Homeદે ઘુમા કેટેસ્ટની નંબર વન ટીમના અનુભવી ખેલાડીઓનું નબળું પ્રદર્શન

ટેસ્ટની નંબર વન ટીમના અનુભવી ખેલાડીઓનું નબળું પ્રદર્શન

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ ઘર આંગણે રમાય રહેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે જીત ભલે પ્રાપ્ત કરી હોય પરંતુ વરિષ્ઠ ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ખાસ કરીને રહાણે અને પુજારાનું આઉટ ઓફ ફોર્મ હોવું અને સતત કથળતું જતું પ્રદર્શન તેમના માથે લટકતી તલવારની માફક ભમી રહ્યું છે. તેમના ચિંતાજનક પ્રદર્શનની સામે નવોદિત ખેલાડીઓનું પ્રદર્શન ઉભરી રહ્યું છે. ભારતના ફાસ્ટ બોલર્સની સ્થિતિ પણ હતાશ કરી રહી છે. જોકે સામે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સ પણ વિકેટ મેળવવા માટે ઝઝૂમી રહ્યા છે.

અજિંક્ય રહાણેનું પ્રદર્શન અને નેતૃત્વ

વર્તમાન સમયે ભારત ટેસ્ટમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આવનારા સમયમાં ટીમ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ રમશે. એવામાં કોચ રાહુલ દ્રવિડની ઉપર બે મોટી ઉપાધી મંડી રહી છે. ઘર આંગણે અજિંક્ય રહાણે પાસે તક હતી કે તે શ્રેષ્ઠ પ્રદર્શન કરે. બેટીંગમાં તો નહીં જ પણ પ્રથમ ટેસ્ટમાં જીતની નજીક હોવા છતાં તેનું નેતૃત્વ ટીમને જીત નહોતું અપાવી શક્યું. એવામાં અજિંક્ય રહાણેની વાઈસ કેપ્ટનશીપ પણ છિનવાવાના એંધાણ વર્તાય રહ્યા છે. મળતી માહિતી મુજબ ન્યૂઝીલેન્ડનો ટી ટ્વેન્ટીમાં વ્હાઈટ વોશ કરનારા કેપ્ટન રોહિત શર્માના હાથમાં ટેસ્ટનું વાઈસ કેપ્ટન પદ આવી શકે છે.

ચેતેશ્વર પર ચિંતન!

અજિંક્ય રહાણેની માફક જ છેલ્લા બે વર્ષથી સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા ચેતેશ્વર પુજારાની સ્થિતિ પણ આવી જ છે. પુજારાના બેટમાંથી ભલે પચાસ રન મળી રહ્યા હોય પરંતુ જે મોટી ઈનિંગની અપેક્ષા છે તે નથી મળી રહી. જોકે પુજારા ઉપર રહાણે જેટલી ચિંતા નથી. ત્રીજા ક્રમ પર આવી બેટીંગ કરી શકે અને વિકેટ ટકાવી રાખે તેવો અનુભવી બેટ્સમેન હાલ ભારતીય ટીમ પાસે નથી. છતાં પસંદગીકારોની નજરમાં ભારત-એ ટીમમાંથી પ્રિયંક પંચાલ, અભિમન્યુ મિથુન જેવા ખેલાડીઓ છે. જેને એક તક આપી જોઈ શકાય. ઉપરથી મયંક અગ્રવાલ અને શ્રેયસ ઐય્યરના શતકે પણ પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. એવામાં ત્રણ નંબર માટે આ ખેલાડીઓને એક બાદ એક આગળ મૂકી પ્રયોગ થઈ શકે છે.

ધાર વગરની ફાસ્ટ બોલિંગ

કાનપુર અને મુંબઈ આ બંને ટેસ્ટ મેચમાં એક વાત ઉડીને આંખે વળગે છે. સ્પિન બોલિંગ વિકેટ લઈ રહી છે અને ફાસ્ટ બોલિંગમાં ફદિયું પણ હાથ નથી આવી રહ્યું. કાનપુર અને મુંબઈ બંને ટેસ્ટ મેચમાં ફક્ત સ્પિનર્સનો જલવો કાયમ રહ્યો. વચ્ચે એક સમયે એવો પણ આવ્યો કે જ્યારે મોહમ્મદ સિરાઝની તરફથી એક સારો સ્પેલ મળ્યો. બાકી ફાસ્ટ બોલર્સ આશા પર ખરાં નથી ઉતર્યાં. મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા જેવા ખેલાડીઓ હતા પણ આવનારી સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે મોહમ્મદ શમી અને બુમહારની પણ એન્ટ્રી થશે. જોવાનું રહેશે કે સાઉથ આફ્રિકામાં ફાસ્ટ બોલર્સ કેવી કમાલ કરે છે.

કોહલીની 71મી સેન્ચુરી ક્યારે ?

સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમતા વિરાટ કોહલી કારકિર્દીનો 100મો મેચ રમશે. જ્યાં તેની પાસેથી સેન્ચુરીની આશા છે. ટી ટ્વેન્ટી વિશ્વકપ બાદ આરામ કરી પરત ફરેલા કોહલીએ મુંબઈની ટેસ્ટમાં કંઈ ઝાઝું નહોતું ઉકાળ્યું. પ્રથમ ઈનિંગમાં અમ્પાયરના ખોટા નિર્ણયના કારણે શૂન્ય પર તો બીજી ઈનિંગમાં 36 રનની ઈનિંગ રમી હતી. એવામાં કોહલીનું ફોર્મમાં ફરવું અત્યંત જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments