Homeદે ઘુમા કેહરિયાણા હરિકેન કપિલ દેવ : ફરજિયાત હેલમેટ પહેરાવતો બોલર

હરિયાણા હરિકેન કપિલ દેવ : ફરજિયાત હેલમેટ પહેરાવતો બોલર

Team Chabuk – Sports Desk : 6 જાન્યુઆરી 1959ના રોજ ચંદીગઢમાં કપિલ દેવનો જન્મ થયો. 16 વર્ષની કરિયરમાં કપિલ દેવે 134 ટેસ્ટમાં 434 વિકેટ લીધી. 8 સેન્ચુરી ફટકારી અને 5248 રન પણ બનાવ્યા. કપિલ દેવને ભારતનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. ભારતમાં જ નહીં વિશ્વના દસ ખેલાડીઓનું લિસ્ટ કાઢવામાં આવે તો તેમાં પણ કપિલ આરામથી એકથી ત્રણ ખેલાડીઓમાં જ સ્થાન મેળવી લે. તેમની જ આગેવાનીમાં ભારતે 1983નો વિશ્વકપ જીત્યો હતો.

ટેસ્ટની જેમ કપિલ વન-ડેમાં જોઈએ એવા ન ખીલ્યા. 225 વનડેમાં 23.79ની એવરેજ સાથે 3783 રન બનાવ્યા. 27.45ની એવરેજથી 253 વિકેટ લીધી. હંમેશાં ઓલરાઉન્ડર હોવાના કારણે કપિલને બેટ અને બોલ બંને વડે થોડું થોડું યોગદાન આપવું પડતું હતું.

ભારતને મળ્યો ફાસ્ટ બોલર

16 ઓક્ટોબર 1978ના રોજ ભારતની ટીમને તેનો ફાસ્ટ બોલર મળ્યો. એ વખતે અંગ્રેજ, વિન્ડીઝિયન અને ઓસ્ટ્રેલિયન ટીમોનો ફાસ્ટ બોલિંગમાં દબદબો હતો. જે બોલ ફેંકે તો હેલમેટ અદ્ધર થઈ જાય. 16 ઓક્ટોબરની તારીખે પાકિસ્તાન સામે ફૈસલાબાદની ટેસ્ટમાં તેમણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી. કપિલ દેવે પહેલો બોલ ફેંક્યો. સ્ટ્રાઈક પર ઓપનિંગ બેટ્સમેન માજિદ ખાન હતા. કપિલનો બોલ અદ્દલ વેસ્ટ ઈન્ડિઝના ઘાતક બોલરોની માફક માજિદ ખાનના હેલમેટ પર લાગ્યો. બોલ હેલમેટ પર લાગીને બાઉન્ડ્રી પાર કરી ગયો. પાકિસ્તાનને ચાર રન મળી ગયા. કોમેન્ટ્રી બોક્સમાંથી અવાજ આવ્યો, ‘તો આ રીતે પાકિસ્તાનને મળ્યા ચાર રન અને ભારતને મળ્યો ફાસ્ટ બોલર’

પ્રથમ વિકેટ આઉટસ્વિંગ થકી

કપિલ દેવ વિશે તેમના જૂના સાથીદાર બલવિંદર સિંહ સિંધુએ કહેલું, ‘19 વર્ષીય કપિલ એ સમયે 145ની ઝડપથી બોલિંગ કરતા હતા. લાંબા સમય સુધી તેઓ એકલા જ ભારતના સ્ટ્રાઈક બોલર રહ્યા. એ સાથે જ લાંબા સ્પેલ કરવામાં પણ તેઓ નિપુણ હતા. ફૈસલાબાદ ટેસ્ટમાં કપિલે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી વિકેટ સાદિક મોહમ્મદના રૂપે લીધી હતી. જેને તેમણે પોતાના ટ્રેડમાર્ક આઉટસ્વિંગ બોલ પર આઉટ કર્યો હતો.’

હેલમેટ પહેરો બચ્ચા

સાદિક મોહમ્મદ અને માજિદ ખાન ટેસ્ટના બેસ્ટ ઓપનર હતા. એ સમયે ભારતની બોલિંગ વિરૂદ્ધ હેલમેટ પહેરવાનું ચલણ નહોતું, કારણ કે ભારતીય બોલરો ટાઢા હતા. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફૈસલાબાદ ટેસ્ટ મેચ વિશે કહ્યું છે કે, કપિલનો એક બોલ સાદિકની ટોપી પાસેથી સનનન કરતો પસાર થઈ ગયો. સાદિકે તુરંત ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કરી હેલમેટ મંગાવી લીધું.

કપિલનો કરામતી કેચ

1983ના વિશ્વકપની ફાઈનલમાં ભારત સામે વેસ્ટઈન્ડિઝ એક પડકાર સમાન ટીમ હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 183 રન બનાવ્યા હતા. એવામાં કોઈને આશા નહોતી કે ભારત વિશ્વકપ જીતી જશે.  વીવી. રિચર્ડ્સ બેટીંગ કરી રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી તેઓ બેસ્ટ સ્કોરર પણ રહ્યા હતા. રિચર્ડસ્ 83ના વિશ્વકપની ફાઈનલમાં 33 રન પર હતા. સામેની બાજુ મદનલાલ બોલિંગ કરી રહ્યા હતા. રિચર્ડ્સે શોટ માર્યો અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર ચાલ્યો જશે એવું લાગતું હતું, ત્યાં કપિલ દેવે પાછળની બાજુથી ભાગતા ભાગતા કેચ કરી લીધો. આ એ જ કેચ હતો જેણે ભારતને વિશ્વકપની નજીક લાવીને રાખી દીધો. આજે પણ એ કેચને વિશ્વકપ વિજેતા કેચ માનવામાં આવે છે.

ઈન્ટરવ્યૂ ન આપતા

કપિલ દેવને ગુજરાતનું અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ સૌથી વધારે ફળ્યું છે. અમદાવાદમાં તેણે તેની બેસ્ટ વિકેટ 83/9 લીધી હતી. દસમી વિકેટ બલવિંદર સિંહ સિંધુને મળી હતી. તો એક વિકેટ કેવી રીતે કપિલ દેવ ન લઈ શક્યા ? કારણ કે મેચ શરૂ થતા જ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ડેસમન્ડ હેંસની પહેલી વિકેટ બલવિંદર સિંધુએ લઈ લીધી હતી.

આ ટેસ્ટ પછી કપિલ દેવની ચારે દિશામાં વાહવાહી થવા લાગી હતી. પત્રકારો તેમનો ઈન્ટરવ્યૂ લેવા માટે પગ પછાડતા હતા. નવજોત સિંહ સિદ્ધુની પણ એ ડેબ્યુ ટેસ્ટ મેચ હતી. બહાર 250 પત્રકારો ઊભા હતા. મોટાભાગના અંગ્રેજી હતા. સિદ્ધુએ કપિલ દેવને કહ્યું, ‘મિનાક્ષી શેષાદ્રીની હીરો લાગી છે એ જોવા જઈએ. ત્યાં અંગ્રેજી બાઉન્સર જ જશે.’

કપિલ દેવે કહ્યું, ‘ચિંતા ન કર સરદાર.’  કપિલ પહોંચ્યા સાથે સિદ્ધુ હતા. સવાલો પૂછાવા માંડ્યા. અંગ્રેજીમાં પ્રથમ સવાલ પૂછાયો, ‘Why can’t a country of a one billion people produce another kapil dave?’ (એક અરબ લોકોનો દેશ શા માટે બીજો કપિલ દેવ પેદા ન કરી શક્યો?)

કપિલ જવાબ દેવા માટે ઊભા થયા અને બોલ્યા, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન.’

સિદ્ધુએ કહ્યું, ‘પાજી અહીં કોઈ લેડીઝ નથી.’

કપિલ દેવે કહ્યું, ‘અરે ચૂપ સરદાર.’ અને પછી બોલવાનું શરૂ કર્યું.

‘યુ સી માઈ મમ્મી ઈઝ 62 યેર્સ ઓલ્ડ. માય પાપા ઈઝ ડેડ. ધેટ ઈઝ વ્હાય કાન્ટ પ્રોડ્યુસ અનધર કપિલ દેવ.’ (મારા મમ્મીની ઉંમર 62 વર્ષની છે અને મારા પિતા મૃત્યુ પામ્યા છે એટલે બીજો કપિલ દેવ પેદા ન કરી શક્યા.)

કપિલે સિદ્ધુ બાજુ જોઈ પૂછ્યું, ‘કોઈ બીજો સવાલ?’ બધા પત્રકારો હસી રહ્યા હતા.

કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો કોણે ?

કપિલ દેવની ઉંમર થઈ રહી હતી. ક્રિકેટ વિવેચકો તેમની ટીકા કરી રહ્યા હતા. કહેતા હતા કે, દેશમાં આટલા સારા ફાસ્ટ બોલર છે પણ રેકોર્ડના કારણે કપિલનું ગાડુ દોડ્યા રાખે છે. આખરે કપિલે જાહેરાત કરી દીધી કે ન્યુઝિલેન્ડ સામેની શ્રેણી તેમની અંતિમ શ્રેણી રહેશે. એ ટેસ્ટમાં એક ખૂંખાર ખેલાડીએ ડેબ્યુ કર્યું. જે બાદમાં ન્યુઝિલેન્ડનો કેપ્ટન પણ બન્યો. સ્ટીફન ફ્લેમિંગ. ઊંમર વીસ વર્ષની હતી. પ્રથમ ટેસ્ટમાં જ 92 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચ બન્યો. કપિલ દેવે અંતિમ ટેસ્ટની બંને ઈનિંગમાં એક એક વિકેટ લીધી. 131 ટેસ્ટમાં 434 વિકેટ. જે રેકોર્ડ કર્ટીન વોલ્શે છ વર્ષ બાદ તોડી નાખ્યો.

પ્રપોઝ

કપિલ દેવના પત્નીનું નામ રોમી ભાટીયા. તેમના લગ્ન નહોતા થયા બસ સાથે કેટલોક સમય પસાર કરતા હતા. કારમાં બેસીને જતા હતા અને એક હોર્ડિંગ રસ્તા વચ્ચે આવી ગયું. હોર્ડિંગમાં તસવીર કપિલ દેવની હતી. સ્માઈલ કરી રહ્યા હતા. કપિલે રોમીને એ તસવીર કેમેરામાં ક્લિક કરવાનું કહ્યું. રોમીએ પૂછ્યું – શા માટે ? કપિલે જવાબ આપ્યો – ભવિષ્યમાં આપણે આપણા બાળકોને આ તસવીર બતાવીશું.

રોમીએ પૂછ્યું – તું મને પ્રપોઝ કરે છો?

કપિલે કહ્યું – હા.

મજાક મજાકમાં પ્રપોઝ અને પછી લગ્ન થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments