Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડને પરાજય આપી ન્યૂઝીલેન્ડ આઈસીસીની સતત ત્રીજી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. મજબૂત દેખાતી ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડની સામે અંતમાં શરણાગતિ સ્વીકારી લીધી હતી અને મેદાન પર રમાયેલા 11 બોલે જીતનો નિર્ણય નક્કી કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમની ફાઈનલની આશાઓ પર પાણી ફેરવનારા ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓના નામ મિચેલ અને જિમ્મી નીશમ છે. શેષ એક ઓવર રહી ત્યારે જ ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડની ટીમને પાંચ વિકેટથી પરાજય આપી દીધો.
ટોસ ન્યૂઝીલેન્ડના ખાતામાં
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ મોઈન અલીના 50 રનના પીઠબળના આધારે 20 ઓવરમાં 166 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ માટે દાવિદ મલાને પણ 41 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદી, એડમ મિલ્ન, ઈશ સોઢી અને જિમ્મી નીશમે એક એક વિકેટ લીધી હતી.
13 રનમાં બે વિકેટ
ન્યૂઝીલેન્ડની શરુઆત સારી નહોતી રહી. ક્રિસે વોક્સે પ્રથમ ઓવરમાં જ માર્ટિન ગપ્ટિલને આઉટ કરી દીધો હતો. ચાર રનમાં ગપ્ટિલના આઉટ થયા બાદ ત્રીજી ઓવરમાં કેન વિલિયમસન પણ પરત ફર્યો હતો. તેની વિકેટ પણ વોક્સના ખાતામાં ગઈ હતી. ન્યૂઝીલેન્ડે માત્ર 13 રનના સામાન્ય સ્કોર પર બે મોટી વિકેટ ગુમાવી દીધી હતી.
શરુઆતમાં ઈંગ્લેન્ડ મજબૂત
એવું લાગી રહ્યું હતું કે, ઈંગ્લેન્ડની ટીમ સરળતાથી મેચ પોતાના નામે કરી લેશે પણ ત્યાં મેચનું વાતાવરણ પલટાઈ ગયું. ડેરિલ મિચેલ અને ડેવન કોન્વેએ ત્રીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી નોંધાવી હતી. અહીંથી ન્યૂઝીલેન્ડ મેચમાં પરત ફર્યું હતું, પણ 95 રનના સ્કોર પર કોન્વે 46 રન બનાવી આઉટ થયો હતો. 107 રનના સ્કોર પર ગ્લેન ફિલિપ્સે પણ પવેલિયનનો રસ્તો પકડ્યો હતો. ન્યૂઝીલેન્ડના બંને ઈનફોર્મ ખેલાડીઓને ઈંગ્લેન્ડના લિયમ લિવિંગ્સ્ટને આઉટ કર્યા હતા.
જિમ્મી નીશમે મેચ આંચકી લીધી
એ પછી છઠ્ઠા નંબર પર બેટીંગ કરવા માટે ઉતરેલા જિમ્મી નીશમે લિવિંગ્સ્ટનની બોલ પર સિંગલ લઈ સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી. અંતિમ ચોર ઓવરમાં ન્યૂઝીલેન્ડને 57 રનની આવશ્યકતા હતી. ક્રિસ જોર્ડનની બોલિંગમાં પ્રથમ બોલને નીશમે મિડવિકેટની ઉપરથી બાઉન્ડ્રી પાર કરાવી દીધી. આગામી બોલ પેડ પર લાગતા લેગબાઈના બે રન મળ્યા. ઓવરની પ્રથમ બે બોલમાં જ આઠ રન આવી ગયા હતા. પ્રેશરમાં બોલર જોર્ડને વાઈડ બોલ પણ ફેંક્યો. ઓવરની ત્રીજી લીગલ ડિલિવરી પર નીશમે ચોગ્ગો ફટકાર્યો. વધુ એક બોલ વાઈડ. ચોથી બોલ લેગ સાઈડ તરફથી ફરી બાઉન્ડ્રી પાર ગઈ. જ્યાં જ્હોની બેયરસ્ટોએ કેચ પકડ્યો જ હતો પણ તેનો પગ બાઉન્ડ્રી રોપને અડકી ગયો. ન્યૂઝીલેન્ડને ફરી છ રન મળી ગયા. અંતિમ બે બોલ પર નીશમે ત્રણ રન વધુ લીધા. આ ઓવરમાં 23 રન આવ્યા હવે ન્યૂઝીલેન્ડને જીત માટે 18 બોલ પર 34 રનની આવશ્યકતા હતી.
નીશમ આઉટ થયો પણ કામ કરતો ગયો
આગામી બોલિંગની કમાન અને જવાબદારી બંને આદિલ રશિદના હાથમાં હતી. તેની પહેલી બોલમાં નીશમે ગગનચૂંબી સિક્સ ફટકારી દીધી. બીજા બોલ પર સિંગલ અને પછી મિચેલે સિક્સ ફટકારી દીધી. પાંચમી બોલ પર સિંગલ આવ્યો અને ઓવરની અંતિમ બોલ પર રશીદે નીશમને ઓયન મોર્ગનના હાથે કેચ આઉટ કરાવ્યો. જોકે નીશમે આઉટ થતા પહેલા 11 બોલમાં જ મેચ ન્યૂઝીલેન્ડની તરફ કરી દીધો હતો.
ન્યૂઝીલેન્ડની જીત
નીશમે 245.45ની સ્ટ્રાઈક રેટ સાથે 11 બોલ પર 27 રન કર્યા હતા. જેમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા સામેલ હતા. જ્યારે નીશમ આઉટ થયો ત્યારે ન્યૂઝીલેન્ડને 12 બોલ પર 20 રનની આવશ્યકતા હતી. મિચેલે એ રન વોક્સની 19મી ઓવરમાં જ બનાવી લીધા. ન્યૂઝીલેન્ડે શેષ છ બોલ બાકી હતા ત્યારે જ જીત મેળવી ફાઈનલની ટિકિટ લઈ લીધી. આ પ્રથમ વખત છે કે ન્યૂઝીલેન્ડ ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલમાં પહોંચી છે. જ્યારે ઈંગ્લેન્ડને ટી ટ્વેન્ટી વિશ્વકપની સેમીફાઈનલમાં પ્રથમ વખત પરાજય મળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત