.

રશિયાએ સત્તાવાર સ્વીકાર્યું

રશિયાએ સત્તાવાર સ્વીકાર્યું છે કે, ડૂમ્સડે એરક્રાફ્ટમાંથી ચોરી થઈ છે. પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે આ એક ગંભીર ઘટના છે. આ ઘટના મુદ્દે માત્ર તપાસ જ નહીં પરંતુ હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેના પર પણ ધ્યાન રાખવામાં આવશે.

ડૂમ્સડે એરક્રાફ્ટ કેમ ખાસ છે

આ એરક્રાફ્ટ ખાસ ડિઝાઈન અને ટેકનિકથી સજ્જ છે. દાવો કરાયો છે કે, આ વિમાન ન્યૂક્લિયર હુમલાને પડકાર આપવા પણ સજ્જ છે. કોઈ પણ એરફિલ્ડ પરથી ઉડાન ભરી શકે છે. કોકપિટ પર વિન્ડશિલ્ડ સિવાય પ્લેનમાં કોઈ જ બારી નથી હોતી. જેથી ન્યૂક્લિયર હુમલા વખતે થતાં તેજ પ્રકાશથી વિમાનમાં બેઠેલા લોકોની આંખોને કંઈ ન થાય. આર્મી, નેવી અને એરફોર્સને કંન્ટ્રોલ કરવા માટે જે વસ્તુઓની જરૂર હોય તે બધુ જ આ એરક્રાફ્ટમાં સામેલ છે. જરૂર પડ્યે તે સુરક્ષા માટેનું વન પોઈન્ટ સેન્ટર બની શકે છે.

સુરક્ષા વ્યવસ્થામાં છીંડા

ડૂમ્સડેને રશિયન રક્ષા વિભાગનું સૌથી સિક્રેટ એરક્રાફ્ટ માનવામાં આવે છે. ચોરનું મિલિટ્રી કંમ્પાઉન્ડમાં આવીને ચોરી કરી જવું એ રશિયન સેનાની પ્રતિષ્ઠા તેમજ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવે છે. રશિયા હથિયારો પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે. વર્ષ 2000થી 2019 સુધીમાં રશિયાનો સૈન્ય ખર્ચ 175 ટકા વધી ગયો છે. જો કે, ત્યારે પણ રશિયામાં આવી રીતે ચોરી થઈ જવી ખુબ જ ગંભીર છે. જે વિમાન ન્યૂક્લીયર હુમલા વખતે જવાબી કાર્યવાહીમાં સક્ષમ પ્લેનની સુરક્ષામાં ચૂકે એ રશિયાની બેદરકારી જ કહી શકાય. અત્યારે તો ચોર માત્ર રેડિયો ઉપકરણો જ લઈ ગયા છે જો વિમાનમાં લાગેલા સેન્સેટિવ ઉપકરણો ચોરના હાથમાં આવી ગયા હોત તો ?

હાલ તો રશિયન તંત્રએ ચોર સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જો કે, ચોર પણ શાતિર છે. તેણે પાછળ કોઈ પણ સાબિતી છોડી નથી. પણ ચોરી ક્યારેય છુપાતી નથી વહેલા મોડું આ સમગ્ર ઘટનાનું સત્ય સામે આવશે. સાથે એ વિગતો પણ સામે આવશે કે ચોરે શા માટે ચોરી કરી છે.

કયા દેશ પાસે ડૂમ્સડે છે

આ માત્ર બે દેશ પાસે જ છે. એક અમેરિકા અને બીજો રશિયા. અમેરિકાએ આ વિમાન પહેલા બનાવ્યું હતું. અમેરિકાએ જ તેનું નામ ડૂમ્સડે આપ્યું. અમેરિકા પાસે આ કેટેગરીના ચાર વિમાન છે. જેનું નામ બોઇંગ-ઇ4 બી ઉર્ફે નાઇટવોચ છે. આને અમેરિકાનો બેકઅપ પેન્ટાગોન પણ માની શકાય. જે મૂળ પેન્ટાગોન કરતા વધુ સુરક્ષિત છે. આ ચાર વિમાનને અમેરિકાનું નેશનલ એરબોર્ન ઓપરેશન્સ સેન્ટર કહેવામાં આવે છે. આ વિમાનને સંભાળવાની જવાબદારી યુ.એસ. એરફોર્સની છે.

આ નાઇટવોચ વિમાનો 24 કલાક, 365 દિવસ ડ્યુટી માટે એલર્ટ મોડમાં હોય છે. વિમાનમાં અંદાજે 112 લોકોની બેઠક વ્યવસ્થા છે. તે રિફ્યુઅલ વિના 12 કલાક સતત ઉડાન ભરી શકે છે. હવાના અંદરના ભાગમાં રિફ્યુઅલિંગની એક સિસ્ટમ પણ છે. આને કારણે, તે જમીન પર ઉતર્યા વિના ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે. આ વિમાનમાં આશરે 67 સેટેલાઇટ ડીશ અને એન્ટેના છે. કોઈ પણ સંજોગોમાં તેની વાતચીતની સિસ્ટમ ઠપ નથી થઈ શકતી. આ વિમાનના પાછળ એક પૂંછડી જેવું એન્ટેના ગોઠવવામાં આવે છે. જો જરૂર પડે તો આ એન્ટેના વિમાનની પાછળ કેટલાક કિલોમીટરમાં ફેલાય છે. આ એન્ટેનાની મદદથી સમુદ્રની નીચે એક્ટીવ સબમરીનનો પણ સંપર્ક સાધી શકાય છે.

રશિયન ડૂમ્સડે

રશિયન ડૂમ્સડેનું નામ ઇલુશિન-80 છે. આ વિમાનો તેના ઇલુશિન II-86 વિમાનમાં ફેરફાર કરીને બનાવવામાં આવ્યા છે. રશિયા પાસે આ કેટેગરીના ચાર વિમાન છે. જેને અદમ્ય, અજેય માનવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments