Team Chabuk-Political Desk : આ તો થવાનું જ હતું. ચાબુકના ગઈકાલના આર્ટિકલમાં પ્રશ્નાર્થ કરેલો કે ક્યાંક આમ આદમી પાર્ટીના કારણે ગુજરાત કોંગ્રેસ ત્રીજા નંબર પર ન ચાલ્યું જાય. જોકે હવે આ વાત કોંગ્રેસ જ નહીં ભાજપને પણ સાચી લાગી રહી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે લાંબીલચ રેલી કાઢી તેના કારણે ભાજપ અને કોંગ્રેસ બેઉંને ઉનાળાના આરંભમાં જ 45 ડિગ્રી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આમ આદમી પાર્ટીની રેલીમાં જે રીતનું જનસમર્થન મળ્યું હતું અને ડોર ટુ ડોર પ્રચાર કરી પ્રશ્નો પૂર્ણ કરવાની પાર્ટી જે રીતે ખાતરી આપી રહી છે તેના કારણે લોકો પણ પાર્ટીથી પ્રભાવિત થયા છે. એવામાં હવે ભાજપને મત ભંગાણની ચિંતા થઈ છે. તો કોંગ્રેસનાં બેય બગડે એમ છે. ન તો એમનાં હાથમાં સત્તા આવી રહી છે અને હવે બીજી સમસ્યા આમ આદમી પાર્ટીની ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીએ બીજા શહેરોની તુલનાએ સુરતમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સુરતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અને ત્યાં જ આમ આદમી પાર્ટી વિરોધીઓની ઊંઘ ઉડાવી રહી છે. જોઈએ ગઢમાં ઝાડુનો જાદુ ફરે છે કે નહીં ?
છઠ્ઠી સંતાનનાં કારણે ફોર્મ રદ
રાહુલ ગાંધીએ લોકસભામાં હમ દો હમારે દો સુત્ર આપ્યું. આ સુત્ર કોઈક અલગ કારણોસર આપ્યું. તેનું વિવેચન પણ અલગ રીતે જ થવું જોઈએ. જોકે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરતાં કરતાં અમો તમોને કહી દઈએ કે એક મહિલા નેતાજીને પાંચ બાળક બાદ છઠ્ઠુ બાળક હોવાનાં કારણે ફોર્મ રદ થયું છે. અને આ કારણે જ એક બીજા ઉમેદવારને લોટરી લાગી ગઈ છે. એ લોટરી પાછી ઘરમાં જ લાગી છે. હવે આ સમગ્ર ઘટના તમને સમજાવીએ.
કચ્છ જિલ્લાની દિનાર બેઠક. અહીંના ઉમેદવારનું નામ મરિયામબાઈ છે. એમનું ફોર્મ રદ્દ થતાં જે ડમી ઉમેદવાર હતા તે નિયામતબાઈને ચૂંટણી લડવાની ફરજ પડી છે. મરીયમબાઈએ જે સોગંદનામું કર્યું હતું એમાં 2006 પહેલા તો તેમને પાંચ જ બાળક હતા, પણ બાદમાં છઠ્ઠુ બાળક થયું. આ છઠ્ઠુ બાળક સોગંદનામામાં નહોતું. જે કારણે તેમનું ફોર્મ રદ્દ થયું. છઠ્ઠી સંતાન હોવાનાં પુરાવા સામે આવતા તેમનું નામ કટ થઈ ગયું. હવે તેમની દીકરી નિયામતબાઈ ચૂંટણી લડશે.
આવું જ પાછું છોટાઉદેપુરની તેજગઢ નામની બેઠકમાં પણ થયું. અહીં કોંગ્રેસના શિલાબહેન રાઠવાને ત્રણ સંતાનો હતા. સમજી ગયા. રદ્દ થઈ ગયું. નગીનભાઈ અહીંથી તેમની જગ્યાએ ચૂંટણી લડશે.
પત્ની અને બહેન
જામનગર કેટલાય કારણોસર ચર્ચામાં રહે છે. હવે તો ત્યાં મોટું ઝૂ બનવાનું છે. રિલાયન્સ કંપની ત્યાં આવેલી છે. સારા સારા ક્રિકેટરો આપ્યા છે અને એવા જ સારા રાજકારણીઓ આપ્યા છે. ક્રિકેટની વાત આવે તો રવિન્દ્ર જાડેજાનું નામ સામે આવે ને રવિન્દ્ર જાડેજાનું નામ સામે આવે તો તેમના જ પરિવારમાંથી બે મહિલા નેતાઓ પણ યાદ આવી જાય. એક મહિલા નેતા છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા. જેઓ ભાજપમાં છે. સ્પષ્ટ છે તેમને ભાજપમાંથી જ પ્રચાર કરવાનો હોય. બીજી બાજુ રવિન્દ્રભાઈની બહેન કોંગ્રેસમાં છે. બીજી વખત સ્પષ્ટ છે કે તેમને કોંગ્રેસમાંથી પ્રચાર કરવાનો હોય. એક જ પરિવારના બે લોકો; બે અલગ અલગ પાર્ટી અને પ્રચાર પણ કરવાના.
અટાણમાં જીતી ગયાં!
ભાજપ માટે તો ચૂંટણી શરૂ થઈ એ પહેલા જ જીતના ડંકા વાગી ગયા છે. ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારો અત્યારથી જ વિજેતા જાહેર થઈ ગયા છે. જોકે ખુશી મનાવવી અને ફટાકડા ફોડવાનાં અત્યારથી શરૂ નથી કરી દીધાં. આવી 39 બેઠકો છે જ્યાં ભાજપ બિન હરિફ ચૂંટણી જીતી ગયું છે. ચાલો હવે આ જગ્યાઓએ પ્રચાર કરવાનો નથી! આરંભમાં જ પ્રચંડ જીત મેળવવા માટે તમામ ઉમેદવારોને અત્યારથી અભિનંદન અને હવે જનતાનાં હિતમાં કાર્ય કરો તેની આશા અને અપેક્ષા.
શૌચાલય નથી ? ફોર્મ રદ
કોંગ્રેસ પાર્ટી એવો આક્ષેપ કરી રહી છે કે અમારા બે ઉમેદવારોનાં ફોર્મ રદ્દ થયા તેની પાછળ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હાથ રહેલો છે. દસક્રોઈ તાલુકાની બે બેઠક. બંને બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. એમાંથી એક બેઠક ભુવાલડી જ્યાં મેન્ડેટમાં નામ ન હોવાના કારણે રદ્દ થઈ ગયું. પણ બીજું જે કારણોસર રદ થયું તે સાંભળીને તો હસતાં હસતાં પેટમાં દુખી જશે. ઉમેદવારને ત્યાં ઘરમાં શૌચાલય નહોતું. બોલો લ્યો ? આ કારણોસર જ કોંગ્રેસ કહે છે કે આમાં પ્રદીપસિંહભાઈનો હાથ છે અને ભાજપ આ તમામ આક્ષેપોને પાયાવિહોણાં ગણાવી તેને કોંગ્રેસની નબળાઈમાં ખપાવી રહ્યું છે.
આક્ષેપો કરનારા છે પંકજસિંહ ભાઈ વાઘેલા અને એમનો હોદ્દો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો. એમનું એવું કહેવું છે કે, દસક્રોઈમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પ્રભુત્વ છે. જેથી આમ થયું છે. મેન્ડેટમાં નામ ન હોવાનું કહી જેમનું ફોર્મ રદ્દ થયું તેવા બુધાજી ઠાકોર પાસે કોંગ્રેસ પક્ષનો મેન્ડેટ હતો. શૌચાલયની બાબતમાં કહ્યું કે, અહીં તો શામ, દામ, દંડ અને ભેદ તમામનો ઉપયોગ કરી ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે.
અમીર ઉમેદવાર
હવે રાજકોટ જિલ્લા પંચાયતમાં એક ત્રંબા નામની બેઠક છે. અહીંના ઉમેદવારનું નામ ભુપત બોદર છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની વચ્ચે આપણા ભુપતભાઈ એક અલગ કારણોસર ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે ધનિક ઉમેદવાર. 6 લાખ રોકડા છે અને 70 લાખનાં તો વાહનો છે. એ સિવાયની વિગતો અહીં લખીએ તો ક્યાંય પહોંચે. અલગથી મેટર બનાવવી પડે મિત્રો. ભુપતભાઈ લક્ઝુરિયસ કારના અત્યંત શોખીન છે. ઘણી જમીનો છે. બાપા સીતારામ જેવી ધાર્મિક ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે. સોગંદનામામાં ઉલ્લેખ છે કે 37 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું છે. અર્થાત્ કુલ ભેગુ કરીએ તો 29 કરોડની મિલકત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત