મયૂર ખાવડુ: શોએબ અખ્તર પછી કોઈની બોલિંગ ફેંકવાની શૈલીએ લલચાવ્યા હોય અને નકલ કરવા પ્રેરિત કર્યા હોય તો તે લસિથ મલિંગા છે. તેની એક્શને એવા સવાલો ઊભા કર્યાં હતાં કે આવી પણ બોલિંગ હોય શકે. કાઠિયાવાડી ક્રિકેટ રસિકોએ તો શ્રીલંકાના આ સિંહ માટે ‘ઘાયારો’ નામનો શબ્દ પણ અમલમાં મૂકી દીધો હતો. કહેતા હતા કે એણે શોએબ અખ્તરની પરંપરાને આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે.
ખૂબ નજીવા સમયગાળામાં લસિથે શોએબની બોલિંગને ભૂલાવી દીધી. ફાસ્ટ બોલિંગમાં ચામિન્ડા વાસ બાદ શ્રીલંકાને મળેલો આ ધુરંધર ખેલાડી હતો અને કદાચ અંતિમ પણ કહી શકીએ, કારણ કે હાલ શ્રીલંકાની પાસે એવો કોઈ વીરલો નથી જે લસિથની આસપાસ પણ ફરકી શકે. લસિથની ફાસ્ટ બોલિંગે તો વિશ્વ ક્રિકેટમાં એવા કેટલાય કિર્તીમાનો સ્થાપિત કર્યા છે, જે શક્ય છે ભવિષ્યમાં તૂટે પણ નહીં. હેટ્રીક લેનારા ખેલાડીઓ તો ક્રિકેટરસિયાઓએ મન ભરીને માણ્યા છે, પણ વિશ્વકપમાં ઉપરાછાપરી ચાર વિકેટ લઈ જગતભરની આંખોને વિસ્ફારીત કરી નાખનારો તો માત્ર મલિંગા જ ગણવો રહ્યો.
બેટ્સમેનને તેની બોલિંગનો સામનો કરવા માટે આંખને સતર્ક રાખવી પડતી હતી. તેના યોર્કરે ઘણા બેટ્સમેનોની કારકિર્દીને રગદોળી નાખવાનું કામ બખૂબી નિભાવ્યું છે. ફાસ્ટ બોલિંગને સમજી જાવ તો બોલ બાઉન્ડ્રી પાર છે અને એ કોયડો ન ઉકેલી શકો તો સ્ટમ્પની આરપાર છે. વાક્ય લસિથ માટે બંધબેસતું છે. યોર્કરથી મળેલી ખ્યાતિ થકી તેને સ્લિંગા મલિંગાનું હુલામણું નામ મળ્યું હતું. રફ્તારની સાથે ધારનો સમન્વય હોવો એ તો જૂજ બોલરોને જ સાંપડે. રફ્તાર અને ધારના સંમિશ્રણના કારણે આ ખેલાડીએ હેટ્રીકની વણઝાર સ્થાપેલી. ફર્સ્ટ ક્લાસથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ સુધી તેણે કુલ 1093 વિકેટ પોતાના નામે કરી છે.
મૂળ તો કોઈને મંજાયેલો ખેલાડી બનવું હોય તો સાત આઠ વર્ષની ઉંમરથી દિવસ રાત મહેનત કરવી પડે પણ મલિંગા નસીબનો એક્કો હતો. એણે 17 વર્ષની કિશોરઅવસ્થામાં પહેલી વખત લેધરની બોલ પકડી હતી અને પછી ટૂંકા ગાળામાં જ તેણે પોતાનો સિક્કો જમાવી દીધો. કુરકુરિયા વાળ ધરાવતા મલિંગાનો જન્મ ગોલના રતગમામાં થયો હતો. ત્રણ ભાઈઓમાં મલિંગા વચલો હતો. 13 વર્ષની ઉંમરે તેને ક્રિકેટનો ખરો શોખ જાગ્યો હતો.
શ્રીલંકા દરિયાથી ઘેરાયેલું છે. ગોલના રતગમામાં મલિંગા સમુદ્રની રેતી પર ટેનિસ બોલ ફેંકી પ્રેક્ટિસ કરતો હતો. સમુદ્ર કિનારે ગરમ રેતી પર રમવું અને બાવીસ ગજની પીચ પર સામે બેટ્સમેન હોય, તો ત્યાં સુધી બોલ પહોંચે નહીં. 13-14 વર્ષનો છોકરો કેટલી તાકાત લગાવે? રેતી બોલને ધીમો કરી નાખે. મલિંગા ગમે તે ભોગે ત્યાં સુધી દડો પહોંચાડવાનો પ્રયત્ન કરતો હતો. આ પ્રયત્નમાં જ એ વિચિત્ર એક્શનનો જન્મ થઈ ગયો. જે ભવિષ્યમાં ક્રિકેટ ઈતિહાસના કેટલાય ખેરખાઓની વિકેટ હડપી લેવાનો હતો.
સમય જતા ગોલ ક્રિકેટ ક્લબમાં મલિંગા ક્રિકેટ શીખવા માટે જતો હતો. જ્યાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચંપકા રામાનાયકે કોચ હતા. એ ત્યાંની ટીમમાં ખેલાડી તરીકે પણ રમતા હતા. એક દિવસ તેમને ગરદનના ભાગમાં ઈજા પહોંચી ગઈ અને મલિંગાને મેચ રમવાની તક મળી ગઈ. 17 વર્ષીય મલિંગાનો લેધર બોલ સાથે પહેલો મેચ હતો. મલિંગાને શું ફર્ક પડતો હતો? મેચ પૂરી થઈ ત્યારે મલિંગાએ આઠ વિકેટ ઝડપી લીધી હતી.
ચંપકા રામાનાયકે મલિંગાની અંદર રહેલું હીર પારખી લીધું અને તેને ત્રણ મહિનાની કડકમાં કડક ટ્રેનિંગ આપી. બોલર તરીકે તેની ધાર મજબૂત કરવા માટે ખાસ મહેનત કરાવવામાં આવી. તેમણે જ મલિંગાને પીચના કેટલાક નિશ્ચિત સ્થાન પર બોલ ફેંકવાનું કહ્યું અને મલિંગાએ તે કુશળતાપૂર્વક કરી પણ બતાવ્યું. કોચ ચંપક રામાનાયકે મલિંગાનો હાથ સીધો કરવાની કોશિશ કરી પણ આમ કરવાથી મલિંગાની સ્પીડ ધીમી પડી ગઈ. રામનાયકને સમજતા વાર ન લાગી કે આમ કરવાથી ખેલાડી તરીકે મલિંગાનું અસ્તિત્વ માટીમાં મળી જશે. તેમણે મલિંગાને તેની સ્ટાઈલ સાથે જૈસે થે હાલત પર જ રાખ્યો.
17 વર્ષની ઉંમરના મલિંગાએ વિદાલોકા કોલેજમાં એડમિશન લીધું. મલિંગાએ પોતાની વિચિત્ર એક્શનની સહાયતાથી બીજી જ મેચમાં નેલુવા કોલેજની છ વિકેટ ઝડપી લીધી. આ મેચમાં ધનપ્રિયા અમ્પાયરિંગ કરી રહ્યા હતા. જે મહિંદા કોલેજના પ્રિન્સિપાલ હતા. મલિંગાની બોલિંગે ધનપ્રિયાને ચોંકાવી દીધા. તેમણે મલિંગાને ઓફર કરી કે પોતાની કોલેજ જોઈન કરી લે. મલિંગાએ આચાર્ય શ્રીની આ ઓફરને હર્ષભેર સ્વીકારી લીધી, કારણ કે મહિંદા કોલેજની સૌથી મોટી ખાસિયત તેનું દમદાર ક્રિકેટ હતું.
મલિંગાએ જોતજોતામાં અન્ય કોલેજના હાજા ગગડાવી નાખ્યા. એની એન્ટ્રી માત્રથી વિરોધી ટીમના બેટ્સમેનોના પગ તળે કંપારી છૂટી જતી હતી. આ વાત પહોંચી ગઈ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડની પાસે. 2001માં મલિંગાને શ્રીલંકન ટીમની સાથે નેટ પ્રેક્ટિસ માટે બોલાવવામાં આવ્યો. મલિંગાની ધારદાર બોલિંગે આંતરાષ્ટ્રીય સ્તરના બેટ્સમેનોના પગ હેઠળ ભૂકંપ લાવી દીધો. આશ્ચર્યની વાત એ હતી કે શ્રીલંકાના આંતરાષ્ટ્રીય કક્ષાના બેટ્સમેનોને મલિંગાનો બોલ દેખાતો જ નહોતો. મલિંગા મશહૂર થઈ ગયો.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડને હવે મોડું કરવું પાલવે તેમ નહોતું. 1 જુલાઈ 2004ના રોજ એમણે ટેસ્ટ ટીમમાં મલિંગાની પસંદગી કરી લીધી. પસંદગી થઈ ત્યારે તેનો પહેલો મેચ એ સમયની ખતરનાક ટીમ ઓસ્ટ્રેલિયાની સામે હતો. મલિંગાએ ડેરેન લેહમન અને એડમ ગિલિક્રિસ્ટ જેવા બે ખતરનાક બેટ્સમેનોની વિકેટ લઈ પોતાના આગમનનું બ્યૂંગલ ફૂંકી દીધું. બીજી ઈનિંગમાં મલિંગાએ ચાર વિકેટ લીધી. જેમાં ડેમિયન માર્ટિન, ડેરેન લેહમન, શેન વોર્ન અને માર્ક્સ કાસ્પ્રોવિચનો સમાવેશ થતો હતો. શ્રીલંકા મેચ હારી ગયું પણ મલિંગા જીતી ગયો.
એ મેચમાં એક ગજબનો કિસ્સો બની ગયો. એ સમયના ડેન્જરસ બેટ્સમેન અને વિકેટકિપર એડમ ગિલિક્રિસ્ટ એક સ્ટમ્પ લઈ શ્રીલંકાના ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને એ સ્ટમ્પ મલિંગાને આપ્યું. ગિલિક્રિસ્ટનો કહેવાનો અર્થ માત્ર એટલો હતો કે વિશ્વમાં એક એવો બોલર આવી ગયો છે જે બેટ્સમેનોની નાક મેદાન પર રગડી નાખશે. એ પછી જે બન્યું તે ઈતિહાસ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત