Homeસાહિત્યઆ બે ગુજરાતી દલિત નવલકથા તો દરેકે વાંચવી

આ બે ગુજરાતી દલિત નવલકથા તો દરેકે વાંચવી

ગુજરાતી દલિત સાહિત્યની વ્યાખ્યા કરતા ભી.ન.વણકર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરાયેલા દલિતસાહિત્ય નામના પુસ્તકમાં લખે છે, ‘ભારતીય સમાજમાં પૂર્વે શૂદ્ર, અતિશુદ્ર, ચાંડાલ, દસ્યુ, અસુર, પંચમ, અછૂત, અંત્યજ, હરિજન, પદદલિત નામે ઓળખાતા એક અલગ દલિત સમાજને આજે દલિત તરીકે ઓળખ મળી છે. દલિત શબ્દ હજુ તો 60-70 વર્ષથી જ મળ્યો છે. દલિત શબ્દની ઉત્પતિ સંસ્કૃત ધાતુ ‘‘દલ’’માંથી થઈ છે. ‘‘દલ’’ના અનેક અર્થો છે. ‘‘દલ’’ એટલે વિકસવું, ખંડિત થવું, ‘‘દલ’’ એટલે ટૂકડા કરવા, વિંધી નાખવું, ‘‘દલ’’ એટલે દલિત.’

આજ વાતને તેઓ સંદર્ભ સહિત આગળ આ રીતે જણાવે છે, ‘1933માં ડીપ્રેસ્ડ ક્લાસીસ – પદદલિત અર્થમાં શબ્દ આવ્યો. ગાંધીજીએ હરિજન શબ્દનો પ્રયોગ કર્યો. 1937-38માં ગુજરાતી સાહિત્ય પરિષદના 13માં અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમના પ્રવચનમાં દલિત શબ્દનો પ્રયોગ કરે છે. ઝવેરચંદ મેઘાણી યુગવંદના કાવ્યસંગ્રહનું ગીત છે….’

અમે કંટકનો પુનિત તાજ શિર પરે

આજ પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યાં

અમે જુગ જુગ કેરા કંગાલ, ભાંગી નરકોના દ્વાર

દેતા ડંગ એકતાલ, ધરતી પર આવ્યાં.

આપણા માટે દલિત સાહિત્ય એટલે જોસેફ મેકવાન સુધી આવીને અટકી જઈએ છીએ. આ સિવાયની પણ અગણિત સાહિત્યકૃતિઓ છે. અંગ્રેજીમાં છે, હિન્દીમાં છે, મરાઠીમાં તો ધોધમાર વરસાદની વરસી પડી છે. મારી પાસે અત્યારે દલિત સાહિત્ય વિશેની વાત કરવા માટેના બે પુસ્તકો ટેબલ પર પડેલા છે. એક છે હર્ષદ ત્રિવેદી દ્વારા સંપાદિત દલિતસાહિત્ય અને બીજું છે મોહનભાઈ પરમાર અને હરીશ મંગલમ્ દ્વારા સંપાદિત ગુજરાતી દલિત વાર્તાઓ.

આ બંને પુસ્તકો આટલા બધા પુસ્તકોની વચ્ચેથી માંડ માંડ હાથ લાગ્યા એટલે દલિત સાહિત્યની વાત કરવા માટે તેમને તો હું પૂરતા જ માનું છું. આપણે તો ખાલી ગુજરાતી દલિત સાહિત્યની વાત કરવાની છે. જો ઈચ્છું અને પુસ્તકોના એક એક વિવેચન સંગ્રહને ધ્યાનથી જોઉં તો મને અગણિત સંદર્ભો અને ઘટનાઓ હાથ લાગે તેમ છે. જેનાથી આ લેખ દળદાર અને દમદાર બની જાય. જોકે હર્ષદ ત્રિવેદી દ્વારા સંપાદિત સંગ્રહ હાથમાં લાગી ગયો એટલે કંઈ વધારે ચિંતા કર્યા જેવું નથી.

પુસ્તકમાં કવિતાઓ છે, વાર્તાઓ છે, સ્મરણ છે, જોસેફ મેકવાન અને ભી.ન.વણકર દ્વારા જ લખાયેલા બે રેખાચિત્રો છે. આપણે ત્યાં હવે રેખાચિત્રો લખાતા નથી. કોઈ કોઈ વાર સોશિયલ મીડિયામાં નજરે ચડી જાય છે. એ લખનારને પોરસ ચડાવવા કહીએ, કે સરસ વ્યક્તિચરિત્ર કે ચરિત્રનિબંધ કે રેખાચિત્ર આપે લખ્યું છે. તો એ સામેથી પૂછી બેસે, ‘એટલે તમે મારા કયા લેખની વાત કરી રહ્યા છો?’ નવી પેઢીમાં સાહિત્ય ક્ષેત્રે આટલી ઉદાસિનતા પ્રવર્તી રહી છે.

આ પુસ્તક ખાસ ખરીદવાનું કારણ કે તેમાં દલિત સાહિત્યને લઈને અભ્યાસ લેખોનું પ્રમાણ ખૂબ છે. કુલ દસ અભ્યાસ લેખો છે. વાર્તા અને કવિતાઓ તો ગમે ત્યાં વાંચી શકશો, પણ આપણે અહીંયા તમામ પુસ્તકોનો સમગ્રત: અભ્યાસ કરી જે લેખ તૈયાર કરવામાં આવ્યા છે તેની વાત માંડશું. આજે અભ્યાસ લેખના પુસ્તકને ખરીદનારું તો દૂર પણ કોઈ વાંચનારું પણ મળતું નથી. અભ્યાસ લેખો પણ આપણે ત્યાં અછૂતની શ્રેણીમાં આવે છે. તેને એવી રીતે ધુત્કારમાં આવે છે કે, ‘આ તો ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ માટે છે. આપણા માટે તો નવલકથા અને કવિતાઓ છે.’

દલિત સાહિત્ય પુસ્તકના અભ્યાસ લેખો વાંચતા મને ખ્યાલ આવ્યો કે આપણું જ્ઞાન કેટલું સીમિત થઈ ગયું છે. લખનારાઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે વાંચનારાઓ તો રહ્યા જ નથી. હવે લેખક તુરંત મળી જાય છે સારા વાંચનારાઓ નથી મળતા.

અહીં પંજાબી સાહિત્યમાં દલિત સાહિત્યના ઉદય વિશે ઊજમભાઈ પટેલે વાત કરી છે. તેઓ લખે છે, ‘1994માં પંજાબના ફગવાડા શહેરમાં યોજાયેલા પ્રથમ દલિત સાહિત્ય સંમેલનમાં જે સાહિત્યકારોએ ભાગ લીધેલો એમાં દલિતેતર સાહિત્યકારોની સંખ્યા ઘણી બધી હતી. ઘણા ખરાં દલિતેતર સાહિત્યકારોએ મંચ ઉપરથી પોતાના વિચાર વ્યક્ત કરતા આશ્ચર્ય દાખવ્યું હતું કે આ ‘‘દલિત સાહિત્ય’’ શી બલા છે ?! તે વેળા મંચ સંયોજકે ભલે એ બાબતે સ્પષ્ટતા કરી હતી કે ‘દલિત સાહિત્ય’નો અર્થ ગરીબો કે પદદલિતો દ્વારા રચાતું સાહિત્ય એવો સમજવામાં આવે; એને જાતિવાદની સંજ્ઞા ન આપવામાં આવે. પરંતુ ઘણા સાહિત્યકારોના ગળે આ વાત ઊતરી શકી નહોતી. એક પંજાબી સાહિત્યકાર પ્રો. પ્યારાસિંહ પદમે  આ પ્રસંગે કહેલું કે સાહિત્યની સાથે દલિત અથવા હરિજન એવો શબ્દ નહીં જોડવો.’

પંજાબમાં દલિતોનું સાહિત્ય એટલું છે નહીં અને ત્યાં દલિતો પર થતો અત્યાચાર પણ જ્વલ્લે જ જોવા મળતી ઘટના છે. જેથી ત્યાં દલિત સાહિત્ય આવો શબ્દ લેખકો ન સ્વીકારે એ વાત સ્વાભાવિક હોવાની. ગુજરાતમાં પણ ઘણી વખત સાહિત્યકારો દ્વારા એ વાત વ્યક્ત કરવામાં આવી છે કે સાહિત્ય એ માત્ર સાહિત્ય જ છે. તેમાં આગળ પાછળ કંઈ લગાડવું ન જોઈએ.

પંજાબમાં મનમોહન બાબાનો નવલિકા સંગ્રહ અજાત સુંદરી. જેમાં તમામ દલિત વાર્તાઓ છે. સુજાનસિંહ, સંતોખસિંહ ધીર, તથા ગુરૂદયાલસિંહ સહિતના સર્જકો અહીં દલિત સાહિત્યના સર્જનમાં શિરમોર રહ્યા છે. એ પછી પ્રેમ ગોરખી, અતરજિત, કૃપાલ, ભૂરાસિંહ ક્લેર, મુખતિયારસિંહ, લાલસિંહ, નછત્તર સહિતના સાહિત્યકારોએ વાર્તા સાહિત્ય પર કામ કર્યું છે.

ગુજરાતી સાહિત્યના નવ્ય વિવેચનમાં ભરતભાઈ મહેતાનું નામ અગ્રહરોળમાં લેવામાં આવે છે. તેમના વિવેચનપૂર્વક પુસ્તકને ઘણા સાહિત્યકારોએ વખાણ્યું છે. આ પુસ્તકમાં તેમણે ગુજરાતી સાહિત્યમાં દલિત નવલકથાઓ પર પ્રકાશ પાડ્યો છે. અન્ય વિવેચકો કરતાં ભરતભાઈનો લેખો અને પુસ્તકો વાંચવાની મજા એટલા માટે આવે છે કે તેઓ બે ચાર પાનાં સુધી કોઈ આડી અવળી વાતો નથી કરતા. ખોટે ખોટો લેખ લંબાવતા નથી. સીધા મુદ્દા પર આવે છે અને તેમની કલમ બોલવા લાગે છે.

ગુજરાતી સાહિત્યની નવલકથાઓમાં તેમણે કેટલાક પ્રકારો પાડ્યા છે. એ પ્રકારો મુજબ નવલકથાઓને વિભાજીત કરે છે. અહીં ક્રમવાર એ નવલકથાઓ હું મૂકીશ. જેથી કોઈને એ નવલકથાઓ વાંચવી હોય તો સરળતા રહે.

કરુણાંત અને દલિતચેતનાની સક્રિયતાની નોંધ લેતી નવલકથાઓ વાંચવી હોય તો આ માટે ભરત મહેતા કહે છે, ‘આ જૂથમાં હું દલપત ચૌહાણની મલક, મણિલાલ.હ.પટેલની અંધારું અને ચીનુ મોદીની કાળો અંગ્રેજ ને સમાવું છું.’ તેઓ લખે છે કે, ‘કાનજી પટેલની કોતરને પેલે પારની રચના પણ આવા સ્ફોટક પ્રારંભને ધારણ કરનારી હતી. પરંતુ ત્યાં તે પછી આદિવાસી યુવક ભાથીનો સમાજ કેન્દ્રમાં નથી આવતો અને રોમેન્ટીસિઝમ તરફ નવલકથા ફંટાઈ જાય છે.’

જો સુખાન્ત અને દલિત ચેતનાની સક્રિયતાને નોંધતી રચનાઓ વાંચવી હોય તો તેમાં તેઓ આંગળિયાત અને આંસુ ભીનો ઉજાસ નવલકથાને મૂકે છે.

દલિત નારી ચેતનાની નવલકથા વાંચવી હોય તો એ માટે હરિશ મંગલમની તિરાડ, જોસેફ મેકવાનની મારી પરણેતર, મોહન પરમારની પ્રાપ્તિ અને મનખાની મિરાત નવલકથાનો તેઓ સમાવેશ કરે છે.

દલિતચેતનાની વિવેચનાત્મક વાસ્તવવાદી દૃષ્ટિકોણથી પ્રસ્તુતિ થઈ હોય તેવી નવલકથાઓમાં જયંત ગાંડીતની બદલાતી ક્ષિતિજ અને દીલિપ રાણપુરાની સૂકી ધરતી સૂકા હોઠ વાંચવી.  

આભાસી વાસ્તવિક કથાઓમાં મનોરથ, ઈચ્છાવર, વરાળ, મશારી, ચોકી, નેળિયું, પ્રિયતમા જેવી કૃતિઓને ભરત મહેતા દલિત નવલકથાઓની આ શ્રેણીમાં મૂકે છે.

304 પાનાંના આ પુસ્તકની વાતો અહીં તો પૂરી જ નહીં થાય. હજુ તો આપણે ફક્ત બે અભ્યાસ લેખોને જ અલગ તારવી શક્યા છીએ. એ પણ નજીવો જ. વાર્તા અને કવિતા સાહિત્ય તો બાકી જ રહી ગયું છે. જેમાં વિવિધ લેખકોની રચના છે. એક સારું વિવેચન હંમેશાં લાંબુ તો હોય જ છે. છતાં ઉપર વાત કરી એ બધામાંથી એક વાત હું અલગથી ટાંકવા માગુ છું.

દલિત સાહિત્યની બે કૃતિઓ તો દરેક સાહિત્યપ્રેમી-ભાવકે વાંચવી અનિવાર્ય જ છે. જોસેફ મેકવાનની મારી પરણેતર અને આંગળિયાત. આ બે નવલકથાઓ વાંચો નહીં તો તમે ખૂદને ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રેમી ખોટા ઠેરવો છે.

મારી પરણેતર પર તો દૂરદર્શને સિરીયલ પણ બનાવી છે. અગાઉ ચાબુકમાં તેના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી હતી. આપણા સૌને ગમતાં સૌમ્ય જોષીએ તેનું પટકથા લેખન કર્યું છે. દિગ્દર્શન અને સહલેખન ગાર્ગેય ત્રિવેદીએ કર્યું છે. યુટ્યુબ પર જઈ મારી પરણેતર અચૂક જુઓ. અચૂક વાંચો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments