Homeસિનેમાવાદલુડો જે ગીતથી ઉપડી ગઈ તે ‘ઓ બેટાજી’ના રિયલ સ્ટાર ભગવાન દાદાની...

લુડો જે ગીતથી ઉપડી ગઈ તે ‘ઓ બેટાજી’ના રિયલ સ્ટાર ભગવાન દાદાની વાતો

ઝાલાવાડી જલજીરા : કોઈ નહીં માને. માનવાનું તો કોઈ કારણ જ નથી. હિન્દી સિનેમામાં હાથાપાઈ કરી જનતાને મનોરંજન આપવાની શરૂઆત ભગવાન દાદા નામના શરીરથી અદોદળા અને આજે જેને એક્શન ઈમેજમાં કોઈ સ્વિકારે નહીં તેવા વ્યક્તિએ કરી હતી. બેકગ્રાઊન્ડમાં સંગીત વાગતું હોય, તાનાનાના…. તણા… તણા અને ઢીશૂમ…. ઢીશૂમ… ઢીશૂમ… જેવો મગજમાં ગોખાઈ ગયેલો અવાજ આવે.

ભગવાન દાદાને યાદ કરવાનું કારણ ગઈ કાલે સિનેમાવાદમાં કરી ચૂક્યા છીએ. ભગવાન દાદાનું ગીત અનુરાગ બાસુની સુપરહિટ ફિલ્મ લુડોમાં દર્શાવવામાં આવ્યું છે. એક વેબસાઈટે તેના વિશે નેગેટિવ રિવ્યૂ લખેલો હતો, તો જનતાએ તેને એમ કહી ઢીબી નાખી કે, ‘જેણે રિવ્યૂ લખ્યો છે તેણે ફિલ્મને ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લીધી લાગે છે. અક્કલ છે કે નહીં.’

વાત સાચી એટલા માટે ગણવી પડે, કારણ કે પચાસ ઉપર લોકોએ રિવ્યૂ લખનારની શાબ્દિક પીટાઈ કરી નાખી હતી. સાબિત થઈ ગયું. જનતાને ગમે એ હિટ. કોઈ રિવ્યૂરાજાએ તેમાં પોતાના સિનેમા જ્ઞાનનો પરચો આપવાનો નથી રહેતો. લુડો વિશે કોઈ નથી લખતું, કારણ કે એ લક્ષ્મી નથી, જેની બે ફકરા લખી પોતાના સિનેમાય જ્ઞાનનો ઢંઢેરો પીટી ધોલાઈ કરી શકાય.

શરૂઆતમાં અને પંકજ ત્રિપાઠીની સતત મજા પાડતી એન્ટ્રીની વચ્ચે વચ્ચે ઓ બેટાજી ગીત આવ્યા કરે છે. મજા કરાવે છે. ચહેરા પર સ્માઈલ લાવે છે. 1951માં આવેલી ફિલ્મ અલબેલામાં આ ગીત હતું. હીરો હતા ભગવાન દાદા.

મુંબઈની ચોલમાં જ્યારે ગણપતિ વિસર્જન થવાનું હોય અથવા તો ગણપતિ મહારાજની ઘરમાં સ્થાપના કરવાની હોય ત્યારે તેમના ઘરની આસપાસ લોકોનું ટોળું જમા થઈ જતું અને એમની પ્રતિક્ષા કરતા હતાં કે ભગવાન દાદા પોતાના ઘરમાંથી ઠુમક ઠુમક નાચતા આવે અને બે સ્ટેપ કરે. જ્યાં સુધી તેઓ ઘરની નીચે ન ઉતરે ત્યાં સુધી ગણપતિજીએ પણ પ્રતિક્ષા કરવાની રહેતી હતી.

ભગવાન દાદા સીડીઓ પરથી ઉતરતા અને ગણપતિજીને હાથમાં લઈ ઊભેલા મુંબઈકરોના ચહેરા પર મૌજ સવાર થઈ જતી. તેઓ હિન્દી ફિલ્મમાં એક્શનની સાથે ડાન્સ લઈ આવનારા અભિનેતા હતા. હાથને ઉપર નીચે ડોલાવવાની શૈલી એ કોમનમેનના ડાન્સ તરીકે સુવિખ્યાત બની. જેને નૃત્ય નથી આવડતું તે પણ કરી શકે. કોઈ પણ કરી શકે. જે કોઈ પણ કરી શકે તે લોકપ્રિય થઈ જાય. દાદા લોકપ્રિય થઈ ગયા.

હિન્દી સિનેમાની શરૂઆત થઈ હતી. એ જમાનામાં તો મનોરંજનને ફિલ્મની દુનિયાથી બાર ગામ છેટું રાખવામાં આવતું હતું. ભગવાન દાદા જેવા કલાકારો જે કરતાં તે સિમાચિન્હ રૂપ સાબિત થતું. એટલા માટે કે જે થતું એ પ્રથમ વખત થતું હતું.

1913ની સાલ. એ સાલ જ્યારે સિનેમાનો ભારતમાં જન્મ થયો. સિનેમાની સાથે જ ભગવાન અભાજી પલવનો પણ જન્મ થયો. ભગવાન આભાજી એટલે આપણા ભગવાન દાદા. ફિલ્મના કલાકારોને ત્યારે માસ્ટરના નામે બોલાવવામાં આવતા હતા. ચાઈલ્ડ આર્ટિસ્ટને તો ખાસ. તેઓ ફિલ્મમાં આવ્યા અને તેમને માસ્ટર ભગવાન કહેવામાં આવ્યા પછી ભગવાન દાદા નામ જોડાઈ ગયું.

પિતા કપડાંની મિલમાં મજૂરીનું કામ કરતા હતા. દાદર અને પરેલનો મજૂરીયો વિસ્તાર જ્યાં દાદાનું બાળપણ પસાર થયું. દાદા ચાર ધોરણ જ ભણ્યા અને ફિલ્મની લાઈનમાં નાના મોટા કામ કરવા લાગ્યા. 1931થી તેમણે કામ કરવાની શરૂઆત કરી જ્યારે મૂંગી ફિલ્મો હતી. 1996 સુધી કામ કર્યું. અર્થાત્ 65 વર્ષ સુધીની ફિલ્મી કારકિર્દી રહી.

ભગવાન દાદાનો એક કિસ્સો લોકપ્રિય છે. રાજ કપૂર તેમની પાસે આવ્યા અને કહ્યું કે, તમારે સામાજીક સંદેશવાળી ફિલ્મો કરવી જોઈએ. ભગવાન દાદાએ રાજ કપૂરની વાત માની લીધી. 1951માં અલબેલા ફિલ્મ આવી. એ ફિલ્મ રાજ કપૂરના કારણે જ આજે યાદ નથી આવતી. એ વર્ષે જ રાજ કપૂરે આવારા ફિલ્મ બનાવી હતી. બંને હિટ રહી. જોકે ભગવાન દાદાની અલબેલા લુડોના કારણે પુન: યાદ આવી ગઈ.

એ વર્ષે એક સાથે ત્રણ સુપરહિટ ફિલ્મો રિલીઝ થઈ. બોક્સઓફિસ પર આવારાએ ટંકશાળા પાથરી દીધી અને 1951માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની. બીજા નંબર પર ગુરૂદત્તની બાઝી રહી અને ત્રીજા નંબર પર અલબેલા રહી. અલબેલાની સફળતાથી પ્રેરાઈને તેમણે ઝમેલા અને લામેલા નામની ફિલ્મો બનાવી. જે એટલી ચાલી નહીં. અલબેલાની સફળતા એ રીતે પણ આંકી શકાય કે પૂર્વ આફ્રિકામાં તેમની ફિલ્મ રિલીઝ થઈ હતી. જે સૌભાગ્ય આવારા અને બાઝીને એ વખતે નહોતું મળ્યું.

ભગવાન દાદાના જીવનને સૌથી વધારે નુકસાન કિશોર કુમારના કારણે થયું. એ હંસતે રહના બનાવતા હતા. જે ખરાં અર્થમાં રોતે રહના સાબિત થઈ. ફિલ્મના નિર્માણ માટે દાદાએ એકઠી કરી રાખેલી તમામ મૂડી ખર્ચી નાખી. પત્નીના ઘરેણા પણ વેચી નાખ્યા. એ ફિલ્મ પૂરી ન થવાનું કારણ એ હતું કે કિશોર કુમાર સેટ પર આવી નખરા કરતા રહેતા હતા. કામ પર ધ્યાન જ નહોતા આપતા.

છતાં તેમની સમૃદ્ધી વિશે હિન્દી સિનેમામાં હંમેશાં ચર્ચાઓ થતી રહી. મુંબઈના દરિયા કિનારા પાસે જ 25 રૂમ ધરાવતો એક આલિશાન બંગલો હતો. સાત ગાડીઓ હતી. અઠવાડિયાના સાતે દિવસ તેઓ એક એક ગાડીનો ઉપયોગ કરતા હતા. શ્રેવર કારનો એમને એટલો શોખ હતો કે ભવિષ્યમાં શ્રેવર નામની ફિલ્મમાં પણ એમણે કામ કર્યું હતું. ચેમ્બુરમાં પોતાનો આશા નામક સ્ટુડિયો પણ હતો. બંગાળી બાબુના કારણે ઘણું ચાલ્યું ગયું.

એમની ફિલ્મો એટલી નિષ્ફળ ગઈ કે હાથમાંથી આ બંગલો પણ સરકી ગયો અને તેમને દાદરમાં બે રૂમની ચાલીમાં રહેવું પડ્યું. એ જગ્યા તેમની છેલ્લી હતી. તેમનો દેહાંત પણ એ જ જગ્યાએ થયો.

1972ની સાલમાં ફિલ્મ આવી બોમ્બે ટુ ગોવા. આ ફિલ્મનું સુપરહિટ ગીત છે દેખાના હાય રે સોચના હાય રે… ફિલ્મમાં ભરચક બસ વચ્ચે અમિતાભ બચ્ચનને ડાન્સ કરવાનો હતો. અમિતાભ તો ડાન્સ કરવા માટે નહોતો બન્યા. ખૂબ વિચાર્યા પછી અમિતાભે કેટલાક સ્ટેપ કરી બતાવ્યા અને તે ઓકે થયા. એ સ્ટેપ ભગવાન દાદા પાસેથી ઉધાર લીધેલા હતા. કોરિયોગ્રાફરનું અસ્તિત્વ નહોતું ત્યારે પણ ભગવાન દાદા પોતાના શરીરને લચક આપી. પગ આગળ પાછળ કરી હાથને ગોલમટોલ સ્ટાઈલમાં હલાવતા હલાવતા ડાન્સ કરતા. એ શૈલી ભગવાન દાદા શૈલી તરીકે ઓળખાય છે. આ શૈલી એટલી પોપ્યુલર હતી કે મિથુન અને ગોવિંદા પણ તેનાથી ઈન્સપાયર થયા હતા. ઋષિ કપૂરને ડાન્સ શીખવાડનારા ભગવાન દાદા હતા. ગીતકાર આનંદ બક્ષીને ફિલ્મોમાં લાવનારા ભગવાન દાદા જ હતા.

ભગવાન દાદાની ફિલ્મો હંમેશાં અવનવું કરવા માટે યાદ રહે છે. 1941ની સાલ હતી. ભગવાન દાદા તમિલ ફિલ્મ વના મોહિની બનાવી રહ્યા હતા. ફિલ્મના કલાકારોમાં શ્રીલંકાની અભિનેત્રી કે.થવમની હતી. જોકે ફિલ્મની ખાસિયત એ રહી કે આ વિશ્વની એવી પ્રથમ ફિલ્મ બની જેમાં હાથીને ફિલ્મની શરૂઆતમાં જ ક્રેડિટ આપી દેવામાં આવ્યું હોય.

લલિતા પવારની આંખ ફોડનારા ભગવાન દાદા જ હતા. 1942માં ફિલ્મની શૂંટિગ થઈ રહી હતી. પટકથાની માગ પ્રમાણે ભગવાન દાદાને લલિતા પવારને એક થપ્પડ મારવાની હતી. તેમણે એટલી તાકાતથી થપ્પડ મારી કે તેમની ડાબી આંખની નસ ફાટી ગઈ અને લકવો મારી ગયો. સતત ત્રણ વર્ષ સુધી ઈલાજ ચાલ્યો પણ આંખ ઠીક ન થઈ.

લલિતાને પહેલા તો ભગવાન દાદા પર ખૂબ ગુસ્સો આવ્યો. લલિતાને ત્રણ વર્ષ બાદ લીડ રોલમાં કામ મળતું બંધ થઈ ગયું. પણ ભગવાન દાદાએ મારેલી થપ્પડના કારણે તેમને નેગેટિવ રોલ અઢળક મળ્યા અને તે લોકપ્રિય થઈ ગઈ. કોઈ હીરોઈન એ વર્ષોમાં લોકપ્રિય નહોતી જેટલી વિલન તરીકે લલિતાજી હતા. આવા હતા ભગવાન દાદા. જે ભારતીય સિનેમામાં કેટલાક કલાકારોને લાવ્યા, કેટલાકના પ્રેરણાસ્રોત રહ્યા અને કેટલાકની થપ્પડ મારીને જિંદગી શાનદાર કરી નાખી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments