Homeદે ઘુમા કેIPL qualifier-1: 8 વખત ફાઈનલમાં પહોંચનારી ચેન્નઈ અને દિલ્હી વચ્ચે મુકાબલો

IPL qualifier-1: 8 વખત ફાઈનલમાં પહોંચનારી ચેન્નઈ અને દિલ્હી વચ્ચે મુકાબલો

Team Chabuk-Sports Desk: આઈપીએલ સિઝન-14 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે રવિવારે દુબઈમાં આઈપીએલ-14ની પ્રથમ ક્વાલિફાયર મેચ (IPL qualifier-1) રમાશે. દુબઈમાં રમાનારી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને-સામને ટકરાશે. આઈપીએલ લીગમાં મજબૂત મનાતી ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના અનુભવી ખેલાડીઓના દમ ઉપર દિલ્હી કેપિટલ્સ સામે જીતવા માટે તમામ તાકાત લગાવી દેશે. આજે સાંજે 7-30 કલાકે મેચ શરૂ થશે.

ક્વાલિફાયર-1 જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પહોંચી જશે. જ્યારે હારનાર ટીમને ફાઈનલમાં જગ્યા બનાવવા માટે વધુ એક ચાન્સ મળશે. એલિમિનેટર મેચ જીતનાર ટીમ સામે ક્વાલિફાયર-2માં આજે હારનાર ટીમનો મુકાબલો થશે.

ગત વર્ષે ચાન્સ ગુમાવ્યા બાદ આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે કૂલ 12 આઈપીએલની સિઝન રમી છે તેમાંથી 11 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. કોરોના મહામારીના કારણે આઈપીએલની 14મી સિઝન અધવચ્ચે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં પણ દિલ્હી કેપિટલ્સે પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો. જો કે પોતાની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સના ભરતે છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને દિલ્હી કેપિટલ્સની જીત છીનવી લીધી હતી.

બન્ને ટીમના રેકોર્ડ

આઈપીએલમાં અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 25 મેચ રમાઈ છે. જેમાંથી ચેન્નઈની ટીમે 15 મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીની ટીમ 10 મેચમાં વિજયી બની છે. આ સિઝનમાં પ્રથમ મેચમાં દિલ્હીએ ચેન્નઈને 3 વિકેટે હરાવ્યું હતું. બન્ને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચની વાત કરવામાં આવે તો પાંચમાંથી ચાર મેચમાં દિલ્હીની ટીમનો હાથ ઉપર રહ્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન

ચેન્નઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 8 વખત આઈપીએલની ફાઈનલમાં જગ્યા બનાવી ચુકી છે. જેમાંથી તે ત્રણ વખત ચેમ્પિયન પણ બની છે. આમ ચેન્નઈની ટીમ જ્યારે જરૂર પડે ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

ચેન્નઈ સુપર કિંગ્સ પાસે અનેક અનુભવી ખેલાડીઓની ફોજ છે. જેનાથી તે આઈપીએલની અત્યાર સુધીની મેચમાં જીત મેળવતી આવી છે. પરંતુ આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીએ ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની પાસે રવિન્દ્ર જાડેજા, અંબાતિ રાયડૂ, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને ફાફ ડુપ્લેસિસ જેવા મજબૂત અને અનુભવી ખેલાડીઓ છે. આ ઉપરાંત જોશ હેઝલવુડ અને મોઈન અલી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી પણ છે.

જો કે કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પોતાનું સારું પ્રદર્શન દેખાડી શક્યા નથી. ધોનીએ 14 મેચમાં માત્ર 96 રન જ બનાવ્યા છે. આઈપીએલના દિગ્ગજ ખેલાડી મનાતા સુરેશ રૈનાના બેટમાંથી પણ 12 મેચમાં માત્ર 160 રન જ નીકળ્યા છે. પરંતુ ચેન્નઈના યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડે 533 રન, ડુપ્લેસિસે 546 રન બનાવીને ટીમને પ્લેઓફમાં સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અંતિમ ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ પણ કમાલ કર્યો છે. જાડેજાએ આ સિઝનમાં કૂલ 227 રન બનાવ્યા છે.

આ ઉપરાંત ચેન્નઈના બોલરોની વાત કરવામાં આવે તો શાર્દૂલ ઠાકુરે 14 મેચમાં 18 વિકેટ ઝડપી છે. ડ્વેન બ્રાવોએ 12 વિકેટ ખેરવી છે.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ આઈપીએલની 14મી સિઝનમાં 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ ટીમના કોઈ બેટ્સમેનમાં ખાસ આત્મવિશ્વાસ જોવા મળ્યો નથી. ટીમના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ 401 રન અને શિખર ધવને 544 રન બનાવ્યા છે. જો કે યુએઈમાં શરૂ થયેલા બીજા તબક્કામાં બન્નેના બેટથી એવી કોઈ મોટી ઈનિંગ જોવા મળી નથી. કેપ્ટન ઋષભ પંતે 362 રન બનાવ્યા છે. શિમરોન હેટમાયરે ડેથ ઓવરોમાં સારી બેટિંગ કરીને ટીમની જીતમાં મહત્વનો રોલ ભજવ્યો.

જો કે દિલ્હીની જીતમાં બોલરોનું પ્રદર્શન મહત્વનું રહ્યું છે. ટીમના યુવા બોલર અવેશ ખાને 22 વિકેટ ખેરવી છે. તો અક્ષર પટેલે 15 અને રબાડાએ 13 વિકેટ ઝડપી છે. એનરિક નોર્તજેએ 9 વિકેટ લીધી છે. ત્યારે આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો જોવા મળશે. બન્ને ટીમ જીત મેળવીને સીધા ફાઈનલમાં પહોંચવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments