Homeગામનાં ચોરેસીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, વેક્સિનની અછત માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, વેક્સિનની અછત માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે

Team Chabuk-National Desk: ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા હાલ મંદ ગતિએ ચાલી રહી છે. વેક્સિનની અછતના કારણે અનેક વખત વેક્સિન કેન્દ્રો પરથી લોકોને વીલા મોંએ પરત ફરવું પડી રહ્યું છે. વેક્સિનની ઘટ હોવાના કારણે વેક્સિન અંગેની ગાઈડલાઈનમાં અવારનવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેવામાં વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.

એક તરફ ભારત કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશભરમાં વેક્સિનની અછત ઉભી થઈ છે. ત્યારે વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકાર પર આ મામલે ગંભીર આરોપ લગાવ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર સુરેશ જાદવે કેન્દ્ર સરકાર પર વેક્સિનની અછત મામલે દોષનો ટોપલો ઢોળ્યો છે. સુરેશ જાદવે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો સ્ટોક કેટલો છે તે જાણ્યા વિના અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન અંગે વિચાર્યા વિના ઓછી ઉંમરના વર્ગોને વેક્સિન આપવાની પરવાનગી આપી દીધી છે. આમ હાલ દેશમાં ઉભી થયેલી વેક્સિનની અછત મામલે સુરેશ જાદવે કેન્દ્ર સરકારને દોષિત ગણાવી છે.

સ્વાસ્થ્ય અંગેની એક ઇ-સમિટમાં સુરેશ જાદવે કહ્યું કે, દેશને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનના દિશા નિર્દેશોનું પાલન કરવું જોઈએ અને તે જ અનુસાર વેક્સિનેશન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાની હતી, જેના માટે 60 કરોડ ડોઝની જરૂર હતી, પરંતુ લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં જ કેન્દ્ર સરકારે 45 વર્ષ અને પછી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવવાની પરવાનગી આપી દીધી. 

સીરમ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર સુરેશ જાદવે એમ પણ કહ્યું કે, સરકારને જાણ હતી કે દેશમાં આટલી વેક્સિન ઉપલબ્ધ નથી છતાં વેક્સિનેશનને મંજૂરી આપી દીધી. તેમણે આગળ કહ્યું કે, અમને સૌથી મોટો બોધપાઠ શીખવા મળ્યો કે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખવી જોઈએ અને પછી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોએ વેક્સિનની અછતની ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે સ્ટોક ઓછો હોવાના લીધે વેક્સિનેશનની ગતિ વધારવી મુશ્કેલ છે.

સુરેશ જાદવે એ પણ કહ્યું કે, વેક્સિનેશન જરૂરી છે, પરંતુ વેક્સિન લગાવ્યા પછી પણ લોકોને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે, માટે લોકોને સાવધાન રહેવું જોઈએ અને કોરોનાથી બચાવ નિયમોનું પાલન કરવું જોઈએ. સુરેશ જાદવે આગળ કહ્યું કે, જ્યાં સુધી વેક્સિનની પસંદગીનો સવાલ છે, સીડીસી અને એનઆઇએચ ડેટા અનુસાર જે પણ વેક્સિન ઉપલબ્ધ છે, તેને લઈ શકાય છે, શરત એટલી છે કે નિયમનકારી સંસ્થાઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું હોય અને એ કહેવું ઉતાવળ હશે કે કઈ રસી અસરકારક છે અને કઈ નહીં. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments