Homeસાહિત્યતડકાનો ભપકો -નિબંધ- મયૂર ખાવડુ

તડકાનો ભપકો -નિબંધ- મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: બારીમાંથી આવતો સૂર્યનો કૂણો તડકો લાદી ઉપર પથરાઈ અને પાણીની જેમ ઢોળાઈ ગયો છે. ધીમે ધીમે આ પ્રકાશનું પણ પરાવર્તન થઈ જશે. મારા ઘરમાં ત્રણ બારીઓ છે. સવારમાં દસ વાગ્યાને ટકોરે પ્રથમ બારીમાં સૂર્યમહારાજનાં દર્શન થાય. જાણે મંદિરના પાટ ખૂલ્યા હોય અને પ્રભુ દર્શન દેવા આવે તેમ દર્શન દેવા આવે છે. એ પછી હિલોડા લેતો બીજી બારીએ આવે અને ઓરડામાં કોઈ ન હોય ત્યારે મૂંઝાય જાય. ત્રીજી વખત મારા અભ્યાસખંડની બારી પાસે ડોકિયું કરવા આવે. મારી દૈનિક ક્રિયાનો સૂર્યનો એ તડકો સાક્ષી છે. હું લખું વાંચું એ બધુ એ ટગર ટગર જોયા કરે. હું કોઈ પુસ્તક હાથમાં ઉપાડું તો તેની ઉપર પણ એને નજર નાખવી હોય. એ અભણ છે પણ એને શબ્દોની અને શીખવાની માયા લાગી છે.

બારી ખોલીને હું ઊભો રહું તો આખેઆખો મારા ઉપર ચાદરની જેમ પથરાય જાય. મને નવડાવી નાખે. ઉનાળામાં મારી તેના પ્રત્યે તિરસ્કારવૃત્તિ વધારે. હું પડદો આડો કરી દઉં તો હવાની સાથે મિત્રતા કરી લે. જરાક અમથી જગ્યા મળી જાય તો ત્યાંથી પણ પડદાને હટાવીને હું શું કરું છું એ જોવા માટે કોઈ પારંગત ચોરની જેમ ઘુસવાનો પ્રયાસ કરે.

શિયાળામાં એ મારો મિત્ર છે. ઉનાળામાં એ મારો શત્રુ બની જાય છે. ચોમાસામાં એ ચાલ્યો જાય છે ત્યારે મારી આંખો ચારેકોર એને શોધવા માટે તરફડિયાં મારતી હોય છે. કબૂતરને ઓરડામાં પૂરી દીધો હોય અને ક્યાંયથી છટકવાની જગ્યા એની પાસે ન હોય, એમ હું મારા જ ઓરડામાં મારી સાથે કોઈ ખાલીપાને લઈ ચાર દિવાલોની વચ્ચે ભટકાયા કરું છું. એ લતાની જેમ જેને ઉગવા માટેની જગ્યા તો કરી દેવામાં આવી છે પણ ઊંચે જવા માટેનો રસ્તો નથી કરી દેવામાં આવ્યો. એ શોધે છે કે ક્યાંથી ઉપર ચડું.

સાંજના પાંચેક વાગ્યે મારા કામ પરથી થોડો પરવારું ત્યારે તડકો સામેની બિલ્ડીંગ પર હેલોઝન લાઈટ મારતો હોય. જ્યારે દિવાને ઓલવાવાનું હોય ત્યારે તે પૂર્ણકળાએ પોતાની તમામ શક્તિઓ લગાવી દે એવું જ મારા ઘર બાજુ દેખાતા સૂર્યનું છે. એ એની સંપૂર્ણ તાકાતથી મારી આંખો સામે ખૂદનાં અસ્તિત્વને સાબિત કરવા મથતો હોય છે. જાણે મને આજનાં દિવસના છેલ્લી વખતના રામરામ કહેતો હોય. મારું ધ્યાન લખવામાં હોય ત્યાં પશ્ચિમમાંથી તેની એક મોટી કિરણ આવે અને આખી ઈમારતનું રંગપરિવર્તન કરી નાખે. એને ગમે એમ કરીને મને આવજો કહેવું જ છે.  

ઘરની બહાર પણ એ શત્રુ તો ખરો જ. નીકળું એટલે પીછો ન છોડે. ભૂતને પીપળે વળગવું હોય એમ મારી સાથે ને સાથે હોય. બોપલનાં ગુલમહોરનાં વૃક્ષની નીચે પરસેવો લૂછવા ઊભો રહું તો મહારાજ ઝાડના પાંદડાની વચ્ચેથી બિલાડી ઉંદરનો શિકાર કરતા પહેલા જે કાબેલિયતથી તાકે એમ મને તાકતો હોય. વૃક્ષની વચ્ચેથી નીકળતી એની ધારદાર તલવારો મારા શરીરનો ક્રૌંચવધ કરતી હોય. હું ફરીને તેની સામે મુગ્ધ રસિકની જેમ જોઉં. વરસાદની કાગડોળે રાહ જોવામાં આંખો ચાતક બની ગઈ હોય. બંને પક્ષીઓનાં નામ આવી ગયા. કાગડોળે અને ચાતક. જે દિવાલને અડકું એ તેના ત્રાસથી ઉકળાટ ઠાલવતી હોય. લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા હોય અને એને ઘરની અંદર ડોકિયું કરવું હોય.

તડકો કેવો છે? એ કોઈનાં ઘરનું બારણું ખખડાવતો નથી, એને બેલ વગાડતા આવડતી નથી, એ કોઈની આંગળી પકડીને ઘરમાં પ્રવેશ કરી શકતો નથી, એને કોઈ આમંત્રણ પાઠવતું નથી, તેને કોઈ ટપાલ લખતું નથી અને તેનાં ખબર અંતર પણ પૂછતું નથી. સમય આવ્યે તો એને ખરી ખોટી સંભળાવવામાં આવે છે અને તોપણ હું જોઉં છું એને, બીજા કોઈનો નહીં તો ખાલી મારા મિત્ર બનીને રહેવું છે. હું આ મિત્રતાને કોઈ નામ નથી આપી શકતો.  નર્યું ગાંડપણ ઠરે. પ્રકૃતિ સાથે વાત કરવામાં પણ ગાંડપણ જોઈએ. એ પાગલપન બધામાં ભર્યું ભાદર્યું નથી હોતું.

મારા ઓરડામાં હું અંધારપટ રાખું. મને એકાંત અને અંધારુ આ બંને પાલવી ગયું છે. એની વચ્ચે તડકો પ્રેયસી બની ત્રાટકે. હું જરીક અમથો પડદો હટાવું કે એ મારી અંદર ઘુસવા માટે નાગની જેમ ફેણ ચડાવી ઊભો જ હોય. ક્યારે જાય તેની રાહમાં ને રાહમાં સાંજના છ વાગી જાય અને હું પડદો ઉઘાડું એટલે એ રીસાઈને ભાગી ગયો હોય. એની વિદાય બાદ બધા બહાર નીકળે. એનું ન હોવું કેટલું સુખદ છે તેની વાતોમાં લોક મંડાય. અષાઢ અને શ્રાવણની વાતોએ ચડે. અષાઢ અને શ્રાવણમાં કિચડ અને ભારે વરસાદ પડે તો પાછા ઉનાળાનું સ્મરણ કરે. ભાદરવાનો ઉનાળો આવે તો શિયાળાને યાદ કરે અને શિયાળામાં પાછા ઉનાળાનાં સંભારણા હોય.

આપણે આવા જ રહેવાના છીએ. આપણને વર્તમાનમાં કસો રસ પડવાનો નથી. આપણે આપણી હયાતીનાં હસ્તાક્ષર છોડી ભાગવા ઈચ્છીએ છીએ. આજને માણવાની જગ્યાએ આવતીકાલની સુંદરતાની નરી કલ્પનાને મગજમાં ઠાંસીએ છીએ. આ ઈચ્છાઓ નથી ઘેલછા છે. આજે જે વિચારીએ છીએ એવું કાંઈ આવતીકાલે થવાનું નથી. કાલિદાસ જેવી કૃતિ લખાવાની નથી. એક દિવસમાં શેક્સપિયર વાંચીને સમજી જવાના નથી. કોઈ કહે તો ટાગોરને એક દાડામાં વાંચી ખૂદ ટાગોર બની જવાના નથી. મડિયાનાં ઢબની કાઠિયાવાડી વાર્તાઓ લખાવાની નથી. આ બધાથી કાંઈક અલગ જ થવાનું છે.

કોઈવાર તડકો સારો લાગે છે કોઈ વાર તડકો આકરો લાગે છે. કોઈવાર સર્જન ગમતું નથી કોઈવાર ખૂબ જ ગમી જાય છે. મારા ઘરનો તડકો મને ગમતો હોય છે પણ કોઈ બીજાનાં ઘરનો તડકો ગમતો નથી. મારું સર્જેલું મને ગમતું હોય છે પણ મારું સર્જેલું કોઈ બીજું વાંચે તો એને ગમતું નથી. કેટલો વિરોધાભાસ અને કેટલું સામ્ય? સર્જન અને તડકો.

મારી બારીમાંથી આવતો ઉનાળાનો એ તડકો અને અસહ્ય બફારો શરીરને ચીકણું કરી નાખે છે. હાથનાં ટેરવાઓથી શરીરને સ્પર્શ નથી કરી શકતો. શરીર પર બરફની પાટ મૂકી દેવાનું મન થાય છે. જ્યારે બરફને અડકું છું તો ગણતરીની ક્ષણોમાં તેનાથી વછૂટવાનો પ્રયાસ કરું છું. એ તડકો મને છોડતો નથી, છોડવાનો નથી. હું એનાંથી જેટલો ભાગુ છું એ મારી એટલી જ નજીક આવતો જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments