પશ્ચિમ બંગાળથી કૃષિ પત્રકાર અશોક સરિયા-થોડા સમય પહેલા 43 વર્ષના શેખ લાલચંદ એક સામાન્ય નાવિક હતા. જે લોકોને તેની દેશી હોડી દ્વારા મુંડેશ્વરી નદી પાર કરવામાં મદદ કરતા. આજે તે પશ્વિમ બંગાળના હાવરા જિલ્લાના ઘોરાબીરૈ, ચીતનાન અને ભાટોરા જેવા ચારે બાજુથી મુંડેશ્વરી, દામોદર અને રૂપનારાયણ નદીઓથી ઘેરાયેલા ટાપુ જેવા ગામોના રહેવાસીઓ માટે એક હીરો અને પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. લાલચંદે અહીંના લોકોનું જીવન હંમેશાં માટે બદલી નાખ્યું છે. અને એ કામ કર્યું છે તેમણે મુંડેશ્વરી નદી ઉપર વાંસનો પુલ બાંધીને. એ પણ સંપૂર્ણ પણે પોતાના ખર્ચે. પુલ બનવાથી આ ટાપુ જેવો પ્રદેશ હવે મુખ્ય જમીન ખંડ સાથે જોડાઇ ગયો છે.
આંતરિયાળ ગામડાના આ હિરો લાલચંદે પુલ બનાવવાનો નિર્ણય એટલા માટે લીધો કે ઘણી વખત સ્થિતિ એવી હોય કે નદીમાં હોડી ચલાવવી શક્ય ન હોય. ત્યારે લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે. જેમ કે વરસાદી સિઝનમાં નદીમાં પાણીનો પ્રવાહ તેજ ગતિથી વહેતો હોય. તેમજ એવા સમયે કે જ્યારે નદીમાં પાણી ઓછું હોય ત્યારે હોડી ચલાવવાનું શક્ય નથી હોતું.

આથી દર્દીઓ, સગર્ભા મહિલાઓ, અને વૃદ્ધ લોકોને ઘુંટણ સુધીના પાણી અને એ પણ કાદવ કિચડમાં ચાલવામાં તકલીફ પડતી હતી. ખાસ કરીને વિદ્યાર્થિઓ કે જેમને પોતાનું દફતર ઉપાડીને નદીમાંથી પસાર થવામાં ઘણી જ મુશ્કેલી પડે. ઘણી સગર્ભા મહિલાઓ આકસ્મિક સ્થિતિના કારણે હોડીથી નદી પાર ન કરી શકવાના કારણે સમયસર હોસ્પિટલે ન પહોંચી શકવાથી તેમના મૃત્યુ થયા હોય, એવા દાખલાઓના પણ તેઓ સાક્ષી રહ્યા છે. એટલે લોકોની આ બધી ફરિયાદોથી એમણે વિચાર્યું કે શા માટે આ નદી ઉપર એક વાંસનો પુલ બનાવવામાં ન આવે ?
પશ્વિમ બંગાળની ડાબેરી સરકારે આ ટાપુ જેવા ગામોની વર્ષ 2006 અને 2011ની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુલાકાત લીધી હતી. અહીં પુલ ઉભો કરવા માટે પાયો નાખ્યો હતો, પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા બાદ તેઓ બેશરમીથી તેને ભૂલી ગયા હતા. જ્યારે કે ત્યાંની લોકલ પંચાયત પણ તેના આ પ્રશ્નને રાજ્યકક્ષાના નેતાઓ સુધી પહોંચાડવામાં પોતાની હિંમત અને સમર્પણ દર્શાવી શકી નહીં. આથી કુલીઆ અને તેની આસપાસના વિસ્તારના લોકોનું દુઃખ હતુ એમનું એમ જ રહ્યું.

લાગણીશીલ હૃદયના લાલચંદને લોકોની આ સમસ્યાના સમાધાન માટે વિચારવામાં રાતે ઊંઘ પણ ન આવતી. નદીને પાર કરવાના પ્રશ્નનું નક્કર સમાધાન કેમ કરવું એ અંગે તેઓ સતત વિચારતા રહેતા હતા. આવા સમયે તેમણે સ્વૈચ્છિક રીતે નદી ઉપર પુલ બનાવવાનું બીડુ ઉપાડ્યું. તેમણે ગ્રામ પંચાયત પાસે મદદની માગણી કરી પરંતુ તેમાંના ઘણાએ તેમની મજાક કરી અને તેને ગાંડો માણસ કહ્યો.
સાફ શબ્દોમાં કહ્યું પણ ખરું કે, એ કામ એક વ્યક્તિ કેવી રીતે પૂરું કરી શકે કે જેને સરકાર પણ ન કરી શકી ? પરંતુ લાલચંદે આ ટીકાને અવગણીને એકલા હાથે લોક કલ્યાણના કાર્યને પૂરું કરવાનું મન બનાવ્યું. ગામના અમુક લોકોએ તેની સાથે હોવાનો ડોળ કર્યો, પરંતુ આખરે તેણે એકલાએ જ આ કાર્ય કરવું પડ્યું. તેણે પુલ બાંધવા માટે ગ્રામ પંચાયતની મંજૂરી મેળવી.
જે વ્યક્તિની દિવસની કમાણી માંડ 400 રૂપિયા હતી એ વ્યક્તિએ પુલ બનાવવાનો નિર્ણય કર્યો. આ વાંસનો પુલ બનાવવા માટે તેમને 7.5 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. આ રૂપિયાની વ્યવસ્થા તેમણે તેમની પત્નીના ઘરેણાં વેચીને મળેલા 3 લાખ રૂપિયા અને વધારાના રૂપિયા સંબંધીઓ પાસેથી માગીને કરી.

ઉચ્ચ ગુણવત્તાના વાંસની ખરીદી કરી, નજીકના મિંડાપોર વિસ્તારમાંથી અનુભવી કારીગરોનો સંપર્ક કરી 16 કામદારો સાથે 28 દિવસની સખત મહેનત બાદ આ પુલ બંધાયો. આ પુલ બનાવવા માટે તેણે ઘોરાબેરૈ અને ચીતનાન ગ્રામપંચાયત પાસેથી કુલીઆ ઘાટની જમીન એક વર્ષના 1.5 લાખથી લીઝ ઉપર લીધી. જોકે પંચાયતે 2.3 લાખની રકમ રાખી હતી, પરંતુ લાલચંદના નિઃસ્વાર્થ પ્રયત્નો સાથે સહમત થઇને તેમાંથી 80,000 ઓછા કરી આપ્યા.
આ પુલ નવેમ્બર 2014માં તૈયાર થયો અને જાન્યુઆરી 2015માં લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકાયો. 600 મીટર લાંબો અને 2.20 મીટર પહોળો આ પુલ વાંસના બનાવેલા પીલ્લર ઉપર બનાવવામાં આવ્યો છે કે જે નદીમાં 10 ફૂટની ઊંડાઇ ધરાવે છે. આ પુલનો ઉપરનો ભાગ વાંસ, દોરડા અને નટબોલ્ટથી એક બીજા સાથે ચુસ્ત રીતે જકડીને બનાવવામાં આવ્યો છે. આ પુલનો ઉપયોગ પગપાળા ચાલતા વ્યક્તિઓ, ટુ-વ્હિલર્સ અને હલકા હોય એવા ફોરવ્હિલર્સ જેવા કે કાર વગેરે માટે ઉપયોગી થઈ રહે છે. આ રીતે લાલચંદનું સ્વપ્ન સાકાર થયું.

આ વિશે લાલચંદભાઈ ચાબુકને કહે છે કે, ‘મારા માટે મારા ગામના ભાઇઓ-બહેનોની મુશ્કેલીઓ ઘટાડવાથી વધુ મહત્વનું બીજું કાંઈ નથી.’
જેમ દેશના નેશનલ હાઇવે ઉપર ટોલટેક્સ ભરીને તે રોડનો ઉપયોગ કરી શકાય છે એવી જ રીતે લાલચંદે પણ આ પુલનો ઉપયોગ કરવાવાળા પાસેથી નમ્ર પણે તદ્દન વ્યાજબી ટોલ લેવાનું શરૂ કરીને પુલ માટે રોકેલી પોતાની રકમની રીકવરી કરી રહ્યાં છે.

આ પુલનો ઉપયોગ ટોલના દર આ પ્રમાણે છે. ચાલીને જનારા અને સાઇકલ લઇને જનારા લોકોના 2 રૂ. મોટર સાઇકલ વાળાના 6 રૂ., મેજીક IRIS ટાટા વાનના 50 રૂ. અને મારૂતિ વાનના 100 રૂ. વિદ્યાર્થીઓ અને વૃદ્ધો માટે 1 રૂ. એમ્બ્યુલન્સ અને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને આ પુલનો ઉપયોગ ફ્રીમાં કરવા દેવામાં આવે છે. તો ખેડૂતોને મહિનાના રૂ. 50ની સ્કીમ અંતર્ગત ગમે ત્યારે આ પૂલનો ઉપયોગ કરી શકે છે.
આજ સુધીમાં આ પુલના સહારે આસપાસના વિસ્તારના લાખો લોકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે. અહીંના લોકલ માણસો આ પુલના અનેકાનેક ફાયદાઓના સાક્ષી બન્યા છે. આ ફાયદાઓ જેવા કે તેમની જમીનોની કિંમતમાં વધારો થયો. નજીકના મુખ્ય શહેર કલકત્તા સાથેનો સંપર્ક સરળતાથી થવો અને સામાજિક દૃષ્ટીએ જોઈએ તો પણ ઘણા ગામોના લોકો કે, જે આ આંતરિયાળ ગામમાં લગ્ન જેવા પારિવારિક સંબંધો માટે અનઈચ્છા વ્યક્ત કરતા હતા, તેઓ પણ હવે રાજી થયા છે.

લાલચંદ માટે પુલ બંધાઈ ગયો એટલે પૂરું એમ નહીં પણ તેના મેન્ટેનન્સનું પણ તેઓ ધ્યાન રાખે છે. એક વાર આ પુલ સંજોગોવસાત પડી ગયો, તો તેમણે તેમના દીકરાના લગ્ન માટે રાખેલા ઘરેણાંને ઉધાર રાખી લોન મેળવી રૂ. 4 લાખના ખર્ચે પુલને ફરી રીપેર કર્યો. ત્યાર બાદ તેમણે પુલની દેખરેખ માટે 6 જેટલા સમયોચિત સિક્યુરિટીને પગારથી નિમ્યા. આ પુલ ઉપર એક સિક્યુરિટી કેમેરો અને સ્ટ્રીટલાઇટની પણ સુવિધા છે.
લાલચંદનું પુલ બનાવવાનું સ્વપ્ન સાકાર થયું અને તમામ ગામના લોકો અને ગ્રામ પંચાયત તેમના આ નિઃસ્વાર્થ પ્રયત્નોથી અભિભૂત થયા. લાલચંદનું લક્ષ્ય નાનું નથી, તેઓ સરકારનો સંપર્ક કરીને અહીં કાયમી ધોરણે લોખંડ અને કોંક્રીટનો પાકો પુલ બનાવવાનું વિચારી રહ્યાં છે.

આપણી આસપાસના લોકો પરિસ્થિતિને વશ થઈને શક્ય એટલો વધુ ને વધુ લાભ ઉઠાવવાનું વિચારતા હોય છે ત્યારે આવા માત્ર હોડી ચલાવતા નાવિકે નફાનો વિચાર કર્યા વગર માત્ર ને માત્ર તેમના ભાઈ-બહેનને મદદ કરવાના હેતુથી પોતાનું સંપુર્ણ સમર્પણ આપી દીધું, એવા લાલચંદ જેવા કાબિલેદાદ વ્યક્તિઓ ખરેખર પ્રસંશાને પાત્ર છે.