Team Chabuk-Sports Desk: આજે ક્રિકેટના ભગવાન 48 વર્ષના થઈ ગયા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સચિનને શુભેચ્છા આપી રહ્યા છે સાથે જ તેના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનારા લીટલ માસ્ટરના જીવનના કેટલાક એવા રસપ્રદ કિસ્સા છે જે બહું ઓછા લોકો જાણે છે. આજે સચિનના જીવનના એવાજ કિસ્સામાં ડોકિયું કરીએ.
જીત માટે માની હતી માનતા
તારીખ 02-એપ્રિલ-2011. આ એ જ દિવસ છે જ્યારે ભારતીય ટીમે વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. ક્રિકેટ વિશ્વકપમાં શ્રીલંકાને 6 વિકેટે મ્હાત આપી ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ મેચની પડદા પાછળની સચિનની એક વાત છે જે લોકોના દિલને સ્પર્શી જાય તેવી છે. આ મેચ દરમિયાન એક તરફ ખેલાડીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. મેચનો ઉતાર-ચઢાવ ખેલાડીઓના જીવ અધ્ધર કરી રહ્યો હતો. બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર ભગવાનના શરણે પહોંચી ગયો હતો. સચિન તેંડુલકરે આ મેચમાં ડ્રેસિંગ રૂમમાં આંખ બંધ કરીને ભગવાનની પૂજા શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં સચિને દાઢી વધારીને ટીમની જીત માટે માનતા પણ માની હતી. જ્યારે ટીમ જીતી ગઈ ત્યારે તે ભગવાન સિદ્ધિ વિનાયકના શરણે પહોંચ્યો હતો અને ત્યાંજ દાઢી પણ કરાવી હતી.
ભગવાન પર અતૂટ શ્રદ્ધા
સચિન ભગવાનમાં બહુ શ્રદ્ધા રાખે છે. તે નિયમિત ભગવાનની પૂજા અર્ચના પણ કરે છે. જ્યારે સચિને એશિયા કપમાં પોતાની 100મી સદી પૂર્ણ કરી હતી ત્યારે ટૂર્નામેન્ટમાંથી પરત ફરીને ગુડી પડવાના દિવસે સવારના પહોરમાં જ સચિન સિદ્ધી વિનાયકના દર્શને પહોંચી ગયો હતો. આ દરમિયાન તેનો પરિવાર પણ તેની સાથે હતો.
પહેલી કાર સેકેન્ડ હેન્ડ હતી
દરેક ખેલાડીની જેમ સચિન તેંડુલકરે પણ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. સચિન તેંડુલકરે પોતાની પહેલી કાર મારૂતિ 800 લીધી હતી અને પણ સેકેન્ડ હેન્ડ હતી. જો કે, આજે સચિન પાસે મોંઘીદાટ કાર્સનું કલેક્શન છે. 1990માં સચિન તેંડુલકર ઈંગ્લેન્ડના પ્રવાસેથી પોતાની કારકીર્દિમાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલી સદી ફટકારી પરત ફર્યો હતો. આ ટૂર્નામેન્ટમાંથી પરત ફર્યા બાદ સચિને પોતાની પહેલી કાર લીધી હતી. જ્યારે પહેલી કાર ખરીદી ત્યારે સચિન પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હતું. આજે પણ આ કાર સચિનના ગેરેજમાં છે.
કાર્સનું કલેક્શન
સચિન પાસે આજે કાર્સનું કલેક્શન છે. સચિન પાસે મારૂતી 800 ઉપરાંત ફરારી 360 મોડેના, બ્લૂ રંગની BMW X5M, સફેદ રંગની BMW i8, Nissar GT-R, BMW 7-Series750 Li, BMW M5 30 Jahre Edition અને BMW M6 Gran Coupe છે. ભારતમાં સૌથી પહેલાં BMW M6 Gran Coupe સચિને ખરીદી હતી. આ કારની કિંમત અંદાજે 1.4 કરોડ રૂપિયા છે.
આજે પણ જૂનું ઘર નથી વેચ્યું
સચિન સાથે આજે પણ કેટલીક જુની યાદો જોડાયેલી છે. મુંબઈના બાંદ્રામાં જે સાહિત્ય સહવાસ કોલોનીમાં સચિન રહેતો હતો તે ઘર આજે પણ સચિને વેચ્યું નથી. આજે પણ સચિનની પત્ની અંજલિ સાહિત્ય સહવાસ કોલોનીમાં થનારા દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. એટલું જ નહીં સચિને પોતાની દીકરી સારાનો પહેલો જન્મદિવસ પણ આ જ કોલોનીમાં ઉજવ્યો હતો. જેમાં કોલોનીના લોકો સામેલ થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત