Homeગામનાં ચોરેનોટબંધીથી થયેલા ફાયદાઓ કયા ? છે પણ કે નહીં ?

નોટબંધીથી થયેલા ફાયદાઓ કયા ? છે પણ કે નહીં ?

8 નવેમ્બર 2016નો દિવસ, રાત્રિના આઠ વાગ્યાની આસપાસના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધન કરી રહ્યા હતા. સંબોધનનો મુખ્ય મુદ્દો હતો નોટબંધી. વડાપ્રધાને જાહેર કર્યું કે દેશના ચલણમાં રહેલી 500 અને એક હજાર રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે.

આવી જાહેરાત થશે તેવી જનતાને ભનક પણ નહીં. નોટબંધીના કારણો વડાપ્રધાને એવા આપ્યા કે, જનતા બીજા દિવસે જૂની 500 અને એક હજારની નોટ જમા કરાવવા બેંકોની લાઈનમાં લાગી ગઈ. કોઈ નાણાં ઉપાડવા એટીએમની લાઈનમાં જોવા મળ્યા.

વડાપ્રધાને કહ્યું હતું કે, નોટબંધી કરવાથી કાળું નાણું પરત આવશે, આતંકવાદ ખતમ થશે, દેશમાં ફરી રહેલી નકલી નોટ પરત આવશે વગેરે વગેરે… આમાંનું લગભગ હજુ કઈ થયું નથી.

નોટબંધીના વરવા પરિણામો સૌથી વધુ સામાન્ય જનતાને ભોગવવા પડ્યા છે એ સૌ જાણે છે. જ્યારે નોટબંધીના ફાયદા ગણવાની વાત આવે ત્યારે ખુદ ભાજપના નેતાઓ જાહેરમાં ભોઠાં પડ્યાના પણ દાખલા છે.

બ્લેકમની સફેદ થઈ ગયું ?

8 નવેમ્બર 2016ના રાષ્ટ્ર જોગ સંબોધનમાં વડાપ્રધાનને નોટબંધી કરતાં કહ્યું હતું કે, નોટબંધી કરવાથી બ્લેક મની પરત આવી જશે. 2018માં આરબીઆઈએ કહ્યું હતું કે નોટબંધી બાદ 500 અને 1 હજારની 99.3 ટકા નોટ પરત આવી ગઈ છે.

આરબીઆઈના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ 500 અને 1 હજારની કૂલ 15.31 લાખ કરોડની નોટ પરત આવી ગઈ છે. નોટબંધી પહેલા 15.41 લાખ કરોડ રૂપિયાની નોટ ફરી રહી હતી એટલે કે 10 હજાર 720 કરોડ જેટલાની નોટ પરત આવી નથી.

આ આંકડા આરબીઆઈએ જાહેર કરેલા છે. વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં 3 લાખ કરોડ રૂપિયા બ્લેક મની છે. જે નોટબંધી કરવાથી અર્થવ્યવસ્થામાં પરત આવશે. પરંતુ પરિણામ સામે છે. 3 લાખ કરોડના બદલે 10 હજાર 720 કરોડ રૂપિયા પરત આવ્યા નથી એટલે એવું માની શકાય કે બાકીની રકમ હજુ પરત નથી આવી અથવા તો સગેવગે કરી દેવામાં આવી છે. આ અંગે સરકારે કોઈ ફોડ પાડ્યો નથી.

આતંકવાદી પ્રવૃતિ પર લગામ આવશે

નોટબંધી કરવાનું એક મોટું કારણ દેશની જનતાને એ આપવામાં આવ્યું હતું કે આતંકવાદ ખતમ થશે. કહેવામાં આવ્યું હતું કે નોટબંધી કરવાથી નક્સલવાદ અને આતંકવાદ જેવી પ્રવૃતિઓ માટે મળતું ફડિંગ બંધ થશે જેથી સીમા પાર થતી આવી પ્રવૃતિઓ પર લગામ લાગશે. નોટબંધીથી આ ઘટના પર લગામ આવી હોય તેવું કોઈ કહી શકે નહીં. પુલવામા હુમલો સૌથી મોટું ઉદાહરણ છે.

નવી નોટની પણ નકલી નોટ ફરી રહી છે

વડાપ્રધાને એક કારણ એવું પણ આપ્યું હતું કે નોટબંધીથી બજારમાં ફરી રહેલી નકલી ચલણી નોટોનો નાશ થઈ જશે. નોટબંધી બાદ ઘણી જગ્યાએથી નકલી નોટ ઝડપાઈ પણ ખરી. પરંતુ 2 હજાર અને 500ની નવી નોટના પણ નકલી નોટ છાપવાના મશીનો શરૂ થઈ ગયા. નોટબંધી બાદ દર વર્ષે નવી નોટની નકલી નોટ ઝડપાવાની સંખ્યા વધતી રહી છે. એટલે નોટબંધી કરવાથી નકલી નોટ છાપવાનું બંધ થઈ ગયું છે તેવું કહી ન શકાય. નોટબંધી પહેલાં પણ નકલી નોટ બનતી અને અત્યારે પણ બને છે તો નોટબંધીથી દેશને ફાયદો શું થયો તે વિચારો.

 100 દિવસનો સમય માગ્યો

વડાપ્રધાન મોદીએ નોટબંધી બાદ દેશવાસીઓ પાસે 100 દિવસનો સમય પણ માગ્યો હતો. આજે કેટલા દિવસ થયા તેની તમે ગણતરી કરી લ્યો. જ્યારે જ્યારે સરકારના મંત્રીઓ પ્રવક્તાઓને નોટબંધી પર વડાપ્રધાને આપેલા વાયદાઓ અંગે પૂછવામાં આવ્યું છે ત્યારે ગોળ ગોળ જવાબો અને અન્ય ફાયદાઓ ગણાવી દેવામાં આવ્યા છે. હકીકતમાં નોટબંધીનો જે ઉદ્દેશ હતો તે લગભગ પૂરો નથી થયો. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા અનેક ઉદ્યોગપિતઓ બેંકો સાથે ગફલા કરીને દેશ છોડી વિદેશમાં આરામ ફરમાવી રહ્યા છે. સરકારના હાથ ત્યાં સુધી પહોંચ્યા નથી.

વડાપ્રધાનની વાતને માન આપીને નોટબંધી વખતે લાઈનમાં લાગેલો નાગરિક પણ આજે નોટબંધીના ફાયદા શું થયા તે શોધી રહ્યો છે. અરે સત્તાધારી પક્ષને જ ફાયદાની ખબર નથી તો જનતાને શું હોવાની? નોટબંધી કરવા પાછળ સરકારની મહેચ્છા સારી જ હશે પરંતુ જે રીતે તેનું અમલીકરણ થવું જોઈતું હતું તે નથી થયું. જો સારી રીતે અમલીકરણ થયું હોત તો કદાચ થોડો ઘણો ફાયદો થયો હોત.

રઘુરામ રાજને શું કહ્યું ?

નોટબંધી અંગે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું પણ માનવું છે કે સરકારે નોટબંધી જોઈ-વિચાર્યા વગર લીધેલો નિર્ણય હતો. રઘુરામ રાજને કહ્યું હતું કે અમારી સાથે સરકારે નોટબંધી અંગે વાતચીત કરી હતી પરંતુ અમે આ નિર્ણય ન લેવા કહ્યું હતું.  

નોટબંધીની ફાયદારૂપી ચાબુક

નોટબંધીથી થયેલા કેટલાક મોટા ફાયદા જોઈએ તો. લાઈનમાં ઊભવાનો લ્હાવો મળ્યો. અપરિચિત લોકો સાથે ઓળખાણ થઈ. સંવેદનાના કિસ્સાઓ સામે આવ્યા. કલાકારો અને સાહિત્યકારોને પ્રેરણા મળી. સતત ઉભું રહેવાથી પગમાં ખાલી ચડી જાય અને દુખે તેની ખબર પડી. આઠ વાગ્યે ટીવી જોતા લોકો બંધ થઈ ગયા. વિપક્ષને એક મુદ્દો મળ્યો અને આવા અગણિત ફાયદાઓ થયા. કાળા ધન પરત આવવા સિવાયના બધા ફાયદાઓ થયા. નોટબંધી એટલી નિષ્ફળ રહી કે જ્યારે જ્યારે વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનના સમાચાર આવે છે ત્યારે ત્યારે સોશિયલ મીડિયા પર ડરનો માહોલ હોય છે અને આજે શું થશે ? તેવા મીમ બને છે. રાહ જોઈએ કે કોઈ વિશ્વસનીય ચેનલ બ્રેકિંગ લગાવે કે, ‘નોટબંધીથી થયો મોટો ફાયદો. આવી ગયા બધા કાળા રૂપિયા.’ એ બ્રેકિંગની રાહ જોવી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments