Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પાકિસ્તાન વિરુદ્ધ હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ભારતીય ટીમે 20થી 25 રન ઓછા બનાવ્યા હતા. આ કારણે જ પાકિસ્તાનના બેટરો પર વધારે દબાણ નહોતું અને તેમણે સરળતાથી લક્ષ્યાંકનો પીછો કર્યો હતો અને જીત મેળવી હતી. કોહલીએ કહ્યું કે, શાહીન શાહ અફ્રિદીએ અમારા બેટર્સને દબાણમાં રાખ્યા હતા. તેના સ્પેલના કારણે જ બેટીંગ લાઈન અપ વિખાઈ ગઈ હતી.
એક પત્રકાર દ્વારા વિરાટને ટીમના કોમ્બિનેશન વિશે પૂછવામાં આવ્યું, તો વિરાટ કોહલી ભડકી ઉઠ્યો હતો. તેણે કહ્યું હતું કે, તમને શું લાગે છે? મને એવું લાગે છે કે હું જે ટીમ તરફથી રમ્યો તે સર્વશ્રેષ્ઠ હતી. તમે કોને હટાવશો? શું તમે રોહિત શર્માને હટાવશો? જો તમને કોઈ વિવાદ જોઈએ, તો મને અત્યારે જ જણાવી દો.
કોહલીએ સકારાત્મક અભિગમની વાત છેડતા જણાવ્યું હતું કે, અમે એ ટીમ છીએ જે રમતનું સન્માન કરે છે અને અમે એ નથી જે એક મેચથી જ રમતની આગળની દિશા નિર્ધારિત કરીએ. અમે દરેક ટીમને એક સમાન ગણીએ છીએ. હવે અમે સકારાત્મક રીતે આગળ વધીશું. પાકિસ્તાને આજે અમારા કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દસ વિકેટથી એમનેમ નથી જીત્યા, તેમને શ્રેય આપવો જરૂરી છે. અમે તેમના પર દબાણ લાદવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અમારા કરતા સારું રમ્યા. એની પણ કોઈ ગેરન્ટી નથી કે અમે દરેક મેચ રમીશું અને દરેક જીતીશું. અમે અમારી સ્થિતિ પ્રમાણે ઠીક સ્કોર બનાવ્યો.
ટીમની હાર વિશે વધુ વાત કરતા કોહલીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની બેટીંગ દરમ્યાન ઝાકળની શરુઆત થઈ હતી. જેથી તેમને ઘણો ફાયદો થયો હતો. ઘણા નાના નાના ફેક્ટર્સે મોટું અંતર પેદા કર્યું. અમારી પાસે જો 20-25 રન વધારે હોત તો અમે ફાયદામાં હોત. પણ પાકિસ્તાનની બોલિંગે અમને એ પામવાની તક ન આપી. જો અમે પ્રક્રિયાની સાથે જોડાયેલા રહીશું તો આગળ કોઈ પણ સ્થિતિનો સામનો કરી શકીશું. ટોસ પણ મહત્વની ભૂમિકા રાખે છે. ટી ટ્વેન્ટી વિશ્વકપ હંમેશાંથી વધારે ઈન્ટેન્સિટી વાળી ટૂર્નામેન્ટ રહી છે. એક ટીમની રીતે અમારી સાથે જે થશે તે સારું થશે. પાકિસ્તાને અમને દરેક ક્ષેત્રમાં પાછળ રાખ્યું.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ