Homeસાહિત્યડૉ.ભરત ખેનીને “રાજા રવિ વર્મા” પુસ્તક માટે સાહિત્ય આજતકનું પારિતોષિક એનાયત

ડૉ.ભરત ખેનીને “રાજા રવિ વર્મા” પુસ્તક માટે સાહિત્ય આજતકનું પારિતોષિક એનાયત

Team Chabuk-Literature Desk : ઝલના તોફાનો અને વાર્તાના વંટોળ વચ્ચે સંશોધન અને ચરિત્રલેખનની મહત્ત્વપૂર્ણ કામગીરીને ઘણીવાર અવગણવામાં આવી છે. આ ક્ષેત્રની જટિલતા અને મુશ્કેલીને કારણે જુજ લોકોને જ આ ક્ષેત્રમાં કામ કરવાનો અવસર મળે છે. આવી પરિસ્થિતિમાં, ‘રાજા રવિ વર્મા’ (જીવનચરિત્ર) પુસ્તક માટે 2022ના સાહિત્ય અકાદેમી યુવા પુરસ્કારથી સન્માનિત પંક્તિકાર, લેખક, વિવેચક અને કવિ ભરત ખેનીને હવે સાહિત્ય આજતકનું વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પૂરા ગુજરાતી સાહિત્યમાં તેઓ પ્રથમ સર્જક છે. આ એ સર્જક છે જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ખુબ મોટું યોગદાન આપીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે, અને આ ઘટના ગુજરાતી સાહિત્ય માટે અણમોલ અને ગૌરવપૂર્ણ છે.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલિયામાં ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત ડૉ. ભરત ખેનીને તેમની પ્રતિષ્ઠિત કૃતિ ‘રાજા રવિ વર્મા’ (જીવનચરિત્ર) માટે ઇન્ડિયા ટુડે ગ્રુપ દિલ્લી દ્વારા યોજાતા વાર્ષિક સાહિત્ય ઉત્સવ સાહિત્ય આજતકમાં ‘સાહિત્ય આજતક જાગૃતિ ભાષા પ્રતિભા સન્માન-૨૦૨૪’માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને નવેમ્બર ૨૩, ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાનારા એક વિશિષ્ટ સમારંભમાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો.

Bharat Kheni

ગત વર્ષથી સાહિત્ય આજતક દ્વારા ‘આજતક સાહિત્ય જાગૃતિ સન્માન’ની શરૂઆત કરવામાં આવી છે. આ સન્માન લોકપ્રિય સાહિત્યકારો ઉપરાંત નવોદિત પ્રતિભાઓને પણ તેમની કૃતિની અનન્યતા અને વિશિષ્ટતા માટે આપવામાં આવે છે. આ સન્માન સાથે સ્મૃતિચિહ્ન અને પચાસ હજાર રૂપિયાની પુરસ્કૃત ધનરાશિ ડો.ભરત ખેનીને આપવામાં આવી છે.
૨૦૪ પાનાંનું રાજા રવિ વર્મા પુસ્તક છ થી સાત વર્ષના સખત પરિશ્રમ, વિશાળ અભ્યાસ અને પ્રવાસના પરિણામે તૈયાર થયું છે. આ પુસ્તકમાં રાજા રવિ વર્માના જીવનના આરંભથી અંત સુધીના સફર, તેમની ચિત્રકળા, રાજનૈતિક અન્યાય, વિવાદો અને અનેક રસપ્રદ પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંદર્ભગ્રંથ સાથેના ૧૯ પ્રકરણોમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, સાહિત્ય અને કલા ક્ષેત્રની વિવિધ દૃષ્ટિઓ રજૂ કરવામાં આવી છે.

ડો. ભરત ખેનીનો પરિચય

24 એપ્રિલ 1987ના રોજ ભાવનગર જિલ્લા ના પરવડી ગામે જન્મેલા ડૉ. ભરત ખેની હાલમાં અમરેલી જિલ્લામાં લિલિયા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી ભાષાના મદદનીશ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ દાહોદ જિલ્લામાં પ્રોફેસર તરીકે કર્યો હતો, તો આણંદની એન.એસ.પટેલ કોલેજમાં પાંચ વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવા આપી હતી. ગુજરાતી ભાષાના વિવિધ સાહિત્યિક સામાયિકોમાં 35થી વધુ સંશોધનો પ્રકાશિત કરી ચૂકેલા તેઓ ઇતિહાસ, કલા અને ખાસ કરીને ચિત્રકલા ક્ષેત્રમાં ગહન રસ ધરાવે છે. રાજા રવિ વર્મા જેવા પ્રસિદ્ધ ચરિત્રની કાવ્યાત્મક માળખામાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, તેમણે પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાનનું પઠન સંપાદન કર્યું છે અને કવિતાઓ પણ લખી છે.
તેમના પુસ્તકરાજા રવિ વર્મા (જીવનચરિત્ર)માટે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં…
1) સાહિત્ય અકાદેમી, દિલ્હીનો યુવા પુરસ્કાર (2022)
2) નર્મદ સુવર્ણ ચંદ્રક
3) કિશનસિંહ ચાવડા પુરસ્કાર
4) નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર
5) બાર્ટન લાઈબ્રેરી સન્માન
6) ગિરા ગુર્જરી પ્રથમ પારિતોષિક
7) અંજુ-નરશી નવોદિત સાહિત્ય સન્માન
8) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી શ્રેષ્ઠ પુસ્તક પર પ્રથમ પારિતોષિક (2021)
આ સિદ્ધિના સમાચારને લઇને કોલેજ પરિવારમાં આનંદની લહેર છે. આચાર્યશ્રી અને સાથી પ્રોફેસર મિત્રોએ ડૉ. ભરત ખેનીને અભિનંદન આપતા તેમનાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે પ્રશંસા વ્યક્ત કરી છે. આચાર્યશ્રીએ જણાવ્યું હતું, “ડૉ. ભરત ખેનીની આ સફળતા માત્ર તેમના માટે નહીં, પરંતુ સંપૂર્ણ કોલેજ અને શિક્ષણ જગત માટે એક મોટી અને ગૌરવપૂર્ણ ઘટના છે. આ સિદ્ધિ સમગ્ર શૈક્ષણિક પરિવારમાં નવી ઉર્જાનો સંચાર કરશે.”

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments