Team Chabuk-Sports Desk: સુરક્ષાના કારણોને લઈ ન્યૂઝીલેન્ડ અને બાદમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો. પાકિસ્તાનની સ્થિતિ હાલ નિવેદનો આપવામાંથી અને ભારત પર ખોટા આરોપો લગાવવામાંથી પસાર થઈ રહી છે. બંને ટીમોએ આવજો કરી નાખતા પાકિસ્તાનની રાજનીતિમાં ધરતીકંપ આવી ગયો છે. પીએમ ઈમરાન ખાનથી લઈને ગૃહ મંત્રી શેખ રશીદ અને શોએબ અખ્તરથી લઈને રમીઝ રાજા સુધી સૌએ પોત પોતાનું નિવેદન સામે રાખ્યું છે. ગૃહમંત્રી શેખ રશીદે થોડા સમય પહેલા કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ફોજ એટલી નહીં હોય જેટલી ન્યૂઝીલેન્ડની સુરક્ષામાં એમણે આર્મી લગાવી દીધી છે. હવે જે લોકોને લાગી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરતા પાકિસ્તાન અલગ થઈ જશે તેમની વાતમાં કોઈ જાતનો તર્ક નથી.

વધુમાં તેમણે કહ્યું કે, જે દિવસે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો, મને એ દિવસે જ અહેસાસ થઈ ગયો હતો કે ઈંગ્લેન્ડ પણ પ્રવાસ રદ કરશે. તેના ત્રણ દિવસ બાદ બિલકુલ એવું જ થયું. ક્રિકેટ અમારું જનૂન છે અને મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે વિશ્વભરની ટીમો પાકિસ્તાનમાં રમવા આવશે. મને લાગે છે કે આ સમગ્ર ઘટનાને કંઈક વધારીને રજૂ કરવામાં આવી રહી છે. મેં સૂચના મંત્રીને કહ્યું છે કે, આ મુદ્દાને પૂર્ણ કરી દેવો જોઈએ, કારણ કે અમારી પાસે આના કરતા વધારે મહત્વના મુદ્દાઓ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાનો ટોપલો ભારત પર પણ ઢોળી ચૂક્યું છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરતા કહ્યું હતું કે, આ સિરીઝના રદ થવા પાછળ ભારતનો હાથ છે. એમણે પાયાવિહોણો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભારતે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ધમકી ભર્યો ઈમેલ મોકલ્યો હતો. જેથી ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી નાખ્યો. એમણે તો નામ પણ આપ્યું હતું કે ધમકીભર્યો ઈમેલ ભારતીય વ્યક્તિ ઓમ પ્રકાશ મિશ્રાએ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલની પત્નીને મોકલ્યો હતો.

વર્તમાન પીએમ અને પાકિસ્તાનને વર્ષ 1992માં વિશ્વકપ જીતાડનારા ઈમરાન ખાને પાકિસ્તાનની ટીમની સાથે મુલાકાત કરી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. એક્સપ્રેસ ટ્રીબ્યૂનની રિપોર્ટના આધારે ઈમરાન ખાને ખેલાડીઓને કહ્યું હતું કે, તેઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બદલો લે. આ મુલાકાતમાં પીસીબીના ચીફ રમીઝ રાજા પણ ઉપસ્થિત હતા. રમીઝ રાજાનું કહેવું હતું કે, તેઓ પહેલા ભારતની ટીમને હરાવવામાં ધ્યાન કેન્દ્રિત કરતા હતા, હવે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ પણ તેમાં સામેલ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ