Homeતાપણુંશંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં ફરી એન્ટ્રી થશે! હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં

શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં ફરી એન્ટ્રી થશે! હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં

Team Chabuk-Political Desk: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે સાથે પત્રકાર પરિષદ યોજી હતી. અર્જુન મોઢવાડીયાએ બાપુની કોંગ્રેસમાં એન્ટ્રીના સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે અને તમારી આતુરતાનો ટૂંક સમયમાં જ અંત આવશે. દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. બાપુ આગામી સમયમાં વિપુલ ચૌધરી કેસમાં સમન્સ આપવા માટે કોર્ટમાં જશે અને આગામી 6 તારીખે અર્બુદા સેનાની મહાસભાનું આયોજન કરશે તેમ તેઓએ જણાવ્યું હતું.

શંકરસિંહે પોતે અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરી માટે ભલામણ કરી હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ વાજપેયીજીના કહેવાથી પોતે અમૃતા પટેલ માટે પણ ભલામણ કરી હતી તેવો દાવો કર્યો હતો. વધુમાં તેમણે ભાજપ આટલી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે એ યોગ્ય ન કહેવાય તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ભલામણ કરવી એ કોઈ ગુનો નથી તેમ જણાવ્યું હતું.

અર્જુન મોઢવાડીયાએ પણ સરકારી વકીલની સૂચનાથી 6 તારીખે કોર્ટનું સમન્સ મળ્યું છે તેમ કહીને પોતાની વાતની શરૂઆત કરી હતી. આગળ જણાવ્યું કે, ‘મારે ભાજપ સરકારને ગુજરાતની જનતા વતી જણાવવાનું છે કે, રાજ્યની સહકારી સંસ્થાઓ ભાજપની મિલ્કતો નથી. આપણા વડવાઓના પરસેવા અને પ્રામાણિકતાથી આ સંસ્થાઓ વટવૃક્ષ બની છે. સહકારી સંસ્થાઓની મલાઈ ખાવાના ભાજપના ષડયંત્રનો જવાબ ગુજરાતની જનતા આપશે.’

મોઢવાડીયાએ જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વમાં અમૂલનું મોડેલ પ્રખ્યાત છે તેમાં ભાજપનું કે ભાજપના ભાઉનું કોઈ યોગદાન નથી. તે માટે સભાસદોએ યોગદાન આપ્યા છે જેના કારણે 18 ડેરીઓ વિકસી છે.. દૂધસાગર ડેરી સૌથી મોટી ડેરી છે એ આજે ભાજપના કારણે તળિયે આવી ગઈ છે. ભાજપના આંતરિક વિવાદના કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે.’ મોઢવાડીયાએ આગળ જણાવ્યું હતું કે, ‘તપાસ થવામાં કોઈ વાંધો નથી પરંતુ ભાજપમાં હોવા છતાં વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા. તેઓ ભાઉના કહેવામાં નહોતા એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી અને વિપુલ ચૌધરીની આવી સ્થિતિ છે.’

અર્જૂનભાઈએ જાહેરમાં સ્વીકારે છે કે પોતે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભલામણ કરી હતી. આ સાથે જ પોતાના પાસે પુરાવા છે એ લોકોનો વાળ પણ વાંકો નથી થતો તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે એક જ સોદામાં અબજો રૂપિયા બનાવનારાઓ ભાઉના કહેવામાં હોવાથી તેમનો વાળ વાંકો ન થતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ વિપુલ ચૌધરીએ કોઈ કૌભાંડ ન કર્યું હોવાનો પણ બચાવ કર્યો હતો. છેલ્લે તેમણે ભાઉના કારણે 75 સહકારી સંસ્થાઓ ડૂબી ગઈ છે માટે મહેરબાની કરીને તેમાં વચ્ચે ન પડે, સહકારી સંસ્થાઓ તેના સભાસદોની માલિકીની છે તેમ જણાવ્યું હતું.

દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 17 બોગસ કંપનીઓ બનાવીને 800 કરોડની ઉચાપત કરવા મામલે ધરપકડ કરવામાં આવેલી છે. વિપુલ ચૌધરીના દુધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments