Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં કમકમાટીભર્યો માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 18 લોકોનાં મોત થયાનો છેલ્લો આંકડો સામે આવી રહ્યો છે. હરિયાણના પલવલથી બિહાર જઈ રહેલી એક વોલ્વો બસની પાછળ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે થોડીવારમાં એ જગ્યા લાશથી અને લોહીના ખાબોચિયાથી ભરાય ગઈ હતી. દુર્ઘટનામાં હાલ 18 લોકોનાં મોત થયાની પુષ્ટી થઈ રહી છે. જ્યારે વીસથી વધારે લોકો ઘાયલ થયા છે.
આ માર્ગ અકસ્માત અયોધ્યા-લખનઉ હાઈવે પર બારાબંકીના રામસેનેહી ઘાટની નજીક આવેલ કલ્યાણી નદીના પુલની નજીક થયો હતો. 27 જુલાઈની અડધી રાતનો સમય હતો. પલવલથી આવી રહેલી બસમાં મજૂરો સવાર હતા. જે બિહાર પરત ફરી રહ્યા હતા. આ અંગે બારાબંકીના એસપીએ જણાવ્યું હતું કે, રાતમાં રામસનેહી ઘાટની પાસે બસનો એક્સલ તૂટી ગયો હતો. તેને ઠીક કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. એવામાં બસની અંદર બેઠેલા લોકો બહાર આવી ગયા હતા. કેટલાક લોકો બસની બાજુ તો કેટલાક બસની સામે ઉંઘી ગયા હતા. ત્યાં રાતના અંધકારમાં ફુલ સ્પીડે આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી દીધી હતી. જેનાથી કેટલાય લોકો બસની નીચે દબાઈ ગયા હતા.
બસમાં આશરે 140 યાત્રીકો સવાર હતા. જેમાંથી અઢારનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખૂબ મહેનત કરીને યાત્રિકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોનો બારાબંકી અને લખનઉના ટ્રામા સેન્ટર પર ઈલાજ ચાલી રહ્યો છે. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળ પર પણ ઝરમર વરસાદ થઈ રહ્યો હતો. જેનાથી બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી હતી. હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો બિહારના સીતામઢી, દરભંગા સહિતની અન્ય જગ્યાઓનાં રહેવાસી છે. જોકે હજુ કેટલાય મજૂરોની ઓળખ કરવાની બાકી છે. ઘાયલોએ જણાવ્યું હતું કે, તમામ મજૂરો હરિયાણા અને પંજાબમાં મજૂરી કામ કરતા હતા અને પોતાના ઘર બિહાર પરત ફરી રહ્યા હતા. યોગી આદિત્યનાથે પણ બારાબંકીમાં થયેલા માર્ગ અકસ્માતમાં દુખ વ્યક્ત કર્યું છે. તમામ ઘાયલોનો મફતમાં ઈલાજ કરવાનો જિલ્લા પ્રશાસન દ્વારા દિશા-નિર્દેશ આપવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત