1987માં આનંદીબેન પટેલ અમદાવાદની મોહિની બા કન્યા વિદ્યાલયમાં આચાર્ય હતા. તેમની શાળાનું એક ગ્રુપ પહોંચ્યું નર્મદા કિનારે પિકનીક મનાવવા માટે. નદીમાં બે વિદ્યાર્થિનીઓ ડૂબવા લાગી. આનંદીબેને પોતાના જીવની પરવા કર્યા વગર નદીમાં યા હોમ કરી ને કૂદી પડ્યા અને બંનેને બચાવી લીધી. એ સમયે સરકાર હતી અમરસિંહ ચૌધરીની. કોંગ્રેસની સરકારના કાને આ વાત પહોંચી અને તેમણે આનંદીબેન પટેલને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા.
આનંદીબેન ધ વન વુમન
આ ઘટના પછી તેમની ચર્ચાઓ ખૂબ થતી હતી. 1987ની સાલમાં જ તેમને ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા પણ તેમની લોકપ્રિયતાને જોતા હતા. એ 1992ની સાલ હતી. એક સાઈકલ યાત્રા નીકળી. કેન્દ્રનું મોટું માથું ગણાતા મુરલી મનોહર જોશી એ યાત્રામાં હતા. સ્વાભાવિક છે એમને જોવા માટે જ લોકોનું ટોળું ઉમટી પડે. એ તો કેન્દ્રના કદાવર નેતા રહ્યા. યાત્રા નીકળી અને મુરલી મનોહર જોશીની જગ્યાએ એક મહિલા આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યા. એ જ્યાંથી પણ નીકળે બધા એમને જ જુએ. આટલા બધા પુરૂષોની વચ્ચે તે એક મહિલા. એમનું નામ આનંદીબેન પટેલ. એ અલગ તરી આવતા તેની પાછળનું કારણ એ હતું કે એ સમયે મહિલાઓ ઘરમાં કામ કરતી રહેતી હતી. ઘરની ચાર દિવાલોમાં કેદ રહેતી. એ દિવાલ તોડવાનું કામ આનંદીબેને કર્યું. એક મહિલા આટલી આગળ નીકળી જાય તે સૌ માટે વિસ્મયનો જ મુદ્દો રહેવાનો.
આનંદીબેનમાં તેમના પિતા જ છે
મહેસાણાના વિજાપુર તાલુકાના ખરોદ ગામમાં 21 નવેમ્બર 1941ના રોજ એમનો જન્મ થયો. દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતો. જમણા હાથની આંગળીના વેઢા ગણો એટલો જ સમય હવે આઝાદીમાં બાકી હતો. તેમના પિતા જેઠાભાઈ એક ગાંધીવાદી નેતા હતા. સમાજમાં રહેલા દુષણોને નાબુદ કરવાનું કામ કરતા હતા. ઉંચ-નીચ જાતિપ્રથા આવું કંઈ તેમની આંખને પસંદ જ નહીં. આનંદીબેન જે છે તે પિતાના કારણે જ છે.
સ્કૂલમાં એડમિશન
ગુજરાતમાં પટેલ સમાજમાં બાળ વિવાહની પ્રથા હતી. માત્ર પટેલ સમાજમાં નહીં ત્યારે બાળ વિવાહ કરવા એ મોટાભાગના સમાજમાં એક રૂઢી બની ગઈ હતી. તેમાંથી જેઠાભાઈએ એક અલગ ચીલો ચાતરવાનું નક્કી કર્યું. તેમણે બાળ વિવાહ કરવાની જગ્યાએ દીકરી આનંદીનું સ્કૂલમાં એડમિશન કરાવી દીધું.
ઘરે આવી માતાને ભણાવતા
હવે થયું એવું કે આનંદીબેનના માતા અભણ હતા. એટલે આનંદીબેન સ્કૂલેથી ભણીને ઘરે આવે અને માતાને ભણાવે. કદાચ આ જ વાતે તેમને શિક્ષણમંત્રી તરીકે ગુજરાતમાં મોટું નામ કમાવી આપ્યું.
700 છોકરા એક છોકરી
ચાર ધોરણ સુધી તો બરાબર હતું. આનંદીબેન હવે જ્યાં ભણવા જવાના હતા ત્યાં છોકરાઓની જ સંખ્યા હતી. ભણવું કઈ રીતે ? 700 છોકરાઓ હતા અને છોકરી એક માત્ર આનંદી. 1960ની સાલમાં એમણે ભીલવાઈ કોલેજમાં એડમિશન લીધું. વિજ્ઞાન વિષય હતો અને અહીં પણ તેઓ એક માત્ર છોકરી હતા.
પ્રથમ વખત શિક્ષણમંત્રી
આનંદીબેન રાજકારણમાં આવ્યા 1994માં. રાજ્યસભામાં ગયા. રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પણ આનંદીબેન ચાર વર્ષ પછી ગુજરાતમાં પરત આવ્યા અને 1998માં થયેલી ચૂંટણીના પ્રચારમાં ભાગ લીધો. ગુજરાતની માંડલ સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા. કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ પ્રથમ વખત શિક્ષણમંત્રી બન્યા.
આનંદીબેને પણ મહેનત કરેલી
1995માં ભાજપની સરકાર બની ત્યારે મુખ્યત્વે નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની મહેનત જ યાદ આવે છે. હકીકતે આનંદીબેન પટેલે પણ એ ચૂંટણીમાં ફ્રંટફૂટ પર રહ્યા હતા.
બાળ વિવાહ સમયે પોલીસ બોલાવી લીધી
તેમની દીકરી અનાર પટેલે એક વાત કહી હતી. આનંદીબેનના ભાઈ અને અનાર પટેલના મામા દેવચંદભાઈ પોતાના દીકરાના બાળ વિવાહ કરવા માગતા હતા. એ વખતે ગુજરાતમાં બાળ વિવાહ થવા એ સામાન્ય વાત હતી. કોઈ વિરોધ ન ઉઠાવતું પણ આનંદીબેન પટેલે વિરોધ ઉઠાવ્યો. મામા ટસ ના મસ ન થયા અને તેમણે લગ્નની તૈયારીઓ જોરશોરથી યથાવત રાખી. જે દિવસે લગ્ન હતા એ દિવસે જ આનંદીબેન પટેલે પોલીસ ફરિયાદ કરી દીધી. લગ્નના દિવસે જ પોલીસ આવી અને લગ્ન ન થયા. ઘરથી જ શરૂઆત કરનારા આનંદી બેન પટેલના કારણે બાદમાં ગુજરાતભરમાં બાળ વિવાહ મુદ્દે અવાજો ઉઠવા લાગ્યા.
મજા હતી
જીવતા માણસના આપણે ત્યાં વખાણ ન કરવાની પરંપરા છે. એ જીવતો માણસ જ્યારે રાજકારણી હોય ત્યારે તો ખાસ. જોકે ખબર નહીં પણ આ વાત લખતા ખૂદને રોકી નથી શકતો. આનંદીબેન પટેલ જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે આપણામાંથી ઘણાએ અભ્યાસ કર્યો હશે. 90માં જન્મેલા વિદ્યાર્થીઓએ તો ખાસ. એ દુનિયા જ કંઈક અલગ હતી. એ સમયે કોઈ વિદ્યાર્થીને ભણતરનો ભાર જ નહોતો લાગતો. આજે તો એ ભૂતકાળ સ્મૃતિપટ પર ધૂંધળો થઈ ગયો છે, પણ આનંદીબેને શિક્ષણને ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર કરી દીધું હતું. વિજ્ઞાન મેળા ભરાતા અને આખી સ્કૂલો જોવા તૂટી પડતી. ગામડાના બાળકોની ક્રિએટીવીટી જોવા મળતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત