Team Chabuk : રાજા વિક્રમાદિત્ય વેશપલટો કરીને રાત્રિના નગરચર્યા કરી રહ્યા હતા. આવી જ રીતે ઘુમતા ઘુમતા નદીના કિનારે આવી પહોંચ્યા. ચાંદની રાતમાં નદીનું જળ ચમકતું દેખાય રહ્યું હતું. વિક્રમ ચૂપચાપ નદીના તટ પર ઊભાં હતાં. એ ચાંદની રાતને નીહાળી રહ્યાં હતાં. ને એવામાં રાજાના કાને ‘બચાવ બચાવ’ નો અવાજ પડ્યો.
એ અવાજની દિશામાં દોડ્યાં તો તેમને નદીની દિશામાં વેગવતી ધારા સામે સંઘર્ષ કરતા બે માણસો જોવા મળ્યા. ધ્યાનથી જોયું તો ખબર પડી કે એક યુવક અને યુવતી તરીને નદી કિનારે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ નદીના પ્રવાહમાં તે તણાઈ રહ્યા હતા.
એ કોઈ કાળે બચી શકે તે નહોતા. વિક્રમે સ્ફુર્તિથી નદીમાં છલાંગ લગાવી અને બેઉંને પકડીને કિનારે લઈ આવ્યા. પાણીથી ભીંજાયેલી યુવતીનાં અંગ અંગમાંથી યૌવન છલકી રહ્યું હતું. એ સ્વરૂપવાન હતી. જાણે તેનાં સૌંદર્ય આગળ અપ્સરાઓ પણ ઝાંખી પડી જાય. કોઈ તપસ્વી તેને જોઈને પોતાની તપસ્યા છોડી દે અને ગૃહસ્થ બનીને સમગ્ર જીવન વિતાવવાની ઈચ્છા પ્રગટ કરે.
બેઉં આભારની મુદ્રામાં પોતાના પ્રાણ બચાવનારને જોઈ રહ્યા હતા. યુવકે કહ્યું, ‘હું મારા પરિવારની સાથે હોડીમાં જઈ રહ્યો હતો. નદીની વચ્ચે ભંવરને જોઈ ન શક્યો અને અમારી હોડી ફસાઈ ગઈ. નીકળવાની અમે લાખ કોશિશ કરી પણ સફળ ન થયા. મારા પરિવારના બધા સભ્યો પાણીમાં તણાઈ ગયા અને મૃત્યુ પામ્યા, પણ અમે બેઉં કોઈ ને કોઈ રીતે તરીને અહીં સુધી પહોંચી ગયા.’
રાજાએ તેમનો પરિચય પૂછતા તેમણે કહ્યું, ‘અમે બંને ભાઈ-બહેન છીએ અને સારંગ દેશના રહેવાસી છીએ.’
વિક્રમે તેમને આશ્વાસન આપતા કહ્યું, ‘તમને સકુશળ તમારા દેશ મોકલી દેવામાં આવશે.’
રાજાએ એ બંનેને પોતાની સાથે ચાલવાનું કહ્યું અને પોતાના મહેલમાં લઈ ગયા. રાજમહેલની નજીક પહોંચતા જ વિક્રમને દ્રારપાળોએ નીચા નમીને પ્રણામ કર્યા. યુવક અને યુવતી અચંબિત થઈ ગયા જ્યારે તેમને ખબર પડી કે તેમના પ્રાણોની રક્ષા કરનાર અન્ય કોઈ નહિ પણ મહારાજાધિરાજ વિક્રમ છે. હવે તે વધારે કૃતજ્ઞતાભરી નજરોથી જોવા લાગ્યા.
મહેલ પહોંચીને એમણે નોકરો અને ચાકરોને બોલાવ્યા તથા તમારા પ્રકારની સુવિધાઓની સાથે તેમના રહેવાની ગોઠવણ કરી દીધી. હવે બંનેનું મન મહારાજાને પ્રત્યે વધારે આદરભાવથી ભરાઈ ગયું.
એ યુવક પોતાની બહેનના વિવાહ માટે ઘણો જ ચિંતિત હતો. તેની બહેન તો રાજકુમારીઓ કરતાં પણ સુન્દર હતી. તે ઈચ્છતો હતો કે કોઈ રાજાની સાથે તેના વિવાહ થાય, પણ તેની આર્થિક સ્થિતિ સારી નહોતી અને તે પોતાની બહેનના વિવાહ કોઈ મોટા ઘરમાં નહોતો કરાવી શકતો. તેણે વિચાર્યું કે, ‘હવે સંયોગથી વિક્રમાદિત્ય સાથે મારી ભેટ થઈ જ ચૂકી છે તો શા માટે હું બહેનનાં લગ્નની વાત તેમની સામે ન મૂકુ.’
તેણે પોતાની બહેનને તૈયાર થવાનું કહ્યું અને તેને લઈ રાજમહેલમાં ચાલી નીકળ્યો. તેની બહેન તૈયાર થઈ નીકળી તો તેનું રૂપ જોવા લાયક હતું. તેના રૂપ પર તો દેવતાઓ પણ મોહિત થઈ જતા હતા તો મનુષ્યની તો વાત જ શું કરવી ?
વિક્રમની સામે એ યુવક આવતા વિક્રમે તેની તબિયત વિશે પૂછ્યું અને તેના નગર જવાનો પ્રબન્ધ કરી આપ્યો. તેણે રાજાની આગળ વિનમ્રતાથી કહ્યું, ‘આપે મારા પર જે ઉપકાર કર્યો છે તેને હું આજીવન નહિ ભૂલી શકું. તમે બસ મારી એક નાની એવી ભેટ સ્વીકાર કરો.’
રાજાએ હસીને અનુમતિ આપી.
રાજાને ખુશ જોઈ યુવકને લાગ્યું કે રાજા તેની બહેન પર મોહિત થઈ ગયા છે. તેની હિંમત વધી ગઈ અને તે બોલ્યો, ‘હું મારી બહેન તમને ભેટ સ્વરૂપે આપવા માગુ છું.’
વિક્રમે કહ્યું, ‘તારી ભેટ મને સ્વીકાર છે.’
હવે તેને વિશ્વાસ થઈ ગયો કે વિક્રમ તેની બહેનને રાણી બનાવી લેશે.
એટલામાં વિક્રમે જે કહ્યું તેનાથી તેના પગ તળેથી જમીન ખસી ગઈ, ‘આજથી તારી બહેન પણ મારી બહેન જ છે. હું તેની સાર સંભાળ રાખીશ અને કોઈ યોગ્ય વર શોધી તેના વિવાહ કરાવી દઈશ.’
વિક્રમાદિત્યની વાત સાંભળીને તે તેમનું મોં તાકતો જ રહ્યો. તેણે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે વિક્રમ તેની બહેનનો પત્નીરૂપે સ્વીકાર કરવાની જગ્યાએ તેને બહેન માની લેશે અને ખૂદ તેના વિવાહ કરાવશે. તેણે વિચાર્યું કે શું કોઈ રાજા વિષય વાસનાથી પણ પર હોય શકે ?
થોડા સમય પછી તેણે સંયમિત થઈને કહ્યું, ‘ઉદયગિરીનો રાજકુમાર ઉદયન તેની બહેનની સુંદરતાં પર મોહિત છે. તેની સાથે વિવાહની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યો છે.’
રાજાએ આ વાત સાંભળીને એક પંડિતને બોલાવ્યો અને ખૂબ જ ધન આપીને ઉદયગિરી રાજ્યમાં વિવાહનો પ્રસ્તાવ લઈને મોકલ્યો. પંડિત તો ગયો એ ભેગો એ રાતે જ પાછો આવી ગયો. તેણે મહારાજાને જવાબ આપ્યો, ‘ડાકુઓએ મને લૂંટી લીધો, એ બધું ધન લઈ ગયા.’
રાજા તો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે આટલી સારી અને મજબૂત શાસન વ્યવસ્થા છતાં ચોર-ડાકુ કેવી રીતે હોય શકે ? આ વખતે તેમણે પંડિતની સાથે કેટલાક અશ્વરોહીઓને મોકલ્યા જે ધનની રક્ષા કરી શકે.
એ રાતે જ વિક્રમ વેશપલટો કરીને એ ડાકુઓની ખબર મેળવવા માટે નીકળી પડ્યા. એ એ નિર્જન સ્થળ પર પહોંચ્યા જ્યાં પેલા પંડિતને લૂંટી લેવામાં આવ્યો હતો. એક બાજુ તેને ચાર માણસો કુંડાળું વળી બેસેલા જોયા. રાજા સમજી ગયા કે એ લૂંટેરા છે. વિક્રમને જોઈ તેમને લાગ્યું કે આ કોઈ ગુપ્તચર છે પણ રાજા વિક્રમાદિત્યએ તેને ભયભીત ન થવાનું કહી જણાવ્યું, ‘હું પણ તમારી જેમ ચોર જ છું.’
વિક્રમની વાત સાંભળી એ લોકોએ કહ્યું, ‘તું ચોર હોય શકે અમે ચોર નથી. અમે તો એકાંતમાં એક ખાસ વાત ઉપર વિચાર-વિમર્શ કરી રહ્યા છીએ. ’
‘મોટી મોટી અને ખોટી વાતો ન કરો અને મને તમારા દળમાં લઈ લો.’ રાજા તેમની વાત માનવા તૈયાર નહોતો.
ચોર સમજી ગયા કે અહીં ખોટું બોલ્યે કંઈ ગળવાનું નથી. આ તો આપણાથી પણ કોઈ મોટો ચોર લાગે છે. એમણે રાજાને વાત કહી, ‘અમારામાં અલગ અલગ ખૂબીઓ છે. એક ચોરીનું શુભ મુહુર્ત કાઢે છે. બીજો જાનવરો અને પક્ષીઓનો અવાજ સમજી શકે છે. ત્રીજો અદૃશ્ય થવાની કળા જાણે છે અને ચોથો તો ભયાનકમાં ભયાનક યાતનાઓ સહન કરવા છતાં મોઢામાંથી એક શબ્દ નથી કાઢતો.’
વિક્રમે તેમનો વિશ્વાસ જીતવા માટે કહ્યું, ‘હું ક્યાંય પણ છૂપાયેલું ધન જોઈ શકું છું.’
તેમણે આ વિશેષતા સાંભળી તો તુરંત વિક્રમને તેની ટોળકીમાં લઈ લીધો.
એ પછી વિક્રમે પોતાના જ મહેલમાં ચોરી કરવાની યોજના બનાવી. એ જગ્યા પર શાહી ખજાનાનો માલ છુપાયેલો હતો. વિક્રમ તેમને ત્યાં લાવ્યો તો ચોરોની ખુશીનો પાર ન રહ્યો. તેમણે ખુશી ખુશી બધો માલ થેલામાં નાખ્યો અને નીકળી પડ્યા. બહાર આવતા જ પ્રહરિઓએ તેમને પકડી લીધા.
સવારમાં તેમને રાજાની સામે રજૂ કરવામાં આવતા એ તો કાંપવા લાગ્યા. તેનો પાંચમો સાથી તો સિંહાસન પર હતો. એ હવે રાજદંડની પ્રતીક્ષા કરવા લાગ્યા. પણ વિક્રમે તેમને કોઈ દંડ ન આપતા કહ્યું, ‘હું તમને અભયદાન આપું છું, પણ એક વચન પર કે તમે કોઈ દિવસ નગરમાં ચોરી નહીં કરો અને તમારી આવડતનો ઉપયોગ લોકોની મદદ કરવા માટે કરશો.’ ચારે ચોરોએ મનમાં જ રાજાની મહાનતા સ્વીકારી લીધી અને ભલા માણસની માફક પોતાનું જીવન વિતાવવા લાગ્યા.
આ બાજુ ઉદયને રાજા વિક્રમની બહેન સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો. શુભમુહૂર્તમાં વિક્રમે બહેનના એવી જ રીતે લગ્ન કરાવ્યા જેવી રીતે કોઈ રાજકુમારીના થાય છે.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત