Homeસાહિત્યજ્હોન ગ્રીશમ : નવલકથાનો અંત પહેલા તૈયાર કરો નહીંતર નવલકથા પીટાઈ જશે

જ્હોન ગ્રીશમ : નવલકથાનો અંત પહેલા તૈયાર કરો નહીંતર નવલકથા પીટાઈ જશે

ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં લખવા સિવાયનો કોઈ એક ધંધો સર્વોચ્ચ સ્થાને રહ્યો હોય તો એ વકિલાતનો છે. એક સમયે તો મને પણ લાગવા માંડેલું કે લેખક બનવા માટે વકિલ બનવું ફરજીયાત છે. સરસ્વતીચંદ્રનાં લેખક ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠીએ 40 વર્ષની ઉંમરે વકિલાતના વ્યવસાયને છોડી દેવાનું નક્કી કરેલું અને સંપૂર્ણ ધ્યાન લેખન પ્રવૃતિ પર લગાવવાનું પ્રણ લીધેલું. જો કે તેમાં પણ તેઓ એક વર્ષ આગળ થઈ ગયેલા.

આજે એક એવા વકિલની વાત કરવી છે જેને વકિલાતમાં અઢળક અસીલો મળતા હતા, પણ બીજાના કેસો સાંભળી સાંભળીને સસ્પેન્સ થ્રીલર લખવાનું શરુ કરી દીધું. જ્હોન ગ્રીશમ. જે મોટો લેખક બન્યો ત્યારે તેના જજને પણ થયું હશે કે આ વ્યક્તિએ મારા ટાઈપરાઈટર હોવાની જરૂર હતી, કારણ કે ગ્રીશમની લખવાની સ્પીડ જ એટલી છે.

તેના બાપુજીનું કોટનનું ફાર્મ હતું. જેમાં તે ક્યારે ગુટલી મારવી તે વિચાર્યા રાખતો હતો. ભણ્યો અને એલએલબીમાં એડમિશન લીધું ત્યાં સુધી તેને લાગતું હતું કે તેને ટેક્સ લોયર બનવું જોઈએ. પણ એક વખત એક વકિલને ખૂનના કેસમાં દલીલ કરતાં જોઈ ગયો. આવી બધી દલિલ જોઈ તેને પણ ક્રાઈમ એડવોકેટ બનવાનું મન થયું. એ નવરો પડતો ત્યારે કોર્ટમાં કેસ સાંભળ્યા કરતો. નાની નાની ઘટનાઓને જોડતો રહેતો. કોઈ દિવસ લખવું જોઈએ તેવો સારો વિચાર તેના મગજમાં નહોતો આવ્યો.

આમ જ એક દિવસ કોર્ટમાં બેઠા બેઠા કેસ સાંભળતો હતો. એક પિતાએ કેવી રીતે પોતાની દીકરી પર રેપ અને હુમલો કરનારને મોતને ઘાટ ઉતારી દીધો. પીડિત છોકરીની ઉંમર દસ વર્ષ હતી. કોર્ટમાં ઈમોશનલ ડ્રામા ચાલી રહ્યો હતો. જે સાંભળી ઘણાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. આ જોઈ જ્હોનને કંઈક લખવાનો વિચાર આવ્યો. પણ લખવું કઈ રીતે ? તેનું શેડ્યુલ એટલું પેક હતું કે જે સમય વધે તે દોડધામમાં જ ખર્ચ થઈ જતો હતો.

પ્રથમ નવલકથા પૂર્ણ કરવા માટે તેણે એક ટાઈમ ટેબલ તૈયાર કર્યું. એક અઠવાડિયામાં કામ કરવા જેટલા 70 કલાકો હોય છે. સવારમાં પાંચ વાગ્યે તે ઉઠી જતો હતો. આ શેડ્યુલ તેણે સતત ત્રણ વર્ષ સુધી ફોલો કર્યું. પરિણામ એ આવ્યું કે જ્હોન ગ્રીશમને પોતાની પ્રથમ નવલકથા પૂરી કરતાં ત્રણ વર્ષ લાગ્યા. તે 28 પબ્લિકેશન પાસે રખડ્યો પણ કોઈ તેની નવલકથા સ્વીકારવા તૈયાર ન હતું.

વિઘ્નહર્તાના સ્વાંગમાં એક પ્રકાશક તૈયાર થયો. જેણે ગ્રીશમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. બે વર્ષ પછી અ ટાઈમ ટુ કિલ નવલકથાની 5000 કોપી છપાઈ. અમેરિકામાં કોઈ અંગ્રેજી પુસ્તકની પાંચ હજાર કોપી છપાઈ એટલે એ ચણા મમરા બરાબર જ કહેવાય છે. ગ્રીશમને કુલ પાંચ વર્ષનો સમય લાગ્યો એક નવલકથા પ્રકાશિત કરવા માટે. જેમાંથી 1000 કોપી તેણે ખૂદ ખરીદી.

પ્રથમ પુસ્તક છપાતા જ તેણે પ્રતિજ્ઞા લીધી, ‘ભવિષ્યમાં કોઈ પણ આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવા માગશે તો હું નહીં બનાવવા દઈશ, કારણ કે આ મારા જીવનની નજીક છે.’ પ્રથમ પુસ્તક છપાતા આટલો બધો આત્મવિશ્વાસ કંઈક વધારે જ કહેવાય, પણ આ તો જ્હોન ગ્રીશમ હતો. 1996માં તેણે પ્રથમ નવલકથા પરથી ફિલ્મ ન બનવા દેવાની પ્રતિજ્ઞા તોડવી પડી. જ્યાંથી તેનો નવી નવલકથા પ્રકાશિત કરવાનો માર્ગ મોકળો થયો.

એક પુસ્તક છપાયા બાદ તમે લેખક અહીં બની શકો અમેરિકામાં નહીં. જ્હોને અ ટાઈમ ટુ કિલ થકી એટલી મોટી ધાડ નહોતી મારી. તેની બીજી નવલકથા ફર્મ વખતે પણ એ જ બધું થયું જે અ ટાઇમ ટુ કિલ વખતે થયું હતું. હજુ પણ તેને કોઈ લેખક તરીકે ઓળખતું ન હતું.

તેને જ્યારે પ્રથમ કેસ મળ્યો ત્યારે તેણે એક એવા વ્યક્તિને કાયદાની ચૂંગાલમાંથી બચાવવાનો હતો, જેણે થોડાં ઈંચ દૂર ઉભેલા એક વ્યક્તિને જાત બચાવ માટે એક બાદ એક છ ગોળી માથા પર ધરબી દીધી હતી. ગ્રીશમને ખ્યાલ હતો કે એક જ વખત માથા પર ગોળી મારી દીધી હોત તોપણ પેલો મૃત્યુ પામેત. માથા પર એક બાદ એક છ ગોળી મારી દેતા કેસ વિરોધપક્ષનાં પલડામાં ચાલ્યો ગયો હતો. છતાં ગ્રીશમની દલિલોએ થોડી ક્ષણો માટે જજને મંત્રમુગ્ધ કરી દીધો. ગ્રીશમનું માનવું હતું કે ડરી ગયેલો માણસ ધડાધડ છ ગોળી ન છોડે તો શું કરે ? આ વાત પર તેણે લાંબી ચર્ચા કરી અને કેસ જીતી ગયો.

ધીમે ધીમે ડબલડે પ્રકાશન સાથે તેની ગાડી દોડવા લાગી અને નવલકથા ફર્મ આવી. 47 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર રહી. થ્રીલર શ્રેણીમાં પુસ્તકોનો આટલો મોટો ઉપાડ અમેરિકાએ કોઈ દિવસ નહોતો જોયો. 1993માં ફર્મ નામેરી જ ટોમક્રૂઝની ફિલ્મ બની.

પુસ્તક માર્કેટમાં આવ્યું એ પછી પીપલ મેગેઝિને જ્હોન ગ્રીશમની નવલકથાને લઈ લખ્યું હતું, ‘thriller of the first order, powered to pulse-racing perfection by the realism of its malevolent barristers’

વિશ્વમાં 2 મિલિયન પ્રથમ આવૃતિ વેચાઈ ગઈ હોય તેમાં જ્હોન ગ્રીશમનો સમાવેશ થાય છે. આવો ઈતિહાસ અગાઉ જે.કે.રોલિંગ અને સ્પાઈ થ્રીલર લખનારા ટોમ ક્લેન્સી જ રચી શક્યા છે.

31 મે 2017ના રોજ ગ્રીશમનો ન્યૂયોર્ક ટાઈમ્સે ઈન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો. જેમાં નવા સસ્પેન્સ થ્રીલર લેખકોને તેણે કેટલીક ટીપ્સ આપેલી. ગ્રીશમ કહે છે, ‘‘અઠવાડિયામાં 200 શબ્દ કે 1000 શબ્દ અથવા તો રોજ એક પાનું લખશો, તોપણ તમને ત્રણ વર્ષે, તમે પોતે લખેલી એક સારી નવલકથા મળી જશે. નવલકથામાં તમને છેલ્લો સીન યાદ ન હોય તો પહેલો સીન લખવાની ગુસ્તાખી બિલકુલ ન કરો. આવું કરવામાં પીટાઈ જશો. પ્રસ્તાવના જેવું લખવાની જરૂર નથી. આ બધું આડખીલીરૂપ છે. ચોપડીમાં સીધુ પ્રથમ ચેપ્ટર વાત પૂરી. પ્રથમ પ્રકરણ લાંબુ હોવા છતાં તેમાં એક સાથે 20 કેરેક્ટરને કોઈ દિવસ ઈન્ટ્રોડ્યુસ ન કરાવો, નહીંતર આગળની રમત નહીં રમી શકો. એક વાત ખાસ, કે કોઈ પણ વાક્ય લખો છો તો તેને ત્રણ વખત બરાબર વાંચો.’’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments