Homeદે ઘુમા કેસ્ટિવ સ્મિથે તેંડુલકર, સહેવાગ, સંગાકારા અને દ્રવિડનો આ કિર્તીમાન તોડી નાખ્યો

સ્ટિવ સ્મિથે તેંડુલકર, સહેવાગ, સંગાકારા અને દ્રવિડનો આ કિર્તીમાન તોડી નાખ્યો

Team Chabuk-Sports Desk: વર્તમાન સમયે વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટર્સમાં જેની ગણતરી થાય છે તે સ્ટીવ સ્મિથ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા હાલ પાકિસ્તાનના પ્રવાસ પર છે અને લાહોરમાં અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. લાહોરની ટેસ્ટમાં સ્ટિવ સ્મિથે અડધી સેન્ચુરી ફટકારી છે. આ પૂર્વે બે ટેસ્ટ મેચમાં પણ તેણે હાફ સેન્ચુરી ફટકારી હતી. સ્મિથે રાવલપિંડીમાં 78 અને કરાંચીમાં 72 રન બનાવ્યા હતા. મંગળવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 59 રનની ઈનિંગ રમી.

સીરિઝમાં સતત ત્રીજી વખત અર્ધ શતકને શતકમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ નીવડેલા સ્મિથે એક નવો કિર્તીમાન પોતાના નામે કરી લીધો છે. સ્મિથના હાલ ટેસ્ટમાં 7993 રન છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 150મી ઈનિંગ રમી છે. 150 ઈનિંગમાં સર્વાધિક રન બનાવવાના મામલે સ્મિથે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે. જેણે 7913 રન બનાવ્યા હતા.

આ રેકોર્ડમાં સ્મિથ ભારતીય ત્રિપુટી સચિન, વીરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ કરતા પણ આગળ નીકળી ચૂક્યો છે. સચિને 150 ઈનિંગમાં 7869 રન, સહેવાગે 7694 અને દ્રવિડે 7680 રન બનાવ્યા હતા. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને બેટીંગનો નિર્ણય લીધો. 17 રનના સામાન્ય સ્કોર પર ટીમની બે વિકેટ પડી ગઈ. અહીંથી સ્મિથ અને ઉસ્માન ખ્વાજાએ ટીમની ઈનિંગ સંભાળી હતી.

સ્મિથ અને ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી નોંધાવી. બંને ખેલાડી સેન્ચુરી નહોતા ફટકારી શક્યા. ખ્વાજા સેન્ચુરીની એકદમ નજીક પહોંચ્યો હતો. તેણે 91 રન બનાવ્યા હતા. સ્મિથે 59 રન ફટકાર્યા. બંને ખેલાડીઓના આઉટ થયા બાદ કેમરુન ગ્રીન અને એલેક્સ કેરીએ ઈનિંગને સંભાળી. ગ્રીન અને કેરીએ પાકિસ્તાનના બોલર્સને પરેશાન કરતા 135 રનની ભાગીદારી નોંધાવી દીધી. ગ્રીને 79 અને કેરીએ 69 રન બનાવ્યા.

ઓસ્ટ્રેલિયાની ટીમની પ્રથમ ઈનિંગ 391 રન પર પૂર્ણ થઈ. પાકિસ્તાન માટે શાહીન અફ્રિદી અને નસીમ શાહે ચાર-ચાર વિકેટ લીધી. નુમાન અલી અને સાઝિદ ખાનને એક એક સફળતા પ્રાપ્ત થઈ. પાકિસ્તાને બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં એક વિકેટના નુકસાન પર 91 રન બનાવ્યા. આરંભિક બેટર ઈમાન ઉલ હક 11 રન બનાવી પેટ કમિન્સનની બોલ પર આઉટ થયો. અબ્દુલ્લા શરીફ 45 અને અઝહર અલી 30 રન બનાવી નોટ આઉટ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments