ઝાલાવાડી જલજીરા : કામિની મથાઈએ સંગીત કા જાદુગર એ.આર.રહેમાન પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં રહેમાનની કામ કરવાની કલાકો કહી છે. એ દિવસના 18 કલાક કામ કરે છે. વચ્ચે અડધી કલાકનો બ્રેક લે છે. એ બ્રેક આરામ માટે નથી હોતો. એ બ્રેક નમાજ પઢવા માટે હોય છે. હવે ટેક્નોલોજીનો પ્રચાર-પ્રસાર વધ્યો છે. જેથી રહેમાન કોઈ ફ્લાઈટમાં બે કલાક બેસીને પણ સંગીત પર જ કામ કરતા હોય છે.
અલગનાથન નામના એક જ્યોતિષી. તેની પાસે રહેમાનની માતા ગઈ. એ જ્યોતિષીએ રહેમાનની માતાને કહેલું કે, તમારા દીકરાના નામની આગળ આર લગાવી દો. દુનિયામાં ખૂબ નામના કમાશે. અલગનાથ મીડિયામાં કોઈ દિવસ રહેમાનને લઈ આવી વાતો નથી કરતા, પણ રહેમાન ખૂદ સ્વીકારે છે કે આ તેમની જ સીડી હતી જેના પર ચડી તેઓ આગળ વધ્યા.
મણિરત્નમ ગુસ્સે થઈ ગયા
રહેમાને રોજા ફિલ્મમાં સંગીત આપ્યું ત્યાં સુધી તેમનું નામ દિલીપ જ હતું. તેઓ ધર્મ પરિવર્તન કરવાના છે તેની વાત ડાયરેક્ટર મણિરત્નમને ખબર જ નહોતી. રોજાની કેસેટ તૈયાર થઈ. 20,000 કેસેટ તૈયાર થઈ અને તેની ઉપર દિલીપ કુમાર નામ લખી નાખવામાં આવ્યું. એ રાતે જ દિલીપની માતાનો ત્રિલોક પર ફોન આવ્યો. ફોનમાં દિલીપની માતા કહેતી હતી કે, કેસેટના પોસ્ટરમાંથી દિલીપ કુમાર નામ હટાવી નાખવામાં આવે અને એ.આર.રહેમાન લગાવી દેવામાં આવે. ત્રિલોકે આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘કોણ છે આ એ.આર.રહેમાન?’ બાદમાં તેને ખબર પડી કે પરિવારે ધર્મ પરિવર્તન કરી નાખ્યું છે. ત્રિલોકને મણિરત્નમના સ્વભાવની ખબર હતી. એ જાણતો હતો કે મણિરત્નમ કેટલા ગુસ્સે થશે. બીજી બાજુ દિલીપની મા રહેમાન નામ કરાવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી.
ત્રિલોકે મણિરત્નમને વાત કરી. મણિરત્નમ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. તેમને આ વાતથી છેલ્લે સુધી અંધારામાં રાખવામાં આવ્યા હતા. મણિરત્નમ દિલીપના ઘરે ગયા અને વાત કરી. દિલીપની માતા કસ્તુરીએ કહ્યું, તેણે તેના માટે રહેમાન નામની પસંદગી કરી છે. મણિ માની તો ગયા પણ હવે નામનું શું કરવું ? ફક્ત રહેમાન સારું ન લાગે. કસ્તુરીએ – ‘અબ્દુલ રહેમાન’ લગાવવાનું કહ્યું. મણિ ન માન્યા, કારણ કે એ નામ કોઈ વૃદ્ધ વ્યક્તિનું લાગતું હતું. છેલ્લે તેની માતાની પસંદગી પ્રમાણે જ એ.આર.રહેમાન નામ રાખવામાં આવ્યું. એ.આરને પાછળથી તેની માતાએ જ અલ્લા રખ્ખા રહેમાન કરી દીધું.
બધાએ એક સરખું કામ કરવાનું
રહેમાનની એક રીત છે. એક પદ્ધતિ છે. તેને એ પદ્ધતિ પ્રમાણે જ કામ કરવું ગમે છે. જો તેને ગમે તે તમે ન આપી શકો તો તે સાફ શબ્દોમાં કહી દે છે કે, ‘ચાલ્યા જાઓ અને કોઈ બીજો મ્યુઝિક ડાયરેક્ટર શોધી લો.’ રહેમાનને ગીતના શબ્દ પણ પસંદ આવવા જોઈએ. વાત છે 1947 અર્થ ફિલ્મની. જાવેદ અખ્તરે ગીત લખ્યું હતું. ગીતના બોલ છે ઈશ્વર અલ્લાહ… એ ગીત એક કલાકમાં લખાયું હતું. ફોન પર રહેમાનને સંભળાવવામાં આવ્યું. રહેમાને તેને એક દિવસમાં જ તૈયાર કરી નાખ્યું. કેટલાક કામો ત્યારે સફળ જાય જ્યારે બધા એક સરખું કામ કરે. શબ્દ બરાબર નથી. તો સારા સંગીતનું શું કામ ? શબ્દો સારા છે પણ સંગીત સારું નથી, તો પણ શું કામ ?
રહેમાન દુ:ખમાં અવ્વલ છે
રહેમાન વિશે રાજીવ મેનને કહેલું કે, ‘રહેમાન દુ:ખ અને લાગણીના ગીતો બનાવવામાં બેજોડ છે, પણ એ જ રહેમાન પ્રેમના ગીતો એટલા સરસ નથી બનાવી શકતા.’ રોકસ્ટારમાં નાયકના દુ:ખને પોતાનું દુ:ખ સમજી રહેમાન ખીલી ઉઠે છે. એક દિવાના થામાં સચિનનું દુ:ખ રહેમાન સંગીતમાં ઢાળી નાખે છે. રહેમાન પોતાના અતિતમાં ચાલ્યા જાય છે. એ દુ:ખો પાસે અને ત્યાંથી કોઈ ભેદી સંગીત શોધીને લાવે છે.
અસલી રહેમાન ક્યારે ?
ભારતના મોઝાર્ટ વિશે થુંબા રાજા કહે છે, ‘અસલી રહેમાન રાતના એક વાગ્યે જોવા મળશે. ભારતની નંબર વન સેલિબ્રિટી અને મદ્રાસનો મોઝાર્ટ ખીલી ઉઠશે. એ સંગીતને રોકી દેવાનું કહેશે અને આસપાસના લોકોને પૂછશે, પરિવારમાં શું ચાલે છે ? કોઈ તકલીફ ? પરિવારમાં કોઈ બીમાર હોય કે કોઈ તકલીફ હોય તો તેને રહેમાન વિસ્તારપૂર્વક જાણવા માગે છે.’
સંગીત ઉડી ગયું
ફિલ્મનું નામ છે કાધલન. જેણે પ્રભુદેવાને ડાન્સર તરીકે સ્થાપિત કર્યો. જેમાં ઉર્વશી ઉર્વશી અને મુકાબલા લૈલા… જેવા ગીતો હતા. તેનું બેકગ્રાઊન્ડ મ્યુઝિક રહેમાન તેમની ટીમ સાથે મળી તૈયાર કરી રહ્યા હતા. દિવસોના દિવસો સુધી મહેનત કરી હતી. સંગીત હવે તૈયાર જ થવાનું હતું. એ વચ્ચે રહેમાને રેકોર્ડિંગ એન્જિનિયર એચ.શ્રીધરને બોલાવ્યા અને સાઉન્ડ ઠીક કરવા માટે કહ્યું. શ્રીધર કામ કરતા હતા. કામ કરતા કરતા તેમનાથી એક બટન દબાય ગયું. બટન દબાવ્યા પછી એ બોલ્યા, ‘આ શું થયું ?’ પછી બંને હાથેથી પોતાના માથાને પકડી લીધું. વાંસળી વાદકે જોયું કે રહેમાનના મોઢામાંથી પણ ચીખ નીકળી ગઈ છે. બધાને ખબર હતી કે શ્રીધરનું આવી બનવાનું છે. શ્રીધર માફી માગતા રહ્યા. રહેમાન પ્રાર્થના કક્ષમાં ચાલ્યા ગયા. શ્રીધર જમીન પર બેસી ગયા. નજીક નવીન આવ્યો અને કહ્યું, ‘તે ભૂલથી ઈરેઝનું બટન દબાવી દીધું.’
રહેમાન દસ મિનિટ પછી પાછા આવ્યા. તેમના ચહેરા પર શાંતિ હતી. એ બોલ્યા. ‘ચાલો પાછું શરૂ કરીએ.’ દિવસ રાત સતત કામ કરીને ચાર દિવસમાં કાધલનનું બેકગ્રાઊન્ડ સંગીત તૈયાર કરી નાખ્યું. ઓ… લે… લો… – ઓ… લે… ઓ…ઓ…
સમય આપો
રજનીકાંતની ફિલ્મ પડયપ્પા વહેલી તકે રિલીઝ કરવાની હતી. નિર્દેશક રવીકુમાર હતા. રજનીકાંતની ફિલ્મમાં રજનીકાંત જ મહત્વ ધરાવે છે. રહેમાનનું સંગીત પણ નહીં. રિલીઝ ડેટ ફાઈનલ કરી નાખી હતી અને સંગીત તાત્કાલિક જોઈતું હતું. રવીકુમારે રહેમાનને કહ્યું અને રહેમાને એક જ રેકોર્ડિંગમાં તુરંત આપી દીધું. ઈતિહાસ ગવાહ છે કે રજનીકાંતની ફિલ્મમાં જ્યારે પણ રહેમાન સંગીત આપે છે તે ઊંચા દરજ્જાનું નથી હોતું, કારણ કે રજનીકાંતની ફિલ્મોની એક વખત રિલીઝ ડેટ ફાઈનલ થઈ ગઈ અને પછી એ દિવસે રિલીઝ ન કરવામાં આવે તો પ્રશંસકો ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની હાલત ખરાબ કરી નાખે છે. એક માત્ર શંકર રહેમાન પાસેથી સારું સંગીત લેવડાવી શક્યા છે. પ્રથમ રોબોટમાં અને શિવાજી ધ બોસમાં.
રહેમાનને જ્યારે જ્યારે રજનીકાંતની ફિલ્મો મળી કામ ઉતાવળમાં જ કરવાનું રહેતું હતું. રહેમાન રજનીકાંતની ફિલ્મોથી એટલે જ દૂર રહે છે. બાદમાં રવીકુમારની સાથે જ રહેમાનને પંચતંત્રમ્ ફિલ્મનું સંગીત પણ આપવાનું હતું. રહેમાને ના પાડી દીધી. એમને જલદી જલદી આટોપવું નહોતું. તેની સામે મણિરત્નમ અને શંકર સહિતના કેટલાક દિગ્દર્શકો રહેમાનને પૂરતી સ્પેસ આપે છે. સમય આપે છે. કલાકો આપે છે. રહેમાન ખુશ થઈ જાય છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા