Homeદે ઘુમા કેજેને બીજો કોહલી કહેતા હતા તેને 28 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લેવી...

જેને બીજો કોહલી કહેતા હતા તેને 28 વર્ષની ઉંમરે નિવૃત્તિ કેમ લેવી પડી?

Team Chabuk-Sports Desk: એક દૃશ્ય છે. જે જોનારાઓની આંખ આગળથી ખસવાનું નામ નથી લેતું. તેમાં લોકેષણા ભરાયેલી પડી છે. તેમાં ભરાયને પડ્યું છે કેટલાક સિનિયર ખેલાડીઓનું દર્દ કે, આ ખેલાડી રમી ગયો તો આપણે પારોઠના પગલાં કરવા પડશે. દિલ્હીના મયૂર વિહારની સોસાયટીમાં મેદની જામી છે. ચીચીયારીઓ અને રાડારાડી થઈ રહી છે. ઘરની બહાર ટીવી ચેનલ અને અખબારોનાં પત્રકારોનો જમાવડો છે. જેમાંથી સ્પોર્ટ્સ પત્રકાર હોય તેવું તો કોઈના ચહેરા પરથી લાગી નથી રહ્યું!

એક બાદ એક પત્રકાર ઘરમાં પ્રવેશ કરે છે ઈન્ટરવ્યૂ લે છે, સેલ્ફી પણ લે છે, બહાર નીકળી જાય છે. અંદર અને બહાર એક જ વાત થતી હતી કે મોહમ્મદ કૈફ, યુવરાજ સિંહ અને વિરાટ કોહલીની માફક ભારતને અંડર-19 વિશ્વકપ જીતાડનાર આ ખેલાડી ભવિષ્યનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આવું એટલા માટે કે અંડર-19 જે પણ ખેલાડી રમ્યા તે ભવિષ્યમાં બાહુબલી સુપરસ્ટાર બની ગયા. ભારતમાં જ નહીં વિશ્વ ક્રિકેટમાં પણ. જયસૂર્યાથી લઈને ગેલ સુધી. વાત થાય છે એક સમયે ઝળહળી રહેલા ખેલાડી ઉન્મુક્ત ચંદની.

અંડર-19 બાદ ઉન્મુક્ત ચંદ દિલ્હીની રણજી ટીમમાં રમવા લાગ્યો. જ્યારે તે સાથી ખેલાડીઓની સાથે રમતો ત્યારે મિત્રો તેને આગામી કોહલી તરીકે સંબોધતા હતા. આ કંઈ હવામાં ચલાવેલા બાણ નહોતા. જે ઉપર જાય અને નીચે પડી જાય. એક મોટી બ્રાન્ડ કંપની સાથે ધોની અને કોહલી જોડાયા હતા. જેમાં ઉન્મુક્ત ચંદ પણ સાથે હતો. ઉન્મુક્તને ભવિષ્યના કેપ્ટન તરીકે જ બ્રાન્ડે પ્રમોટ કર્યો હોવો જોઈએ. ભલે તે હામી ભરે કે ન ભરે. ઈશારો તો એ બાજુ જ હતો.

ઉન્મુક્ત માટે સીડીઓ તૈયાર હતી, પણ તે આઈપીએલમાં નિષ્ફળ ગયો અને પછી રણજી ટ્રોફીમાં પણ એ નિષ્ફળતાનું પુનરાવર્તન થયું. આ પાછળનું કારણ ક્રિકેટની જગ્યાએ તેનું ગ્લેમર અને મીડિયાની દુનિયામાં ચાલ્યું ગયેલું મન માનવું રહ્યું. કપિલ દેવે આ ખેલાડીને ખખડાવી નાખતા કહેલું કે, ‘તેનું ધ્યાન ક્રિકેટ પર હોવું જોઈએ નહીં કે પોતાની છબિ મજબૂત કરવામાં.’

ભારતીય ક્રિકેટમાં આ કોઈ નવી વાત નથી. જ્યારે કોઈ ખેલાડી અચાનકથી ક્રિકેટમાં છવાય જાય છે તો નવા નવા એજન્ટ તેમનો સંપર્ક સાધે છે. જેમાંથી ઘણા યુવાઓનું ધ્યાન ભટકાય જાય છે. ધોની સાથે પણ આવું થયેલું. એજન્ટ કલકત્તાનો હતો અને ધોની સમજદાર હતો. સચિનના એજન્ટ તરીકેની ભૂમિકા માર્ક મેસકેરહેનસે અને તેના ભાઈ અજીત તેંડુલકરે ભજવી હતી. ઉન્મુક્તમાં આ વાત વધારે ચડે છે. તે શહેરમાંથી આવતો હતો. દિલ્હી શહેર. અંગ્રેજી ફર્રાટેદાર બોલતો હતો. તેને એવા લોકો મળ્યા જેણે તેને સમય પહેલા સ્ટાર બનાવી દીધો. ક્રિકેટનો નહીં, ગ્લેમરની દુનિયાનો. એ મેચ્યોર નહોતો અને તેની સાથે મોટી રમત રમાય ગઈ.

28 વર્ષની ઉંમરમાં ઉભરતી પ્રતિભાએ ક્રિકેટ સાથે છેડો ફાડી નાખ્યો. શું બીસીસીઆઈએ હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન નહોતો કર્યો? હવે ઉન્મુક્ત એક ઉદાહરણ બની ગયો છે. એ ખેલાડીઓ માટે જે ક્રિકેટમાં ખૂબ મહેનત કરી આવ્યા બાદ છકી જાય છે. પ્રસિદ્ધિ તેમના હાથમાં અને પગ તેમના જમીન પર નથી રહેતા. એ ઈમેજ મેકઓવરમાં લાગી જાય છે, નહીં કે ક્રિકેટ કે કોઈ અન્ય સ્પોર્ટ્સમાં પોતાના પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવામાં. આજે વાર્તા ઉન્મુક્તની છે, કાલે કોઈ બીજો ખેલાડી ફસાશે, કારણ કે ઈતિહાસ ખૂદને દોહરાવે છે. જ્યારે ખૂદને અનુભવ થાય છે ત્યારે ખબર પડે છે કે આ કરવા જેવું નહોતું. મનુષ્ય બીજાના અનુભવમાંથી નથી શીખતો.

ભારત ક્રિકેટમાં પ્રતિભાઓનો દેશ છે. એક નાની અમથી ભૂલ જમીન પર પછાડી શકે અને એક સિક્સ હીરો બનાવી શકે. ઉન્મુક્તની જગ્યાએ ઘણા સારા ખેલાડીઓ આઈપીએલમાં સારું પ્રદર્શન કરી અત્યારે ટીમમાં જગ્યા મેળવી ચૂક્યા છે. શ્રીલંકા સામેની સીરીઝમાં જ કેટલાક ખેલાડીઓ સામેલ હતા. જે કોઈ પણ ખેલાડીનું હૈયુ ભાંગી નાખવા પૂરતું છે.  

28 વર્ષની વયે નિવૃત્તિ લેતા ઉન્મુક્તે શું કહ્યું તે શબ્દો સાથે વિરામ લઈએ, ‘છેલ્લો કેટલોક સમય મારા માટે આકરો રહ્યો છે. જોકે હું પૂરી રીતે ક્રિકેટ છોડવા નથી માગતો. જો ભારતમાં મને રમવા માટે પર્યાપ્ત અવસર નહોતા મળી રહ્યાં તો મારી કારકિર્દીના આગામી મહત્ત્વના ચાર-પાંચ વર્ષનું શું થાત? હું આજે પણ એ વિચારીને ઈમોશનલ થઈ જાઉં છું કે મને ફરી ક્યારેય ભારતની તરફથી રમવાની તક નહીં મળે. જોકે મેં ભારતની તરફથી રમતા કેટલીક સારી યાદો સંગ્રહી રાખી છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments