Homeદે ઘુમા કેભારતની એક ‘નવી’ જ ટીમ સામે જીતતા પણ શ્રીલંકા હાંફી રહ્યું

ભારતની એક ‘નવી’ જ ટીમ સામે જીતતા પણ શ્રીલંકા હાંફી રહ્યું

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી ટ્વેન્ટીમાં શ્રીલંકાએ મેચ જીતી શ્રેણી સરભર કરી છે. જોકે ભારતની અડધે અડધી ટીમ કૃણાલ પંડ્યાના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આઈસોલેશનમાં હોવાના કારણે એક નવી ટીમ સાથે શિખર ધવનને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. મેચ જીતીને શ્રીલંકાએ 1-1 પર શ્રેણી લાવી દેતા હવે સિરીઝની અંતિમ મેચ કોણ જીતે છે તે જોવાનું રહેશે.

અહીં કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી ટ્વેન્ટીમાં શ્રીલંકાએ ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. સ્લો વિકેટ પર ભારતીય ટીમ 20 ઓવરમાં 131 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ છેલ્લી ઓવરની ચોથી બોલમાં આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. આ સિરીઝની નિર્ણાયક મેચ 29 જુલાઈના રોજ ગુરૂવારના રમાશે. શિખર ધવને મેચ બાદ કહ્યું હતું કે, અમે એક ઓછા બેટ્સમેનની સાથે રમ્યા અને 10થી 15 રન ઓછા બનાવ્યા. વિકેટ પર ટર્ન હતો અને થોડી સ્લો હતી. અમે જાણતા હતા કે અમારી પાસે એક બેટ્સમેન નથી. જેથી અમને પહેલાથી જ ખ્યાલ હતો કે અમારે ચપળતાથી રમવું પડશે. મને ખેલાડીઓ પર ગર્વ છે. તેમનો કોઈ દિવસ હાર ન માનવાનો એટીટ્યૂડ શાનદાર હતો.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ચાર નવા ખેલાડીઓને ડેબ્યુ કરાવ્યો હતો. બેટિંગમાં ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડીક્કલ, નિતિશ રાણા. બોલિંગમાં ચેતન સાકરિયાએ ડેબ્યુ કર્યું હતું. પ્રથમ બેટીંગ માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મધ્યમ રહી હતી. પ્રથમ સાત ઓવરમાં 49 રન બનાવ્યા હતા. ગાયકવાડ 21 રન બનાવીને શનાકાની બોલ પર આઉટ થયો હતો.

બીજી વિકેટ માટે કેપ્ટન ધવને પડીક્કલની સાથે પાર્ટનરશિપ જમાવી હતી અને ટીમને 12 ઓવરમાં 81 રન સુધી લઈ ગયો હતો. કેપ્ટન ધવને 42 બોલમાં 40 રન બનાવ્યા હતા, તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ઝડપથી રન બનાવી નહોતું શક્યું. પડીક્કલ પણ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આખરે ભારતીય ટીમનો રથ 5 વિકેટ ગુમાવી 132 રન પર ઊભો રહ્યો હતો.

શ્રીલંકન ટીમની શરૂઆત પણ સારી નહોતી રહી. સૌથી પહેલા ભુવનેશ્વર કુમારે અવિષ્કા ફર્નાંડોની વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ સમરાવિક્રમાને બોલ્ડ કરી શ્રીલંકાની બીજી ટી ટ્વેન્ટી જીતવાની આશા પર પાણી ફેરવી દેવાનું કામ કર્યું હતું. ઈનિંગની દસમી અને બારમી ઓવરમાં કુલદીપ યાદવે ભાનુકા અને શનાકાની વિકેટ લઈ મેચને ફરી ભારતના પક્ષમાં લાવીને રાખી દીધું હતું. 66ના સ્કોર સુધીમાં શ્રીલંકાની ટીમ 4 વિકેટ ગુમાવી ચૂકી હતી.

જોકે બાદમાં ડિસિલ્વા અને હસરંગાની પાર્ટનરશિપે શ્રીલંકાની મરણપથારીએ પડેલી ટીમમાં જોમનો સંચાર કર્યો હતો અને સ્કોરબોર્ડ ઘુમતુ રાખ્યું હતું. કરુણારત્નેની સાથે મળી ડિસિલ્વાએ શ્રીલંકાની ટીમને મેચમાં જીત અપાવી હતી. ડિસિલ્વાએ અંત સુધી નોટ આઉટ રહી 40 રન બનાવ્યા હતા. ભારતની બોલિંગમાં કુલદીપ યાદવે બે તો ભુવનેશ્વર, સાકરિયા, ચક્રવર્તી અને રાહુલ ચહરે એક એક વિકેટ લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments