Homeગામનાં ચોરેદેશમાં વીજળીનું સંકટઃ આ ચાર કારણોસર દેશમાં વીજળીનું સંકટ ઘેરાયું

દેશમાં વીજળીનું સંકટઃ આ ચાર કારણોસર દેશમાં વીજળીનું સંકટ ઘેરાયું

Team Chabuk-National Desk: ભારતમાં વીજળીનું સંકટ ઉભું થવાની દહેશત ઉભી થઈ છે. ચીનમાં છવાયેલા અંધારપટ બાદ હવે ભારતમાં પણ વીજળીનું સંકટ ઉભું થયું છે. દિલ્હીમાં અંધારપટની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. તો ઉત્તર પ્રદેશમાં પણ આઠ જેટલા પાવર પ્લાન્ટ ઠપ થઈ ગયા છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ પાવર પ્લાન્ટમાં કોલસાની ઘટ વર્તાઈ રહી છે. એવામાં કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારોએ આ ઘટને પૂરી કરવા માટે માંગ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ઊર્જા મંત્રાલયના નેતૃત્વમાં એક અઠવાડિયામાં કોલસાના સ્ટોક અંગે સમીક્ષા કરવામાં આવશે. ઊર્જા મંત્રાલયે દાવો કર્યો છે કે આ સંકટને ઝડપથી દૂર કરવામાં આવશે પરંતુ આ સંકટ ઉભું કેમ થયું તેની પાછળ ચાર કારણો સામે આવી રહ્યા છે.

કારણ નંબર 1- કોરોના સામે લડી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વીજળીની માંગ વધી ગઈ છે.

કારણ નંબર 2- સપ્ટેમ્બર મહિનામાં કોલસાની ખાણ ધરાવતા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે કોલસાના ઉત્પાદન પર મોટી અસર પડી.

કારણ નંબર 3- બહારથી આવતા કોલસાની કિંમતમાં મોટો વધારો થયો, જેથી પાવર ઉત્પાદિત પ્લાન્ટમાં વીજળી ઉત્પાદનમાં ઘટ જોવા મળી. માંગને પૂરી કરવા માટે સ્થાનિક કોલસા પર નિર્ભરતા વધી ગઈ.

કારણ નંબર 4- ચોમાસાની શરૂઆતમાં જરૂરી માત્રામાં કોલસાનો સ્ટોક ન થઈ શક્યો.

ઊર્જા મંત્રાલયનું કહેવું છે કે, કોરોના મહામારીના કારણે બગડેલી અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત કરવા માટે મોટી માત્રામાં ફેક્ટરીઓ અને કંપનીઓને ધમધમતી કરવામાં આવી. જેના કારણે વીજળીની માંગ અને ઘટ વધી ગઈ. દેશમાં વીજળીની દૈનિક જરૂરિયાત વદીને ચાર અરબ યૂનિટ થઈ ગઈ છે. આ માંગ 65 થી 70 ટકા કોલસાથી ચાલતાં પાવર પ્લાન્ટથી પૂરી કરવામાં આવી રહી છે. 2019માં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં દેશમાં 106.6 બિલિયન યૂનિટ વીજળીની જરૂર પડી હતી. જે 2021 સુધીમાં વધીને 124.2 બિલિયન યૂનિટ થઈ ગઈ છે.

advertisement-1

ઊર્જા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, બહારથી આયાત કરવામાં આવતા કોલસાના ભાવ સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં 160 ડોલર પ્રતિ ટન થઈ ગયા છે. જે માર્ચમાં 60 ડોલર પ્રતિ ટન હતા. અચાનક ભાવ વધવાથી બહારથી આવતા કોલસામાં ઘટ જોવા મળી છે અને ઘરેલુ કોલસા પરની નિર્ભરતા વધી છે. જેથી આયાત થનારા કોલસાથી વીજળીનું ઉત્પાદન 43.6 ટકા ઘટી ગયું છે. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે ઘરેલૂ કોલસાની માંગ 17.4 મેટ્રિક ટન વધી ગઈ છે.

કોલસાના ભંડારના મામલે ભારત દુનિયાભરમાં ચોથા ક્રમે આવે છે પરંતુ હકીકત એ પણ છે કે વપરાશના મામલે પણ ભારત અગ્રેસર છે. આ કારણથી જ ભારત કોલસાની આયાત કરવામાં દુનિયામાં બીજા નંબરે છે. જેના કારણે સરકાર કોલસાની આયાતમાં ઘટાડો કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ હાલ તો કોલસાની આયાતમાં સતત વધારો જ થઈ રહ્યો છે.

આ પ્રકારના સંકટનો ઉપાય કોલસાની આયાત અને વીજવપરાશમાં ઘટાડો લાવવો એ છે. આ ઉપરાંત દેશમાં કોલસાનું ઉત્પાદન વધારવામાં આવે એ પણ જરૂરી છે. આ સિવાય વૈકલ્પિક એનર્જી પર ઝડપથી લક્ષ આપવું જોઈએ. જો કે આ બધુ કરવું એટલું આસાન પણ નથી.

advertisement-1

ભારતમાં કોલસાથી ચાલનારા 135 પાવર પ્લાન્ટ્સમાંથી અડધાથી વધુ એવા છે કે જેમાં કોલસાનો સ્ટોક ખતમ થવાના આરે છે. તેમાંથી અનેક પાવર પ્લાન્ટ્સમાં માત્ર 2-4 દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક રહ્યો છે. આ સ્થિતિ લાંબી ચાલે તો દેશના અનેક હિસ્સામાં અંધારપટ છવાઈ શકે છે. જેમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજસ્થાન અને પંજાબના કેટલાક હિસ્સાઓમાં વીજકાપ શરૂ પણ થઈ ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments