Team Chabuk- Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારતે પોતાના અંતિમ મેચમાં નામિબીયાને નવ વિકેટથી પરાજય આપ્યો. આ સાથે જ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીનો ટી ટ્વેન્ટીમાં કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. વિરાટની ટી ટ્વેન્ટીમાં કેપ્ટન તરીકે આ અંતિમ મેચ હતી. હવે રવિ શાસ્ત્રીની જવાબદારી રાહુલ દ્વવિડ પર છે. વિરાટ અને શાસ્ત્રીની કોચ-કેપ્ટન તરીકેની જોડીએ કેટલાય કીર્તિમાન સ્થાપિત કર્યા, પણ તેઓ કોઈ આઈસીસી ટ્રોફી અપાવી ન શક્યા.
આ વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડિયાએ અંતિમ મેચમાં ભલે જીતની સાથે બંનેને વિદાય આપી હોય, પણ સેમીફાઈનલ સુધી ન પહોંચવાનો વસવસો કાયમ રહેશે. 2014માં રવિ શાસ્ત્રી ભારતીય ટીમ સાથે જોડાયા હતા. પણ ત્યારે તેઓ ડાયરેક્ટર હતા. 2017માં શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ બન્યા. ત્યારથી લઈ અત્યાર સુધી ટીમે કેટલીય સિદ્ધિઓ હાંસલ કરી છે.
- ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર બે વખત પરાજય આપ્યો.
- 40 મહિનાઓ સુધી ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાન પર રહી
- ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની રેકોર્ડ સતત સાત જીત
- દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વ્હાઈટ બોલમાં સિરીઝ જીતી
- સતત ચાર ટેસ્ટ મેચમાં ઈનિંગથી વિજય પ્રાપ્ત કરનારી પ્રથમ ટીમ ભારત બની.
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કોચ
રવિ શાસ્ત્રીના કોચ બનતા 43માંથી 25 ટેસ્ટ મેચ ભારતે જીતી અને જીતની એવરેજ 58.13ની છે. તેઓ ભારતના સૌથી સફળ ટેસ્ટ કોચ છે. તેમના પછી જ્હોન રાઈટનું નામ આવે છે. રાઈટે 52માંથી 21 મેચમાં જીત અપાવી છે. ગેરી કર્સ્ટને 52માંથી 16 અને ડંકન ફ્લેચરે 39માંથી 13માં જીત અપાવી છે. તો અનિલ કુંબલેએ 17માંથી 12માં જીત અપાવી છે.
વિરાટ-શાસ્ત્રીની જોડી
વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી 2021 ટી ટ્વેન્ટી વિશ્વકપમાં નિષ્ફળ રહી છે, પણ એનો અર્થ એ નથી કે તે સતત નિષ્ફળતાનો સ્વાદ ચાખતી આવી હોય. વિરાટના કેપ્ટન અને શાસ્ત્રીના કોચ રહેતા ભારતે 39 ટેસ્ટ મેચ રમ્યા. જેમાંથી 22માં જીત પ્રાપ્ત કરી અને 13માં પરાજયનો સામનો કરવો પડ્યો. ટેસ્ટમાં આ જોડીનો જીતનો રેકોર્ડ 56 ટકા છે. વનડેમાં આ જોડીએ ભારતને 65માંથી 43માં જીત અપાવી છે અને વીસ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. વનડેમાં આ બંનેએ મળીને ભારતને 66 ટકા મેચ જીતાવ્યા છે. ટી ટ્વેન્ટીમાં પણ આ જોડીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિરાટ અને શાસ્ત્રીએ મળીને ભારતીય ટીમને 50માંથી 32 મેચમાં જીત અપાવી છે. જ્યારે 16 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ટી ટ્વેન્ટીમાં આ જોડીએ ટીમ ઈન્ડિયાને 64 ટકા મેચમાં જીત અપાવી છે.
વનડેમાં જ્હોન રાઈટ અવ્વલ
વનડેમાં જ્હોન રાઈટ બાદ શાસ્ત્રી ચોથા સૌથી સફળ કોચ છે. જ્હોન રાઈટે 130માંથી 68 મેચ જીતાવ્યા છે. ફ્લેચરે 108માંથી 65 મેચ જીતાવ્યા છે. ગેરી કર્સ્ટને 93માંથી 59 મેચ અને 2011નો વિશ્વકપ પણ જીતાવ્યો છે. શાસ્ત્રીએ 76માંથી 51માં જીત અપાવી છે. તેમની જીતની ટકાવારી 67.10 છે. ટી ટ્વેન્ટીમાં શાસ્ત્રીએ 65માંથી 43માં જીત અપાવી છે. જીતની ટકાવારી 66.15 છે.
કોહલીની આગેવાની કેવી રહી?
વિરાટ કોહલીએ વર્ષ 2014માં ભારતીય ટેસ્ટ ટીમની આગેવાની સંભાળી હતી. તેની આગેવાનીમાં ભારતે 65 ટેસ્ટ મેચ રમ્યા અને 38માં જીત પ્રાપ્ત કરી, જ્યારે 16માં હાર અને 11 મેચ ડ્રો રહી. વનડેમાં વિરાટ કોહલીએ 95 મેચમાં કેપ્ટનશિપ સંભાળી છે અને 65માં જીત જ્યારે 27માં હારનો સામનો કરવો પડ્યો છે. ટી ટ્વેન્ટીમાં વિરાટ કોહલીએ 50 મેચમાં આગેવાની કરી છે. જેમાંથી 30માં જીત મળી છે જ્યારે 16માં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ટાઈ અને બે મેચનું પરિણામ નથી નીકળ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત