બિહારની ગાદી કોને નસીબ થશે એ તો 10 નવેમ્બરે ખબર પડી જશે પરંતુ એક્ઝિટ પોલના તારણો લાલુના લાલ માટે મહત્વના સાબિત થયા છે. બન્નેમાંથી કોને બિહારનો તાજ જનતા પહેરાવશે તે એક્ઝિટ પોલ પરથી નક્કી ન કરી શકાય પરંતુ જો એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવે છે તો તેજસ્વી યાદવ મોટા નેતા બનીને ઉભરી આવશે.
ત્રણ તબક્કામાં યોજાયેલા મતદાનમાં બિહારની જનતાએ કોને પસંદ કર્યા છે તે 10 તારીખે સ્પષ્ટ થશે. પરંતુ વાત કરીએ એક્ઝિટ પોલની તો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ માટે હરખાવા જેવા સમાચાર જરૂર આવ્યા છે. જો એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ આવ્યું તો બિહારને તેજસ્વી યાદવના રૂપમાં યુવા મુખ્યમંત્રી મળશે.

એક્ઝિટ પોલના તારણો નીતિશકુમાર અને એનડીએની ચિંતા વધારનારા જરૂર છે. પરંતુ નીતિશ કુમારને ફરી સત્તાનું સુકાન મળે તેવા પણ સંકેતો જણાઈ રહ્યા છે. એક નજર મારી લઈએ અલગ અલગ એક્ઝિટ પોલના તારણો પર બિહારમાં કૂલ 243 વિધાનસભાની બેઠક છે જેમાં બહુમતી માટે 122 જીતવી પડે.
ઉપરના એક્ઝિટ પોલના આંકડા જોતા ભાજપ અને જેડીયુને મોટો ફટકો પડી શકે છે. ચૂંટણી પ્રચારના રણમેદાનમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉતર્યા હતા. તેમ છતાં એક્ઝિટ પોલમાં તેજસ્વીનો તારો ચમકતો દેખાઈ રહ્યો છે.
ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયાના એક્ઝિટ પોલનું માનીએ તો તેજસ્વી યાદવ બિહારવાસીઓ માટે મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદ છે. 35 ટકા લોકો નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે જ્યારે તેનાથી આગળ તેજસ્વી યાદવને 44 ટકા લોકો સીએમ તરીકે જોવા ઇચ્છે છે. એટલે કહી શકાય કે બિહારની જનતાનો મિજાજ બદલાયો છે.
એક્ઝિટ પોલના તારણ પ્રમાણે યુવાનોની પસંદ તેજસ્વી યાદવ બન્યા છે. 18-25 વર્ષના મતદારોમાંથી 47 ટકા લોકોએ 31 વર્ષીય તેજસ્વી યાદવને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. જ્યારે 34 ટકા મતદારો નીતિશ કુમારના નેતૃત્વથી ખુશ છે. 26-35 વર્ષના મતદારોમાંથી પણ 47 ટકાએ મહાગઠબંધન પર પસંદગી ઉતારી છે જ્યારે 36 ટકા ઇચ્છે છે કે એનડીએની સરકાર બને.
તેજસ્વી યાદવને તેમની લોકપ્રિયતાનો ફાયદો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવાનોમાં તેજસ્વી ખૂબ જ લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર પણ તેજસ્વી યાદવની લોકપ્રિયતા ખૂબ જ છે. વિદ્યાર્થીઓ અને બેરોજગારીના મુદ્દાને બરાબર રીતે ઉઠાવવામાં તેજસ્વી યાદવ ઘણા અંશે સફળ રહ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં તેજસ્વી યાદવે એક મોટો ફેરફાર કર્યો જેનો તેઓને ખૂબ ફાયદો થયો. આ ફેરફાર હતો આરજેડીના પોસ્ટર-બેનરમાંથી લીલા કલરની બાદબાકી. લીલો કલર આરજેડીના મુસ્લિમ-યાદવ સમીકરણનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ આ ચૂંટણીમાં તેજસ્વી યાદવે બેનર બદલી નાખ્યા જેથી લોકોમાં જે માનસિકતા હતી તે દૂર થઈ ગઈ જેનો ફાયદો તેજસ્વીને થયો હોય તેવું એક્ઝિટ પોલના તારણો પરથી લાગી રહ્યું છે.
તેજસ્વી યાદવે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લાખો લોકોને નોકરી આપવાનો જે વાયદો કર્યો હતો તે પણ ઘણે અંશે કારગર નીવડ્યો હોઈ શકે છે. એક્ઝિટ પોલ જો પરિણામમાં બદલાશે તો એનડીએને ઘરે બેસવું પડશે અને લાલુ પુત્ર તેજસ્વી યાદવની સાથે મહાગઠબંધન બિહારના નવા સુકાની બનશે.
અમિત શાહે કહ્યું હતું કે બિહારમાં દસ લાખ નોકરીઓ સંભવ નથી. અમિત શાહે છેલ્લી ઘડીએ કરેલા પ્રચારમાં આ વાત ચર્ચાનો મુદ્દો બની હતી. તેનાથી એક્ઝિટ પોલનું પરિણામમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. મોટાભાના યુવા મતદારો છે અને તેમને તેજસ્વી જોઈએ છે. તેજસ્વી એટલે નોકરીનો વાયદો. દસ લાખ નોકરીઓ. જે તેઓ ચૂંટણી ઢંઢેરામાં પણ કહેતા હતા. સામે ભાજપનો ઈલેક્શન મેનિફેસ્ટો હતો કે બિહારને પ્રથમ કોરોનાની વેક્સિન મળશે જેને એક્ઝિટ પોલ મુજબ જનતા અવગણતી જોવા મળી રહી છે.