ચંદ્રકાંત બક્ષી વિશેની માહિતીના ઘણા સ્ત્રોતો પ્રાપ્ય છે. તેમાં એક એમની આત્મકથા બક્ષીનામા. બીજા નંબર પર જયંતિલાલ મહેતાનું બક્ષી એક જીવની પુસ્તક, જેમાં મહદ અંશે તેમની આત્મકથાનો સહારો લેવામાં આવ્યો છે. ત્રીજા નંબર પર લોકબોલીએ ચર્ચાતી વાતો અને ચોથા નંબર પર હજુ એક પુસ્તક છે. આ પુસ્તક બક્ષીના નિધન બાદ પ્રગટ થયું હતું. જેથી બક્ષીના નવા પુસ્તકોની એડિશન થઈ તેમાં બક્ષીએ કેટલાં પુસ્તકો લખ્યાં તેમાં તેનો સમાવેશ નથી થયો. હવે તો લગભગ જગ્યાઓ પરથી તે નામશેષ થઈ ચૂક્યું છે. પુસ્તકમાં લખનારા લેખકોની પાસે જો પુસ્તક ઉપલબ્ધ હોય અને લેખકો તમારા મિત્ર હોય તો સંભવી શકે કે તમને વાચવા મળે. પણ એ લેખક જો બક્ષીનો અઠંગ ચાહક હોય, તો તમારા મોઢા સામે પુસ્તક અને પ્રેમિકાવાળુ વિધાન ફટકારી દે.
તત્વમ્ પટેલ દ્રારા સંપાદિત પુસ્તકનું નામ છે ‘બક્ષી અને અમે, મેમરીઝ ઓફ ચંદ્રકાંત બક્ષી.’ જેમાં બક્ષીના ઘણા અજાણ્યા પાસાઓ જાણવા મળ્યા છે. પુસ્તકનો છેલ્લો લેખ વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા લખવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી અને ચંદ્રકાંત બક્ષી વચ્ચે 30 મિનિટની ઔપચારિક મુલાકાત ગોઠવાય હતી. આ ઔપચારિક મુલાકાતની અવધિ સમાપ્ત થયા બાદ પણ ક્યારે 90 મિનિટ થઈ ગઈ તેની ખબર જ ન પડી. જ્યારે મુલાકાત પૂર્ણ થઈ ત્યારે નરેન્દ્ર મોદી એક જ વાત વિચાર કરતા હતા કે આખરે એક સાહિત્યકાર રાજકારણનું પણ આટલું બહોળુ જ્ઞાન કેવી રીતે ધરાવે છે ? તેને ભારતના રાજકીય પ્રવાહોથી લઈને, ત્રાસવાદ અને વિશ્વના આર્થિક પ્રવાહો વિશેની પણ તમામ સુઝબુઝ છે. નરેન્દ્ર મોદીએ લખ્યું છે, ‘પણ બીજી જ ક્ષણે મારા મનનું સમાધાન થયું કે આ તો બક્ષી છે.’
નરેન્દ્ર મોદીએ બક્ષી વિશે કહ્યું છે, ‘‘એમને જ્યારે પણ ફોન કરવામાં આવતો ત્યારે આવા શબ્દો સાંભળવા મળતા હતા. કાં તો અવાજ આવે કે હેલો…. અથવા બક્ષી…. અથવા બક્ષી બોલું છું…. અથવા હું ચંદ્રકાંત બક્ષી બોલું છું.’’
એક વખત નરેન્દ્ર મોદી અને ચંદ્રાકાંત બક્ષી મળ્યા ત્યારે બક્ષીએ વાતવાતમાં પોતાની જૂની દાસ્તાન કહી દીધી, ‘‘યાર કલકત્તામાં કાપડના તાકા ઉંચક્યા છે. મુંબઈમાં આકાશની છત નીચે ધરતી ઉપર દિવસો ગુજાર્યા છે. પણ…. પારિતોષિક મેળવવા, શિલ્ડ મેળવવા કે ઈલ્કાબો મેળવવા ક્યાંય નતમસ્તકે અરજી કરી નથી કે લાંબા હાથે ક્યાંય ઉભો નથી. મને તો મારા યાર બાદશાહ વાચકોએ જીવાડ્યો છે.’’
પછી તો જ્યારે પણ ચંદ્રકાંત બક્ષી નરેન્દ્ર મોદીને મળતા ત્યારે એક વાત અચૂક કહેતા, ‘‘યાર દારૂબંધી ક્યાં સુધી ? ગુજરાતને કેટલું નુકસાન છે ?’’ વર્ષો સુધી બક્ષીબાબુ ગુજરાતના ઘણા મુખ્યમંત્રીઓને દારૂબંધી વિશે કહેતા રહ્યાં. તેમનો કહેવાનો આ સિલસિલો નરેન્દ્ર મોદી સુધી ચાલ્યો હતો. લોકડાઉનમાં એક વખત દારૂની દુકાન ખુલતા જ જ્યાં દારૂબંધી નથી તેવા રાજ્યોને દારૂએ એક જ દિવસમાં 300 કરોડની કમાણી કરાવી દીધી હતી. ‘‘ભીડ ઈકઠ્ઠી કર રહે હૈ યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, અર્થવ્યવસ્થા બઢા રહે હૈ યે ઈમ્પોર્ટન્ટ હૈ’’
મૌજ અને શોખ નામના પુસ્તકમાં, પાનાં નંબર 67 પર બક્ષીએ ગુજરાતના વિકાસ આડે આવતા મોટા રોદારૂપે દારૂબંધીનું અવલોકન કરતાં લખ્યું છે, ‘‘1960માં ગુજરાતનો જન્મ થયો, ત્યારથી આજ સુધી એટલે કે 2000 સુધી, 40 વર્ષોથી ગુજરાતે દારૂબંધી રાખી છે અને કુમારિકા એના શિયળની રક્ષા કરે એનાથી પણ વધારે ઝનૂનથી ગુજરાત સેંકડો-કરોડો રૂપિયા ખોઈ ચૂક્યું છે. હિતુભાઈ દેસાઈથી કેશુભાઈ પટેલ સુધીની બધા જ પક્ષોની વિવિધ સરકારો આવી અને ગઈ, ડઝન ઉપર મુખ્યમંત્રીઓ આવ્યા અને ગયા, પણ દારૂબંધીને સ્પર્શવાની કોઈએ હિંમત બતાવી નથી. અને હિન્દુસ્તાનમાં ગુજરાત સિવાય બીજા 28 રાજ્યો છે અને એ રાજ્યે દારૂબંધી કરવી કે દારૂમુક્તિ કરવી, એ વિષે ગંભીરતાથી વિચાર કરીને નીતિઓ અપનાવી છે.’’
ઈ-ટીવી ગુજરાતીમાં એક કાર્યક્રમ આવતો હતો. જય વસાવડા તેને હોસ્ટ કરતા હતા. કાર્યક્રમનું નામ સંવાદ. તેમાં ભવિષ્યવાણી કરતાં બક્ષીએ કહેલું, ‘રામ મંદિરનું નિર્માણ ભાજપ નહીં, પણ કોંગ્રેસ અને સોનિયા ગાંધી કરશે.’ આ વાતને કદાચ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિરીયસલી તો નહીં લઈ લીધી હોયને ?
છતાં અહીં પુસ્તકમાં મોદીએ બક્ષીની પ્રશંસામાં શબ્દો બાંધ્યા છે, ‘છત્રીસની છાતીએ એકદમ ટટ્ટાર જીવન જીવનારા જ ‘મહાજાતિ ગુજરાતી’ જેવો સ્વાભિમાની શબ્દ પેદા કરી શકે.’ એ અલગ વસ્તુ છે કે 2014માં ગોરખપૂરની માનબેલાની જનસભાને સંબોધન કરતી વેળાએ નરેન્દ્ર મોદીએ ‘‘56 ઈંચની છાતી’’ શબ્દ વાપર્યો હતો. જેમાં તેમણે કહેલું, ‘ગુજરાત બનાવવા માટે 56 ઈંચની છાતી જોઈએ.’ બાદમાં એ શબ્દ નરેન્દ્ર મોદી સાથે દૂધમાં સાંકળ ભળે એમ ભળી ગયો.
લેખક કે વક્તા પાસે શ્રોતા કે વાચકને વારંવાર નવું આપવા કશું હોતું નથી. એ અનાયાસે ઘણી વખત એકની એક વાતને ફેરવી રટણ કરી નાખે છે. એમાં બક્ષીની 36વાળી વાત 56 બની યાદ આવી ગઈ હોય તો આપણને શું ખબર ?
બક્ષીને સાહિત્યકારો સાથે મોટાભાગે કારણ વિનાની ઝપાઝપી રહેતી, તેમ કોઈ વખત રાજકારણીઓનો પણ વારો નીકળી જતો. એક વખત મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલની ઉપસ્થિતિમાં ચંદ્રકાંત બક્ષી કંઈક વધુ બોલી ગયા. આમ તો તેઓ વધુ બોલતા જ હતા, પણ આ વખતે આયોજક દ્રારા તેમને આપેલા નિયત સમય કરતાં વધારે મિનિટ સુધી ભાષણ ખેંચી લીધું. આથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના ભાષણ શ્રેષ્ઠીઓ અકળાયા. બક્ષીએ તાત્કાલિક શ્રોતાઓને કહી દીધું, ‘તમે આમને નહીં, મને સાંભળવા આવ્યા છો.’
પુસ્તકમાં નરેન્દ્ર મોદીના લેખને સંપાદકે અલગથી વાગોળવો પડ્યો છે. જ્યારે તત્વમ્ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી પાસે લેખ માગ્યો ત્યારે તેમની પાસે સમયનો અભાવ હતો. બાદમાં તેમણે આ લેખ પાછળથી લખીને મોકલ્યો. એવા સમયે મોકલ્યો જ્યારે પુસ્તકનું પ્રિન્ટીંગ ચાલી રહ્યું હતું. આથી જ તમામ લેખકો અનુક્રમણિકામાં આલ્ફાબેટ પ્રમાણે છે, સિવાય કે નરેન્દ્ર મોદીનો લેખ. આ કારણે જ એ લેખને પુસ્તકમાં છેલ્લું સ્થાન મળ્યું છે.