વરસાદનો પાર નહીં. અમદાવાદમાં તો એકાદ ઈંચ જ પડ્યો હતો. અને તોય ભૂવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભુક્કા બોલાવી નાખેલા. હું તો આમેય નવરો જ હતો. ઉપરથી રવિવાર હતો. એટલે કંઈ એવું જોવાનું મન થયું જે અત્યાર સુધી ન જોયું હોય અને સારું હોય. બેન હર જોઈ. જે વેબસાઈટો અને રિવ્યૂકારોનાં મતે ઓરિજનલ બેન હર કરતાં ઉતરતી કક્ષાની મુલવવામાં આવી હતી. ઓરિજનલ નથી જોઈ એટલે તુલનાને કોઈ અવકાશ નથી. અભિનેતાઓના પરફોર્મન્સ પ્રમાણે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. શાઈનિંગ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનયના ઓઝસ પાથરનારા શ્રીમાન જેક નિકોલસન હાથ લાગી ગયા. એક જગ્યાએથી તો એવું પણ હાથ લાગ્યું કે ક્રિસ્ટોફર નોલાનની બેટમેન બિગીન્સ કરતાં જેક નિકોલનસ અને માઈકલ કિન્ટોનની બેટમેન ચૌદવી કાં ચાંદ છે. પણ બેટમેન કોઈની પણ હોય મારા માટે તો લાજવાબ જ છે.
ફિલ્મ ટીમ બર્ટને ડાયરેક્ટ કરેલી છે. જેની બીજી કોઈ ફિલ્મ મેં તો નથી જ જોઈ તમે પણ નહીં જોઈ હોય. મેં આ પહેલી જોઈ. પહેલા સીનને જોતા બેટમેનનું અતથી ઈતિ દર્શાવશે એવું લાગે પણ એવું છે નહીં. ડાયરેક્ટરે બેટમેનના જીવનને જ એક બીજા સામાન્ય પરિવારમાં પાંચેક મિનિટ માટે જીવંત કરી દીધું છે. બેટમેનનો એન્ટ્રી સીન બેટમેનની જ ડીસી કોમિક્સમાંથી કોપી કરવામાં આવ્યો છે. એ ફર્સ્ટ સીનમાં ઉત્તમ લોંગ શોટ અને બ્લેડ રનરની છાપ દેખાયા વિના નહીં રહે.
આજે માઈકલે જીવંત કરેલ બ્રૂસ વેઈન એ તમારા કે મારા જેવો લાગશે. તેની પાસે કોઈ એવા સાધનો નથી કે જે આંખોને આંજી નાખે. બેટપોડ પણ નથી. હા એક ઉડનખટોલું છે અને કાર છે. એ કાળા કલરની કાર ટારઝન એન્ડ ધ વન્ડર કાર ફિલ્મ આવી તે પહેલાથી એકલી ચાલે છે.
ડાર્ક નાઈટ જે નથી આપી શક્યું તે એક વસ્તુ બેટમેન ફિલ્મે તો આપી જ છે. સંગીત. હાન્સ જીમરનું સંગીત ગમે છે. પણ કાર્ટુન નેટવર્ક પર સાડા સાત વાગ્યે આવતી બેટમેન ધ એનિમેટેડ સિરીઝમાં જે પ્રવેશક સંગીત હતું તે અહીં ત્રણ વખત સાંભળવા મળ્યું છે. ફિલ્મની શરૂઆતમાં કાળરાત્રીમાં બેટમેનનો સીન પણ એનિમેટેડ સિરીઝના જ સંસ્મરણોને પુન:જીવિત કરે છે.
નોલાને એક રીતે બેલને ટોની સ્ટાર્કની રીતે પ્રેઝન્ટ કર્યો છે. તેને પોતાના કરોડપતિ હોવા પર અભિમાન છે. જે બેટમેન બિગીન્સમાં દેખાય પણ છે. અહીં વેઈન તેનાથી ઉલટો છે. તેને અહંકાર વિહોણો બનાવવામાં અને બતાવવામાં આવ્યો છે. જો ટ્રેલર કે ઈન્ટરનેટમાંથી ખાખાખોળા કર્યા વિના કોઈ સીધી બેટમેન ફિલ્મ જોઈ નાખે, તો બ્રૂસ વેઈનને તે ઓળખી પણ ન શકે.
ભારત 1947માં આઝાદ થયું. એ સમયની બ્રિટીશરો અને ગેંગ્સ્ટરોની રહેણી કહેણી ફિલ્મમાં ઠાંસીઠાંસી ને ભરી છે. આ ફિલ્મ તો 1989માં બની. આમ છતાં તમને 1989માં અડધું 1947નું વિશ્વ દેખાશે. જેક નેપીઅરનું વોન્ટેડ પોસ્ટર 1989નું છે. બીજી બાજું અખબારો પરનું વર્ષ 1947નું છે. વેઈનની કાર પ્લાયમાઉથ છે. અભિનેત્રી 80ના દાયકાનું ફ્રોક પહેરે છે. પણ તેની સામે બીજી મહિલાઓ ઉતરતી કક્ષાની લાગે આ માટે તેને 40નાં દાયકાના કપડાં પહેરાવી દીધા છે. જોકરની આખી ટીમના કપડાં ગેંગ્સ્ટર અલ કેપોનની યાદ અપાવશે. 1989ના વર્ષમાં આખેઆખુ 1947 બેસાડી દીધું. અને કોઈને એ સમયે ભનક ન રહી. એ સમયની ઓડિયન્સ તેને એનિમેટેડ બેટમેનની માફક જોતી હતી. એક કાર્ટુનનાં પ્રમાણે, જેથી આ તમામ વસ્તુઓ પર તેમનું ધ્યાન ન ગયું.
જે બીજી બેટમેન ફિલ્મોમાં ઉપયોગ નથી કરવામાં આવ્યું તે અહીં છાશવારે દેખાય છે. પત્રકારત્વ. વેઈનની લવર પણ ફોટો જર્નાલિસ્ટ છે અને છાપામાં કામ કરે છે. ફિલ્મની પૂરી ત્રીસેક મિનિટ પત્રકારો પર ફાળવવામાં આવી છે. સમય સમયની માગ છે. ત્યારે થોડું સોશિયલ મીડિયા હતું ? એક સીનમાં તો કાર્ટુનિસ્ટ બેટમેનની જે કલ્પના કરે છે તે હસવું આવે તેવી છે. પણ ખૂંખાર એટલો જ ચિતર્યો છે.
રહી વાત જોકરની. જેક નિકોલસનનું શરીર સ્થૂળ છે બાકી તે જોકરના રોલ માટે પરફેક્ટ છે. બે કલાક ચાર મિનિટની ફિલ્મમાં જોકરની અલગથી ફિલ્મ બનાવવી ન પડે તે રીતે આખે આખુ કેરેક્ટર એક જ ફિલ્મમાં સમાવિષ્ટ કરી લીધું છે. જે ડાર્ક નાઈટમાં નથી દેખાતું તે અહીં એક જ ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં જોકરનું નામ જેક નેપીયર છે જ્યારે 2019ની જોકરમાં આર્થર નામ છે. બેટમેનની ફિલ્મોમાં દિગ્દર્શકો મન મુકીને છૂટ લે છે !! ઓરિજનલ આઈડિયા શું છે એ જાણવા વિકીપીડિયા ખોલવું પડે.
જેક નિકોલસનના અભિનયથી હું એટલો જ પ્રભાવિત છું જેટલો હિથ લિજર અને છેલ્લે આવેલી જોકરનાં ફોનિક્ષથી. નિકોલસન આ બધાના પિતાશ્રી કહેવાય. હિથ વિશે મારું માનવું છે, કે એ માણસને મોતે અમર કરી દીધો. મરતાં મરતાં તે પોતાનું બેસ્ટ આપીને ગયો અને યાદ રહી ગયો. સોને પે સુહાગા કે આટલા વર્ષે સુપરહિરો ફિલ્મને ઓસ્કર સાંપડ્યો. તે પણ અભિનય વિભાગમાં.
જોકરને નાથવા આવતા કાળરાત્રી રક્ષક બેટમેનની એક જગ્યાએ એન્ટ્રી બોલિવુડની કોઈ ફિલ્મમાં કોપી પણ થઈ છે. ખૂબ વિચાર્યા પછી યાદ આવ્યું કે એ આપણી મોહરા ફિલ્મ છે. અક્ષય કુમાર ઉપરથી કાચ તોડી કૂદકો મારી મહિલાના સ્વાંગમાં ધરપકડત્વ પામેલા પરેશ રાવલની ઈજ્જત બચાવવા માટે આવે છે.
આપણો બર્ડમેનનો માઈકલ કિન્ટોન બ્રૂસ વેઈન તરીકે કેટલો સરસ લાગે છે ! તેની ચશ્માની ફ્રેમ જે બીજી કોઈ ફિલ્મમાં, ત્યાં સુધી કે બેટમેન એનિમેટેડ સિરીઝમાં પણ નથી બતાવી. તે હોટ લાગે છે પણ હોટ હરકતો નથી કરતો. જોતી વખતે કદાચ મહિલાવર્ગને લાગે પણ ખરું કે તે શર્ટલેસ થાય, અંગપ્રદર્શનનાં જલવા ડાર્ક નાઈટના બેલની જેમ પાથરે, પણ એવું એ કંઈ કરતો નથી. તે પોતાની હિરોઈનની સામે પણ 10 ફૂટ લાંબા ટેબલ પર બેસી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતો જોવા મળે છે. આ સીન 2020માં કોઈ ધારદાર સંવાદ વિના તમને હસાવી દેશે.
ઘણીવાર એ મૂર્તિવત થઈ જાય છે. તેને કોઈએ પાછળથી ધક્કો મારવો પડે છે. ત્યારે તેનામાં ચેતનાનો સંચાર થાય છે. ધડાધડ ગોળીઓ વચ્ચે પણ તે સ્થિતપ્રજ્ઞ રહી લે છે. જે કળાથી અભિનેત્રી કિમીલા રિતસરની ડઘાઈ જાય છે. તેની આવી અમૂલ્ય પ્રતિભાનું કારણ શું એ પૂછી બેસે છે. પણ પાત્ર માટે માઈકલે જે પણ કર્યું તેનો જવાબ તમને 50 મિનિટ પછી મળી જશે.
ડાર્ક નાઈટના વખાણ સાંભળી સાંભળી ઉબાઈ ગયા હો અને કંઈક નવું જોવું હોય તો 1989ની બેટમેનમાં કંઈ ખોટું નથી. સિનેમાના તમામ પાસાઓમાં તે અવ્વલ છે. ખાસ ગોથમ શહેર દર્શાવવામાં. મારી જેમ 90નાં દાયકાનાં કાર્ટુન નેટવર્કના પ્રેમી હશો, તો ફિલ્મમાં એનિમેટેડ સિરીઝ જ દેખાશે. જો તે સિરીઝ નથી જોઈ તો તમે જીતી ગયા. નોલાનની બેટમેન ટ્રાયોલોજી અને 2021ની બેટમેનના પડઘા વચ્ચે 1989ની બેટમેનને તો કોઈ યાદ જ નથી કરતું. અહીં જે કહ્યું તે સિવાયના 5 વધારે આંચકા ખમવાના છે. અને તે જોકર જ આપશે. છેલ્લે જોકરની જે સ્થિતિ થાય છે તે બિલકુલ બકવાસ છે. વાસ્તવમાં એવું થતું જ નથી.