પીચ ક્યૂરેટર મેચ પહેલા મેદાનમાં આવે છે અને પીચની સ્થિતિ જણાવે છે. પીચ બેટ્સમેનો માટે લાભદાયી થવાની છે. સવારથી પવનની ગતિ કેટલી છે તેના વિશે કહે છે. બોલરને પડનારી અડચણો અને બેટીંગ ટીમને થનારા ફાયદા વિશે વાત થાય છે. મેચ શરૂ થાય છે અને આ બધું શબ્દો પૂરતું સીમિત થઈ જાય છે.
શોએબ અખ્તર બોલિંગમાં છે. તેની ફાસ્ટ બોલિંગ ટીમને ફાયદો પણ કરાવી શકે અને ગેરફાયદો પણ. ફાસ્ટ બોલમાં વધારે મહેનત કરવાની જરૂર નથી રહેતી. ટાઈમિંગ અને બે ખેલાડીઓ વચ્ચે સ્પેસ શોધવાની હોય છે. જેનું ફૂટવર્ક સૌથી ઉત્તમ તે શોએબના દડાને અતિ-ઉત્તમ રીતે મેદાનની બહાર ખદેડી શકે. જેનું ફૂટવર્ક નબળું તેની શોએબ વિકેટ ન લે તો પણ બેટ્સમેનને ઘાયલ તો કરી જ નાખે.
શોએબ ખડતલ બેટસમેનોને મેદાનમાં જોતજોતામાં ઘાયલ કરી દેતો હતો. નબળી ટીમો તેના ઘૂંટણીયે પડી જતી હતી. ઝિમ્બાબ્વે જેવી ટીમના બેટ્સમેનો ક્રિઝ પર સટમ્પ બતાવીને રમતા હતા. જેનો શોએબ ભરપુર ફાયદો ઉઠાવતો.
ટીવી સ્ક્રિન પર શોએબની રનીંગ, મેદાનની પૂર્ણાહુતિ થાય છે ત્યાં થોડે દૂરથી જ શરૂ થતી હોય તેવું લાગે. પરીક્ષા બેટ્સમેન કરતા વિકેટ કિપરની વધારે થાય. શોએબનો એ ઘાતક બોલ બેટ્સમેન ડોટમાં કાઢી નાખે તો હવે વિકેટકિપરે તેને પોતાની તાકાતથી રોકવાનો હોય. ઘણી વખત બોલ બાઉન્સ થાય અને તે વિરોધી ટીમને ફાયદો અપાવતો જાય. આ શોએબ અખ્તરે પોતાની કરિયરમાં પાંચ વખત પાંચ બેટ્સમેનો સામે એવા બોલ ફેંકેલા કે દર્શકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. દર્શકોના જ નહીં તેના પણ.
બ્રાયન લારા
વેસ્ટ ઈન્ડિઝની ટીમનો પાયાનો બેટ્સમેન. 2004ની સાલની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ રમાતી હતી. પાકિસ્તાન સામેના મેચમાં કેપ્ટન પણ લારા જ હતો. 30 રન પર તે બેટીંગ કરી રહ્યો હતો. પાકિસ્તાનના બેટ્સમેનો કંઈ ખાસ ઉકાળી ન શકતા તેમની ટીમ 38.1 ઓવરમાં 131 રન સાથે પવેલિયન પરત ફરી ગઈ હતી.
મેચ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત વિકેટે જીતી ગઈ હતી. રામનરેશ સરવન 56 રન સાથે નોટઆઉટ રહ્યો હતો. પણ મેચની ખરી રમત તો લારા અને શોએબ વચ્ચે રમાઈ. શોએબ અખ્તરે એક બોલ ફેંક્યો. બોલ તેની પરંપરા પ્રમાણે બાઉન્સ હતો. લારા એ બોલને ડોટ અથવા તો પ્લેડ કરવા માગતો હતો, પણ અનાયાસે ઉછળેલો બોલ લેફ્ટ હેન્ડેડ લારાના જમણા હાથ પરથી પસાર થયો અને ગળાના ભાગે આવી ગયો.
A memory with one of the legends of the game. Best batsman of his era @BrianLara
— Shoaib Akhtar (@shoaib100mph) April 22, 2020
I wish i played more against him. #BrianLara #WestIndies #Legend pic.twitter.com/zdOPrU005c
લારા જમીન પર ફસડાઈ પડ્યો. આ બોલ શોએબના એ બધા બોલથી અલગ હતો જેને તે ફાસ્ટ કેટેગરીમાં મૂકે છે. લારાને મેચમાં રિટાયર્ડ થવાનો વારો આવ્યો. અખ્તરે કહેલું કે, ‘સારું થયું એ બોલ ગળામાં જ લાગ્યો. જો થોડો ઉપરથી ગયો હોત તો લારાનું હાડકું જ ભાંગી જાત.’
22 એપ્રિલ 2020માં શોએબે આ યાદને પુન: જીવંત કરી હતી અને લારા સામેની એ મેચની ફૂટેજ ટ્વીટર પર શેર કરી હતી. જેમાં શોએબે આ લેજન્ડરી બેટ્સમેનના વખાણ કરતા લખ્યું હતું કે, લારા તેના યુગનો બેસ્ટ બેટ્સમેન હતો. આશા રાખતો હતો કે હું તેની સામે વધારે રમી શકું.
સૌરવ ગાંગુલી
શોએબ અખ્તરે હેલ્લો એપને આપેલા ઈન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલી વિશે કહ્યું હતું કે, ‘લોકો એવી વાત કરતા હોય છે કે સૌરવ ફાસ્ટ બોલિંગથી ડરે છે. તે સામનો કરતા ભાગે છે. હું વિચારું છું આ બધી વાહિયાત વાત છે. સૌરવ એ બહાદુર બેટ્સમેનોમાંથી એક છે જેને મેં આઉટ કર્યો હોય. એકમાત્ર એવો ઓપનર છે જે નવા બોલમાં મારી સામે જડબાતોડ મુકાબલો કરતો હોય.’
આ જ ઈન્ટરવ્યૂમાં અખ્તરે કહેલું કે, ‘ધોની એ સારો કેપ્ટન છે, પણ જ્યારે ટીમ બિલ્ડીંગની વાત આવે છે ત્યારે સૌરવ ગાંગુલી જેવો કોઈ કેપ્ટન નથી. 2004ની સાલમાં ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતની ટીમ પાકિસ્તાન આવી હતી અને મેં કહેલું કે, આપણે હારી જઈશું. બરાબર એવું જ થયું. ટેસ્ટમાં 2-1થી અને વનડેમાં 3-2થી અમે હારી ગયા. 90ની સાલમાં અમે જ્યારે ભારતની ટીમ સામે રમતા હતા ત્યારે હું આત્મવિશ્વાસથી કહી શકતો હતો કે, આ ટીમ અમારું કંઈ નહીં ઉખાડી શકે પણ જ્યારે 2000ની સાલમાં સૌરવ કેપ્ટન બન્યો ત્યારે મને પહેલી વખત એવું લાગ્યું કે હવે ટીમથી ડરવું જોઈએ.’
શોએબ અખ્તરે સૌરવ સામે શોર્ટ પીચ બોલનો ઉપયોગ કર્યો હતો. એ બોલ એટલો ફાસ્ટ હતો કે સૌરવ ગાંગુલી તેને હળવાશથી લેવા જતા તેના પડખામાં લાગી ગયો અને તે મેદાન પર જ ગબડી પડેલો. અખ્તરે એક વીડિયોમાં કહ્યું છે કે, ‘આ બાઉન્સરથી બેટ્સમેન પોતાની સ્થિતિમાં ઊભો છે તો ત્યાંથી ડરીને પાછળ ચાલ્યો જાય. અડધી પીચ પર બોલ ફેંકી તે બોલને ઉપર લઈ જવો. બોલ નીચે જાય પછી અચાનક ઉપર જાય. જેને હું ફ્લિક કહું છું.’
ગેરી ક્રિસ્ટેન
ભારતીય ટીમના કોચ જેણે 2011નો વિશ્વકપ જીતાવવામાં મોટી ભૂમિકા ભજવી તે ક્રિસ્ટેન એ સમયે બેટીંગ કરી રહ્યો હતો. ઓપનિંગના આધારભૂત બેટ્સમેન તરીકે ગેરીની ગણના થતી હતી. 10 વર્ષનો તેને અનુભવ હતો. 2003ની સાલ હતી. આફ્રિકા પાકિસ્તાનના ઘર આંગણે રમવા આવી હતી. પહેલી ટેસ્ટ મેચ લાહોરમાં હતી. ગેરી વન ડાઉન બેટ્સમેન તરીકે ઉતર્યો. અડધી સેન્ચુરી પૂરી થઈ ગઈ હતી. આફ્રિકાની ટીમ માટે ગેરીનું ટકવું જરૂરી હતું, કારણ કે હર્ષલ ગિબ્સ અને જેક કાલિસ આઉટ થઈ પવેલિયન પરત ફરી ચૂક્યા હતા. 50 પૂર્ણ થયા પછી ઓવર અખ્તરના હાથમાં આવી. અખ્તરે બાઉન્સર ફેંક્યો. ગેરી તેને વિકેટની પાછળ જઈ મારવા ગયો પણ એટલું દૂર હટી ન શકાયું. તેના પગ ત્યાં જ ખોડાઈ ગયા. બાઉન્સ આવેલો બોલ એટલો ફાસ્ટ હતો કે ગેરીના હેલમેટમાં અથડાયો. તે પણ આંખ પાસેની ખુલ્લી જગ્યાએ. તેની ડાબી આંખ પાસેથી લોહી વહેવા લાગ્યું હતું. 53 રનના સ્કોરે તેને રિટાયર્ડ થવું પડ્યું. આ ઘટના પછી અખ્તર ડ્રેસિંગ રૂમમાં ગયો અને તેને ગળે લગાવી લીધો.
અખ્તરે કહેલું, મને ખૂબ જ દુખ લાગ્યું હતું. એ મારો પાક્કો મિત્ર હતો. 1995માં હું તેની સાથે રમ્યો હતો. મેં તેને પૂછેલું, ‘હું કોઈ દિવસ વકાર યુનસ બનીશ.’ આ સમયે મેં મારું આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ પણ નહોતું કર્યું.
ભાંગેલા તૂટેલા ઈંગ્લીશ સાથે તેણે કહ્યું, ‘હા.’
મેં ફરી ખાતરી કરવા પૂછેલું, ‘તને લાગે છે મારામાં એ વાત છે.’
તેણે કહ્યું, ‘હા બિલકુલ છે.’
સચિન તેંડુલકર
ઈન્ડિયા અને પાકિસ્તાનની દિલ્હીમાં ટેસ્ટ મેચ ચાલી રહી હતી. 25 નવેમ્બર 2007નું એ વર્ષ હતું. પ્રથમ ટેસ્ટનો ચોથો દિવસ ચાલી રહ્યો હતો. શોએબ અખ્તર સચિન સામે મૂડમાં હતો. બાઉન્સ બોલ ફેંક્યો અને બોલ હેલમેટ પર લાગ્યો. એટલો ઉછળ્યો કે બીજા અમ્પાયરની બાજુમાં ઊભેલા ખેલાડીને પણ દોડ લગાવવી પડી. આ સમયે સચિન ઝીરોના સ્કોર પર હતો. શક્ય છે એ બોલ કદાચ સચિનને ઘાયલ કરવા જ ફેંકાયો હતો.
મોહમ્મદ અઝરુદ્દીન
આ એક સ્લો બોલ થવાનો હતો!! અખ્તરે એટલી રનિંગ નહોતી લીધી. અઝરુદ્દીનને આ એક સામાન્ય બોલ હશે તેવું ફિલ થયું. અખ્તરે અચાનક તેને શોર્ટ પીચ બાઉન્સ કરી નાખ્યો. અઝરુદ્દીનની ઊંચાઈ પ્રમાણે તે તેને ખભા સુધી લાગવો જોઈએ તેની જગ્યાએ હેલમેટ પર લાગી ગયો. તેના વ્હાઈટ હેલમેટ પર. જોકે આ માટે અઝહરની બેટીંગ પોઝિશન પણ જવાબદાર છે.
શોએબ એક વીડિયોમાં ત્રણ પ્રકારના બાઉન્સરોની વાત કરે છે. એક બાઉન્સર વિકેટ લઈ આપે છે. બીજો બાઉન્સર બેટ્સમેનોને ડરાવે છે અને ત્રીજો બાઉન્સર જે બેટ્સમેનોના મોઢામાંથી લોહી કાઢી નાખે છે. આજે એ બાઉન્સર જ નહીં એવા બોલર પણ નથી દેખાતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત