Homeસાહિત્યહાસ્યલેખ : હું અને જાહેરખબરો

હાસ્યલેખ : હું અને જાહેરખબરો

Team Chabuk : જ્યોતીન્દ્ર દવેનો દુકાનનાં પાટીયાં નામનો એક નિબંધ છે. તેની શરૂઆત ‘શાંતિ’ નામેરી જાહેરખબરથી થાય છે. તેનાથી ઉલટું જાહેરખબરના કારણે આપણા જીવનની શરૂઆત અશાંતિથી થાય છે. મારા કેટલાક મિત્રોએ જાહેરખબરની એજન્સી ખોલેલી અને આ માટે કોર્પોરેશન પાસે ખાસ ભલામણ કરી એક ઈમારત બાજુની જગ્યા ભાડે લીધેલી. એ જગ્યા લેવાનું કારણ ફક્ત એટલું જ હતું કે એ શહેરનો મુખ્ય માર્ગ હતો. આવતા જતા સૌની નજર ત્યાં જાય.

એ ઈમારત પણ ત્યાંના રહેવાસી સભ્યોના કારણે વગોવાયેલી હતી. તેમાં કોઈ કવિએ પોતાની નવી કવિતા લખી જોર જોરથી રાગડા તાણેલા કે, અહીંથી મને ક્ષિતિજ દેખાય છે. ત્યારથી એ બિલ્ડીંગમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓ એમ સમજવા લાગેલી કે આપણી બિલ્ડીંગ ઉપરથી આપણી સાથે કોલેજમાં અભ્યાસ કરતો ફૂટડો જુવાન ક્ષિતિજ અહીંથી જ દેખાય છે.

આ જગ્યાએ જ મારા મિત્રોએ, ‘આ ફોન નંબર પર ફોન કરો અને જાહેરખબર આપો’ તેવું પાટીયું લગાવ્યું. એ કારણે આખી બિલ્ડીંગ ઢંકાઈ ગઈ. છાપાવાળાઓએ વિરોધ પણ નોંધાવ્યો કે શહેરના પોશ વિસ્તારને ઢાંકી દેવાનું કોર્પોરેશનનું આ કાવતરું છે. જોકે પહેલી વખત કોર્પોરેશનનો આમાં હાથ નહોતો.

બે મહિના જેવો સમય પસાર થયા પછી મારા મિત્રો એ જાહેરખબરના પાટીયાને કાઢીને કોઈ બીજી જગ્યાએ નાખવાની વૈતરણીમાં લાગ્યા. તેમને આશા હતી કે શહેરના હર્યાભર્યા વિસ્તારમાંથી તેમને જાહેરખબર મળશે, પણ જાહેરખબરની જગ્યાએ કબૂતરોની ચરક મળી. તેમના જૂના માળા મળ્યા. એ પાટીયું ઉતારીને લઈ ગયા અને અમારા ઘરની પાછળની બાજુ આવેલા મેદાનમાં રાખી દીધું.

બપોર પછી હું ઉંઘતો હતો તો જગનના મમ્મી મારા ઘરે આવ્યા. બારણું ખખડાવતા હતા. અને જો મેં બારણું ન ઉઘાડ્યું હોત તો તેઓ દરવાજો એ રીતે જ તોડી નાખેત જેવી રીતે તેઓ પોતાના પતિને તોડે છે. મેં દરવાજો ખોલતા તેમણે કહ્યું, ‘જગન અને તેના મિત્રોને પોલીસ ઉપાડી ગઈ છે.’

હું પોલીસ સ્ટેશને ગયો તો ત્યાં કોઈ અપરાધીની માફક એ ચારેને કતારમાં બેસાડવામાં આવ્યા હતા. અદ્દલ ગાંધીજીના વાંદરા જ લાગતા હતા. પોલીસ સાહેબને મેં આમની ધરપકડ કરવા વિશે પૂછ્યું અને તેમણે કારણ જણાવ્યું તો મારું મગજ ભમી ગયું.

સાહેબ પોતાની મોટી તોંદ પર હાથ પસવારતા બોલ્યા, ‘આ મહાશયોએ શહેરના ચાર રસ્તા પર એક જાહેરખબરનું પાટીયું લગાવ્યું હતું. એ પાટીયાની પછીતે બિલ્ડીંગના લોકો પોતાના કપડાં સુકાવતા હતા. એ પણ પાટીયા સાથે જોયા કારવ્યા વિના ઉઠાવી આવ્યા. હવે બિલ્ડીંગના રહીશો બે માગ લઈ ઊભા છે, કાં પાટીયું લગાવડાવો અને કાં પોલીસને ફરિયાદ કરી દઈએ કે ગુજરી બજારમાં ચોરીના કપડાં વેચનારા આ જ છે.’

હું આઘાતમાં સરી ગયો.

જોકે આપણા જીવનની તો શરૂઆત જ જાહેરખબરથી થાય છે. સવારમાં ચા વિના ચાલી શકે જાહેરખબર વિના કેમેય કરીને ન ચાલી શકે. હું તો મારા અખબાર વિક્રેતાનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તે છાપામાં જાહેર ખબરના એટલા કાગળીયા નાખે છે કે મહિનાનો છાપાનો ખર્ચો ભંગારવાળાને છાપા વેચીને જ નીકળી જાય છે. માની જ લો કે મારા ઘરમાં તો છાપુ મફતમાં જ આવે છે. જે જાહેરખબર આપણને ફાયદો પહોંચાડતી હોય તે સારું જેમ કે મારી છાપાની જાહેરખબરો. બાકીની જાહેરખબરો આપણા માથા પર મારવામાં આવે છે.

ખરાબ લેખકો વિવેચકોનો ભોગ બને તેમ હું બાળપણથી જાહેરખબરનો ભોગ બનેલો છું. દસમાં ધોરણમાં અમારા તાલુકામાં અંગ્રેજી રાખવાનું જેટલું મહત્વ હતું તેનાથી વધારે મહત્વ પાસ થવાનું નહોતું. અંગ્રેજી રાખનારા વિદ્યાર્થીઓ જ્વલ્લે જ પાસ થતા હતા. આ માટે ખાસ એક મંદિર પણ બનાવવામાં આવ્યું હતું જેની પૂજા કરી જે વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય તે પાસ થઈ જાય. વિદ્યાર્થીઓ પૂજા કરતા અને દસ રૂપિયા દાનપેટીમાં નાખતા પણ કોઈ પાસ નહોતું થતું. મને તો હમણાં હમણાં ખબર પડી કે એ મંદિરના ટ્રસ્ટી પણ મારા આચાર્ય જ છે!

મંદિર સિવાય અમારા તાલુકામાં પાસ થવાની એક નવી નવી પદ્ધતિ લાગેલી. એ પદ્ધતિનું નામ હતું પીઠડિયા સાહેબની જાહેરખબર. તેમના ક્લાસિસની અગણિત વિશેષતાઓ તેમણે શહેરના મધ્ય વિસ્તારમાં લગાવી હતી. બોર્ડ એટલો મોટો હતો કે કોઈની માથે પડી જાય તો નીચે કોઈ દબાય પણ ગયું છે તેનો ખ્યાલ સુદ્ધા ન આવે. દરેક વાલીઓ એ જાહેરખબરના બોર્ડની આગળથી પસાર થતા અને દેવદાસ જેમ પારોની સુંદરતાને નીહાળ્યા કરે તેમ તેની વિશેષતાઓ વાંચી મરક મરક હસી લેતા હતા. આ કારણે તાલુકાના મધ્ય વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં પણ ખાસ્સી વૃદ્ધિ થયેલી.

મેં પણ મારા પિતાને દસમાં ધોરણમાં પાસ થવાનું તેને બ્રહ્માસ્ત્ર ગણાવ્યું. હજાર રૂપિયા ફી ભરી હું ત્યાં અંગ્રેજીના ક્લાસિસમાં ભણવા માટે બેઠો. દસમાની બોર્ડની પરિક્ષા આપી અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે મારે માંડ 39 માર્ક આવ્યા હતા. મારા પિતાએ મને ખૂબ માર્યો, કદાચ તેમના મનમાં એવું હોઈ કે પુત્રને વધારે મારવાથી તેની માર્કશીટના માર્ક વધી જશે. અમે કંઈ બાકી ન રાખ્યું. ટ્યુશન કરાવનારા પીઠડિયા સાહેબ પાસે જઈને પણ ઓછા, આમ તો નાપાસની લગોલગ આવી પહોંચેલા માર્ક્સનું કારણ જાણવા માગ્યું. તેણે અમને પૂછ્યું, ‘તમારા પુત્રનો નંબર ક્યાં આવ્યો હતો ?’

‘ન્યૂએરા શાળામાં…’

‘ઓહો, માનસ વિદ્યાલયમાં આવ્યો હોત તો નક્કી ઊંચા માર્કે પાસ થઈ જાત.’

‘કેમ ત્યાં હીરા ટાંક્યા હતા ?’ મારા બાપુજીએ તાડુકતા કહ્યું.

‘ના હીરા નથી ટાંકેલા પણ ત્યાં તમારા પુત્ર સિવાય મારા બીજા બધા વિદ્યાર્થીઓનો નંબર આવ્યો. એ બધા ચોરી કરીને સારા ટકે પાસ થઈ ગયા.’

હું ક્ષોભિત થઈ ગયો. મારું વદન ઉતરી ગયું. એક જાહેરખબરના કારણે મારી સાથે નસીબની બલિહારી જેવો ખેલ ખેલાઈ ગયો હતો. હમણાં બે વર્ષ પહેલા મારે મારા એ ગામે ફરી જવાનું થયું ત્યારે પણ શહેરના મધ્ય વિસ્તારમાં એ બોર્ડ લાગેલો હતો. બોર્ડ પરનું લખાણ એમનું એમ હતું પણ એ સાહેબનું નામ નહોતું. તેની જગ્યાએ હવે તેનો દીકરો આ જ રીતે બધાને લૂંટતો હતો.

બાળપણથી લઈને પરણી ગયા પછી પણ મને જાહેરખબરનો ત્રાસ રહ્યા કરે છે. હું મારા ઘરેથી ઓફિસે જવાની તૈયારી કરતો હોઉં ત્યારે જ કોઈ બારણાની નીચેથી સરકાર પાતળી સરસાઈથી જીતે એટલું પાતળું કાગળ સરકાવી દે છે. આવું રોજ બનતું હોવાથી મેં અને મારા શ્રીમતીજીએ નક્કી કર્યું કે હવે નીચેની કોરને ઢાંકી દેવી. ખાસ હું ઓફિસેથી વળતા પાતળી પટ્ટી અને કેટલીક ખીલ્લીઓ લાવ્યો. મારી ઉપરના માળે રહેતા સુષ્માજી પાસેથી ઉધાર હથોડી લીધી અને જાહેરખબર માટે પસાર થવાનું એ હવા ઉજાસવાળું ખાનું અમે ઢાંકી દીધું.

રાતે ઉંઘી ગયા. સવારે ઉઠીને જોયું તો જાહેરખબરનું પતાકળું નહોતું. મને દોઢસો રૂપિયાનો ખર્ચ કર્યાનો આનંદ થયો. એટલામાં મારા ઘરના દરવાજાની બેલ વાગી. સામે પ્રદ્યુમનભાઈ ઊભા હતા. તેમના હાથમાં જાહેરખબરનો કટકો હતો.

મેં પૂછ્યું, ‘આ તમારા હાથમાં ?’

પ્રદ્યુમનભાઈ બોલ્યા, ‘પેલા જાહેરખબરવાળા ભાઈ આપી ગયા છે, કે હવે નીચેથી કાગળ નથી જતું તો તમે બેલ વગાડી એમને આપી દેજો. મારે ક્યાં સવારના છ વાગ્યે એમની ઉંઘમાં ખલેલ પહોંચાડવી.’

પ્રદ્યુમનભાઈ મારાથી ખાસ્સા ઊંચા હતા. જો અમારી ઊંચાઈ સમકક્ષ હોત તો મારો ટકો તેમના ટકા સાથે અથડાવેત. તેમને ઈજાગ્રસ્ત કરવા માટે નહીં. તેમને જાહેરખબરવાળા સાથે હાથ મિલાવી મારી સાથે આટલું મોટું કાવતરું ઘડવા બદલ.

મારા પાડોશી પ્રદ્યુમનભાઈને જાહેરખબર સાથે કંઈક ખાસ જ લેવાદેવા છે. હું તો જાહેરખબરથી ત્રાસી ગયો છું પણ તેઓ જાહેરખબરવાળાઓને ત્રાસ આપે છે. એક વખત તેઓ રસ્તામાંથી ચાલ્યા જતા હતા ત્યારે ‘માથાના દર્દથી છૂટકારો મેળવો’ એવી જાહેરખબરનું પાટીયું તેમની માથે ધડામ કરતું પડેલું. છતાં તેઓ ખુશ એટલા માટે હતા, કારણ કે કોર્ટના આદેશ મુજબ આજીવન પેલી જાહેરખબરવાળાએ માથાના દુખાવાના છુટકારાની દવા તેમને વળતરરૂપે આપવાની હતી. એ દિવસથી રસ્તા પર જાહેરખબરનું પાટીયું લગાવનારા ભાઈને કાયમી માથાનો દુખાવો રહ્યા કરે છે. તેમની પોતાની દવાથી પણ દુખાવો નથી જતો.

મારા પાડોશી પ્રદ્યુમનભાઈનું જીવન પણ એકની સાથે એક ફ્રી જેવું જ છે. બે બે પત્ની રાખે છે. એટલા મૂર્ખ છે કે 533ની વસ્તુ 533માં હોય તો ન લે. તેની બાજુમાં 1000 લખી તેના ઉપર ચેકો મારી નજીકમાં 533 કરે ત્યારે જ ખરીદે અને પછી બે કલાક મારો સમય બગાડે કે આજે તો પહેલાને લૂંટી લીધો.

મારા એક મિત્રનું નામ ધીરજ છે. તેના ગામમાં જાહેરખબર છાપનારું એક જ પ્રિન્ટીંગ પ્રેસ હતું. રોજ તેના ઘરે જાહેરખબર આવતી હોવાથી તેણે તેની જાહેરખબરથી ત્રાસી ગયેલી મિત્રમંડળી સાથે મળી ષડયંત્ર રચ્યું, કે પ્રિન્ટિંગ પ્રેસવાળાનું અપહરણ કરી લઈએ. સમય, સ્થળ અને તારીખ મુજબ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ધીરજ એન્ડ કંપનીએ પ્રિન્ટિંગ પ્રેસવાળાનું અપહરણ કરી લીધું. ત્રણ દિવસ પછી ફરી જાહેરખબર એ સૌના ઘરે આવતા ચોંકી ગયા, કેમ કે પ્રિન્ટ કરનારો કેદમાં છે તો જાહેરખબર કોણે છાપી ? જઈને જોયું તો જેની જાહેરખબર હતી એણે જ પ્રિન્ટિંગની દુકાન ખોલી નાખી હતી. ધીરજ અને તેના મિત્રોને જોઈ તે હસતા હસતા બોલ્યો, ‘સારું થયું એ ચાલ્યો ગયો. હવે જાહેરખબર પણ મારી અને પ્રિન્ટિંગનો ધંધો પણ મારો જ. એકચક્રીય શાસન.’

ધીરજ બોલી પડ્યો, ‘આ તો ધરમ કરતા ધાડ પડી.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments