Team Chabuk : સાતમી પછી આઠમી પુતળી પુષ્પવતી બહાર આવી. તેણે રાજા ભોજને વિક્રમાદિત્યની કલા પ્રત્યેનો પ્રેમ અને દાનવીરતાની વાર્તા સંભળાવી.
ન્યાય અને દાનની જેમ જ રાજા વિક્રમાદિત્ય અદ્દભુત કલા પારખું હતું. શ્રેષ્ઠ કૃતિઓથી તેમને પોતાના મહેલને શણગારવાનો શોખ હતો. એ કલાકારનું યોગ્ય મૂલ્ય આંકીને તેને જોઈએ એટલું ધન આપી સારી કલાકૃતિઓ તેમના મહેલમાં રાખતા હતા.
એક દિવસ કલાપારખુ રાજા વિક્રમાદિત્ય મહેલમાં દરબારીઓ સાથે બેઠક જમાવીને બેઠા હતા કે સિપાહીએ આવીને કહ્યું, ‘મહારાજા કોઈ કલાકાર આપની સાથે ભેટ કરવા માગે છે અને આપને લાકડાનો ઘોડો વેચવા માગે છે.’
‘લાકડાનો ઘોડો ?’ રાજાને પણ એ કલાકૃતિ જોવાનું મન થઈ ગયું. સિપાહીની સાથે એ માણસ દરબારમાં પ્રવેશ્યો. તેની સાથે એક એવો લાકડાનો ઘોડો હતો જેની બનાવટ કોઈને પણ બે ઘડી વિચારતા કરી દે. એકદમ જીવિત પ્રતિત થતો હતો. ખૂબ ધ્યાનથી ટીકીટીકીને જોયો ત્યારે ખબર પડી કે લાકડાનો ઘોડો છે. વિક્રમે એ માણસને ઘોડાની વિશેષતા વિશે પૂછ્યું. તેણે જવાબ આપ્યો, ‘મહારાજ આ ઘોડો તીવ્ર ગતિથી જળ, થલ અને આકાશમાં વિચરણ કરી શકે છે.’
‘કિંમત શું?’ વિક્રમને ઘોડાની વિશેષતા ગમી જતા કલાકારને પૂછ્યું.
કલાકારે કહ્યું, ‘મહારાજ આ મારી જીવનભરની તપશ્ચર્યા છે. મારી મહેનત છે. હું ઓછા મૂલ્યમાં તો તેને વેચીશ જ નહીં. એક લાખ સુવર્ણમુદ્રાઓ.’ આટલી કિંમત સાંભળીને દરબારીઓ તો એકબીજાના ડાચા જોવા લાગ્યા, પણ વિક્રમાદિત્યને એક વખત કોઈ વસ્તુ પસંદ આવી જાય તો તે ગમે તે ભોગે તેને ખરીદી લે.
રાજાએ એક લાખ સુવર્ણમુદ્રા આપીને કલાકાર પાસેથી લાકડાનાં એ ઘોડાને ખરીદી લીધો. વિશાળ મેદાનમાં રાજાને લઈ જઈ એ કલાકાર તેની બનાવટ અને કેવી રીતે ઉડે તે તમામ વિગતો રાજાને કહેવા લાગ્યો. ઘોડાની તમામ સંચાલન વિધિ જાણ્યા પછી વિક્રમે એ ઘોડાને તેના તબેલામાં રાખી દીધો.
એક દિવસ મહારાજા વિક્રમ પોતાના સૈનિકો સાથે શિકાર પર નીકળ્યા. એમણે એ જ ઘોડા પર બેસવાનું પસંદ કર્યું જે કલાકાર પાસેથી તેમણે ખરીદ્યો હતો. લાકડાના ઘોડાના કેટલાક અંગોને દબાવતા એ વાયુવેગે દોડવા લાગ્યો. રાજાને મજા આવી. એ ભૂલી ગયા કે આખેટ માટે તેઓ એકલા નથી નીકળ્યા. તેમના સૈનિકો પણ છે અને તેમની પાસે તો આવો કોઈ ઘોડો નથી. રાજા આગળ નીકળી ગયા અને સૈનિકો પાછળ રહી ગયા.
દોડતા ઘોડાને હવામાં ઉડાવવા માટે રાજાએ બીજા કેટલાક અંગોમાં રહેલા પુર્જા દબાવ્યા. તેની ગતિ હવામાં એટલી વધી ગઈ કે રાજા હવે તેને કાબુમાં નહોતો રાખી શકતો. રાજાએ તેને જમીન પર ઉતારવા ઈચ્છયો, પણ તે મેદાનની જગ્યાએ ગાઢ જંગલમાં ઉતર્યો. એ ઘોડો ઉતરતી વેડાએ એક વૃક્ષ સાથે અથડાયો અને તેના ટૂકડે ટૂકડે થઈ ગયા.
હવે એ નિર્જન અને અજાણી જગ્યા પર રાજા એકલા હતા. એ અહીં તહીં ભટકી રહ્યા હતા. ઘેઘૂર જંગલની મધ્યે પહોંચતા રાજાએ સામે એક વાંદરી જોઈ. એ કૂદી રહી હતી અને વિક્રમને સૂચિત કરી રહી હતી. રાજા કંઈ સમજે તે પહેલા જ તેમની નજર એક ઝૂંપડી પર પડી.
રાજાએ વાંદરી અને ઝૂંપડી બંનેને અવગણી કારણ કે તેને તો કકડીને ભૂખ લાગી હતી.
શરીરમાં થાક પણ વર્તાતો હતો. વૃક્ષ પર લટકતા ફળો તેમણે તોડ્યા અને ભૂખ સંતોષી. એ પછી વૃક્ષ પર જ ચડીને ઉંઘી ગયા.
એ આરામ કરી જ રહ્યા હતા કે ત્યાં એક સંન્યાસી આવ્યો. તેણે વાંદરીને ઈશારો કર્યો અને પોતાની સાથે ઝૂંપડીમાં પાણીના બે મોટા ઘડાની વચ્ચેની જગ્યાએ બેસાડી દીધી. એ પછી તેણે એક પાણીના ઘડામાંથી થોડું પાણી લઈ વાંદરી ઉપર છાંટા ઉડાવ્યા. વાંદરી એક અત્યંત સ્વરૂપવાન રાજકુમારીમાં તબ્દિલ થઈ ગઈ.
તેણે સંન્યાસી માટે ભોજન પકાવ્યું. સંન્યાસીએ ભોજન ખાધુ પછી તેના હાથ પગ દબાવ્યા. સંન્યાસી ઉંઘી ગયો. સવાર થઈ તો સંન્યાસીએ બીજા ઘડામાંથી પાણી લઈ રાજકુમારી પર છાટ્યું અને તે ફરી વાંદરી બની ગઈ. તેને લઈ સંન્યાસી ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને તેને વનમાં વિચરણ કરવા માટે સ્વતંત્ર છોડી દીધી.
સંન્યાસી તેના રસ્તે પડ્યો પણ રાજાએ વૃક્ષ ઉપરથી આ બધું જોયું હતું. એ વાંદરીને લઈ ફરી ઘડાની જગ્યાએ આવ્યો. જે રીતે સંન્યાસીએ કર્યું હતું એવી જ રીતે તેણે વાંદરી પર પાણીના છાંટા નાખી તેને ફરી રાજકુમારી બનાવી દીધી. રાજકુમારી બનતા જ રાજા વિસ્મિત થઈ ગયો.
રાજકુમારીએ વિક્રમાદિત્યને કહ્યું, ‘હું કામદેવ અને એક અપ્સરાની સંતાન છું. એક વખત મેં શિકાર કરતા સમયે હરણની તરફ નિશાનો લગાવી છોડ્યો. એ બાણ હરણની જગ્યાએ આ સાધુને લાગી ગયું. એ સાધુએ મને વાંદરી બનાવી દીધી અને નિયત મારી પાસે તેની સેવા કરાવડાવે છે. હું રડી. મેં ખૂબ ધમપછાડા માર્યા ત્યારે સાધુનું હ્રદય પીગળ્યું અને તેમણે કહ્યું કે જ્યારે મહારાજા વિક્રમાદિત્ય આવી તને શ્રાપમાંથી મુક્તિ અપાવશે. પત્નીરૂપે તારો સ્વીકાર કરશે. પણ…’ રાજકુમારી બોલતા અટકી ગઈ.
‘પણ શું?’ વિક્રમે જાણવા માગ્યું.
રાજકુમારી થોડી વાર માટે અટકી અને પછી બોલી, ‘પણ મારે તેની પાસેથી તમને ભેટ તરીકે માગવા પડશે. હું તો તમને જોતા જ ઓળખી ગઈ હતી અને આનંદિત થઈ ગઈ હતી. ઈશારાઓથી સૂચિત કરવા લાગી હતી. હવે સાધુના આવ્યા પછી હું તેની પાસેથી કોઈ ઉપહાર માગીશ અને તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરશો.’
વિક્રમે ફરી પાણીના છાંટા નાખી તેને વાંદરી બનાવી દીધી. સાધુ આવ્યો અને વાંદરી પર તેણે ફરી પાણીના છાંટા નાખી તેને રાજકુમારી બનાવી દીધી. રાજકુમારીએ તેને કોઈ ભેટ આપવા માટે કહ્યું. તેણે હવામાં હાથ વીંઝતા કમળનું ફૂલ તેના હાથમાં આવી ગયું.
સાધુએ રાજકુમારીને કમળ આપતા કહ્યું, ‘આ કમળ તને રોજ એક રત્ન આપશે.’
આટલું કહી સાધુ તમામ વાતથી પરિચિત હોય તેમ રાજકુમારીને કહ્યું, ‘મહારાજા વિક્રમાદિત્ય આવી ગયો છે.’ રાજકુમારીને તો જાણે ચોરી પકડાઈ ગઈ હોય તેમ લાગ્યું. જોકે સાધુ તેના વચન પર અફર રહ્યો. તેમણે રાજકુમારીને બાકીનું જીવન સુખપુર્વક રાજાની સાથે વ્યતીત કરવાના આશિર્વાદ આપ્યા. સાધુએ તેને પોતાની ઝૂંપડીમાંથી સહર્ષ વિદાય આપી.
રાજા અને રાજકુમારી હવે જંગલમાં ભટકી રહ્યા હતા. અડધે રસ્તે પહોંચ્યા કે રાજાએ બંને વેતાલનું સ્મરણ કર્યું. વેતાલ તેમને નગરની સીમા સુધી પહોંચાડી ગયા અને અદૃશ્ય થઈ ગયા.
રાજકુમારી અને રાજાએ નગરમાં પ્રવેશ કરતા જ રાજકુમારીના હાથમાં રહેલું કમળનું પુષ્પ એક બાળકે જોયું. એ તેને મેળવવા માટે તલપાપડ બની ગયો. ઉછળવા અને કૂદવા લાગ્યો. વિક્રમે એ ફુલ બાળકને આપી સંતુષ્ટ કર્યો.
થોડા દિવસ પછી રાજા જ્યારે દરબારનું રાજકાજ જોતો હતો ત્યારે સૈનિકો એક ગરીબ માણસને બહુમૂલ્ય રત્ન વેચવાના આરોપસર પકડી લાવ્યા. વિક્રમે તેની વાત સાંભળી તો તેમને ખબર પડી ગઈ કે આ રત્નો કમળના ફુલમાંથી જ નીકળ્યા છે. જે તેણે એ બાળકને ભેટમાં આપ્યું હતું. રાજાએ ગરીબને સ્વતંત્ર કર્યો અને તેના રત્નો પોતે જ ઊંચી કિંમતમાં ખરીદી લીધા.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત